Get The App

લગ્ન કરવા માટે વિચારવાનો કૈરવીને સમય જ ન મળ્યો!?

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
લગ્ન કરવા માટે વિચારવાનો કૈરવીને સમય જ ન મળ્યો!? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- આજના જમાનામાં પણ એવાં સેંકડો લોકો છે જેઓને પોતાને માટે સમય મળતો નથી. બીજાઓને સતત આપતાં જ રહેવું પડે છે. 

'બાય ધ વે... પ્રશ્ન અંગત છે પણ પૂછવો અનિવાર્ય છે... તમે લગ્ન કર્યાં છે?'

'તમે બહુ સારી રીતે પ્રશ્ન પૂછયો એ પણ આટલી વાત થયા પછી... જો કે લોકોના આવા અણધાર્યા બાઉન્સર્સથી હું ટેવાઈ ગઈ છું... વેલ... હકીકત એ છે કે મને એ અંગે વિચારવાનો સાડત્રીસ વર્ષની ઉંમર સુધી ક્યારેય સમય જ નથી મળ્યો...!!'

'કોઈ પ્રણય વૈફલ્ય..? કે પછી સંબંધોનો કડવો અનુભવ...? કે પછી 'મંગળ'ની વાહિયાત સામાજિક માન્યતાના શિકાર...?'

'ના... આમાંનું કંઈ જ નહીં... મને મારા મમ્મી-પપ્પાએ કોઈ પણ મનગમતાં પાત્ર સાથે પરણવાની છૂટ આપી છે... પ્રપોઝલ પણ સંખ્યાબંધ આવી છે... પણ દરેક વખતે 'પ્રાયોરિટી' અન્ય કોઈ મુદ્દાને આપવી પડે છે. તમને લાગશે કે આ એક બહાનું છે કે પછી સમસ્યાનો અસ્વીકાર કરતો લૂલો બચાવ છે... પણ ખરેખર... બિલીવ મી... આઇ એમ ઓનેસ્ટ વિથ યુ... હકીકત જાણવી છે?... સમય છે એટલો તમારી પાસે?'

તો તમે પણ સાંભળી લો કૈરવીની હકીકત. કૈરવી માતા-પિતાનું લગ્નના દસ વર્ષ પછી જન્મેલું પ્રથમ અને માંડ મોંઘું સંતાન છે.

દિપકભાઈ અને તનુમતીબહેન કૈરવીને બહુ જ લાડપ્યારથી ઉછેરે છે. સહુ કોઈને ગર્વથી કહે છે અમારા માટે દીકરા કે દીકરી બધું જ અમારી કૈરવી જ છે. બાળપણથી જ કૈરવીને મમ્મી-પપ્પાનો એક માત્ર સહારો હોવાનો ગર્વ છે. માતા-પિતાની બધી જ અપેક્ષાઓ સંતોષવી એ એકમાત્ર તેના જીવનનું ધ્યેય છે. તે મમ્મી-પપ્પાનો ખરા અર્થમાં દીકરો બનીને રહેવા માંગે છે.

કૈરવીના જન્મ પછી દિપકભાઈના નસીબ ખૂલી ગયાં. તેમનો ટ્રાવેલ્સનો ખોટ ખાતો બિઝનેસ ધમધોકાર ચાલવા લાગ્યો. કૈરવીના પગલે ઘરમાં લક્ષ્મી આવી એટલું જ નહીં પણ પાંચ વર્ષમાં બે પુત્રરત્નો પણ તનુમતીબહેનની કૂખેથી જન્મ્યાં.

દિપકભાઈ અને તનુમતીબહેન ગર્વથી કહેતાં હતાં કે તેમને ભગવાને એક પછી એક ત્રણ ત્રણ દીકરાઓ આપ્યા છે. તેમના સહુ સગાં-સ્નેહીજનો તેમને માટે એક જ વાત કહેતા કે, 'ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ...' એનું જીવંત ઉદાહરણ એટલે દિપકભાઈ અને તનુમતીબહેન.

