બંધ બારણા પાછળથી માથું ફાટી જાય એવી વાસ આવી અને....
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- એણે મને મારી નાખવાનો કારસો કરેલો. મારા ટૂકડા કરીને ભરવા માટે એણે નવી મોટી બેગ પણ ખરીદી રાખેલી.
મહાલક્ષ્મી
પતિ-હેમંત દાસ
ઘર પાસે ભીડ
ઘટનાસ્થળે ભીડ
ગ ઈ કાલે ધનતેરસ હતી. ધનની દેવી લક્ષ્મી-મહાલક્ષ્મી. આજની ક્રાઈમની કથા પણ બેંગલોરની મહાલક્ષ્મીની છે. બેંગલોરના વ્યાલિકાવલ વિસ્તારમાં ચાર માળના વિનાયક ફ્લેટમાં બધા ફલેટ એક બેડરૂમના છે. પહેલે માળેએકલી રહેતી રહેતી ઓગણત્રીસ વર્ષની મહાલક્ષ્મીના ફ્લેટના બારણે ઘણા દિવસથી તાળું હતું.છેલ્લા બે-ત્રણ દિવસથી એના ઘરમાંથી વિચિત્ર ગંધ આવતી હતી. પાડોશીઓ આ દુર્ગંધથી ગૂંચવાયા. તારીખ ૨૧-૯-૨૦૨૪, શનિવારે સાંજે એક પાડોશીએ મહાલક્ષ્મીના ભાઈ હુકમસિંહને ફોન કર્યો કે તમારી બહેનના ફ્લેટમાંથી ગંધ આવે છે, તમે આવીને જોઈ જાવ. હુકમસિંહે કહ્યું કે અમે કાલે સવારે આવીશું.
એ લોકો આવે એ અગાઉ આપણે મહાલક્ષ્મીના પરિવારનો પરિચય મેળવી લઈએ. પાંત્રીસ વર્ષ અગાઉ તિકમપુર, નેપાળથી ચરણસિંહ રાણા એમની પત્ની મીનાને લઈને રોજી-રોટી માટે બેંગલોરમાં આવેલા. મહેનત-મજૂરી કરીને એ બંને અહીં ગોઠવાઈ ગયા હતા. એમને સંતાનમાં બે દીકરી અને બે દીકરા. મોટી દીકરી લક્ષ્મી, એ પછી દીકરો હુકમસિંહ. હુકમસિંહથી નાની મહાલક્ષ્મી અને સૌથી નાનો નરેશ. લક્ષ્મીએ પોતાની મરજીથી ઈમરાન નામના યુવાન સાથે લગ્ન કરેલા અને એ એના પરિવારમાં સુખી હતી. હુકમસિંહની પત્નીનું નામ દીપિકા. ઈ.સ. ૨૦૧૯ માં પરિવારે મહાલક્ષ્મીના લગ્ન હેમંત રાણા સાથે કરાવેલા. અહીં બેંગલોરના નેલામંગલા વિસ્તારમાં એક મોબાઈલની દુકાનમાં હેમંત નોકરી કરતો હતો. મહાલક્ષ્મી અને હેમંતનું લગ્નજીવન પ્રારંભમાં સુખી હતું. ૨૦૨૦ માં મહાલક્ષ્મીએ એક પુત્રીને જન્મ આપેલો. એના બે વર્ષ પછી પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થયો. હેમંતને મહાલક્ષ્મીના ચારિત્ર ઉપર શંકા હતી અને એને લીધે એ બંને વચ્ચે ઝઘડા થતા હતા. એમના ઘરની નજીક એક હેરકટિંગ સલૂન હતું અને ત્યાં કામ કરતા અશરફ સાથે મહાલક્ષ્મીને અનૈતિક સંબંધ છે, એવી હેમંતને માત્ર શંકા નહીં, પણ ખાતરી હતી. આ મુદ્દે ઝઘડા એટલી હદે ઉગ્ર બની ગયા હતા કે બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થતી હતી. અંતે, ઓગસ્ટ, ૨૦૨૩ ના અંતમાં કાયદેસર છૂટાછેડા લીધા વગર બંને છૂટા પડયા. દીકરીને હેમંતે પોતાની સાથે રાખી હતી. મહાલક્ષ્મી પોતાની મોટી બહેન લક્ષ્મીને ત્યાં દસેક દિવસ રહી, એ દરમ્યાન એણે એક વિશાળ મોલના ગાર્મેન્ટ વિભાગમાં ટીમલીડર તરીકે નોકરી મેળવી લીધી અને ઓક્ટોબર,૨૦૨૩ માં એણે વિનાયક ફ્લેટમાં ભાડે રહેવાનું નક્કી કર્યું. બહેન એકલી રહે એ ઠીક ના લાગ્યું, એટલે મહાલક્ષ્મીનો ભાઈ હુકમસિંહ પોતાની પત્ની દીપિકાને લઈને એની સાથે રહેવા આવી ગયો.પરંતુ, પંદર દિવસમાં જ ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો અને મહાલક્ષ્મીને એકલી મૂકીને ભાઈ-ભાભી નજીકમાં મરાઠાહલ્લી વિસ્તારમાં રહેવા જતા રહેલા.
