Get The App

જીવનસાથી પ્રત્યે સતત અવિશ્વાસ અને શંકા રહેવી એ એક માનસિક રોગ છે

Updated: Oct 3rd, 2023


Google News
Google News
જીવનસાથી પ્રત્યે સતત અવિશ્વાસ અને શંકા રહેવી એ એક માનસિક રોગ છે 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- શિવાની લગ્ન પહેલાં તારે કોની સાથે સંબંધ હતો... સાચે સાચું કહી દે.'' કુણાલે પહેલીવાર આવો પ્રશ્ન પૂછયો ત્યારે શિવાનીના માથે આસમાન તૂટી પડયું. પગ નીચેથી ધરતી ખસી ગઈ. 

રા ત્રિના ત્રણ વાગ્યા હતા. કુણાલ પથારીમાં પડખાં ઘસતો હતો. તેના મનમાં ધમાસણ યુધ્ધ ચાલતુ હતું. તે જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ તેની અકળામણ વધતી જતી હતી. તેના શરીરના રૃંવાડા ઉભાં થઈ ગયાં. તેનું લોહી શરીરમાં ઝડપભેર દોડવા લાગ્યું. આંખોમાં ખુન્નસ ભરાઈ ગયું. તેને લાગ્યુ કદાચ તે કોઈકની હત્યા કરી નાખશે.

બેડરૂમનું લાઈટ્સ ઓન કરી ગાઢ નિન્દ્રામાં નસકોરા બોલાવતી શિવાનીના ચહેરા સામે તે ધારી ધારીને જોવા લાગ્યો. તેને સમજાતું નથી કે શિવાની એક ભોળી, માસુમ પ્રેમાળ, યુવતી છે કે પછી એક બિન્દાસ્ત, ચાલબાજ, લફરાંબાજ ચરિત્ર્યહીન સ્ત્રી ? તેનું સાચું સ્વરૂપ કયુ છે ?

વિચારતા વિચારતાં તેના શરીર પર ખુન્નસ સવાર થઈ જાય છે. તેને તત્કાળ શિવાનીનું ગળું દબાવી દેવાની ઈચ્છા થાય છે. તે બન્ને હાથનો ગાળીયો બનાવી શિવાનીનાં ગળા સુધી લઈ જાય છે. એ સાથે જ એનું હૃદય જોરથી ધબકવા માંડે છે, શ્વોસાશ્વાસ ઝડપી બને છે, આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ધુ્રજવા માંડે છે, આંખે અંધારા આવવા માંડે છે...અને અચાનક કુણાલ ધુ્રસકે ધુ્રસકે રડવા લાગે છે.

શિવાની જાગી જાય છે. કુણાલના મોં તેમજ છાતી પર હાથ ફેરવે છે અને કુણાલ શિવાનીના ખોળામાં છૂપાઈને ચોધાર આંસુએ રડતાં બબડે છે, 'શિવુ... મને સમજણ નથી પડતી કે મને આ શું થઈ ગયું છે ? મારા મન પરનો કાબુ હું ગુમાવી બેઠો છું. આવેશમાં આવી જઈને હું તને કંઈપણ કરી નાંખી શકું તેમ છું. શિવુ મને માફ કરી દે, હંુ... તારો ખૂની છું... ગુનેગાર છું.'

શિવાની પ્રેમભર્યા શ્વરે મક્કમતાથી કહે છે કે 'કુણાલ તમે ક્યારેય મારા શરીર પર ઘસકરો શુધ્ધાં નહી કરો તેની મને ખાત્રી છે. કારણ તમે મને સાચા દિલથી પ્રેમ કરો છો. અને આમપણ લગ્ન પછી મેં બીજો અવતાર ધારણ કર્યો છે. હવે હું જીવું છું માત્ર તમારા માટે.... તમે મને મારો કે જીવાડો એનો મને કોઈ હરખ શોક નહીં હોય.'

કુણાલ બરાડયો, 'શિવુ તારા આ શબ્દો જ મને મારી જાત સમક્ષ અપરાધી બનાવે છે. તું મારી સાથે ઝઘડો કર, તારા પર ખોટી શંકા કરવા માટે મારો ઉઘડો લે. મને છોડીને ચાલ્યા જવાની ધમકી આપ. મારા આક્ષેપો સાબિત કરવા માટે મને પડકાર, ધમકાવી નાંખ, ઘર છોડી જવાની ધમકી આપ. હું છેલ્લા એક વર્ષથી તારા ચરિત્ર્ય પર ગંદા આક્ષેપો કરી તને આટલી હેરાન કરૃં છું છતાં પણ તું આટલી શાંત કેમ રહી શકે છે ? પ્રેમાળ કેમ બની રહે છે ? મને ખરેખર સમજાતું નથી કે તારી કોઈ લાચારી છે ? શું તને કોઈ બ્લેકમેઈલ કરે છે ? આવું કંઈપણ હોય તો જણાવી દે હું તને માફ કરી દઈશ.'

