Get The App

બધી જ હત્યામાં એક ગોળી કાનપટ્ટી પર અને બીજી છાતી પર ડાબી બાજુ મારેલી હતી

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
બધી જ હત્યામાં એક ગોળી કાનપટ્ટી પર અને બીજી છાતી પર ડાબી બાજુ મારેલી હતી 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- કરોડપતિ રાજેન્દ્ર ગુપ્તા અને પરિવારની સ્મશાનયાત્રા માટે બધાએ ફાળો ભેગો કર્યો. ભીડમાં વાત ચાલી કે અગાઉ ચાર હત્યા કરનાર રાજેન્દ્રે આ ચારેયની હત્યા કરી!

- રાજેન્દ્ર ગુપ્તા

- નીતુ ગુપ્તા

- નવેન્દ્ર

- ગૌરાંગી

- શુભેન્દ્ર

- વિશાલ ઉર્ફે વિક્કી

- શારદાદેવી

વિ શ્વના પ્રાચીન શહેરોમાં ભારતનું કાશી ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. કાશી, બનારસ અને વારાસણી-આ ત્રણેય નામથી ઓળખાતી આ નગરીમાં સેંકડો મંદિરો  આવેલા છે. આવી ધર્મનગરીમાં તારીખ ૫-૧૧-૨૦૨૪ના દિવસે કાળજું કંપાવી મૂકે એવી ભયાનક ઘટના બની!

વારાણસીના રાજેન્દ્ર ગુપ્તા (૪૮ વર્ષ) કરોડોના આસામી. ભદૈની વિસ્તારમાં પાવર હાઉસની સામે એમનો પાંચ માળનો રહેણાંકનો ટાવર અને એની આસપાસમાં પતરાના શેડ પણ ખરા. એમના આ ફ્લેટમાં ભાડવાત તરીકે ચાલીસ પરિવાર રહેતા હતા. દર મહિને દસ લાખની આવક હતી. નજીકમાં શિવાલા ગામમાં દેશી દારૂનો જથ્થાબંધ વેપાર હતો. પહેલે અને બીજે માળના ત્રણ ફ્લેટમાં એમનો પરિવાર રહેતો હતો. બાકીના બધામાં ભાડવાતો રહેતા હતા. એમના પરિવારમાં વૃધ્ધ માતા શારદાદેવી (૭૮ વર્ષ), બીજી વારની પત્ની નીતુ (૪૫ વર્ષ) અને એમના બે પુત્રો નવેન્દ્ર (૨૫ વર્ષ) અને શુભેન્દુ (૧૫ વર્ષ) અને પુત્રી ગૌરાંગી (૧૬ વર્ષ).

તારીખ ૫-૧૧-૨૦૨૪ સવારે અગિયાર વાગ્યે કામવાળી રીટાએ પહેલે માળ જઈને ડોરબેલ વગાડી પણ કોઈએ બારણું ખોલ્યું નહીં. રીટાએ બારણાંને ધક્કો માર્યો, તો એ ખૂલી ગયું. એ અંદર ગઈ અને રૂમની વચ્ચોવચ લોહીના ખાબોચિયામાં નીતુ ગુપ્તાની લાશ જોઈને ચીસ પાડીને એ બીજે માળ દોડી. ત્યાં પણ બારણું ધક્કાથી જ ખૂલી ગયું. ફરસ પર લોહીથી લથબથ નવેન્દ્રની લાશ પડી હતી. રૂમના ખૂણામાં ગૌરાંગીની લાશ પડી હતી અને શુભેન્દુની લાશ બાથરૂમના બારણાં પાસે પડી હતી!

હબકી ગયેલી રીટાની ચીસોથી શારદાદેવી અને બધા ભાડવાતો દોડી આવ્યા. માતા, પુત્રી અને બે પુત્રો- એક સાથે ચારેયની હત્યાથી બધા સ્તબ્ધ હતા. સહુના મનમાં એક જ સવાલ હતો કે રાજેન્દ્ર ગુપ્તા ક્યાં છે? 

