જનેતા પુત્રનો 'ઉપયોગ' કરે? .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
જનેતા પુત્રનો 'ઉપયોગ' કરે?                                           . 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- માસી દીકરાને લઈને ગાઝિયાબાદ આવ્યા. માયાના ઘેર તાળું હતું એટલે માસીએ પાડોશીને પૂછયું તો પાડોશીએ કહ્યું કે કંઈક પોલીસનું લફરું છે!

- પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓ

- નીરજસિંગ-માયાની ધરપકડ

- પ્રતીકાત્મક છબી

આ જની કથામાં છરી, ચાકૂ કે રિવોલ્વરની વાત નથી. બેમાંથી એકેય કથામાં લોહી પણ રેડાતું નથી. વાંચકોને રસ પડે એવી ઘટના શોધતી વખતે એવી તાજી ઘટનાની સાથોસાથ એ જ શહેરની એવા જ પ્રકારની અગાઉની ઘટના પણ જડી જાય છે, એટલે આજે ડબલ બોનાન્ઝા! ૧૨ જુલાઈ, ૨૦૨૪ અને ૩ સપ્ટેમ્બર, ૨૦૧૯- જનેતા અને એકના એક પુત્રની આ બંને ઘટનાઓમાંઅણઘડ આયોજનથી કરેલા કાચા કાવતરાઓની કથા લગભગ એક સરખી છે.અલબત્ત, ગાઝિયાબાદ શહેરની આ બે ઘટનાઓમાં બંને જનેતાઓના ઈરાદામાં આસમાન-જમીનનું અંતર છે.

તારીખ ૩૧-૮-૨૦૧૯ ની રાત્રે દસ વાગ્યે ઝરમર વરસાદ વચ્ચે બાવીસ વર્ષની એક યુવતી રડતી રડતી પોલીસ સ્ટેશનમાં આવી. એની હાલત જોઈને પોલીસ એને પાણી આપે છે, ખુરસી પર બેસવાનું કહે છે. લગીર સ્વસ્થ થઈને એ યુવતી ધૂ્રજતા અવાજે પોતાની ફરિયાદ લખાવે છે. 'મારું નામ ઝૈનબ. ખોડા કોલોનીમાં અમારું ઘર છે. સાંજે મારા પાંચ મહિનાના દીકરાને તેડીને હું ઈન્દિરાપુરમની શનિવારી બજારમાં ખરીદી કરવા ગયેલી. ત્યાં ભીડ હતી. અચાનક મારા દીકરાએ મારા ઉપર જ વોમિટ કરી. મારા કપડાં ખૂબ બગડયાં એટલે એ સાફ કરવા પડે એવું હતું. મારી પાછળ જે સ્ત્રી હતી એ પણ મારી હાલત જોઈને ઊભી રહી ગઈ હતી. મેં એને કહ્યું કે બહેન, તમે બે મિનિટ મારા દીકરાને સાચવશો? હું સામેની દુકાનેથી ટિશ્યુ પેપર લઈ આવું. મેં આવું કહ્યું એના જવાબમાં એણે હસીને હા પાડી. મારા જિગરના ટૂકડાને એના હાથમાં સોંપીને હું રોડ ક્રોસ કરીને દોડતી સામે સમોસા- કચોરીની લારીએ ગઈ અને ટિશ્યુ પેપર લઈને પાછી આવી ત્યારે એ સ્ત્રી ત્યાં નહોતી. મારા દીકરાને લઈને એ રફૂચક્કર થઈ ગઈ હતી! એને શોધવા પાગલની જેમ મેં દોડાદોડી કરી, પણ એનો પત્તો ના મળ્યો!'

ઈન્સ્પેક્ટર અને ત્યાં ઊભેલા કોન્સ્ટેબલોની સામે ઝૈનબે હાથ જોડયાં. 'સાહેબ! મારા દીકરા વગર હું જીવી નહીં શકું. ગમે તેમ કરીને એને શોધી આપો. જિંદગીભર આપનું અહેસાન યાદ રાખીશ. મારા લાલને પાછો લાવી આપો'

પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી આરંભી. ત્રીજા દિવસે સાંજે જિલ્લા પોલીસ વડા એચ. એન. સિંગે પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓને રજૂ કરીને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો. એમણે વિગતવાર માહિતી આપી કે આપણા વિસ્તારમાં બાળકોની ઉઠાંતરીના કિસ્સાઓ આજકાલ ખૂબ વધી ગયા છે, એનો લાભ લઈને આ મેડમ ઝૈનબે સ્ટોરી બનાવી કાઢેલી. ઝૈનબને એના પતિ સાથે બનતું નહોતું. પાડોશમાં રહેતા સલમાન સાથે ઝૈનબને પ્રેમ હતો અને પતિથી અલગ થઈને એ સલમાન સાથે લગ્ન કરવા માગતી હતી. ઝૈનબનો પતિ એને તલાક આપવા તૈયાર હતો, પરંતુ એની શરત એ હતી કે આપણા એકના એક દીકરાને હું રાખીશ. પોતાના પાંચ મહિનાના દીકરાને સોંપવા માટે ઝૈનબ તૈયાર નહોતી એમાં કોકડું ગૂંચવાયેલું હતું. ઝૈનબ અને સલમાને સાથે મળીને પ્લાન બનાવ્યો. દિલ્હીના હિંમતપુરી વિસ્તારમાં રહેતી પોતાની ખાસ બહેનપણી કોમલને પણ ઝૈનબે સહભાગી બનાવી. એ સાંજે કોમલ પોતાના પુત્રને લઈને શનિવારી બજારમાં ગઈ, ત્યારે એણે કોમલને ત્યાં બોલાવી લીધેલી. બાળક કોમલને સોંપીને ઝૈનબે પોલીસમાં ફરિયાદ નોંધાવી! એમનો પ્લાન એવો હતો કે દીકરો ચારેક મહિના સુધી કોમલ અને એની સાસુ સુનીતાની પાસે રહેશે. બાળક જ ગૂમ થઈ ગયું હોવાથી એનો પતિ એની કસ્ટડી ક્યાંથી માગી શકે? એ દરમ્યાન ઝૈનબ એના પતિ પાસેથી તલાક મેળવી લે અને સલમાન સાથે લગ્ન કરી લે. ચાર મહિના પછી ઝૈનબ કોમલ પાસેથી એના દીકરાને પાછો મેળવી લે! ઝૈનબનો પ્લાન તો જબરજસ્ત હતો, પણ એની ફરિયાદ પછી અમારી ટીમે અઢીસો સીસીટીવી ફૂટેજ ચકાસ્યા એમાં ઝૈનબ હસતા મોઢે કોમલને બાળક સોંપતી હોય એ દ્રશ્ય પણ ઝડપાઈ ગયેલું! ઝૈનબ, સલમાન, કોમલ અને તેની સાસુ સુનીતાની ધરપકડ કરવામાં આવી છે. બાળક હજુ ધાવણું હોવાથી એ ઝૈનબની સાથે જેલમાં જ રહેશે. એ પછી બાળકની કસ્ટડી કોને સોંપવી એનો ફેંસલો અદાલત કરશે.

ઝૈનબે તો જનેતા તરીકે પુત્ર પોતાની પાસે રહે એ માટે કાચુંપાકું કાવતરું કરેલું, પરંતુ આ શહેરની તાજી ઘટનામાં તો જનેતાએ બદલાના ઝનૂનથી પુત્રના અપહરણની વાર્તા બનાવેલી!

તારીખ ૧૨-૭-૨૦૨૪, શુક્રવારે સાંજે પાંત્રીસ વર્ષની માયા (નામ કાલ્પનિક છે) વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર બ્રીજેશસિંગ પાસે રડીને ફરિયાદ નોંધાવે છે કે સાહેબ, મારા એકના એક દીકરાનું અપહરણ થયું છે, એને શોધી આપો! મારું નામ માયા. પતિ સાથે વિવાદ ચાલે છે, એટલે હું એકલી મારા સાત વર્ષના દીકરા સાથે વિજયનગરમાં રહું છું. એ ત્રીજા ધોરણમાં ભણે છે. આજે સ્કૂલેથી આવતી વખતે જ એનું અપહરણ થયું છે. સ્કૂલેથી એ ઘેર ના આવ્યો એટલે હું એના બધા દોસ્તારોના ઘેર જઈ આવી, પણ કોઈને કંઈ ખબર નથી.

