દરેકની અંદર એક વિજેતા છુપાયેલો છે
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- ત્યારે તનતોડ મહેનત એક નવો જ ચીલો ચાતરે છે અને તમને સફળતા અપાવીને જ રહે છે.
ગ મે તેવી વિપરીત પરિસ્થિતિમાં જીતવા નીકળેલા જવામાંર્દોને મારે પણ કૈક કહેવું છે.
એક સનાતન સત્યનો હું સ્વીકાર કરું છું કે જીતવા માટે હારવું જરૂરી છે પરંતુ એકવાર હાર્યા પછી બીજીવાર જીતવાની કોશિશ કરતાં શીખો. યાદ રાખો જે લોકો કાંટા પર ચાલે છે એ એમની મંઝિલ સુધી જલ્દીથી પહોંચી જાય છે. કારણ કાંટાવાળો રસ્તો તમારી ચાલવાની ગતિ વધારી દે છે. એ તમારી હિંમતની પરીક્ષા લે છે એટલે ક્યારેય હિંમત ન હારશો. ક્યારેક ઠોકર ખાશો તો કંઇક નવું ચોક્કસ શીખશો.
જો દુનિયા તમને નબળા માની લે તો તમારે માટે જીતવું એકદમ જરૂરી બની જાય છે. કારણ જે નબળા મનના હોય છે એજ પોતાના નસીબના રોદણા રુએ છે. મજબુત માણસોનું હૃદય પથ્થર જેવું હોય છે. યાદ રાખો એવો સમય પણ આવશે જ્યારે લોકો તમારી હારની રાહ જોતા હશે અને એક એવો સમય આવશે કે આખી દુનિયા કહેશે કે હાર માની લો. પણ તમારા દિલમાંથી અવાજ આવશે કે હજી પણ જીતવા માટેની એક કોશિશ કરી લો.
મંઝીલ મળે કે ન મળે એ તો એક સંજોગની વાત છે. પણ આપણે કોશિશ પણ ન કરીએ એ વાત કોઈપણ રીતે ગળે ઉતરતી નથી. યાદ રાખો આજની મહેનત આવતી કાલની ખુશીની ચાવી છે. જે અશક્ય છે એજ કરીને બતાડવું છે. જિંદગી પ્રત્યેક હારનાર વ્યક્તિને મહાન બનાવાનો મોકો ચોક્કસ આપે છે. જિંદગીમાં ક્યારેય હાર ન માનો. લોકોના વાક્યોથી જો તમે નાસીપાસ થઇ ગયા હોવ તો આંખો બંધ કરીને મનમાં એક જ મંત્ર ઉચ્ચારો કે જહન્નમમાં જાય દુનિયા.
આજના યુગમાં બધાં જ લોકો સફળતા મેળવવાની હરીફાઈમાં ઉતર્યા છે એટલે સફળતા મેળવવી થોડી મુશ્કેલ ચોક્કસ બની છે. પણ જે લોકો મનમાં એકવાર દ્રઢ નિશ્ચય કરી લે છે એ લોકો તેમનું ધ્યેય ચોક્કસ પ્રાપ્ત કરે છે. ક્યારેક એવું બને છે કે સફળતા મેળવવાના સ્વપ્ના સેવીને આપણે આપણું લક્ષ્ય તો નક્કી કરી નાખીએ છીએ પરંતુ એ લક્ષ્ય સિદ્ધ થવાની શક્યતા ઝાંખી પડી જતાં આપણે હાર માની લઈએ છીએ.
જીવનની પ્રત્યેક ક્ષણો આપણને કંઇક નવું શીખવી જાય છે. જો તમે એક કામ કરવામાં પહેલીવાર નિષ્ફળ જાવ તો એ તમારી સફળતાની શરૂઆત છે. તમે કોશિશ કરતાં રહો એમાં તમને સફળતા કે નિષ્ફળતા મળી શકે છે. પણ મજબૂત માણસ એજ હોય છે જે હારીને પણ પાછો ઉભો થાય છે અને કોશિશ કરવાનું ચાલુ રાખે છે. તમારા સ્વપ્નાઓને સાકાર કરવા માટે તમે કોઈપણ મુશ્કેલ કામ કરવા શક્તિમાન છો. કારણ તમે તમારી મહેનત અને લગનથી એ માટેની કોશિશ કરવા સક્ષમ છો. જો એવું વિચારશો તો ક્યારેય હારશો નહીં અને કોશિશ કરવાથી ડરશો નહીં. જો તમને તમારી જાતમાં વિશ્વાસ હશે તો તમે લાખ કોશિશો કરી તમારી ઈચ્છિત સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકશો.