રાજેન્દ્ર કરોડોનો માલિક હતો, પણ એનો ભૂતકાળ એક નહીં, ચાર ચાર હત્યાથી ખરડાયેલો હતો. એના પિતા લક્ષ્મીનારાયણ ગુપ્તા પાસે કરોડોની સંપત્તિ હતી. એના વારસદાર તરીકે રાજેન્દ્ર અને એનો નાનો ભાઈ કૃષ્ણા-એ બે ભાઈઓ જ હતા. રાજેન્દ્રને લાગ્યું કે પિતાજી કૃષ્ણા ઉપર વધારે હેત રાખે છે અને મિલકતનો મોટો હિસ્સો એને આપવા માગે છે. તારીખ ૧૦-૬-૧૯૯૭ના દિવસે કૃષ્ણા અને એની પત્ની બબીતા ભરઊંઘમાં હતા ત્યારે પોતાના મિત્ર અનિલ યાદવની સાથે જઈને રાજેન્દ્રે એ બંનેને બુલેટસ્ ધરબીને મારી નાખ્યા હતા! પિતા લક્ષ્મીનારાયણે પોલીસસ્ટેશનમાં રાજેન્દ્ર વિરૂધ્ધ બેવડી હત્યાની ફરિયાદ નોંધાવી હતી. રાજેન્દ્રની અને અનિલ યાદવની ધરપકડ તો થઈ, પરંતુ પુરાવાના મામલે પોલીસ કાચી પડી અને બે મહિનામાં જ રાજેન્દ્ર જામીન મેળવીને બહાર આવી ગયો! કૃષ્ણા અને બબીતાની હત્યા રાજેન્દ્રે જ કરી છે, એ પિતા જાણતા હોવાથી પિતા-પુત્રના સંબંધો વણસી ગયા હતા. ગભરાયેલા લક્ષ્મીનારાયણે પોતાની સુરક્ષા માટે એક પગારદાર બોડીગાર્ડ રાખ્યો હતો જે સતત એમની સાથે રહેતો હતો. ભાઈ-ભાભીની હત્યાના છ મહિના પછી તારીખ ૫-૧૨-૧૯૯૭ની રાત્રે રાજેન્દ્રે અનિલ યાદવ સાથે મળીને પિતા લક્ષ્મીનારાયણ અને એમના બોડીગાર્ડના શરીરમાં બે બે બુલેટ ધરબી દીધી! નાના ભાઈ-ભાભી, પિતા અને એમના બોડીગાર્ડની હત્યા પછી રાજેન્દ્ર ગુપ્તા કરોડોની સંપત્તિનો એક માત્ર માલિક બની ગયો! માતા શારદાદેવીએ પોલીસ ફરિયાદમાં રાજેન્દ્રનું જ નામ આપેલું. એ છતાં, પોલીસને કોઈ પુરાવો ના મળ્યો અને માતૃપ્રેમને લીધે શારદાદેવીએ પણ નિવેદન બદલ્યું અને રાજેન્દ્ર છ મહિનામાં બહાર આવી ગયો! કાયદાના હાથમાંથી એ બચી ગયો, પરંતુ એની પત્નીએ નક્કી કરી લીધું કે આવા રાક્ષસ સાથે ના રહેવાય. બે વર્ષના દીકરાને સાથે લઈને એ પોતાના મામાને ઘેર પ.બંગાળના આસનસોલ જતી રહી! એના ગયા પછી રાજેન્દ્રે પોતાના એક બ્રાહ્મણ ભાડવાતની દીકરી નીતુ સાથે પ્રેમલગ્ન કરી લીધેલા અને આ ત્રણ સંતાનનો બાપ બનેલો.