ધીરે ધીરે દિપકભાઈની ધંધાકીય વ્યસ્તતા વધવા લાગી. તનુમતીબહેનને પણ તેમનો ભાર ઓછો કરવા ટ્રાવેલ્સની ઓફિસમાં જ ફુલટાઈમ કામ કરવું જરૂરી બન્યું. બંને નાના ભાઈઓની જવાબદારી રાખવાનું કામ કૈરવીના માથે આવી પડયું. કૈરવીનું બાળપણ કૂદકો મારી વયસ્ત અવસ્થામાં ફેરવાઈ ગયું. સાત વર્ષની પુત્રી પાસેથી મમ્મી-પપ્પા પૂરતી સમજ, સૂઝ, સહનશીલતા અને પરિપક્વતાની આશા રાખવા માંડયાં.

માતા-પિતાને પસંદ હતું. તેમની વાહ-વાહ સાંભળવા મળતી હતી એટલે કૈરવીએ પોતાનો રોલ સ્વીકારી લીધો. તોફાની ડીકુ અને ચિકુને સાચવવાનું, લાડ લડાવવાનું, તેમની બધી જ જરૂરિયાતો સંતોષવાનું અને તેમની જિદને કારણે પોતાની પાયાની જરૂરિયાતો અને ઇચ્છાઓને દાબી દેવાની તેને ફાવટ આવી ગઈ અને તેર વર્ષની ઉંમરે તો કૈરવી ભણવાની સાથે સાથે આખા ઘરની રસોઈ બનાવવા લાગી. બધાના મુખે એક જ વાત ચર્ચાતી... કૈરવી એટલે કહેવું પડે હોં ભાઈ!

પોતાના વર્તનથી માતા-પિતા ખુશ છે. એ વાતથી કૈરવી ધન્યતા અનુભવતી હતી. મમ્મી-પપ્પાએ તેનામાં મૂકેલા વિશ્વાસને મજબૂત બનાવવા તેમને નક્કી કરેલા ધારાધોરણો અનુસાર તે રહેવા લાગી. તે પોતાની જાત પાસેથી પણ વાસ્તવિક અપેક્ષાઓ રાખવા માંડી.

ઘરની તમામ જવાબદારી સાથે કૈરવીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કોલેજકાળ દરમિયાન એક યુવાને તેને પ્રપોઝ કર્યું. પણ પરિપક્વ કૈરવી લાગણીઓથી ખેંચાઈ પ્રેમમાં પડી જાય તેમ નહોતી. જ્ઞાતિમાંથી પણ સુંદર અને ગુણિયલ કૈરવી માટે ઘણાં માંગા આવ્યાં. મમ્મી-પપ્પાને લાગ્યું કૈરવીનું ક્યાંક ગોઠવી દઈએ. કૈરવીએ આ અંગે વિચારવાનું માંડ શરૂ કર્યું... ત્યાં પપ્પાને બ્રેઈન-સ્ટ્રોક આવ્યો. બે મહિના આઈ.સી.સી.યુ.માં ગયા અને ત્યાર પછી રોજ ફિઝિયો થેરાપીમાં લઈ જવા પડતા હતા. મમ્મી ઓફિસ સંભાળતી હતી અને કૈરવી ગૃહમોરચે વ્યસ્ત હતી. ઘણી વાર તેમાંથી સમય કાઢીને ટ્રાવેલ્સ સિઝનમાં મમ્મીને ઓફિસે મદદ પણ કરાવતી હતી. લગ્ન કરવા માટે વિચારવાનો કૈરવીને સમય ન મળ્યો. પેલા સહાધ્યાયી યુવાને કહ્યું તે કૈરવી માટે ગમે તેટલી રાહ જોવા તૈયાર છે પણ વ્યસ્ત કૈરવીને મિત્રતા ટકાવી રાખવા પૂરતી વાતચીતનો પણ સમય ક્યારેય ન મળ્યો.

કૈરવીની ઉંમર વધવા લાગી. ડીકુ અને ચિકુ પણ હવે મોટા થવા લાગ્યા. ડીકુ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. તેને ટ્રાન્સ્પાલન્ટ સર્જન થવું હતું. કૈરવીએ  ભાઈની ઇચ્છા પરિપૂર્ણ કરવા ઘરની અને ટ્રાવેલ્સની તમામ જવાબદારી ઉપાડી લીધી.