ઓગણત્રીસ વર્ષની રૂપાળી મહાલક્ષ્મી ઓક્ટોબર, ૨૦૨૩ થી અહીં ભાડે તો રહેતી હતી, પરંતુ સવારે સાડા નવ વાગ્યે ઘેરથી નીકળીને રાત્રે દસેક વાગ્યે એ પાછી આવે- એટલે એને કોઈ પાડોશીઓ સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર નહોતો.
હવે બીજા દિવસની સવારની વાત. તારીખ ૨૨-૯-૨૦૨૪, રવિવારે સવારે દસેક વાગ્યે ભાઈ હુકમસિંહ,મહાલક્ષ્મીની માતા મીના રાણા, મોટીબહેન લક્ષ્મી અને એનો પતિ ઈમરાન ત્યાં આવી ગયા. આ લોકો આવ્યા એટલે જિજ્ઞાસાવશ પાડોશીઓ પણ બારણાં પાસે ભેગા થઈ ગયા.ફ્લેટને બારણે તાળું હતું. પાડોશીઓની મદદથી જાતજાતની ચાવીઓ અજમાવીને તાળું ખોલી નાખવામાં આવ્યું. બારણું ખૂલ્યું એની સાથે જ ભયાનક દુર્ગંધ ફેલાઈ ગઈ. હુકમસિંહ અને ઈમરાને બધા પાડોશીઓને બહાર જ ઊભા રહેવા વિનંતિ કરી. મીના અને લક્ષ્મી અંદર ગયા. અસહ્ય દુર્ગંધ આવતી હતી, પરંતુ ડ્રોઈંગરૂમ, કિચન કે બેડરૂમમાં કશું નહોતું. ડ્રોઈંગરૂમમાં ફ્રીઝ પાસે લોહીના ડાઘા જોઈને લક્ષ્મીએ ફ્રીઝ ખોલ્યું એની સાથે જ ભયાનક ચીસ પાડીને એ બંને બહાર દોડી આવ્યા. આખુંય ફ્રીઝ શરીરના ટૂકડાઓથી ઠાંસોઠાસ ભરેલું હતું. એમાં ય બે ફાડિયા કરેલું મહાલક્ષ્મીનું મસ્તક તો તરત દેખાય એ રીતે સૌથી ઉપર ગોઠવાયેલું હતું!
મહાલક્ષ્મીની લાશના ટૂકડા જોઈને માતા અને બહેન તો ફસડાઈ પડયા હતા. હુકમસિંહે તરત પોલીસને ફોન કર્યો. અલગ રહેતો હોવા છતાં, હેમંત રાણા મહાલક્ષ્મીનો પતિ હતો. એને પણ ફોન કરી દીધો. પોલીસ આવી અને એ પછી ફોરેન્સિક ટીમે ફ્રીઝમાંથી લાશના ટૂકડા કાઢવાનું શરૂ કર્યું- એ દ્રશ્ય કમકમાટી ઉપજાવે એવું હતું. અત્યંત સ્વરૂપવાન મહાલક્ષ્મીની લાશના અત્યંત ક્રૂરતાથી ઓગણસાંઈઠ ટૂકડા કરીને હત્યારાએ ફ્રીઝમાં ઠાંસી દીધા હતા!