આજે એક એવી વ્યક્તિની વાત હું કરું છું જેણે મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના સ્વપ્નાઓ પુરા કર્યા. જે ઉંમરમાં લોકો નિવૃત્તિ લે છે તે ઉંમરમાં એમણે એમનું કેરીયર શરુ કર્યું. આ વાત છે ણખભના માલિક કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સની. જેણે ૬૫ વર્ષની ઉંમરે ણખભની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમનું નામ દુનિયાના અમીર લોકોની યાદીમાં ગણાવા માંડયું. પણ અહીં પહોંચ્યા પહેલા તેઓ એક હજાર વખત નિષ્ફળ જઈ ચુક્યા હતાં. સાધારણ માણસ ૧૦ કે ૧૫ વખત નિષ્ફળ જઈને પોતાના પ્રયત્નો છોડી દે છે પરંતુ જે લોકોને દુનિયાને બતાડી આપવું છે એ લોકો શું છે અને શું કરવા સક્ષમ છે એવા લોકો નિષ્ફળતાથી ડરતા નથી પણ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા લાગેલા રહે છે.
કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સનો જન્મ ૧૮૯૦માં અમેરિકાના ઈન્ડીયાના રાજ્યમાં થયો હતો. એ ૬ વર્ષના હતાં ત્યારે એમના પિતા મૃત્યુ પામ્યા હતાં. ત્યાર પછી ઘરની પરિસ્થિતિ બહુ દયનીય બની ગઈ એટલે એમની માતાએ એક ફેક્ટરીમાં કામ કરવાનું શરુ કર્યું. સેન્ડર્સે માત્ર ૭ વર્ષની ઉંમરમાં રસોઈ બનાવવાનું શીખી લીધું. ૧૨ વર્ષની ઉંમરે તેમની માતાએ બીજા લગ્ન કર્યા. અને સેન્ડર્સને તેના સાવકા બાપ સાથે ચડભડ થવા લાગી. આ કારણે તેઓ પોતાની કાકીને ત્યાં જતાં રહ્યાં અને એક ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરવા લાગ્યાં.
સેન્ડર્સે સાતમાં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો પછી તેઓ વિભિન્ન જગ્યા પર કામ કરવા લાગ્યાં. તેમણે લશ્કરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો પણ ત્યાંથી એમને કાઢી મૂકવામાં આવ્યાં. ૧૯ વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લીધા અને એમણે રેલ્વેમાં કામ કરવાનું શરુ કર્યું પણ કંઇક વિવાદના કારણે એમને ત્યાંથી પણ કાઢી મુકવામાં આવ્યાં. આ ઘટના પછી એમની પત્નીએ પણ એમના બાળકોને લઇ એમનાથી અલગ થવાનું નક્કી કરી નાખ્યું. ત્યારબાદ સેન્ડર્સે પોતાના જીવનમાં અનેક નાના મોટા કામો કર્યા. જેવા કે ક્રેડીટ કાર્ડ વહેંચવા, ટાયર વહેંચવા, લેમ્પ બનાવવો કે હોડી ચલાવવી. આમ વિવિધ કામોમાં તેમણે તેમનો હાથ અજમાવ્યો પરંતુ બધેથી જાકારો મળવા છતાં સેન્ડર્સે ક્યારેય પોતાની હાર ન માની.
૧૯૩૦માં તેમણે રેસ્ટોરન્ટ શરુ કર્યું અને તેમને સફળતા મળવાની શરુ થઇ. ત્યારબાદ એમણે કેન્ટકીમાં એક ગેસ સ્ટેશન ખરીદ્યું. મુસાફરો એમને સલાહ આપવા માંડયા કે તેઓ ગેસ સ્ટેશન સાથે રેસ્ટોરન્ટ પણ ખોલે. ચીકન પ્રત્યે તેમને નાનપણથી જ લગાવ હતો. એટલે તેમણે રેસ્ટોરન્ટ ખોલીને જુદા જુદા પ્રકારના ચીકન વહેંચવાનું શરુ કર્યું. આ કામમાં તેમને ખૂબ જ સફળતા મળી અને તેમની કમાણી ખૂબ જ વધી ગઈ. ૧૯૫૦માં કેન્ટકીના ગવર્નર એમનાં રેસ્ટોરન્ટમાં આવ્યાં અને એમણે ચીકનનો સ્વાદ ચાખ્યો જેનાથી ગવર્નર એટલા બધા ખુશ થઇ ગયા કે તેમણે સેન્ડર્સને કર્નલનું બિરુદ આપ્યું. કર્નલનું બિરુદ એક મહત્વનું સન્માન માનવામાં આવે છે. જે મેળવવામાં તેઓ સફળ રહ્યાં.