ઈન્સ્પેક્ટરે એને પૂછયું. 'તમને કોઈના ઉપર શંકા છે?'

'શંકા નહીં, સાહેબ! પૂરેપૂરી ખાતરી છે!' માયાએ આત્મવિશ્વાસથી કહ્યું. 'મારા દીકરાના અપહરણમાં એ બે નાલાયકનો જ હાથ છે. તમે એ બંનેને પકડી લો એટલે મારા દીકરાનો પત્તો મળી જશે.' હડહડતા ધિક્કાર સાથે માયાએ જાણકારી આપી. 'એ બંને વિજયનગરમાં જ રહે છે. તમે એમના નામ નોંધી લો. આશુ શર્મા અને લોકેશ ચૌહાણ. એમણે જ મારા દીકરાનું અપહરણ કર્યું છે!'

માયાએ બાળકનો ફોટો અને પેલા બંનેનું સરનામું પણ પોલીસને આપ્યું. પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને માયાને ધરપત આપી કે ચિંતા ના કરો. તમારો ફોન નંબર મેં લખી લીધો છે, અત્યારે ઘેર જાવ. વહેલામાં વહેલી તકે એ બંનેને પકડીને તમારા દીકરાને પાછો મેળવી આપીશ.

તારીખ ૧૫-૭-૨૦૨૪ સોમવારે સાંજે માયાનો દીકરો વિજયનગર પોલીસસ્ટેશનમાં આવી ગયો! બીજા દિવસે ડી.સી.પી. (સીટી) કુંવર જ્ઞાનંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને આરોપીઓને રજૂ કર્યા. એ બંને આરોપીઓ આશુ શર્મા અને લોકેશ ચૌહાણ નહોતા, પણ ખુદ માયા અને એનો મિત્ર નીરજસિંહ અઘાણા હતા!

એ બંનેને મીડિયા સામે રજૂ કરીને કુંવર જ્ઞાનંજયસિંહે અપહરણની આ વિચિત્ર ઘટનાની પૂરી વિગત આપી.

પતિ સાથે ઝઘડો થયા પછી માયા પોતાના પુત્રને લઈને પાંચ વર્ષ અગાઉ એકલી ગાઝિયાબાદમાં આવી ગઈ હતી અને વિજયનગરમાં રહેતી હતી. એકલી રહેતી દેખાવડી સ્ત્રીને જોઈને એને મદદ કરવાના બહાને આશુ શર્મા નામના યુવાને માયા સાથે પૂરેપૂરો ઘરોબો કેળવી લીધો. માયાને પણ કોઈ સહારાની જરૂર તો હતી જ એટલે એણે પણ આશુ શર્મા સાથેના સંબંધોમાં કોઈ છોછ ના રાખ્યો. અલબત્ત, માયાને આવા કામચલાઉ સંબંધોમાં રસ નહોતો. એક સ્ત્રી તરીકે એ આશુ શર્મા સાથે લગ્ન કરીને નવેસરથી ઘરસંસાર વસાવવા માગતી હતી. આશુ અનેક વાર આખી રાત માયાના ઘરમાં જ પડયો રહેતો હતો. એને બધી જ છૂટ આપી દીધા પછી માયાએ એના પર લગ્ન માટે દબાણ શરૂ કર્યું. આશુએ તો માત્ર મોજમજા માટે જ માયાનો લાભ લીધો હતો, માયા સાથે લગ્ન કરવા એ તૈયાર નહોતો! જાતજાતના બહાના કાઢીને એ માયાની વાત ટાળતો રહ્યો. પુરુષની બહાનાબાજી સ્ત્રીની સામે કેટલો વખત ટકે? એની દાનત પરખાઈ ગઈ એટલે જૂન, ૨૦૨૦માંમાયાએ એને ધમકી આપી કે બધો લાભ લીધા પછી તું મને દગો આપીશ, તો હું તને જોઈ લઈશ! એણે ધમકી આપી એટલે આશુએ નફટાઈથી એને ચોખ્ખી ના પાડી દીધી.