અત્યારે બુલેટસ્થી વિંધાયેલી નીતુ, ગૌરાંગી, નવેન્દ્ર અને શુભેન્દુની લાશ અને રાજેન્દ્રની ગેરહાજરી જોઈને લોકોમાં જાતજાતની ચર્ચા ચાલતી હતી. વારાણસીમાં પન્ના બાબા નામના તાંત્રિકનો દબદબો છે. અનેક ધનિકોના ગોડફાધર બનીને એમણે મબલખ સંપત્તિ વસાવેલી અને એમની માલિકીની દોઢસો રિક્ષાઓ શહેરમાં ભાડે ફરે છે. ભીડમાં કોઈએ કહ્યું કે પન્ના બાબાએ રાજેન્દ્રને એવું કહેલું કે તારી પત્ની નીતુ તારા દારૂના કારોબારમાં અંતરાયરૂપ છે, એને લીધે રાજેન્દ્ર જ આ બધાને મારીને ક્યાંક ભાગી ગયો છે. સગા ભાઈ-ભાભી અને બાપની હત્યા કરનાર આ માણસ તો ગમે તે કરી શકે! 

પછી તો ભીડમાં એ જ વાત ચાલી કે અગાઉ ચાર હત્યા કરનાર રાજેન્દ્રે આ ચારેયની હત્યા કરી! કોઈકે ફોન કરેલો એટલે પોલીસનું ધાડું પણ આવી ચૂક્યું હતું અને એમની પણ ધારણા આવી જ હતી. સર્વેલાન્સ ટીમને રાજેન્દ્રના મોબાઈલનું લોકેશન વારાણસીથી ચૌદ કિલોમીટર દૂર મીરાપુર-રામપુરનું મળ્યું. ત્યાં પણ રાજેન્દ્રના મકાનો હતા. પોલીસની જીપ ત્યાં પહોંચી. ત્યાં એક નિર્માણાધીન મકાનમાં પલંગમાં રાજેન્દ્રની લાશ નગ્ન હાલતમાં પડી હતી! પોલીસે માની લીધું કે પત્ની અને ત્રણેય સંતાનોની હત્યા કર્યા પછી રાજેન્દ્રે આત્મહત્યા કરી હશે! પરંતુ ચાલાક પોલીસ અધિકારીએ લાશનું નિરીક્ષણ કરીને કહ્યું કે રાજેન્દ્રને એક ગોળી કાન પાસે અને બીજી એક ગોળી છાતીમાં વાગી છે-એટલે કે એણે આત્મહત્યા નથી કરી, એની પણ હત્યા જ કરવામાં આવી છે!

એક સાથે આખો પરિવાર સાફ થઈ ચૂક્યો હતો. તમામ ભાડવાતોની જેમ પોલીસટીમ પણ સ્તબ્ધ હતી. વૃધ્ધ માતા શારદાદેવીને કંઈ પૂછી શકાય એવી એમની હાલત નહોતી. પંચનામું કરીને પાંચેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી પરંતુ એક્સરે મશીનની ગરબડને લીધે અડતાળિસ કલાક પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ફોરેન્સિક ટીમ અને પી.એમ. રિપોર્ટ મુજબ રાજેન્દ્રની હત્યા સૌથી પહેલા-તારીખ ૪-૧૧-૨૦૨૪ની રાત્રે સાડા અગિયાર વાગ્યે કરવામાં આવેલી અને એ પછી હત્યારાએ અહીં આવીને રાત્રે દોઢેક વાગ્યે બાકીના ચારની હત્યા કરેલી!