શિવાની બોલી 'કુણાલ તમારા આવેશનો સામનો હું આવેશથી નથી કરવા માંગતી. જ્યારે હું સંપૂર્ણ પણે પવિત્ર છું. મેં કંઈ ખોટું કર્યું જ નથી પછી મારે તમારી સાથે ઝઘડો કરવાની શી જરૂર છે ?

સાચું કહું તો કુણાલ તમારા આ વાહિયાત આક્ષેપો છતાં હું માત્ર એટલા માટે જીવું છું કે તમને મારી પવિત્રતાની ખાત્રી કરાવી શકું. બસ એકવાર તમને મારી પવિત્રતાની ખાત્રી થઈ જાય.

તમારી શંકા નિર્મૂળ થઈ જાય પછી હું મારી મેળેજ મારા જીવનનો અંત આણી દઈશ.'

શિવાનીની આંખોમાંથી આંસુ દડદડ વહેવા લાગે છે. કુણાલને પસ્તાવો થાય છે. એ પોતાનું કપાળ કૂટવા લાગે છે અને ભીંત સાથે માથું પછાડતાં પછાડતાં બબડે છે.

'ખરેખર સજા મારી જાતને જ થવી જોઈએ. હું જ તારો ગુનેગાર છું. મને જીવવાનો અધિકાર નથી.'

શિવાની કુણાલને અટકાવે છે, બન્નેે જણ એકબીજાના બાહુપાશમાં વીંટળાઈ વળે છે. એ રાત્રે બન્ને જણાં લગ્ન જીવનને ભરપૂર રીતે માણે છે. બીજા દિવસે સવારે જ ફરી પાછો કુણાલ શિવાનીને પ્રશ્ન કરે છે. 'સાચું કહે શિવાની લગ્ન પહેલાં તારે કોની સાથે સંબંધ હતો ? હું કંઈજ નહીં કહું... મારે માત્ર એ માણસનું નામ જાણવું છે. જેની સાથે જીવનમાં પ્રથમ વખત તે શરીર સુખ માણ્યું હતું. હું તેને પણ કંઈજ નહી કહું બસ મને એનું નામ જણાવ.'

છેલ્લા એક વર્ષથી કુણાલ અને શિવાની વચ્ચેના આ સંવાદો રોજનો ક્રમ બની ગયા હતાં. કુણાલનું અકળ વલણ અને વર્તન. ભરપૂર પ્રેમ અને વિશ્વાસના તબક્કા પછી તિરસ્કાર, શંકા, ચરિત્ર્ય પરના આક્ષેપો, ગુસ્સો, આક્રોશ, ગળું દબાવવાની ચેષ્ટા અને પછી પોતાની જ જાતને ગુનેગાર માની કરાતી સજા એ બધું સામાન્ય બની ગયું હતું. શિવાનીને સમજાતું ન હતું કે પોતાની પવિત્રતા પુરવાર કરવા તેને કેટલી અગ્નિ પરીક્ષા આપવી પડશે ?

શિવાની અને કુણાલના લગ્નને બે વર્ષ થયાં હતા. એક સામાન્ય ઘરનો પણ તેજસ્વી કારકીર્દી ધરાવતો કુણાલ અમીર બાપની એકની એક પુત્રી શિવાનીને ખૂબ ગમી ગયો હતો. લગ્નના એક વર્ષ પહેલાં બન્નેની સગાઈ થઈ હતી. એ દરમ્યાન બન્નેે જણાં ખૂબ સાથે હર્યા-ફર્યા મોજ મસ્તી કરી એ સાથે શિવાનીને લાગ્યું કે સ્વર્ગનું સુખ ધરતી પર જ મળી ગયું.

પરંતુ લગ્ન પછી કુણાલ બદલાવા લાગ્યો. તેને શિવાનીની બોલવાની સ્ટાઈલ, બધા સાથે મુક્ત રીતે વાતો કરવાની આદત, પહેરવેશની સ્ટાઈલ, ડ્રેસીસ વગેરે ઘણું ઉછાછળું લાગવા માંડયું.

