લગ્નેતર સંબંધે સુખી પરિવારનો ભોગ લીધો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
લગ્નેતર સંબંધે સુખી પરિવારનો ભોગ લીધો 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- કુમારીના મા-બાપની હાલત દયાજનક હતી. જુવાનજોધ દીકરી અને બે લાડકી ભાણીઓના મોતના આઘાતથી એ બંને ભાંગી પડયા હતા

-પ્રવીણ, કુમારી અને દીકરીઓ

- પ્રતીકાત્મક તસવીર

વા સનામાં અંધ બનેલ વ્યક્તિને કોઈ કામના ઉકેલ માટેનો સરળ રસ્તો નથી સૂઝતો. સાવ ઊંધો ખતરનાક રસ્તો એને સરળ લાગે છે. પોતાની ચાલાકીના મિથ્યાભિમાનમાં એ પોતાના પ્લાનને પરફેક્ટ માનીને પોલીસને ઉલ્લુ બનાવવા માટે એ કાવતરું કરે છે, પણ બાહોશ પોલીસ એનું અભિમાન ઊતારી દે છે. આવી જ એક ઘટના હૈદ્રાબાદ-તેલંગણામાં તાજેતરમાં બની ગઈ.

તેલંગણાના ખમ્મમ જિલ્લાના રઘુનાથપાલે વિસ્તારમાં  બાવાજી થંડામાં (તેલુગુમાં થંડા એટલે છૂટા છૂટા ઘરવાળું સાવ નાનકડું ગામડું) રહેતા પ્રવીણ બોડાએ બારમા ધોરણમાં ખૂબ મહેનત કરી. ભણવામાં હોંશિયાર હોવાથી પ્રવીણની મહેચ્છા ડૉક્ટર બનવાની હતી. એણે મહેનત કરી, પણ થોડુંક છેટું રહી ગયું એટલે મેડિકલને બદલે એણે ફિઝિયોથેરાપિસ્ટ બનવાનું પસંદ કર્યું અને હૈદ્રાબાદની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

અભ્યાસ પૂરો કરીને એણે ડીગ્રી મેળવી લીધી. ડૉક્ટર બનીને પોતાનું ફિઝિયોથેરાપી સેન્ટર ખોલવાની ઈચ્છા હતી, પરંતુ એના માટે અનુભવ ઉપરાંત, જરૂરી પૈસા નોકરી કરીને ભેગા કરવા પડે. એણે હૈદ્રાબાદની એક ખાનગી હોસ્પિટલ- જર્મન્ટેન હોસ્પિટલમાં નોકરી સ્વીકારી લીધી.

દરેક મધ્યમવર્ગીય પરિવારમાં મા-બાપની માનસિકતા એવી હોય છે કે દીકરો કમાતો થાય એટલે એને ફટાફટ પરણાવી દેવાનો. પ્રવીણના માતા-પિતાએ કન્યા માટે તપાસ આદરી. દીકરો ડૉક્ટર હતો એટલે ખમ્મમ જિલ્લાના જ એક ગામના સારા કુટુંબની રૂપાળી કન્યા મળી ગઈ. એ સંસ્કારી યુવતીનું નામ કુમારી. કુમારી અને પ્રવીણે એકબીજાને પસંદ કરી લીધા અને ઈ.સ. ૨૦૧૯માં બંનેના ધામધૂમથી લગ્ન થઈ ગયા. કુમારી હૈદ્રાબાદ આવી ગઈ અને પ્રવીણ સાથે ઘરસંસાર શરૂ થયો.

બંનેનું જીવન રાજીખુશીથી પસાર થતું હતું. ઈ.સ. ૨૦૨૦માં કુમારીએ પુત્રીને જન્મ આપ્યો. ઢીંગલી જેવી એ દીકરીનું નામ રાખ્યું કૃષિકા. પ્રવીણનો હવે તો પગાર પણ વધ્યો હતો. ઈ.સ.૨૦૨૨માં એમના સંસારમાં બીજી દીકરીનું આગમન થયું. એનું નામ રાખવામાં આવ્યું તનિષ્કા.

