Get The App

ડબલ પર્સનાલીટી કે બાયપોલર ડીસઓર્ડર?

Updated: Jan 2nd, 2024


Google News
Google News
ડબલ પર્સનાલીટી કે બાયપોલર ડીસઓર્ડર? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- દર પંદર દિવસે જેકિલ અને હાઇડની જેમ ચહેરા બદલતા શિવમભાઈને સમજાતું નથી કે કયો શિવમ સાચો છે?

'હું મનનો ઘણો મજબૂત છું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હું ભાંગી પડતો નથી પણ મારા મનની એક વિચિત્રતા મને જરાય સમજાતી નથી.' શિવમે પોતાની વાત જણાવતા કહ્યું.

'મનની કેટલીક વિચિત્રતા લગભગ કોઈને સમજાતી નથી. તમે વધારે વિગતે સાચી વાત કરો તો કંઈક ખ્યાલ આવે.' મેં જણાવ્યું

'મારી વાત સમજાવવા હું તમને કેટલાક નક્કર દાખલા આપું છું. ગયા ત્રણ અઠવાડિયાથી મારી સાથે ખરાબ ઘટના બને છે અને લોકો દ્વારા દુર્વ્યવહાર થાય છે. 

બે અઠવાડિયા પહેલા મને ખબર પડી કે મારે ત્યાં કામ કરતા એકાઉન્ટન્ટે ઘણાં ચેકો પર ખોટી રીતે મારી સહી કરાવડાવી મારું મોટું નુકસાન કરી, લાખોની ઉચાપત કરી છે. આ વાત જાણી મને કંઈ ન થયું. મેં એને બોલાવીને કહ્યું કે તારી બધી ચોરી પકડાઈ ગઈ છે હું તને બે અઠવાડિયાનો સમય આપું છું. તારાથી શક્ય તેટલા પૈસા પાછા આપી દે. બાકીના ક્યારે પાછા આપીશ તેનું લખાણ કરીને આપ. તારા પી.એફ.માંથી પણ હું તારી રકમ કાપી લઈશ અને આજથી તું રાજીનામું આપી દે નહિ તો હું પોલીસ કાર્યવાહી કરીશ.

મારા એકાઉન્ટન્ટે ડરીને મેં કહ્યું એ રીતે રાજીનામું આપી, લખાણ કરી આપ્યું. થોડા વર્ષો પહેલાં આવી જ રીતે એક એકાઉન્ટન્ટે ઉચાપત કરેલી. મેં પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડ કરાવી. જેલમાંથી જામીન પર છૂટયા પછી એણે આત્મહત્યા કરી લીધી. હાલ આવી કોઈ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે મેં આખી પરિસ્થિતિ બહુ શાંતિથી હેન્ડલ કરી અને હું સંપૂર્ણ સ્વસ્થ રહ્યો.

આ દિવસોમાં જ બારમા સાયન્સની પરીક્ષાની તૈયારી કરતા મારા પુત્રએ રઘવાટમાં સાંજે ટયુશનથી પાછા વળતા મોટર બાઇક રસ્તા પર ચાલતા છોકરા સાથે અથડાવી દીધી. મારા પુત્રએ મને ફોન કરી ઘટના સ્થળે બોલાવી લીધો. લોકો ભેગા થઈ ગયેલા મેં મામલો શાંત પાડી લોકોને સમજાવી લીધા. જેને વાગેલું એ છોકરાને હોસ્પિટલ લઈ જઈ તેની ટ્રીટમેન્ટ કરાવી. ઈજા સામાન્ય હતી.

તપાસ અને સારવારનો ખર્ચો મેં આપ્યો અને તે પછી થોડા દિવસ આરામ કરવા તથા જ્યુસ- ફ્રુટ્સ માટેના રૂપિયા પણ તેના કુટુંબીજનોને આપ્યા. બધી પતાવટ વ્યવસ્થિત કરી દીધી. કારણ પોલીસ ફરિયાદ થાય તો દીકરાની બોર્ડની પરીક્ષા બગડે. આ સમગ્ર ઘટના દરમિયાન કેટલાયે લોકો મારી ઉશ્કેરણી કરતા હતા. તથા મારા પુત્ર વિશે પણ જેમ તેમ બોલતા હતા. પણ મેં માનસિક સમતુલા ન ગુમાવી હું સહેજ પણ ગુસ્સે ન થયો અને જાણે કંઈ પણ બન્યું ન હોય તેમ રોજિંદું કામ કરવા લાગ્યો.