કુણાલે શિવાની પર નિયંત્રણ લાદવાના શરૂ કર્યા કારણ તેને લાગતું હતું કે આવી હસતી કુદતી, ચંચળ, સુંદર શિવાની કોઇને પણ ગમી જાય અને બોલકી, મળતાવડી શિવાની કોઇની પણ સાથે હળી જાય. પછી કોઇપણ અડંગ ખેલાડી એને ભોળવી શકે.

એક દિવસ કુણાલે સાવ અમસ્તા જ પૂછ્યું હતું 'શિવાની લગ્ન પહેલાં તું કોઇને ગમી ગઇ હોય, કોઇએ તને પ્રપોઝ કર્યું હોય કે પછી તને કોઇ ગમ્યું હોય એવું બન્યું હતું ખરૂ ?'

ત્યારે શિવાની બોલી હતી 'કેટલાયે મારી પાછળ પાગલ હતા.. મને પામવા તલસતા પણ મેં કોઇને ભાવ નહોતો આપ્યો.'

બસ તે દિવસથી કુણાલના મગજમાં શંકાનો કીડો જન્મ્યો હતો અને એક વર્ષમાં તો તે ખૂબ મોટો થઇ ગયો હતો. તેને શંકા થઇ હતી કે શિવાની સાચું બોલે છે કે ખોટું ?

અને પ્રશ્ન બદલાઇ ગયો, 'સાચુ કહી દે શિવાની લગ્ન પહેલા તારે કોની સાથે સંબંધ હતો ?'

પહેલીવાર જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શિવાનીના માથે જાણે આખે આખુ આકાશ તૂટી પડયું હતું. પણ નીચેથી જાણે આખાયે ઉર્પખંડની ધરતી સરકી ગઇ હતી. પતિના આવા અચાનક આક્ષેપથી હેબતાઇ ગયેલી શિવાની ભાગી પડી હતી. ધુ્રસકે ને ધુ્રસકે રડવા લાગી હતી તે શાક સમારવાનું ચપ્પુ કુણાલના હાથમાં આપતા બોલી હતી.

'કુણાલ આ પ્રશ્ન પૂછતા પહેલા તમે મારા પેટમાં આ ચાકુ હુલાવી દીધું હોય તો પણ એ હું સહન કરી શકી હોત. મારા પર આટલો અવિશ્વાસ ? મારાં દામ્પત્ય જીવનના સ્વપ્નાઓ સાવ આમ ભાંગી નાંખવાના? શું બગાડયું હતું મેં તમારું ?' શિવાનીના કલ્પાંતમાં રહેલી સચ્ચાઇ કુણાલને સ્પર્શી ગઇ હતી. થોડા દિવસો એ વાત તેણે પડતી મૂકી હતી. પણ ફરી પાછી એ જ શંકાઓ, ગુસ્સો, રીસમણાં, મનામણાં...બસ આમ એક વર્ષ નીકળી ગયું. શિવાની સીતાજીની જેમ અગ્નિ પરીક્ષા આપતી રહી. પણ આવું ક્યાં સુધી ? કુણાલને શું થયું હતું ? ખરેખર તે ભાવુક અને પ્રેમાળ હતો કે પછી સંકુચિત અને માલિકીભાવ ધરાવતો હતો ? ગમે તે હોય પણ શિવાનીના ચારિત્ર્ય હનનના સાવ છેલ્લી કક્ષાના વિચારો શા માટે ?

કારણ કુણાલ 'ડીલ્યુઝન ઓફ પાર્ટનર્સ ઇનફીડાલીટી' એટલે જીવન - સાથી બેવફા હોવાના ભ્રમથી પીડાતો હતો. તેની આ ભ્રમણા વિકૃત સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી.

જીવનસાથી પ્રત્યેની વિકૃત ભ્રમણને કારણે કુણાલ પણ લાગણીની અસ્થિરતા અનુભવતો હતો. તેને સમજાતું ન હતું કે તેને આ શું થઇ રહ્યું છે ? તીવ્ર શંકાના ઉભરાને ખાળવો તેને માટે શક્ય ન હતો.'

ન્યુરોગ્રાફ:

જીવનસાથી પ્રત્યેની શંકા વ્યાપક પ્રમાણમાં જોવા મળતી મનોસ્થિતિ છે. તે મનોરોગનું સ્વરૂપ ધારણ કરે ત્યારે તેની યોગ્ય સારવાર કરી કેટલાયે દંપતીઓના જીવનને મહેકતું કરી શકાય છે. કેટલીયે સ્ત્રીઓને અગ્નિ પરીક્ષા આપતી અટકાવી શકાય છે.

Tags :
Mrugesh-VaishnavVedna-Samvedna

Google News
Google News