પ્રિયંકાનું મોત કુદરતી કે કોઈએ કાંટો કાઢ્યો?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- એ બાથટબમાં મારી દીકરી એવી તે કઈ રીતે ડૂબી જાય કે એ મરી જાય? વળી, રાત્રે ત્રણ વાગ્યે એ બાથરૂમમાં નાહવા માટે શા માટે જાય?
- પ્રિયંકા શર્મા
- ડૉ. આશિષ શ્રીવાસ્તવ
- સુખી દિવસો હતા ત્યારે
- સત્યનારાયણ શર્મા
તા રીખ ૧૬-૧-૨૦૨૫. લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના પોસ્ટમોર્ટમ રૂમની બહાર તંગ વાતાવરણમાં બે પરિવાર - શર્મા પરિવાર અને શ્રીવાસ્તવ પરિવારના સભ્યો એક બીજાથી કતરાઈને બપોરે બે વાગ્યાથી જ અલગ અલગ બેઠા હતા. એમની વચ્ચે કોઈ ઉગ્ર વિવાદ કે ઝઘડો ના થાય એ માટે પોલીસ પણ ત્યાં હાજર હતી. પોસ્ટમોર્ટમ રૂમમાં પાંચ સિનિયર ડોક્ટરો એક લાશનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ થઈ રહી હતી. આ લાશનું ત્રીજી વાર પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું અને એમાં એક મહિલા ડોક્ટર ઉપરાંત ફોરેન્સિકના એક નિષ્ણાત તબીબ પણ દેખરેખ રાખી રહ્યા હતા. બે કલાકે પોસ્ટમોર્ટમની વિધિ તો સમાપ્ત થઈ, પરંતુ મૃત્યુના ચોક્કસ કારણમાં મતમતાંતર હોવાથી લાશના ફેફસાંને તબીબોએ કાળજીપૂર્વક જાળવી રાખીને વધુ પરીક્ષણ માટે મોકલવાનું જણાવ્યું અને લાશનો કબજો શ્રીવાસ્તવ પરિવારને આપ્યો. એ લાશ પ્રિયંકા શર્માની હતી અને એનો કબજો એના પતિ ડો. આશિષ શ્રીવાસ્તવને આપવામાં આવ્યો.
લાશને અગ્નિદાહ તો આપવાનો જ હતો. એ માટે અલગ અલગ બેઠેલા શર્મા અને શ્રીવાસ્તવ પરિવારના સભ્યો વચ્ચે દુઃખી હૈયે કમને ચર્ચા થઈ અને મોડી રાત્રે લખનૌના ભૈંસા કુંડ પર પ્રિયંકાની લાશનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એ સમયે પણ પોલીસની ટૂકડી એમની સાથે જ હતી.
આ જે ઘટના બની હતી એના વિશે લખતી વખતે સાત વર્ષ અગાઉની એક ચર્ચાસ્પદ ઘટના અનાયાસે જ યાદ આવી ગઈ. તારીખ ૨૪-૨-૨૦૧૮ ના દિવસે ભારતીય સિનેરસિકોને જબરો આઘાત લાગ્યો હતો. પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનું વિચિત્ર સંજોગોમાં દુબઈમાં અવસાન થયું હતું. હોટલના રૂમમાં બાથટબમાં ડૂબીને એ મૃત્યુ પામી, ત્યારે શ્રીદેવીના પતિ -પ્રોડયુસર બોની કપૂર ઉપર આક્ષેપોની ઝડી વરસી હતી. સઘન પૂછપરછ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ બાદ બોની કપૂરને દુબઈ પોલીસે ક્લિન ચિટ આપીને નિર્દોષ જાહેર કરેલા છે. એ છતાં, એકેય પુરાવા વગર અમુક લોકો હજુય એમ માને છે કે બસો ચાલીસ કરોડ રૂપિયાનો શ્રીદેવીનો જીવનવીમો હતો અને એ રકમ મેળવવા માટે એની હત્યા કરવામાં આવેલી!