મમ્મીને પણ હવે ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે શારીરિક સમસ્યાઓ વધી જતી હતી અને પોતાના શરીર કરતાં મમ્મીને વધારે ચિંતા ચિકુની હતી. ચિકુ ભણવામાં ઓછું અને કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપના રવાડે વધારે ચડયો હતો. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ પણ તેણે શરૂ કર્યું હતું. બે વાર પ્રેમમાં નિષ્ફળતા પણ મેળવી ચૂક્યો હતો. ફાસ્ટ ડ્રાઇવિંગ, ઉતાવળિયો સ્વભાવ, જોખમી વર્તન, પૈસાનો બેફામ ખર્ચ, મિત્રો સાથે પાર્ટી ક્લબ... વગેરે ઉન્માદનાં લક્ષણો પણ વધતાં જતાં હતાં. 

પુત્રની ચિંતામાં તનુમતીબહેન ધંધા પર ધ્યાન ગુમાવતાં જતાં હતાં.  કૈરવી પર જવાબદારી વધતી જતી હતી.

કૈરવી હવે પચીસ વર્ષ વટાવી ચૂકી હતી. મા-બાપને ક્યારેક વિચાર આવતો કે કૈરવીનું કંઈક નક્કી કરીએ છીએ. ત્યાં વાસ્તવિકતાઓ સામે આવતી કે ધંધો કેવી રીતે ચાલશે? ડીકુ તો એમ.બી.બી.એસ. જ થયો છે તેને તો હજી પાંચ-સાત વર્ષ ભણવાનું છે. લક્વાગ્રસ્ત દિપકભાઈ હવે ફરીથી ધંધામાં ક્યારેય સક્રિય થઈ શકે તેમ નથી... તનુમતીબહેન પોતાની તબિયત સાચવવામાં પડયાં છે. એટલે ઓફિસે જવાનું બંધ કર્યું છે. ચિકુને ધંધો સંભાળવાનું સોંપવામાં આવે તો બે-ચાર મહિનામાં ઉઠમણું થઈ જાય.  

કૈરવી માટે કોઈક એવો છોકરો શોધવાનું શરૂ થયું જે તેમના ધંધામાં પાર્ટનર બની કૈરવીને મદદ કરે અને પછી બધો બોજો ઉપાડી લે. સમાજમાં દિપકભાઈની શાખ સારી હતી એટલે એવો છોકરો પણ મળ્યો. જેની સાથે બે મુલાકાતો પણ યોજાઈ. કૈરવીને પણ લાગ્યું બધું બરાબર છે. થોડા સમયમાં બધું ગોઠવાઈ જાય એમ લાગતું હતું. ત્યાં ચિકુ તેની પ્રેમિકાને ભગાડી ગયો. એ પ્રેમિકા એક પરિણીત સ્ત્રી હતી એટલે ચિકુ પર એડલ્ટરીનો કેસ થયો. તે જેલના સળિયા પાછળ ધકેલાયો. કાનૂની લડતમાં સમય અને પૈસા બરબાદ થયાં. સમાજમાં નામ પણ ખરાબ થયું. તનુમતીબહેનને હાર્ટ એટેક આવ્યો. કૈરવી માટે લગ્ન જેવી બિનમહત્ત્વની બાબત માટે સમય કાઢવો શક્ય ન હતો. 

કૈરવીની ઉંમર ત્રીસ વટાવી ગઈ. ડીકુને એમ.ડી. એમ.એસ.માં એડમિશન મળવામાં એન્ટ્રેન્સ એક્ઝામ ક્લીયર ન થતાં મુશ્કેલી થઈ. ભાઈ વહેલો નોકરીએ લાગી જાય એ વાત કૈરવીને સ્વીકાર્ય ન હતી. તેના સ્વપ્નાં સાકાર કરવા ડોનેશન આપી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવાયું. ટ્રાન્સપ્લાન્ટ સર્જન તો નહીં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર થવામાં ડીકુ સફળ થયો. ડીકુ માટે એવી યુવતીની શોધ ચલાવાઈ જે બિઝનેસ સંભાળી શકે અને કૈરવી માટે ફરી એવા યુવાનની શોધ ચલાવાઈ જે ૬-૧૨  મહિનાની રાહ જોઈ લગ્ન કરવા તૈયાર હોય.