પલંગ પાસે એક મોટી કાળી સૂટકેસ નવી નક્કોર હાલતમાં પડી હતી. મહાલક્ષ્મીનો મોબાઈલ મળ્યો, જે તારીખ ૨-૯-૨૦૨૪ થી બંધ હાલતમાં હતો. હેમંત પણ આવી ગયો હતો. પતિ તરીકે એણે જ ફરિયાદ નોંધાવી. એણે પોલીસને કહ્યું કે મહાલક્ષ્મીને અશરફ સાથે લફરું હતું. હેરડ્રેસર અશરફ ઉત્તરાખંડનો છે.મે, ૨૦૨૩માં એ બંનેના સંબંધની મને ખાતરી થઈ ચૂકેલી. એ પછી ઘરમાં ઝઘડા થતા હતા. હું એને ટોકું ત્યારે એ મને ઝૂડતી હતી. એણે મને છૂટ્ટી સાણસી મારી ત્યારે મેં નેલામંગલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલી. એ પછી અમે છૂટા પડી ગયા. એ એકલી રહેતી હતી. મહાલક્ષ્મીની હત્યા અશરફે જ કરી છે એવું ભારપૂર્વક જણાવીને એણે પોલીસને કહ્યું કે મહાલક્ષ્મીનો સ્વભાવ ઉગ્ર હતો. મારી સાથે પણ એ મારઝૂડ કરતી હતી. અશરફ સાથે એણે એવું વર્તન કર્યું હશે એટલે અશરફે એને મારી નાખી!
લાશના ટૂકડાઓને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે લઈ જવાયા. ઈલેક્ટ્રોનિક પરીક્ષણના આધારે ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું કે લાશ બાવીસમી તારીખે મળી છે, પરંતુ હત્યા બીજી કે ત્રીજી તારીખે થયેલી છે. વળી મહાલક્ષ્મીનો મોબાઈલ પણ બીજી તારીખથી જ બંધ હાલતમાં મળેલો. પરિવારને લાશ સોંપી દેવામાં આવી. મહાલક્ષ્મીની માતા અને બહેનની હાલત દયાજનક હતી. રડતી માતાએ પત્રકારોને કહ્યું કે મારી દીકરી છેલ્લે રક્ષાબંધનના દિવસે મને મળવા આવેલી. મોટીબહેન લક્ષ્મીએ ભીની આંખે કહ્યું કે મહાલક્ષ્મી એક વર્ષ અગાઉ મને મળવા આવેલી, ત્યારે ભેટી પડેલી, આજે એના ઓગણસાંઈઠ ટૂકડા જોવા મળ્યા!
હેમંતની ફરિયાદને આધારે પોલીસે અશરફને પકડયો ત્યારે આખા કર્ણાટકના હિન્દુત્વવાદીઓને જાણે ગોળનું ગાડું મળી ગયું. મરનારી પ્રેમિકા મહાલક્ષ્મી હિન્દુ અને એનો હત્યારો પ્રેમી અશરફ! સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક આગ ભડકે એવી રીતે જાતજાતના સંદેશાઓ વાયરલ કરવામાં આવ્યા. શ્રધ્ધા વૉકર અને આફતાબ પૂનાવાલા પ્રકરણનું પુનરાવર્તન થયું છે-એવા મેસેજ સાથે હિન્દુ છોકરીઓને સાવધ રહેવા અપીલ કરવામાં આવી.-પરંતુ અશરફની પૂછપરછ પછી પોલીસને એની નિર્દોષતાની ખાતરી થઈ એટલે એને છોડી મૂકવામાં આવ્યો!
પોલીસની અલગ અલગ ટીમ પોતાની રીતે તપાસમાં આગળ વધી રહી હતી. મહાલક્ષ્મી જે મોલમાં નોકરી કરતી હતી, ત્યાંના કર્મચારીઓની પૂછપરછ પરથી પોલીસને અગત્યની જાણકારી મળી. સહકર્મચારી મુક્તિરંજન પ્રતાપ રોય અને મહાલક્ષ્મી પ્રેમમાં હતા, એની તમામ કર્મચારીઓને જાણકારી હતી. તારીખ ૧-૯-૨૦૨૪ ના દિવસે એ બંને નોકરી પર આવેલા અને બંનેએ બીજી તારીખની રજા મૂકેલી. એ પછી એ બેમાંથી એકેય મોલમાં આવ્યા નથી! બંનેના મોબાઈલ પણ બંધ આવે છે.-પોલીસ માટે આટલી માહિતી પૂરતી હતી. ઑફિસમાંથી મુક્તિરંજનના ફોટા ઉપરાંત એની
તમામ વિગત મળી ગઈ. મુક્તિરંજનનું વતન ઓરિસ્સા રાજ્યના ભદ્રક જિલ્લામાં આવેલ ભૂઈંપુર ગામ. એનો ભાઈ સ્મૃતિરંજન રોય પણ બેંગલોરમાં જ રહેતો હતો.પોલીસે એને પકડયો ત્યારે એણે કબૂલ્યું. એણે પોલીસને કહ્યું કે મારા ભાઈ મુક્તિરંજને મને ફોન કરીને કહેલું કે મેં મહાલક્ષ્મીને મારી નાખી છે. હું તો આઘાતથી ચોંકી ઉઠયો. મેં એને કહ્યું કે પોલીસ તને પકડે એ પહેલા તું બેંગલોર છોડીને ભાગી જા! એ પછી એણે શું કર્યું એની મને ખબર નથી.