પરંતુ આ સમયે જ એવું બન્યું કે તેમના રેસ્ટોરન્ટને ચીરતો એક હાઈવે બનાવવાનું સરકારે નક્કી કર્યું. એટલે એમનું રેસ્ટોરન્ટ ધરાશાયી થઇ ગયું. આ કારણે તેઓ નવો ધંધો શરુ કરવા મજબૂર બન્યાં. તેમણે એવું વિચાર્યું કે તેમના ચીકનની રેસિપી વહેંચીને તેઓ ઘણી કમાણી કરી શકશે. આ વિચારને કારણે તેમણે તેમની ફ્રાઈડ ચીકન રેસિપી વહેંચવા માટે ઘણાં બધા રેસ્ટોરન્ટનો સંપર્ક કર્યો. તેઓ દરદર ભટક્યા પણ તેમને બધેથી ના સાંભળવા મળી.
સખત મહેનત અને કામ કરવાની ધગશને કારણે તેમને એક જગ્યાએથી હા સાંભળવા મળી અને એ સાથે જ ૬૫ વર્ષની ઉંમરે ણખભ (કેન્ટુકી ફ્રાઈડ ચીકન)ની સફર શરુ થઇ અને પોતાના ખાસ મસાલા સાથે સેન્ડર્સે ચીકનની રેસિપી વહેંચવાનું શરુ કર્યું.
આનાથી એમની રેસિપીની ગુપ્તતા જળવાઈ રહી અને લોકોને એમના સ્વાદિષ્ટ ચીકનનો સ્વાદ માણવાની મજા આવવા લાગી.
૧૯૬૩નાં ઓક્ટોબર મહિનામાં એક વકીલ જ્હોન વાઈ બ્રાઉન જુનિયર અને એક વેપારી જેક સી મેસીએ સેન્ડર્સ સાથે મુલાકાત કરી અને ણખભની ફ્રેન્ચાઈઝી ખરીદવા માટેનો પ્રસ્તાવ મુક્યો. શરૂઆતમાં તો તેમણે આનાકાની કરી પરંતુ ૧૯૬૫ની જાન્યુઆરીમાં સેન્ડર્સે બે મિલિયન ડોલરમાં આ સોદો નક્કી કર્યો. આ સાથે જ કેન્ટકી ફ્રાઈડ ચીકને વિશ્વભરમાં એમની દુકાનો ખોલવાનું નક્કી કર્યું. આ માટે તેમને શરૂઆતમાં ૪૦,૦૦૦ ડોલરનો પગાર અને ત્યારબાદ ૭૫,૦૦૦ ડોલરનો પગાર પણ આપવામાં આવ્યો. ત્યારબાદ તેમને તેમનાં અન્ય ધંધાઓ શરુ કર્યા. જેવા કે રેનોલ્ડસ અને પેપ્સીકો. કર્નલ સેન્ડર્સનું મૃત્યુ ૧૯૮૦માં ૯૦ વર્ષની ઉંમરે થયું.
આજ કર્નલ સેન્ડર્સ આપણી વચ્ચે નથી પરંતુ ણખભના ચીકનના શોખીનો માટે તેઓ આજે પણ જીવંત છે. આજે ણખભ ૧૫૦થી વધારે દેશોમાં ૨૨૦૦૦થી પણ વધારે સ્ટોર્સ ધરાવે છે.
કર્નલ સેન્ડર્સની જીવની આપણને એ શીખવાડે છે કે જીવનમાં ક્યારેય હાર માનવી જોઈએ નહીં. સારા કે નબળા સમયમાં ગમેતેવો સંઘર્ષ કરીને હંમેશાં આગળ વધવાની કોશિશ કરવી જોઈએ.
કર્નલ સેન્ડર્સની જીવની આપણને એ વાત પણ શીખવી જાય છે કે પિતાનું મૃત્યુ અને માતા દ્વારા તરછોડાયા પછી પણ સંજોગોએ તેમને કેવા કાબેલ મનુષ્ય બનાવ્યા. આના પરથી એટલું હંમેશા યાદ રાખો કે સંજોગો ગમે તેવા વિપરિત હોય તો પણ તમારે ક્યારેય હાર સ્વીકારવી ન જોઈએ. જો તમે મહેનત કરવા તૈયાર હોવ અને હાર ન માનવાનું નક્કી કરી લીધું હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં કોશિશ કરતા રહો અને તમારા સ્વપ્નાઓ સાકાર કરવાનો સંકલ્પ કરતા રહો. કારણ સ્વપનાઓ સાકાર કરવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો તમારી સંઘર્ષ અને મહેનત કરવાની શક્તિ છે.