આશુની આવી મેલી રમતથી માયા વિફરી. એણે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આવીને આશુ શર્મા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી. કેસ ચાલ્યો. આશુ થોડો સમય જેલમાં રહ્યો, પરંતુ વકીલ લોકેશ ચૌહાણ આશુનો અંગત મિત્ર હતો. એણે કાનૂની કાર્યવાહી કરીને આશુને જામીન અપાવ્યા. આજની તારીખે એ કેસ ચાલુ છે અને આશુ જામીન ઉપર બહાર છે. ધૂંધવાયેલી માયા આશુ અને લોકેશ સામે બદલો લેવાના પેંતરા વિચારતી હતી. એણે મે, ૨૦૨૪ માં ફરી વાર પોલીસને ફરિયાદ કરી કે આશુ અને લોકેશે મારા ઘરમાં આવીને મારી સાથે મારપીટ કરી છે! પોલીસે તપાસ કરી, પણ ચાલાક આશુ અને લોકેશે કોર્ટમાં સાબિત કર્યું કે આ આખો કેસ બનાવટી છે!

એ બંને ઉપર બદલો લેવા માટે માયા હવે આરપારની લડાઈ લડી લેવા માગતી હતી. ફેસબૂકના માધ્યમથી માયાએ સિકંદરાબાદ નિવાસી નીરજસિંહ અઘાણાને પોતાનો મિત્ર બનાવ્યો હતો. નીરજને માયા સાથે તમામ પ્રકારના સંબંધ હતા. નીરજની સાથે મળીને માયાએ પોતાના સાત વર્ષના દીકરાનું આશુ અને લોકેશે અપહરણ કર્યું છે એવો ખતરનાક પ્લાન બનાવ્યો.

માયાએ અપહરણની ફરિયાદ નોંધાવી એ પછી પોલીસ તપાસમાં અમે રજેરજની માહિતી મેળવી. તારીખ ૧૨-૭-૨૦૨૪ ના દિવસે માયાએ સ્કૂલમાં ફોન કર્યો કે સાહેબ, મારા દીકરાને લેવા માટે મારી બહેનપણી શબ્બો સ્કૂલે આવશે, તો એને આપી દેશો? સ્કૂલવાળાએ ના પાડી અને સ્કૂલ છૂટયા પછી એક શિક્ષક જ બાળકને માયાના ઘેર મૂકી ગયેલો. એ પછી બાળકને લઈને માયા શબ્બોના ઘેર ગઈ અને એને કહ્યું કે મારા હાથમાં તકલીફ છે, એટલે ડૉક્ટરને ત્યાં જવાનું છે. ત્યાં સુધી તું આને તારા ઘેર રાખીશ? બહેનપણી તરીકે શબ્બોએ હા પાડી એટલે બાળકને ત્યાં મૂકીને માયા નીકળી ગઈ.

સાંજે સાત વાગ્યે નીરજ માયાને ત્યાં આવી ગયો એટલે માયાએ એને સમજાવ્યું કે તું શબ્બોને ત્યાંથી મારા દીકરાને લઈને જતો રહે. પાંચેક દિવસ તારી પાસે રાખજે અને એને ગોખાવી દેજે કે હું સ્કૂલમાંથી નીકળ્યો એ પછી રસ્તામાં આશુ શર્મા અને લોકેશ ચૌહાણ કારમાં આવ્યા અને મને ધમકાવીને કારમાં બેસાડીને ક્યાંક લઈ ગયેલા! પાંચ દિવસ પછી મારા દીકરાને દૂધમાં હળવી ઘેનની દવા નાખીને પિવડાવી દેજે અને વિજયનગર પોલીસ સ્ટેશનના ઓટલા પાસે મૂકી જજે. એ પહેલા એને પેલા બે નામ સતત ગોખાવતો રહેજે!

રાત્રે આઠ વાગ્યે અકળાયેલી શબ્બોએ માયાને ફોન કર્યો કે તારા દીકરાને લેવા તું કેમ નથી આવી ? માયાએ એને કહ્યું કે નીરજ નામના ભાઈ હમણાં આવીને એને લઈ જશે. રાત્રે આઠ વાગ્યે નીરજ શબ્બોના ઘેર ગયો અને બાળકને લઈને એ પોતાના ઘેર ગયો અને માયાએ પોલીસસ્ટેશનમાં આશુ ને લોકેશ વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી!