નસીબનો ખેલ તો જુઓ! પાંચેય લાશને હોસ્પિટલથી સીધી સ્મશાનઘાટ લઈ જવાની હતી. એ માટે ત્રણ શબવાહિનીની જરૂર હતી. એ ડ્રાઈવરોએ ત્રીસ હજાર રૂપિયા માગ્યા. પૈસા કોણ આપે? કરોડોના માલિક રાજેન્દ્ર ગુપ્તા અને એના પરિવારની સ્મશાનયાત્રા માટે બધા ભાડવાતોએ ત્યાં જ ફાળો ભેગો કર્યો. ઓગણીસ હજાર રૂપિયામાં શબવાહિનીઓવાળાને સમજાવ્યા અને પાંચેય લાશના અગ્નિસંસ્કાર માટેના લાકડાનો ખર્ચ પણ એ ફાળામાંથી જ ચૂકવાયો!

તમામ ભાડવાતોને રાજેન્દ્ર પ્રત્યે નફરત હતી, પરંતુ નીતુ માટે દરેકને આદરભાવ હતો. દર મહિને ભાડું ઉઘરાવવાનું કામ પણ નીતુ જ કરતી હતી. નીતુ ફેસબૂક્માં પોતાના સંતાનો સાથેના જ ફોટા મૂકતી હતી, પતિ સાથેનો એકેય ફોટો એણે ક્યારેય મૂક્યો નહોતો.

હત્યારાએ બધાને ઊંઘતા જ ઝડપીને .૩૨ બોરની પિસ્તોલથી જ પાંચેય હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દરેકને એક ગોળી કાનપટ્ટી પર અને એક ગોળી છાતીમાં ડાબી બાજુ મારવામાં આવી હતી. શારદાદેવી હવે સ્વસ્થ થયા હતા, પણ ઉંમરને લીધે એમની યાદશક્તિ નબળી હતી. એ છતાં, એ એક માત્ર વ્યક્તિ હતા કે જે પોલીસને જાણકારી આપી શકે. ડી.સી.પી. (કાશી ઝોન) ગૌરવ બંસવાલ જાતે શારદાદેવી પાસે આવીને એમને સાંત્વના આપવાની સાથે વિગતો મેળવવા મથી રહ્યા હતા. શારદાદેવી જેમ યાદ આવે એમ તૂટક તૂટક માહિતી આપી રહ્યા હતા...રાત્રે જમ્યા પછી નીતુ અને ત્રણેય બાળકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા..આવી બધી વાતોની વચ્ચે એમણે બીજી જે જાણકારી આપી એને લીધે પોલીસ ચોંકી ઉઠી અને એમને હત્યારાની કડી મળી ગઈ!

એ હકીકત સમજવા માટે ઈ.સ. ૧૯૯૭ની ઘટના યાદ કરવી પડશે. રાજેન્દ્રે પોતાના નાના ભાઈ કૃષ્ણા અને એની પત્ની બબીતાની હત્યા કરી ત્યારે એમના ત્રણેય સંતાનો એમની સાથે જ સૂતા હતા. એ સમયે એ ત્રણેય પાંચ-સાત વર્ષના જ હતા. ભાઈ-ભાભીની હત્યા કર્યા પછી એમના સંતાનોની જવાબદારી લોકલાજે રાજેન્દ્રે ઉઠાવી લીધી હતી અને ત્રણેયને સાથે રાખીને ભણાવ્યા હતા. મોટી દીકરી અનુપ્રિયાના લગ્ન પણ કરાવી આપ્યા હતા. મોટા પુત્ર વિશાલ ઉર્ફે વિક્કીએ ચેન્નાઈ-વેલ્લોરમાંથી એમ.સી.એ. કરીને સોફ્ટવેર ડેવલેપર તરીકે નોકરી મેળવેલી. નાનો પુત્ર પ્રશાંત ઉર્ફે જુગનુએ પણ આઈ.ટી.ની પસંદગી કરીને દિલ્હીમાં નોકરી મેળવી લીધી હતી. 

હત્યાના સમાચાર જાણીને દિલ્હીથી અનુપ્રિયા પોતાના પતિ સાથે વારાણસી આવી પહોંચી હતી. નાનો પુત્ર પ્રશાંત પણ આવી ગયો હતો, પરંતુ મોટા પુત્ર વિશાલ ઉર્ફે વિક્કીનો કોઈ પત્તો નહોતો! 