તમારા સફળ થવાનો માર્ગ ઘણો મુશ્કેલ હોઈ શકે છે પણ દ્રઢ સંકલ્પ અને મહેનત તમને ગમે તેવા પડકારનો સામનો કરવામાં ચોક્કસ મદદ કરશે. કારણ જ્યારે તમારો સંકલ્પ દ્રઢ હશે ત્યારે તમે કોઈપણ પ્રકારની સિદ્ધિ પામવા માટે પ્રતિબદ્ધ હશો. ક્યારેક એવું બને છે કે આપણે ખૂબ સંઘર્ષ કર્યા પછી પણ સફળતા ન મળવાને કારણે આપણા પ્રયત્નો છોડી દઈએ છીએ. ક્યારેક આપણી આજુબાજુના લોકોમાં આપણે મશ્કરીરૂપ પુરવાર થઇએ છીએ અને એ લોકો આપણને નાહિમ્મત કરવા કોશિશ કરે છે. પરંતુ આપણે એટલું યાદ રાખીએ સફળતા એ અંત નથી અને નિષ્ફળતા ઘાતક નથી.
સફળતા મળે કે નિષ્ફળતા જીવનમાં આગળ વધવાની મહેનત જ મહત્વની છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે હું હાર નહીં માનુ પણ મુશ્કેલીઓનો બમણા જોશથી સામનો કરીશ. જીવનમાં સફળતા એ લોકોને જ મળે છે જેમણે મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે. જીવન એક સંઘર્ષ છે અને આ સંઘર્ષ દરેક માનવીએ કરવો પડે છે. સફળતા સૌને ગમે છે અને દરેક વ્યક્તિ સફળ થવાની કોશિશ પણ કરે છે પરંતુ એના માર્ગમાં થોડી ઘણી મુશ્કેલી આવે તો એ વિચલિત થઇ જાય છે. એને એવું લાગવા માંડે છે કે હવે બધાં જ રસ્તાઓ બંધ થઇ ગયા છે. એનાં તમામ પ્રયાસો નકામા પુરવાર થયા છે અને હવે પ્રયત્નો કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જેમને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર માન્યા વગર પોતાના સ્વપ્નાઓને સાકાર કરવામાં લાગી રહ્યાં હોય છે.
કારણ તેમને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ હારી રહ્યા છે. યાદ રાખો મનમાં જો હારનો ડર હોય તો તમે ક્યારેય તમારી પૂરી ક્ષમતાથી કામ નહીં કરી શકો. તમે કોઈપણ ફિલ્ડમાં હોવ અને તમે કોઈપણ કામ કરી રહ્યા હોવ પણ તમારો ડર તમારી ક્ષમતાઓ મુજબ તમને કામ નહીં કરવા દે. એટલે જ તમારા ડરપોક મનને જીતવું અત્યંત જરૂરી છે. જો તમારે જીતવું હોય તો નિષ્ફળ થવાના બધાં જ રસ્તાઓ બંધ કરી દો. તમે એ અનુભવ્યું હશે કે જ્યારે બધાં જ રસ્તાઓ બંધ થઇ જાય છે ત્યારે તનતોડ મહેનત એક નવોજ ચીલો ચાત્રે છે અને સફળ થઈને જ રહે છે. તમારી અંદર એક વિજેતાને શોધો. એક વિજેતાને અનુરૂપ તમારા વિચારો ઘડો. યાદ રાખો દરેક વ્યક્તિની અંદર એક વિજેતા હોય છે. તમારામાં પણ એક વિજેતા રહેલો છે. આખરે એટલું જ કહેવું છે કે જિંદગીમાં ક્યારેય નમતું ન જોખશો. હાર ન માનશો. તમે જો સ્વપ્નાઓ સેવ્યા છે તો એને પુરા કરવા માટે જીવનભર લાગી રહેજો. આપણી સૌથી મોટી નબળાઈ હાર માની લેવામાં છે. પરંતુ ગમે તેવા સંજોગોમાં પ્રયાસ કરતા રહેવું જોઈએ. તમે અત્યારે નિરાશ છો અને તમારા ધ્યેયને પડતું મુકવા માંગો છો તો એમાં તમારો કોઈ વાંક નથી કારણ કે મોટા ભાગના લોકો આમ કરે છે. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ પ્રયાસ કરતા જ રહે છે. તમે પણ સતત અવિરત પ્રયાસ કરતા રહો.
ન્યુરોગ્રાફ :
જેમના ઈરાદાઓ બુલંદ હોય છે તેઓ ક્યારેય હાર નથી માનતા અને સંજોગો સામે લડતા રહે છે. જુદી જુદી દિશામાં યોજના બનાવો અને ધ્યેય સિદ્ધ કરવા માટે કૃતનિશ્ચયી રહો.