લખનૌમાં અત્યારે ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પ્રિયંકાની જિંદગીનો અંત શ્રીદેવીની જેમ જ આવેલો. આ કથાનો આરંભ તો પટણાની એઈમ્સ હોસ્પિટલથી થયો હતો. એ હોસ્પિટલના એકાઉન્ટસ્ વિભાગમાં કામ કરતી પ્રિયંકા શર્મા હસમુખી અને દેખાવડી હતી. એ જ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા આશિષ શ્રીવાસ્તવ સાથે એને પરિચય થયો. એ પરિચય મૈત્રીમાં પલટાયો અને એ પછી બંને પ્રેમમાં પડયા. ડિસેમ્બર, ૨૦૧૭ માં બંનેએ લગ્ન કર્યા. એ લગ્ન માટે બેમાંથી એકેય પરિવારની સંમતિ નહોતી, એ છતાં લગ્ન થઈ ગયા પછી એ પ્રેમલગ્નને બંને પરિવારોએ સ્વીકારી લીધું હતું.
પ્રિયંકાના પિતાનું નામ સત્યનારાયણ શર્મા. લખનૌની વૃંદાવન સ્કીમના સેક્ટર ૧૬ માં એ રહે છે. સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોલેજમાં વહીવટી વિભાગમાં નોકરી કરીને એ નિવૃત્ત થયા છે. ડો. આશિષના પિતાનું નામ રાધામોહન શ્રીવાસ્તવ. એ પણ વૃંદાવન સ્કીમના એલ્ડિકો સૌભાગ્યમ્ બંગલામાં રહે છે. સ્ટેટ બેન્કમાં નોકરી કર્યા પછી એ પણ નિવૃત્ત થઈ ચૂક્યા છે.
પ્રિયંકા અને ડો. આશિષના લગ્ન થયા એના થોડા સમય પછી જાલૌનની ઉરઈ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં આશિષની ટ્રાન્સફર થઈ. લગ્ન પછીના દોઢેક વર્ષ સુધી બંને ખૂબ સુખમાં જીવ્યા, પણ એ પછી નાની-મોટી વાતમાં એ બંને વચ્ચે વિખવાદ થવા લાગ્યો. આશિષ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, એવી ફરિયાદ લઈને પ્રિયંકા ઘણી વાર પિયરમાં આવી જતી હતી. એ પછી આશિષ મનાવવા આવે અને એ પાછી જાય-આવું ઘણી વખત બનતું હતું.
તારીખ ૪-૨-૨૦૨૧ ના દિવસે પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે શર્મા અને શ્રીવાસ્તવ- બંને પરિવારમાં આનંદ છવાયો હતો. પુત્રનું નામ રાખવામાં આવ્યું પ્રિયાંશ. પ્રિયાંશના આગમનના થોડા સમય પછી પ્રિયંકાની પીડા એકદમ વધી ગઈ. રંગીન સ્વભાવનો આશિષ બીજી કોઈ યુવતીના પ્રેમમાં લપેટાયો હતો એવી પ્રિયંકાને શંકા પડી. પતિ ગમે એટલો ચાલાક હોય તો પણ એના લફરાની જાણકારી એની પત્નીને કોઠાસૂઝથી જ મળી જતી હોય છે. પ્રિયંકાએ આશિષને કહ્યું કે તારા આ ધંધા બંધ કર, પરંતુ એના જવાબમાં આશિષે મારપીટ શરૂ કરી!