શારદાદેવીએ પોલીસને કહ્યું કે રાજેન્દ્રે એ ત્રણેય ભાઈ-બહેનને ઘરમાં રાખીને મોટા કર્યા અને ભણાવ્યા, પરંતુ વિક્કીને રાજેન્દ્ર સાથે જરાયે બનતું નહોતું. રાજેન્દ્ર એને હડધૂત કરતો હતો અને ઝૂડતો પણ હતો. એનું જોઈને રાજેન્દ્રનો મોટો દીકરો નવેન્દ્ર પણ વિક્કી ઉપર હાથ ઉપાડતો હતો! શારદાદેવીએ સૌથી મહત્વની વાત એ કહી કે વિક્કી ચોથી તારીખે અહીં આવીને મને મળ્યો હતો. સત્યાવીસ વર્ષ અગાઉની ગમખ્વાર ઘટના એ ભૂલ્યો નહોતો. પોતાના મા-બાપને રાજેન્દ્રે મારી નાખ્યા હતા, એ દ્રશ્ય એણે પાંચ વર્ષની ઉંમરે નજરે જોયેલું. એને લીધે એ વેરની આગમાં સળગતો હતો. 

ચોથી તારીખે આવીને એણે મને કહ્યું હતું કે દાદી! હું ખાસ આ કામ માટે જ આવ્યો છું. મારા મા-બાપને મારનાર રાજેન્દ્રના આખા પરિવારને હું મારી નાખીશ!

ઘરના એક નોકરે પણ કહ્યું કે વિક્કીને મેં ચોથી તારીખે ઘરમાં જોયો હતો. હવે પોલીસ માટે સૌથી મહત્વનું કામ વિક્કીને શોધવાનું હતું. વિક્કીના નાના ભાઈ પ્રશાંત ઉર્ફે જુગનુને તો પોલીસે પોતાની પકડમાં જ રાખ્યો હતો. પોલીસને એક જ વાક્ય એ કહેતો હતો કે આ જે બન્યું એની મને કંઈ ખબર નથી. બહેન અનુપ્રિયાના રાજેન્દ્રે લગ્ન કરાવ્યા, ત્યારે વિક્કી એના લગ્નમાં પણ નહોતો આવ્યો. અનુપ્રિયાના પતિએ પોલીસને જણાવ્યું કે અહીં આવ્યા પછી લોકોની વાતો સાંભળીને મને ભૂતકાળમાં રાજેન્દ્રે કરેલી ચાર હત્યાની ખબર પડી. લગ્ન માટેની વાત કરતી વખતે તો રાજેન્દ્રે એમ જ કહેલું કે અનુપ્રિયાના મા-બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એણે હસીને ઉમેર્યું કે અત્યારે અનુ સાથે હું સુખી છું, પરંતુ જો એ વખતે મને આ વાતની ખબર પડી હોત તો ચાર હત્યા કરનારના પરિવારની પુત્રી સાથે હું લગ્ન ના કરતો!