કૈરવીને એન.આર.આઈ. યુવાન મળી ગયો. ડીકુને પણ ઇચ્છિત પાત્ર મળી ગયું પણ સગાઈની વાત પહેલાં ડીકુએ ધડાકો કર્યો કે તે એક સહાધ્યાયી ડૉક્ટર યુવતી સાથે પ્રેમમાં છે અને તેની જ સાથે લગ્ન કરશે.

નાના  ભાઈની પ્રેક્ટિસ સ્થિર થાય ત્યાં સુધી ટ્રાવેલ કંપની ચાલુ રાખવી જરૂરી જણાઈ. ઉતાવળે ઘોડે ચડી કૈરવીને અમેરિકા લઈ જવા માંગતા એન.આર.આઈ. યુવાનને કૈરવીએ વિનયપૂર્વક કહી દીધું... લગ્ન માટે વિચારવાનો સમય નથી...!?

કૈરવી અત્યારે સાડત્રીસ વર્ષની છે. તનુમતીબહેન સાથે ડીકુની વહુને રોજ ચણભણ થતી હતી અને કૈરવી ખૂબ સમજાવતી છતાં પણ ડૉક્ટર વહુ 'અપરિણીત ડોમિનન્ટ બહેન અને સાસુને વેઠવા તૈયાર નથી. આ ઘરમાં કૈરવીનું જ રાજ ચાલે છે. પોતાના પતિને બધાંએ દબાવી દીધો છે એવાં આક્ષેપો કરી ડીકુને અલગ રહેવા લઈ ગઈ છે.'

'ચિકુ' પેલી પરિણીત સ્ત્રીને જ છૂટાછેડા લેવડાવી એની સાથે અલગ રહે છે. કૈરવીએ તેમને ધંધામાં પરોવવાની કોશિશ કરી પણ 'ચિકુ'ના ઉન્માદે કંપનીનું ઉઠમણું કરી નાખ્યું છે. બંનેને કૈરવી વિરુદ્ધ ફરિયાદ છે. કડવાશ છે. તે પોતાના સાસરે રહેવા ચાલ્યો ગયો છે.

વૃદ્ધ અને બીમાર મા-બાપને એકલા મૂકી કૈરવી પરણી શકે તેમ નથી. એક-બે સંતાનવાળા વિધૂર અને ડાયવોર્સ પુરુષો કૈરવી સાથે લગ્ન કરવા તૈયાર છે પણ મા-બાપને કૈરવી દહેજરૂપે લઈ આવે તે સ્વીકાર્ય નથી.

કૈરવી હતાશ છે, દુઃખી છે. પોતાનાથી થતું બધાં માટે બધું કર્યું પણ...?

કૈરવી એક એવું વૃક્ષ છે જેને પોતાનો છાંયડો ક્યારેય ન મળ્યો. લોકોએ ફળફૂલ તોડીને ખાધાં અને વૃક્ષ પાનખરમાં જીવવા લાગ્યું. પોતાનો વિચાર ક્યારેય ન કરનાર, બીજાઓ માટે જ જીવનાર વ્યક્તિ પોતાનાં વાજબી હિતોની રક્ષા ન કરી શકે તે દુઃખી રહેવાની જાણ્યે-અજાણ્યે જ તે પોતે જ હાથ કરી રહ્યું છે એમ કહી શકાય.

ન્યુરોગ્રાફ 

વૃદ્ધ અને બીમાર માતા-પિતાને સાચવવાની જવાબદારી સમજતી કૈરવીએ લગ્નને કહ્યું 'આઈ એમ વેરી બીઝી.' કૈરવી હતાશ છે?..નથી..છે.....


Google NewsGoogle News