એમાં હદ તો ત્યારે થઈ કે આશિષ પોતાની નવી પ્રેમિકા સાથે રમણીય સ્થળ દૂધવા ફરવા ગયો અને ત્યાં હોટલમાં રૂમ રાખતી વખતે એણે છેડછાડ કરેલ પ્રિયંકાના આધાર કાર્ડની ઝેરોક્સ જ હોટલમાં આપી! બે દિવસ દૂધવાની હોટલમાં જલસા કરીને આશિષ ઘેર આવ્યો અને એની બેગ ખાલી કરતી વખતે પ્રિયંકાએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ નકલ જોઈ અને એ ચોંકી ઉઠી. પોતાની બેગ ભરીને નાનકડા પ્રિયાંશને તેડીને એ રડતી રડતી પિયરમાં પહોંચી ગઈ. પતિની હલકટ હરકતોથી કંટાળીને એણે તારીખ ૨૫-૯-૨૦૨૨ ના દિવસે પોલીસ સ્ટેશનમાં જઈને આશિષ વિરૂધ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી. પોલીસને ફરિયાદ કરવાની સાથોસાથ એણે પોતાના સસરા રાધામોહન શ્રીવાસ્તવને પણ ફોન કરીને એમના દીકરાના લફરાની જાણ કરી. રાધામોહન તરત સત્યનારાયણ શર્માને ત્યાં દોડી આવ્યા. એમણે આશિષને પણ ત્યાં બોલાવીને ધમકાવ્યો અને શર્માજીને બાંહેધરી આપી કે હવે આશિષ લફરામાં નહીં પડે અને પ્રિયંકા ઉપર ક્યારેય હાથ નહીં ઉપાડે. આશિષે પણ આવી કબૂલાત આપી. આવી સમજાવટ પછી તારીખ ૭-૧૦-૨૨ ના દિવસે સમાધાન થયું અને પ્રિયંકા સાસરે પાછી આવી.
થોડા દિવસો સુધી ઘરનું વાતાવરણ શાંત રહ્યું એ પછી આશિષ પોતાના અસલ રંગમાં આવી ગયો. પ્રિયંકા રડીને કરગરે તો પણ એને પરવા નહોતી. આ મુદ્દે પ્રિયંકા જો ઝઘડો કરે તો આશિષ એને ઝૂડી નાખતો હતો. પોતાના નાનકડા પુત્રના મોં સામે જોઈને પ્રિયંકા એના ભવિષ્યનું વિચારતી અને ઝઘડવાને બદલે એકાંતમાં રડી લેતી. આશિષનો ત્રાસ વધી જાય ત્યારે પિયર પહોંચી જતી અને આશિષ એને મનાવવા આવી જતો. એ વખતે પણ ઝઘડો થતો, છતાં હાર કબૂલીને પ્રિયંકા સાસરે પાછી જતી. પુત્ર પ્રિયાંશ ઉપર પણ આશિષને વધારે લાગણી નહોતી.
ઓક્ટોબર, ૨૦૨૪ માં ટૂંકી માંદગી પછી પ્રિયંકાની માતાનું અવસાન થયું એટલે પ્રિયાંશને લઈને પ્રિયંકા પિયરમાં આવી. માતાની વિદાયથી એ ભાંગી પડી હતી અને હતાશામાં ડૂબી ગઈ હતી. આવી દશામાં આશિષનો ત્રાસ વેઠવાને બદલે એ પિયરમાં જ રોકાઈ ગઈ. એ પિયરમાં રહી એ સમય દરમ્યાન પંદરેક દિવસે એક વાર આશિષ મળવા આવતો હતો. એ આવે ત્યારે પણ કોઈક મુદ્દે ઝઘડો થઈ જતો હતો.
ડિસેમ્બરની પંદરમી તારીખે આશિષે ત્યાં આવીને પ્રિયંકાને સમજાવ્યું કે આ રીતે શોકમાં ડૂબીને તું ક્યાં સુધી રહીશ? આ રીતે ડિપ્રેશનમાં તો તારી તબિયત બગડશે. આટલું સમજાવીને એણે કહ્યું કે આ વાતાવરણમાંથી મુક્તિ મેળવવા માટે આપણે ક્યાંક ફરી આવીએ. ભલે ખર્ચો થાય, દુબઈ કે થાઈલેન્ડમાં જઈશું તો તું આ પીડામાંથી બહાર આવી જઈશ. પ્રિયંકાએ કમને સંમતિ આપી અને આશિષે પ્રોગ્રામ બનાવી નાખ્યો.