બંને દીકરીઓને સંભાળવામાં કુમારી વ્યસ્ત રહેતી હતી. એ દરમ્યાન પ્રવીણની હોસ્પિટલમાં નર્સ તરીકે એક અત્યંત સૌંદર્યવાન યુવતીનું આગમન થયું. કેરાલાથી આવેલી બાવીસ વર્ષની એ નર્સનું નામ સોની-સોની ફ્રાન્સિસ. પ્રવીણના જ વિભાગમાં એને નર્સ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી એટલે ધીમે ધીમે બંને વચ્ચે સંબંધ વધ્યો. પ્રારંભમાં નિર્દોષ મજાક-મસ્તીની વાતોમાંથી મૈત્રી થઈ. મિત્રતા ગાઢ બની અને એ ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ એની એ બેમાંથી કોઈને ખબર ના પડી. છેક કેરાલાથી અહીં હૈદ્રાબાદ એકલી આવેલી સોનીને કોઈ મજબૂત સહારાની જરૂર હતી, અને એણે પ્રવીણ ઉપર પસંદગી ઊતારી! એક બેડરૂમના નાનકડા ફ્લેટમાં એ ભાડે રહેતી હતી.

બિચારી કુમારી તો ઘરમાં બંને દીકરીઓની સંભાળ રાખવામાંથી ઊંચી નહોતી આવતી અને પ્રવીણ આ કેરાલિયન કન્યાની લપેટમાં આવી ચૂક્યો હતો! બંનેનો સંબંધ એ હદે વધી ચૂક્યો હતો કે નાઈટ શિફ્ટનું બહાનું કાઢીને પ્રવીણ આખી રાત સોનીના ફ્લેટ ઉપર રહેતો હતો!

પતિનો પગ કૂંડાળામાં પડી ગયો છે એની વહેલી-મોડી જાણ તો દરેક પત્નીને થઈ જ જતી હોય છે. સોની સાથે પ્રવીણના લફરાની ખબર પડી એટલે કુમારી પ્રવીણને કરગરી કે આપણી દીકરીઓના ભવિષ્યનો વિચાર કરીને આ ધંધા બંધ કરો, તમને આ શોભતું નથી. કુમારી હાથ જોડતી રહી, પછી ઝઘડતી રહી; પરંતુ ગળાડૂબ પ્રેમમાં ડૂબેલા પ્રવીણને પત્ની કે દીકરીઓની પરવા નહોતી, હવે તો સોનીનું સાંનિધ્ય જ એને સ્વર્ગ લાગતું હતું.

લાચાર કુમારીએ અંતે રડી-કકળીને પોતાના મા-બાપ અને સાસુ-સસરાને ફરિયાદ કરી. બંને પક્ષના વડીલો મળ્યા. કુમારીના મા-બાપની ફરિયાદ પછી તો નાતની પંચાયત પણ મળી, અને એમાં ચર્ચા થઈ. પ્રવીણના પિતાએ કહ્યું કે પ્રવીણ નહીં સુધરે, તો હૈદ્રાબાદની નોકરી છોડાવીને એને કાયમ માટે ગામડે બોલાવી લઈશ. અહીં મારા ઘરમાં રોટલાનો તૂટો નથી, તેલ લેવા જાય એની ડૉક્ટરની આ નોકરી!

આ બધી હિલચાલની ખબર હોવા છતાં પાગલ પ્રેમીની જેમ પ્રવીણને કોઈ પરવા નહોતી. વડીલોએ પ્રવીણને ગામડે બોલાવ્યો. તારીખ ૧૭-૫-૨૦૨૪ના દિવસે પ્રવીણ પોતાની કારમાં કુમારી અને બંને દીકરીઓને લઈને બાવાજી થંડા આવી ગયો. આક્રમક થઈને પિતાએ એને ધમકાવ્યો ત્યારે પોતાની ભૂલ કબૂલ કરીને પ્રવીણે કહ્યું કે હું આ હોસ્પિટલ છોડીને બીજી કોઈ હોસ્પિટલમાં નોકરી શોધી લઈશ. પિતાને આવી ધરપત આપીને પ્રવીણે કહ્યું કે અત્યારે તો પંદર દિવસની રજા મૂકી છે, અહીં તમારા બધાની સાથે અમે આરામથી રહીશું.

કુમારી અને બંને ઢબૂડીઓને લઈને બાવાજી થંડાની આસપાસના વિસ્તારોમાં પ્રવીણ કાર લઈને ફરવા જતો હતો. અહીં ગામડે આવ્યા પછી પ્રવીણના સુધરેલા વર્તનથી કુમારીને આશા બંધાઈ હતી કે સૌતન સોનીથી છૂટકારો મળી જશે. તારીખ ૨૮-૫-૨૦૨૪ના દિવસે સવારમાં પ્રવીણે કુમારીને કહ્યું કે આજે એક કામ માટે ખમ્મમ જવાનું છે. લોંગ ડ્રાઈવ પર સાથે આવવું છે? બંને દીકરીઓને સાથે લઈને જવા માટે કુમારી તરત તૈયાર થઈ ગઈ.