મારા નજીકના લોકો તો એમ જ કહે છે કે મારૃં મગજ તો સપ્તધાતુ- લોખંડનું બનેલું છે જે ગમે તેવા સંજોગોનો દ્રઢપણે સામનો કરી, મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને જ રહે છે.

આ વાત સાચી પણ છે મહિનામાં પંદર દિવસ હું આ પ્રમાણે ડેશિંગ - સ્મેશિંગ, આત્મવિશ્વાસથી ભરપુર, સાવ છલોછલ શિવમ હોઉં છું. જ્યારે બાકીના પંદર દિવસ હું સાવ અલગ વ્યક્તિ બની જાઉં છું. હું લોકોથી ભાગતો ફરું છું જેથી કોઇ મારા આ સ્વરૂપને ઓળખી ન જાય ! અરે આ દિવસોમાં મારી એ દશા થાય છે કે હું પોતે જ પેલા ડેશિંગ શિવમને શોધ્યા કરૃં છું !

હા...આ પંદર દિવસ મારી બત્તી ગુલ થઈ જાય છે. મનની આ અવસ્થામાં મેં એકાઉન્ટન્ટ પાસે માફી મંગાવી મેં કબૂલાતનામું લખાવ્યું હતું અને તે મારા શરણે આવી ગયો હતો. તેના વિશે મને વિચાર આવવા લાગ્યા કે ક્યાંક એ મારા બે નંબરી ચોપડા ઇન્કમટેક્સ વિભાગને હવાલે તો નહિ કરી દે ને... ? કે પછી પહેલાના એકાઉન્ટન્ટની જેમ કાંક આત્મહત્યા તો નહિ કરી લેશે ને ? ભગવાનની અદાલતમાં હું ડબલ મર્ડરનો ગુનેગાર ગણાઈશ ? આવા વિચારોથી હું ભયભીત થઈ જતો. મને છાતીમાં ભાર અને બેચેની લાગતી. ગળે ડૂમો ભરાઈ જતો. કામકાજમાં મારૃં ધ્યાન ન ચોંટતું ક્યારેક ભારે અજંપો થતો. રાત્રે સરખી ઊંઘ પણ ન આવતી, જમવું ન ગમતું, મિત્રોથી દૂર રહેવાનું મન થાય, આત્મવિશ્વાસનો અભાવ જણાય અને હું એક નિષ્ફળ વ્યક્તિ છું એવું સતત લાગ્યા કરે.

આવી અવસ્થામાં પેલા એકાઉન્ટન્ટને બોલાવી મેં કહી દીધું 'જે બની ગયું તે બની ગયું. ઉચાપત કરેલા રૂપિયા પાછા ન અપાય તો કંઈ નહિ.' એમ કહી પેલું કબૂલાતનામું પણ મેં ફાડી નાખ્યું અને મહિનાની ખાધાખોરાકી માટે ઉપરથી પાંચ હજાર રૂપિયા પણ આપ્યા !!

એકાઉન્ટન્ટ તો આભો બની ગયો. તેણે કહ્યું, 'શેઠ તમે આટલા સંવેદનશીલ હશો તેવું તો મેં ક્યારેય ધાર્યંીં પણ ન હતું. બહારથી કઠોર અને રૂક્ષ દેખાતા તમે આવા ખુદાઈ ફરિશ્તા હશો તેવી તો મેં કલ્પના જ નહોતી કરી.'

હું પણ વિચારતો રહ્યો કે આમાં કયો શિવમ્ અસલી ?

આ દિવસો દરમ્યાન દીકરો મોટર સાઇકલ પર ટયુશને જાય તો મને એવા ભયાનક વિચારો આવતા હતા કે મેં તેને કહી દીધું કે, તારે બધે રીક્ષામાં જવાનું... બાઇકને એક્સીડન્ટ થાય અને નાહકની બબાલ થાય તો તું અને હું બંને જેલમાં જઈએ અને ઘરનાને ખાવાના સાંસા થઈ જાય. આપણો ધંધો ભાંગી પડે. કાલ ઉઠીને આપણા ઘરમાં કોઈ છોકરી આપે નહીં કે પછી આપણા ઘરની છોકરી કોઈ લે પણ નહિ...

દીકરાએ કહ્યું, 'પપ્પા તમને થયું છે શું ? તમે આવી વાત કરો છો ?.. તમને આટલી બધી ચિંતા થતી હોય તો હું ક્યારેય બાઇક પર નહિ જાઉં પણ આવી ભયાનક કલ્પના કરવાની બંધ કરો.'