તારીખ ૪-૧-૨૦૨૫ ના દિવસે પ્રિયંકા, પ્રિયાંશ અને આશિષ થાઈલેન્ડના પટ્ટાયા શહેરમાં પહોંચી ગયા.ત્યાંની હોટલમાંથી સાતમી તારીખે પ્રિયંકાએ ઘેર ફોન કર્યો કે આશિષે જ્યુસમાં મને શું પીવડાવી દીધું છે કે હું જાણે હોશમાં જ નથી! આખી રાત ઉબકા અને ઉલટી થઈ છે! એ ઉપરાંત એ જ દિવસે છત્રીસ સેકન્ડના વીડિયો કોલમાં એણે છેલ્લે રડમસ અવાજે કહ્યું કે આ દુનિયામાં સાચો પ્રેમ કરનારની કોઈ કદર કરતું નથી! દીકરી આવું શા માટે બોલી એની મા-બાપને કંઈ સમજણ ના પડી.
બીજા દિવસે- તારીખ ૮-૧-૨૦૨૫, રાત્રે સાડા ત્રણ વાગ્યે આશિષે સસરા સત્યનારાયણ શર્માને ફોન કર્યો કે બાથરૂમના બાથટબમાં ડૂબીને પ્રિયંકા મરી ગઈ છે!
સત્યનારાયણ ઉપર તો જાણે આભ તૂટી પડયું. આખો પરિવાર હચમચી ઉઠયો. એમને સમજાતું નહોતું કે હોટલના રૂમમાં બાથરૂમ
હોય અને એમાં બાથટબ હોય, એ બાથટબમાં ડૂબીને મારી દીકરી એવી તે કઈ રીતે ડૂબી જાય કે એ મરી જાય? વળી, રાત્રે ત્રણ વાગ્યે એ બાથરૂમમાં નાહવા માટે શા માટે જાય? એ વખતે આશિષ ક્યાં હતો?
રાજ્યસભાના સંસદસભ્ય ડો. દીનેશ શર્મા સાથે એમને સંબંધ હતો. સત્યનારાયણે એમને કહ્યું કે મારા જમાઈ ડો. આશિષે મારી દીકરી પ્રિયંકાને મારી નાખી છે, મને મદદ કરો. શર્માએ મદદ કરી. મામલાની ગંભીરતા પારખીને પોલીસ કમિશ્નરે તપાસનો આદેશ આપ્યો. પી.જી.આઈ. પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર રવિશંકર ત્રિપાઠીએ આશિષ વિરૂધ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો.
સત્યનારાયણે વેવાઈ રાધામોહન શ્રીવાસ્તવને ફરિયાદ કરી કે મારી દીકરીને થાઈલેન્ડ લઈ જઈને તમારા દીકરાએ એના તબીબી જ્ઞાનનો ઉપયોગ કરીને મારી નાખી છે! જવાબમાં રાધામોહને તદ્દન હલકી ભાષા વાપરીને કહ્યું કે તમારી દીકરીનું મડદું ઈન્ડિયા લાવવા માટે હું ખર્ચો કરી રહ્યો છું અને તમે રોદણાં રોવા સિવાય શું કરો છો?
રાધામોહન શ્રીવાસ્તવ પોતાના ભાઈને લઈને નવમી તારીખે પટ્ટાયા પહોંચી ગયા અને દસમી તારીખે મોડી રાત્રે આશિષને સાથે લઈને, પ્રિયંકાની લાશને પટ્ટાયામાં જ મૂકીને લખનૌ પાછા આવી ગયા!
પટ્ટાયામાં પ્રિયંકાની લાશનું બે વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું. એ છતાં, મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ જાણી ના શકાયું એટલે એમણે વિસેરા સુરક્ષિત રાખ્યો છે અને એનો રિપોર્ટ તો બે મહિના પછી આવશે. કાર્ડિયોપલમોનરી ફેઈલ થવાથી મૃત્યુ થયું છે એમ એમણે જણાવેલું, પરંતુ એ રિપોર્ટ પ્રિયંકાના પરિવારને મંજૂર ન હોવાથી જ્યારે લાશ લખનૌ આવે ત્યારે વધુ એક વાર પોસ્ટમોર્ટમની એમણે માગણી કરેલી.