ખમ્મમ પહોંચીને પ્રવીણે એનું કામ પતાવ્યું અને એ પછી પાછા ઘેર આવવા માટે એણે કાર સ્ટાર્ટ કરી. અડધે રસ્તે આવ્યા ત્યારે કુમારીએ પ્રવીણને કહ્યું કે મને અનઈઝીનેસ લાગે છે ને પગ દુખે છે. બલ્લાપલી ગામ પાસે કાર ઊભી રાખીને ત્યાંના એક મેડિકલ સ્ટોરમાંથી પ્રવીણે દવા લીધી અને કુમારીને પાછળની સીટ પર બેસાડીને એ ઈન્જેક્શન આપ્યું. બંને દીકરીઓને પોતાની પાસે આગળની સીટ પર બેસાડીને એણે કારને બાવાજી થંડા જવા માટે ભગાવી. એમની કાર મંચુકોડા ગામ પાસે પહોંચી ત્યારે ખતરનાક અકસ્માત થયો.

પ્રવીણની કાર ભયાનક સ્પીડથી રસ્તાની બાજુમાં રહેલા ઝાડ સાથે અથડાઈ. જબરજસ્ત ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા. કારનો આગળનો હિસ્સો ડૂચો વળી ગયો હતો. લોકોએ મદદ કરી અને પ્રવીણ કારમાંથી બહાર આવ્યો. એનો હાથ છોલાઈ ગયો હતો. ગામલોકોમાંથી કોઈકે પોલીસને ફોન કરી દીધો હતો. આગળની સીટ પર ચાર વર્ષની કૃષિકા અને અઢી વર્ષની તનિષ્કા હવે જીવતી નથી, એ તો પહેલી નજરે જ ગામલોકોને ખબર પડી ગઈ. પાછળની સીટ પરથી કુમારી (૨૬ વર્ષ)ને ઊંચકીને લોકો બહાર લાવ્યા ત્યારે એ પણ મરી ગઈ હોય એવું જ લાગતું હતું, એ છતાં ગામલોકો એને બીજા કોઈની કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. બે યુવાનો પ્રવીણને રીક્ષામાં બેસાડીમાં નજીકના ડૉક્ટર પાસે લઈ ગયા અને હાથ પર પાટો બંધાવ્યો. હોસ્પિટલમાં કુમારીને તપાસીએ ડૉક્ટરોએ કહ્યું કે એ અવસાન પામી ચૂકી છે!

પ્રવીણે પોતાના ઘેર અને સાસરે ફોન કરી દીધો હતો એટલે એ લોકો પણ ત્યાં દોડી આવ્યા. રઘુનાથપાલે પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર કોન્ડલ રાવ પોતાની ટીમ સાથે આવી ગયા હતા. પ્રવીણે એમને કહ્યું કે મારી સ્પીડ વધારે હતી અને રસ્તામાં એક વાછરડું આવ્યું. એને બચાવવા માટે સ્ટિયરિંગ ઘૂમાવ્યું એમાં મારી કાર ઝાડની સાથે અથડાઈ ગઈ. માસુમ દીકરીઓ અને પત્નીની લાશ સામે જોઈને પ્રવીણ રડતો હતો. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને પંચનામું કર્યું અને ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. કુમારીના મા-બાપની હાલત દયાજનક હતી. જુવાનજોધ દીકરી અને બે લાડકી ભાણીઓના મોતના આઘાતથી એ બંને ભાંગી પડયા હતા.

 ઈન્સ્પેક્ટર કોન્ડલ રાવ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળનું અને કારનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે કુમારીના માતા-પિતા એમની પાસે ગયા અને હાથ જોડીને કહ્યું કે સાહેબ! આ એક્સિડન્ટ નથી, અમારા જમાઈ પ્રવીણે આ ત્રણેયની હત્યા કરી છે, માટે તમે પૂરેપૂરી તપાસ કરજો! એ નરાધમને છોડતા નહીં. અકસ્માતમાં ત્રણ જિંદગી હોમાઈ ગઈ હતી. મામલો શંકાસ્પદ લાગતો હોવાથી સહેજ દૂર જઈને ઈન્સ્પેક્ટરે ક્રાઈમ બ્રાન્ચના ACP રમણ મૂર્તિને ફોન પર ઘટનાની જાણકારી આપી. રમણ મૂર્તિએ સૂચના આપી કે કારને એમને એમ જ રહેવા દેજો, મારી ટીમ સાથે હું કાલે સવારે આવીશ.