એ બંનેને પકડીને અમે પૂછપરછ કરી, એમની એલીબાઈ ચકાસી, કોલ ડિટેઈલ્સ ચેક કરી; પરંતુ એ બંનેનો આ અપહરણમાં હાથ નથી એવી અમને ખાતરી થઈ ગઈ. એ બંનેએ જૂની અદાવતની વાત કહીને અમને જણાવ્યું કે આ તો અમને ફસાવી દેવાનું ગંભીર કાવતરું છે. એ પછી અમે માયાની કોલ ડિટેઈલ્સ ચકાસી તો એમાં સ્કૂલ, નીરજ અને શબ્બોની સાથે વાત થયેલી એ જાણકારી મળી એટલે અમે એ દિશામાં તપાસ શરૂ કરી.

આ બાજુ એવું બન્યું કે બાળકને લઈને નીરજ એના ઘેર ગયો ત્યારે એના મા-બાપ ચિડાયા. માયા સાથે નીરજના લફરાની એમને ખબર હતી એટલે એમણે નીરજને ધમકાવીને કહ્યું કે આ ચક્કરમાં તો તું જેલમાં જઈશ. આ બાળક આપણા ઘરમાં ના જોઈએ! અકળાયેલો નીરજ બાળકને લઈને એના મામાને ત્યાં ગયો, પરંતુ નીરજના બાપાએ ત્યાં ફોન કરી દીધેલો એટલે મામાએ બંનેને જમાડયા, પણ બાળકને રાખવાની ના પાડી દીધી! પોતે કારણ વગર આ ઝંઝટમાં ફસાઈ ગયો છે, એનું ભાન થયું એટલે નીરજે વિચાર્યું કે હવે શું કરવું?

આ તરફ શબ્બોની પૂછપરછ દ્વારા પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે બાળક નીરજની પાસે જ છે, એટલેમાત્ર નીરજને જ શોધવાનો હતો. 

નીરજને અંતે એક રસ્તો સૂઝયો. માયાની એક માસી હાપૂડમાં રહે છે એવી એને ખબર હતી અને એમનું સરનામું પણ એ જાણતો હતો. બાળકને લઈને એ માયાની માસીને ત્યાં ગયો. માસી તો નીરજને ઓળખતા નહોતા એટલે માયાના દીકરાને એની સાથે આવેલો જોઈને એમને લગીર નવાઈ તો લાગી, એ છતાં એમણે આદરસત્કાર કર્યો. જમી લીધા પછી નીરજે એમને કહ્યું કે માયાના દીકરાને તમે રાખો હું કાલે સાંજે આવીને લઈ જઈશ. આખી વાત માસીને વિચિત્ર લાગી, પણ માયાના દીકરાને સાચવવામાં એમને કોઈ વાંધો નહોતો. નીરજ તો ગયો એ ગયો-સાંજને બદલે છેક બીજા દિવસની સવાર સુધી એ આવ્યો નહીં એટલે માસી દીકરાને લઈને ગાઝિયાબાદ આવ્યા. માયાના ઘેર તાળું હતું એટલે માસીએ પાડોશીને પૂછયું તો પાડોશીએ કહ્યું કે કંઈક પોલીસનું લફરું છે!

માસીએ બુધ્ધિ વાપરીને ડહાપણનું કામ કર્યું. દીકરાને લઈને એ સીધા વિજયનગર પોલીસ્ટેશને પહોંચી ગયા. એમણે અમારા ઈન્સ્પેક્ટરને કહ્યું કે આ રહ્યો માયાનો દીકરો! એમ કહીને એમણે નીરજ મૂકવા આવેલો એ બધી કથા કહી. માસી પાસેથી જાણકારી મેળવીને પોલીસે ફોન કરીને માયાના સાસુ- સસરાને બોલાવ્યા અને કાયદેસરની વિધિ પતાવીને બાળકનો કબજો એમને સોંપી દીધો. એક ટીમ નીરજ અને માયાની શોધમાં વ્યસ્ત હતી. મોબાઈલ લોકેશનના આધારે સિધ્ધાર્થનગરમાંથી એ બંને પણ ઝડપાઈ ગયા!

બદલાની ભાવનાથી બાળકના અપહરણની ખોટી સ્ટોરી તો બનાવી, પણ એમાં એ બંનેને(મ્શજી) ભારતીય ન્યાય સંહિતા કલમ ૬૧(૨) ગુનાઈત કાવતરું અને ૧૩૭(૨) અપહરણની સજા મળશે!


Google NewsGoogle News