પાંચ હત્યાની પાકી શંકા જેના ઉપર છે એ વિક્કીની શોધમાં વારાણસી પોલીસની અનેક ટીમો સક્રિય બની ચૂકી છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી વિક્કીનો કોઈ પત્તો મળ્યો નથી. સોફ્ટવેર ડેવલપર તરીકે વિક્કીએ જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં બેંગલોર અને હૈદ્રાબાદમાં પોલીસની ટીમ પહોંચીને લીલા તોરણે પાછી ફરી છે. છેલ્લે વિક્કી અમદાવાદની એક આઈ.ટી. કંપનીમાં હતો એટલે એક ટીમ અમદાવાદ પણ આવેલી. એમને અહીંથી એટલી જાણકારી મળી કે અમદાવાદમાં જે ફ્લેટમાં વિક્કી રહેતો હતો એ ફ્લેટ એણે ૨૦-૧૦-૨૦૨૪ ના દિવસે ખાલી કરી નાખ્યો હતો અને સહકર્મીઓને કહેલું કે બીજે સારી નોકરી મળી ગઈ છે એટલે આ નોકરી છોડી રહ્યો છું. એના બધા મોબાઈલ પણ ત્યારથી જ એણે બંધ કરી દીધા હતા. પોલીસની ટીમે સેંકડો સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો માત્ર એટલી જાણ થઈ કે અમદાવાદથી નીકળીને એણે યાત્રા શરૂ કરેલી. હરિદ્વાર અને જમ્મુથી વૈષ્ણોદેવીના દર્શન કરીને એ ચોથી તારીખે સવારે વારાણસી આવેલો!

વિક્કીના માતા-પિતાની હત્યા કરતી વખતે રાજેન્દ્રએ બંનેને બે ગોળી જ મારેલી. એક ગોળી કાનપટ્ટી ઉપર અને એક ગોળી છાતીમાં ડાબી બાજુ. એ બંને ઊંઘતા હતા ત્યારે જ એમને ખતમ કરી દીધેલા. રાજેન્દ્ર અને એના પરિવારની હત્યા પણ એ જ સ્ટાઈલમાં થઈ છે. કાનપટ્ટી પર અને છાતીમાં ગોળી અને ઊંઘમાં જ મોત!

વિક્કીને શોધવા માટે વારાણસીની પોલીસના અથાક પ્રયત્નો ચાલુ છે. છતાં, મહત્વનો પ્રશ્ન એ છે કે ધારો કે એ પકડાશે તો પણ શું થશે? વર્ષો અગાઉ રાજેન્દ્રે નાના ભાઈ-ભાભીની હત્યા કરેલી, એના પિતા લક્ષ્મીનારાયણ ફરિયાદી બનેલા; છતાં પુરાવાના અભાવે રાજેન્દ્ર છૂટી ગયેલો. એના છ મહિના પછી એણે પિતા અને એમના બોડીગાર્ડની હત્યા કરેલી ત્યારે માતા શારદાદેવી ફરિયાદી બનેલા, પણ કોર્ટમાં નિવેદન બદલી નાખેલું અને પુરાવાના અભાવે રાજેન્દ્ર છૂટી ગયેલો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચાલીસ ભાડવાતોના પરિવારના સવાસો માણસોમાંથી એક પણ વ્યક્તિ પોલીસ માટે સાક્ષી બનવા તૈયાર નથી! આ પાંચ હત્યાનો પોલીસ પાસે એક પણ નક્કર પુરાવો નથી.માત્ર નોકરે કહેલું કે ચોથી તારીખે એણે વિક્કીને ઘરમાં જોયેલો. એ ઉપરાંત શારદાદેવીએ જે વાત કરી એના ઉપર પોલીસ કેટલો આધાર રાખી શકે? વર્ષો અગાઉ પુત્રપ્રેમને લીધે એમણે નિવેદન બદલેલું. હવે તો માત્ર આ બે પૌત્રો જ બચેલા છે. એમાંય વિક્કી માટે એમને અત્યંત લાગણી છે. ડી.સી.પી. ગૌરવ બંસવાલ સાથેની વાતચીતમાં શારદાદેવી એમ પણ બોલી ગયા કે મારા બંને પૌત્રો વિક્કી અને જુગનુ ચાલાક અને સમજદાર છે. એ બંને હવે આ કરોડોની પ્રોપર્ટીનો વહીવટ આરામથી સંભાળી શકશે! 

વિક્કીના ભાગ્યમાં શું લખાયું હશે કરોડોની મિલકત? કે ફાંસીનો ગાળિયો? એનો જવાબ તો આવનારો સમય આપશે! 


Google NewsGoogle News