પોસ્ટમોર્ટમ પછી કૃષિકા, તનિષ્કા અને કુમારીની લાશનો કબજો કુમારીના મા-બાપે લીધો અને પોતાના ગામમાં જ અંતિમવિધિ કરવાનું કહ્યું. એ લોકો ગયા એ પછી પ્રવીણ પણ મા-બાપને લઈને ત્યાં પહોંચ્યો અને અંતિમવિધિમાં હાજર રહ્યો. એ પ્રસંગે પણ કુમારીના મા-બાપ પ્રવીણની સામે શંકાની નજરે જ જોઈ રહ્યા હતા. એક સાથે ત્રણ મોતથી ગામનું વાતાવરણ ગમગીન હતું.

બીજી સવારે ACP રમણ મૂર્તિ એમની ટીમ સાથે ત્યાં આવ્યા ત્યારે ઈન્સ્પેક્ટર કોન્ડલ રાવે ફોન કરીને પ્રવીણને બોલાવી લીધો હતો. રમણ મૂર્તિએ પ્રવીણની પ્રાથમિક પૂછપરછ કરીને એનું ગામનું અને હૈદ્રાબાદ હોસ્પિટલ-ઘરનું સરનામું, કોન્ટેક્ટ નંબર્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ નંબર વગેરે વિગતો લખાવી લીધી. પ્રવીણે એમને વિનંતિ કરી કે સર! હું ડૉક્ટર છું અને માંડ માંડ રજા મેળવીને અહીં આવેલો, અને એમાં આ અકસ્માત થઈ ગયો. આ એક્સિડન્ટના કેસમાં મારી જરૂર ના હોય તો આપ મને હૈદ્રાબાદ જવાની રજા આપો. આજે રાત્રે અથવા કાલે સવારે જ હૈદ્રાબાદ પહોંચવાની મારી ગણતરી છે.

એની વાત સાંભળીને ACPએ ઈન્સ્પેક્ટર સામે જોયું. બંને અધિકારીઓ વચ્ચે આંખોથી સંતલસ થઈ ગઈ.  ACPએ પ્રવીણને રજા આપીને કહ્યું કે જરૂર પડશે ત્યારે બોલાવીશું. બંને અધિકારીઓનો આભાર માનીને પ્રવીણ એ રાત્રે જ હૈદ્રાબાદ જતો રહ્યો.

અકસ્માત તારીખ ૨૮-૫-૨૦૨૪ના દિવસે થયો હતો, પ્રવીણ બીજી રાત્રે હૈદ્રાબાદ જતો રહ્યો. એ પછી પોલીસે એને કદી ફોન પણ નહોતો કર્યો. બરાબર ૪૮ દિવસ પછી તારીખ ૧૪-૭-૨૦૨૪ની બપોરે રઘુનાથપાલે પોલીસસ્ટેશનની જીપ હૈદ્રાબાદ પહોંચી. પ્રવીણ બોડાને પકડીને રઘુનાથપાલે લાવવામાં આવ્યો.

૧૬-૭-૨૦૨૪ના દિવસે પ્રેસ કોન્ફરન્સમાં ACP રમણ મૂર્તિએ હત્યારા પ્રવીણને રજૂ કરીને પત્રકારોને વિગતવાર જાણકારી આપી. બાહોશ જુગારી બ્લાઈન્ડમાં એવી રીતે રમે કે સામેનો ખેલાડી બાજીમાં પૈસા મૂકતો જ જાય અને છેલ્લે બાહોશ પોતાની બ્લાઈન્ડની બાજી ખોલે ત્યારે સામેવાળો ખાલી થઈ ગયો હોય! ચાલાક પોલીસ અધિકારીઓને કારની હાલત, ત્રણેય લાશની દશા અને પ્રવીણની મામૂલી ઈજા જોઈને પહેલી નજરે જ ખ્યાલ આવી ગયો હતો કે આ કેસ અકસ્માતનો નથી, ઠંડા કલેજે કરવામાં આવેલી ત્રણ ત્રણ હત્યાનો મામલો છે! પોતાની ચાલાકી ઉપર મુસ્તાક પ્રવીણ ક્યાંય ભાગી જવાનો નહોતો, એની પોલીસને ખાતરી હતી. ભોળી પત્ની અને માસુમ પુત્રીઓની હત્યા કરીને એ તો બીજા જ દિવસે હૈદ્રાબાદ જઈને પ્રેમિકા સોની ફ્રાન્સિસની સાથે જલસાથી રહેવા લાગ્યો હતો, એ પણ પોલીસના ધ્યાનમાં હતું. એને સજા મળે એ માટે પોલીસને પુરાવાઓના જરૂર હતી. સજ્જડ પુરાવાઓ મળ્યા એટલે તરત જ આરોપી નંબર એક પ્રવીણને પકડી લેવામાં આવ્યો, આરોપી નંબર બે સોની ફ્રાન્સિસ ભાગી ગઈ છે, પરંતુ એને બહુ જલ્દી પકડી લેવાશે એવી પોલીસને ખાતરી છે.