ચૌદ જાન્યુઆરી, ૨૦૨૫ ઉત્તરાયણની રાત્રે દસ વાગ્યે લખનૌના અમૌસી એરપોર્ટ પર પ્રિયંકાની લાશ આવી ગઈ અને પોલીસે એનો કબજો લીધો. એ પછી પંદરમી તારીખે લાંબી ચર્ચાઓ ચાલી. અંતે, પોલીસે ત્રીજા પોસ્ટમોર્ટમ માટે આદેશ આપ્યો અને આરંભમાં લખ્યું છે એ મુજબ તારીખ ૧૬-૧-૨૦૨૫ ના દિવસે એક જ અઠવાડિયામાં પ્રિયંકાની લાશનું ત્રીજી વખત પોસ્ટમોર્ટમ થયું!
સત્યનારાયણે ભીની આંખે પત્રકારોને કહ્યું કે મારી દીકરી પ્રિયંકા ચોથી તારીખે થાઈલેન્ડ ગઈ ત્યારે એણે કહેલું કે હું ચૌદમી તારીખે પાછી આવીશ. બરાબર ચૌદમી તારીખે એ ના આવી, પણ એનું શબ આવ્યું! પ્રિયંકા તો પાણીથી ડરતી હતી, એ રાત્રે ત્રણ વાગ્યે બાથટબમાં નાહવા શા માટે જાય? મારા જમાઈને બીજી કોઈ સ્ત્રી સાથે આડો સંબંધ છે, એટલે એણે થાઈલેન્ડ લઈ જઈને ઠંડા કલેજે મારી દીકરીને મારી નાખી!કોઈ આવી રીતે બાથટબમાં ડૂબીને મરી જાય એ વાત તમારા ગળે ઊતરે છે? આશિષે એને કોઈ દવા આપીને બેભાન કરીને બાથટબમાં ડૂબાડીને મારી નાખી હશે!
પ્રિયંકાના કાકા વિનય શર્માએ પણ એ જ કહ્યું કે પેલી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની લ્હાયમાં આશિષે મારી ભત્રીજીની હત્યા કરી છે. જો પોલીસ એની તમામ કોલ ડિટેઈલ્સ અને નેટ સર્ફિંગ ચેક કરે તો ભેદ ખૂલી જશે. અગાઉ પણ આશિષ મારઝૂડ કરતો હતો ત્યારે અમારી દીકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડો.આશિષને અટકાયતમાં લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોતાના ઉપર હત્યાનો આક્ષેપ સાવ નિરાધાર છે એમ કહીને આશિષે પત્રકારોને કહ્યું કે પ્રિયંકાને દારૂ પીવાની ટેવ હતી અને દારૂના નશામાં જ ભાન ગૂમાવીને એ બાથટબમાં ડૂબીને મરી ગઈ! પ્રિયંકાને દારૂની ટેવ હતી એ હકીકત એના પિતા અને એની બહેન સંધ્યાને પણ ખબર છે, પણ એ લોકો અત્યારે એ વાત છૂપાવે છે! મારે પ્રિયંકાની હત્યા જ કરવી હોત તો એના માટે થાઈલેન્ડ સુધી લાંબા થવાની શી જરૂર હતી? હત્યા કરવા માટે હું એને થાઈલેન્ડ લઈ ગયો એવી બધી વાતો બાલિશ છે!
પ્રિયંકાના અપમૃત્યુનું રહસ્ય ગૂંચવાયેલું છે. હવે તો માર્ચ મહિનામાં થાઈલેન્ડમાંથી વિસેરાનો રિપોર્ટ આવશે. અહીં લખનૌમાં ફેફસાંની વધુ ઝીણવટથી તપાસ થયા પછી એનો રિપોર્ટ પણ આવશે. એ પછી પ્રિયંકાના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે એવી શક્યતા છે. અત્યારે ડો. આશિષ પોલીસ કસ્ટડીમાં છે. એનો પરિવાર વકીલોને ત્યાં દોડાદોડી કરે છે. પ્રિયંકાનો પરિવાર પીડામાં ડૂબેલો છે. આ પરિસ્થિતિમાં ત્રણ વર્ષનો પ્રિયાંશ બધા ચહેરાઓ સામે જોઈને રડી રડીને પોતાની જનેતાને શોધે છે!