મુક્તિરંજને જ મહાલક્ષ્મી ની હત્યા કરી છે, એની ખાતરી થયા પછી પોલીસે એને પકડવા માટેની કાર્યવાહી જ કરવાની હતી.એનો મોબાઈલ સર્વેલન્સમાં મૂકાયેલો, પણ હજુ સુધી એ બંધ જ હતો. અચાનક એ ચાલુ થયો અને એમાં એનું લોકેશન ઓરિસ્સાના ભદ્રક અને બાલાસોર જિલ્લાની વચ્ચેનું હતું. બેંગલોર પોલીસની ટીમ તરત જ ઓરિસ્સા જવા ઉપડી.
તારીખ ૨૫-૯-૨૦૨૪. રાત્રે દસેક વાગ્યે મુક્તિરંજન પોતાના ગામ પહોંચ્યો. લેપટોપની બેગ અને બીજી નાની સૂટકેસ એણે ઘરમાં મૂકી. ત્રણ વર્ષ પછી દીકરો બેંગલોરથી પોતાના ઘેર આવ્યો એટલે એની માતા ખુશ હતી. એણે પાણીનો ગ્લાસ દીકરાના હાથમાં આપ્યો. પાણી પીધા પછી માતાના પગ પકડીને મુક્તિરંજન રડી પડયો. તદ્દન નિખાલસાથી એણે માતાની પાસે હૈયું ખોલ્યું.
બેંગલોરમાં મારી એક પ્રેમિકા હતી. એને રાજી રાખવા માટે મેં બહુ પીડા વેઠી છે. એ વારંવાર પૈસા માગતી હતી. ટૂકડે ટૂકડે એને સાત લાખ રૂપિયા હું આપી ચૂક્યો હતો, એ છતાં એને ધરવ નહોતો. ક્યારેક હું ના પાડું ત્યારે એ મને મારતી હતી..
મુક્તિરંજન ભીના અવાજે બોલી રહ્યો હતો. એની માતા સહાનુભૂતિથી સાંભળતી હતી.
છેલ્લે એણે સોનાની ચેઈન માગી, ત્યારે મેં એને દોઢ તોલાની સોનાની ચેઈન પણ અપાવેલી. એ છતાં મારકણી બનીને એ વારે વારે મારું લોહી પીતી હતી. એક વાર તો મેં એને મારી છે એવી એણે ખોટી પોલીસ ફરિયાદ પણ કરેલી. માંડ માંડ પોલીસને પૈસા પકડાવીને હું છૂટી ગયેલો. એ મારા પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી, મને મારતી હતી. એ પરણેલી હતી અને હજુ એના છૂટાછેડા નથી થયા એટલે હું ના પાડતો હતો. વળી, એને કોઈ અશરફ નામના માણસ સાથે પણ લફરું હતુ; એટલે તો એના વરે એને કાઢી મૂકેલી. આ બધા કારણથી હું એની સાથે લગ્ન કરવા તૈયાર નહોતો અને એ મુદ્દે એ મારી સાથે સતત ઝઘડતી હતી.
એનો એ ત્રાસ અસહ્ય બન્યો પછી મેં એને ચોખ્ખી ના પાડી દીધી એટલે એણે મને મારી નાખવાનો કારસો કરેલો. મારા ટૂકડા કરીને ભરવા માટે એણે નવી મોટી બેગ પણ ખરીદી રાખેલી. હું એના ઘેર ગયો ત્યારે એણે લગ્નની વાત કાઢીને સીધી મારામારી શરૂ કરી દીધી. હવે આનાથી વધારે ત્રાસ સહન કરવાનું કામ મારા માટે શક્ય નહોતું. એ મને મારી નાખે એ પહેલા ગુસ્સાના આવેશમાં મેં એને મારી નાખી!