સોનીને ખબર હતી કે પ્રવીણ પરણેલો છે, એ છતાં એ લગ્ન માટે દબાણ કરતી હતી. એણે પ્રવીણને કહ્યું કે તું તારી પત્નીને છૂટાછેડા આપી દે. પ્રવીણે એને વાસ્તવિકતા સમજાવી કે છૂટાછેડા સરળ નથી, એમાં વર્ષો વીતી જશે. વળી, એ ત્રણેયના ભરણપોષણ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે. એમાં હું ખાલી થઈ જઈશ. સોનીના સાથ વગર જીવવાનું હવે પ્રવીણ માટે અશક્ય હતું અને સોની લગ્ન માટે એવી જીદે ચડી હતી કે પ્રવીણ ગૂંચવાયો હતો. સોનીએ એ પણ કહેલું કે તારી દીકરીઓની જવાબદારી હું ક્યારેય નહીં લઉં. સોની સાથેનો સંબંધ તોડી નાખવા માટે ઘરમાં કુમારી ઝઘડતી હતી અને વડીલો સુધી ફરિયાદ કરી હતી. સોનીનું દબાણ અસહ્ય બન્યું ત્યારે પ્રવીણે એને કહ્યું કે એ ત્રણેયને ખતમ કરી નાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી! સોનીએ રાજી થઈને કહ્યું કે ફટાફટ એ કામ પતાવી દે, બકા!

કારમાં લાંબી મુસાફરી દરમ્યાન કુમારી કાયમ અનઈઝીનેસની ફરિયાદ કરતી હતી એના આધારે જ પ્રવીણે પ્લાન બનાવી નાખ્યો. ગુગલ પર સર્ચ કરીને એક હાથીને પણ મારી નાખે એવો એનસ્થેસિયાનો ડોઝ ક્યો છે, એ જાણી લીધા પછી એણે એ ઈન્જેક્શન ખરીદીને કારમાં જ રાખેલું. બધાને ગામડે લઈ ગયા પછી ત્યાંથી ખમ્મમ જવાનો પ્લાન બનાવ્યો અને વળતી વખતે કુમારીએ તબિયતની ફરિયાદ કરી કે તરત કાર રોકીને દવાની દુકાનેથી દવા ખરીદવાનો ડોળ કર્યો. પાછલી સીટ પર કુમારીને બેસાડીને એના ડાબા હાથ પર પેલું એનસ્થેસિયાનું ઈન્જેક્શન મારી દીધું. એનસ્થેસિયાના ઓવરડોઝથી પાંચ મિનિટમાં જ કુમારીના શ્વાસ અટકી ગયા. એ પછી વારાફરતી બંને દીકરીઓના નાક અને મોં દબાવીને ગૂંગળાવીને એમને પણ મારી નાખી-અને એ પછી આખો બનાવ અકસ્માતનો લાગે એ માટે કારને ઝાડ સાથે ભટકાડી!

પોલીસની ટેકનિકલ ટીમે પ્રવીણના મોબાઈલમાંથી એની ગુગલની સર્ચની હિસ્ટ્રી શોધી કાઢી હતી અને કારની તપાસ દરમ્યાન ઈન્જેક્શનની સિરિંજ મળેલી એને ફોરેન્સિક લેબમાં મોકલેલી. ત્યાંથી કાતિલ ઝેરનો રિપોર્ટ આવી ગયો હતો. ઓટોપ્સી રિપોર્ટે પણ એનસ્થેસિયાના ઓવરડોઝથી કુમારીનું મોત અને બંને બાળકીઓમા મોત શ્વાસ રૃંધાયાથી થયાનું જણાવેલું.

પોલીસે તમામ પુરાવા મેળવીને અકસ્માતના ૪૮ દિવસ પછી પ્રવીણને પકડયો છે.  IPC  ૩૦૨ અને ૨૦૧ હેઠળ એના પર કામ ચાલશે. ફરાર સોની ફ્રાન્સિસની શોધ ચાલુ છે. આડા સંબંધની આગમાં એક સુખી પરિવાર સ્વાહા થઈ ગયો!


Google NewsGoogle News