આ પંદર દિવસથી મને અકારણ ભય લાગે છે છાતીમાં ભાર અને બેચેની લાગે, અમંગળ થવાના વિચારો જ આવે.

આ પંદર દિવસ માંડ માંડ નીકળે ત્યાં મારો પાવર સપ્લાય આવી જાય અને હું પુત્રને કહું... 'તું તારે મોટર બાઇક પર જા બેટા... અકસ્માત થશે તો દવાખાના ક્યાં ઓછા છે? આપણે પાટાપિંડી કરીને પરીક્ષા આપવા જઈશું... બધું ફોડી લઈશું. તારો બાપ બેઠો છે તારે કોઈ ચિંતા નહિ કરવાની!'

હવે તમે જ કહો હું જેકિલ એન્ડ હાઇડની જેમ મહોરા બદલતો શિવમ્ કેમ છું... કયો શિવમ્ સાચો ?..'

હકીકતમાં બંને શિવમ્ સાચા છે. ચહેરો અને મહોરા એક જ છે પણ મગજના રસાયણો તેમના મૂડની ક્લોકના ઉતાર ચડાવ માટે જવાબદાર છે. શરૂઆતમાં મંદ ઉન્માદનું વ્યક્તિત્વ ધરાવતા શિવમભાઈ 

ડેશિંગ, સ્મેશિંગ, લોકોના આદર્શ,  તારણહાર અને જ્યોતિર્ધર તરીકે વર્ષો સુધી રહ્યા. છેલ્લા પાંચ વર્ષમાં તેમના મૂડનું સાયકલ બગડવા માંડયું અને તેઓ વર્ષ, પછી છ મહિને, પછી ત્રણ મહિને અને હવે પંદર દિવસે બે અઠવાડિયા માટે હતાશામાં ગરકાવ થવા લાગ્યા. આવું એકાએક કેમ થતું હતું તે એમને સમજાતું ન હતું.

શિવમભાઈને એમના મૂડના થતા ચડાવ- ઉતાર દોનધુ્રવી પ્રકારના હતા. અર્થાત થોડો સમય ડીપ્રેશન અને પછી ઉન્માદની મનોસ્થિતિમાં તેઓ આપોઆપ સરી પડતા.

શિવમભાઈના વર્તનમાં થતા આ પ્રકારના ફેરફાર તેમના મગજમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે હતા જે સમયાંતરે આપોઆપ થતા હતા. આ ફેરફારોને માટે કોઈ પણ બાહ્ય પરિબળો જવાબદાર ન હતા. આ પ્રકારની બીમારીને બાયપોલર ડીસઓર્ડર કહે છે સમગ્ર વસતીના ૨.૬ ટકા લોકોને આ રોગ હોય છે. એટલે કે આપણા દેશમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકો આ રોગથી પીડાય છે. જેના માટે સારવાર કરાવવાની જરૂરી બની જાય છે. એ સિવાય મૂડમાં સામાન્ય ઉતાર-ચડાવ તો દરેક વ્યક્તિમાં આવતા જ હોય છે. જે બાહ્ય સંજોગોને કારણે હોય છે. જ્યારે બાયપોલર ડીસઓર્ડરમાં પ્રતિકૂળ સંજોગોમાં ઉન્માદ એટલે કે ખુશી અને જોશથી છલોછલ અને અનુકૂળ સંજોગોમાં ડીપ્રેશન અર્થાત્ બત્તી ગુલ જેવા લક્ષણો પણ દેખાય છે.

કોઇ પણ પ્રકારના હવાફેરથી, બાધા- માનતા, માદળિયા, ઝાડકૂંડ કે વિધિથી આ રોગ મટતો નથી. મગજના કેમિકલ લોચાને યોગ્ય સારવારથી સામાન્ય પરિસ્થિતિમાં લાવી શકાય છે.

શિવમભાઇનું જેકિલ એન્ડ હાઇડની જેમ ડબલ વ્યક્તિત્વ નથી પણ એ એક જ વ્યક્તિના મૂડમાં થતા ચડાવ ઉતારને કારણે દેખાતું વર્તન છે.

ન્યુરોગ્રાફ

જ્યારે મૂડમાં થતા ફેરફાર જૈવ રાસાયણિક પરિબળોને કારણે હોય ત્યારે મજબૂત વીલ પાવર ધરાવતી વ્યક્તિ પણ તેના મૂડ પર કાબૂ રાખી શકતી નથી.

Tags :
Mrugesh-VaishnavVedna-Samvedna

Google News
Google News