પરસેવે રેબઝેબ મુક્તિનંદન આટલું બોલીને લગીર અટક્યો. ફરી વાર પાણી પીધા પછી એણે આગળ કહ્યું.
બેંગલોરની પોલીસ મને શોધવા માટે અહીં આવી ચૂકી છે. મારા લીધે તમને કોઈને તકલીફ ના પડે એટલે હું અહીં રોકાવાનો નથી. બાલાસોરથી મારા એક દોસ્તારનું સ્કૂટર લઈને જ આવ્યો છું. ત્રણેક કલાક આરામ કરીને હું નીકળી જઈશ. તું ચિંતા ના કરતી.
માતાએ જમવાનું પૂછયું, પણ એણે ના પાડી અને અંદરના ઓરડામાં જઈને સૂઈ ગયો. પરોઢિયે ચાર વાગ્યે માતાને વંદન કરીને એ સ્કૂટર લઈને નીકળી ગયો.
સવારે સાડા આઠ વાગ્યે તો આખા ગામમાં ખળભળાટ મચી ગયો. મુક્તિરંજનના ઘરથી લગભગ ચારસો મીટર દૂર કુલઈપાડા ગામનું કબ્રસ્તાન હતું. ત્યાં ઊંચા ઊંચા ઝાડ હતા. એક ઝાડ પાસે સ્કૂટર પડયું હતું. સ્કૂટરની સીટ ઉપર વજનદાર પથ્થરની નીચે બે પાનાંની સ્યુસાઈડ નોટ મૂકીને મુક્તિરંજનેઝાડની ડાળે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો!
ભદ્રક જિલ્લાના પોલીસ વડા વરૂણ ગુન્ટુપલ્લી ઘટનાસ્થળે આવી ગયા હતા. લાશને નીચે ઊતરાવીને પંચનામું કરીને એમણે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. એમણે પત્રકારોને કહ્યું કે બેંગલોર પોલીસ એને શોધતી હતી અને અમે એ ટીમને મદદ કરતા હતા. ધરપકડની બીકથી મુક્તિરંજને આત્મહત્યા કરી છે. એની સ્યુસાઈડ નોટ આપણી ઊડિયા ભાષામાં છે. એનો અનુવાદ કરાવીને બેંગલોર મોકલાવવાની છે.
આગલી રાત્રે માતા પાસે જે કબૂલાત કરેલી એ જ બધી વાત મુક્તિરંજને સ્યુસાઈડ નોટમાં વિગતવાર લખી હતી. અલબત્ત, લાશના ટૂકડા કર્યાની વાત એણે માતાને નહોતી કહી. સ્યુસાઈડ નોટમાં પણ એણે માત્ર હત્યાની કબૂલાત જ કરી હતી.
બેંગલોર પોલીસે હત્યાના હથિયાર માટે ઘરમાં અને આસપાસ તપાસ કરેલી, પણ છરો કે કટર કંઈ મળ્યું નથી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસતી વખતે તારીખ ૪-૯-૨૦૨૪ ના દિવસે મલ્લેશ્વરમ વિસ્તારમાં હાર્ડવેરની એક દુકાનમાં મુક્તિરંજન જતો દેખાયો અને ત્યાંથી થેલીમાં કંઈક લઈને નીકળતો પણ દેખાયો. એ દુકાનવાળાને મુક્તિરંજનનો ફોટો દેખાડીને પોલીસે પૂછયું ત્યારે એણે કહ્યું કે આ યુવાન એ દિવસે એક ઈલેક્ટ્રિક કટર ખરીદી ગયેલો!
પેલી મોટી નવીનક્કોર સૂટકેસ મહાલક્ષ્મીના ઘરમાં હતી, એ કોની હતી? લાશના નિકાલ માટે મુક્તિરંજન એ ખરીદી લાવ્યો હશે? કે એની સ્યૂસાઈડ નોટ મુજબ મહાલક્ષ્મીએ એના માટે ખરીદી હશે? આ પ્રશ્નનો ઉત્તર તો હવે ક્યારેય મળવાનો નથી!
પ્રેમ-વાસના અને છળકપટની માયાજાળમાં બે આશાસ્પદ જિંદગીનો અકાળ અને અઘટિત રીતે અંત આવી ગયો!