માસૂમ પુનિતની હત્યા કોણે કરી? .

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
માસૂમ પુનિતની હત્યા કોણે કરી?                                      . 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- 'તમારા એકના એક પૌત્રને જીવતો પાછો મેળવવો હોય તો કોઈને કશી વાત કર્યા વગર રોકડા પચાસ લાખ તૈયાર રાખો. એ પૈસા ક્યાં પહોંચાડવાના છે, એની જાણ કરતી ચિઠ્ઠી બે દિવસમાં તમારા ઘરના છાપરા ઉપર મળી જશે.'

- ખેતરમાં લાશ

- પુનિતની લાશ

- પુનિતની શોધમાં ગામલોકો

- સુમન યાદવ

- માસુમ પુનિત

ઉ ત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઈંચોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાનકડા ધનપુર ગામમાં રવિવાર, તારીખ ૯-૬-૨૦૨૪ની સવારે જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ આખું ગામ ખળભળી ઉઠયું હતું. છ વર્ષના માસુમ બાળકની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી એટલે આખા ગામના લોકો ટોળું બનીને પીડિત પરિવારના ઘર પાસે સ્તબ્ધ બનીને ઊભા હતા. વિગતવાર ઘટનાની વાત કરીએ, એ અગાઉ સંબંધિત પાત્રોનો પરિચય મેળવી લઈએ.

જયભગવાન યાદવ સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીને સાત વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા. બાપ-દાદાની પુષ્કળ જમીનના એ માલિક હતા એટલે ગામના સૌથી સમૃધ્ધ ત્રણેક પરિવારોમાં એમનું સ્થાન હતું. જયભગવાનને સંતાનમાં બે દીકરા.નાનો દીકરો દાલચંદ યાદવ લશ્કરમાં જોડાયો હતો. અત્યારે એનું પોસ્ટિંગ મેરઠ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હતું. એ હજુ કુંવારો હતો.

મોટો પુત્ર ગોપાલ યાદવ ઉત્તરપ્રદેશ પોલીસમાં નોકરી કરતો હતો. એ અત્યારે સહરાનપુરના ગંગોહ પોલીસસ્ટેશનમા ંહેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. જયભગવાને ગોપાલના લગ્ન જ્ઞાતિમાં જ કરાવેલા. ગોપાલની પત્નીનું નામ સુપ્રભા. એમને સંતાનમાં આઠ વર્ષની દીકરી ખુશી અને છ વર્ષનો પુત્ર પુનિત. ગોપાલ યાદવ એના પરિવાર સાથે નોકરીના સ્થળે જ રહેતો હતો, પરંતુ વેકેશન પડે ત્યારે સુપ્રભા બાળકોને લઈને ધનપુર આવી જતી હતી.

સુપ્રભાને સાસુ-સસરા સાથે સારું બનતું હતું. અત્યારે ખુશી અને પુનિતને લઈને અહીં આવેલી હતી. દાદા-દાદીના રાજમાં બાળકોને ખૂબ મજા આવતી હતી. રવિવાર, તારીખ : ૯-૬-૨૦૨૪ સવારે સાત વાગ્યે જ દૂધ પીને પુનિત બહાર શેરીમાં બીજા બાળકો સાથે રમવા ભાગી ગયો હતો.

એ આઠ વાગ્યા સુધી પાછો ના આવ્યો એટલે દાદા જયભગવાન એને શોધવા નીકળ્યા. બીજા બાળકોને પૂછયું, પણ એમાંથી કોઈએ પુનિતને જોયો જ નહોતો. હવે એમને ચિંતા થઈ. એમણે પાડોશીઓને પૂછયું, પણ કોઈને પુનિતની ખબર નહોતી. જયભગવાને ઘેર આવીને બધાને કહ્યું એટલે બધા ચિંતાતુર થઈ ગયા.

જયભગવાનની ખેતી ખૂબ વિશાળ હતી. એમના ખેતરમાં કાયમી મજૂર તરીકે કામ કરતો ટીટુ યાદવ એ વખતે એમના ઘરમાં જ હતો. સાડા આઠ વાગ્યે ટીટુનો આઠ વર્ષનો દીકરો હાથમાં એક ચિઠ્ઠી લઈને આવ્યો. એની સાથે એની મા- ટીટુ યાદવની પત્ની- સુમન પણ આવી હતી. 

'દાદા, આ ચિઠ્ઠી ગઈ કાલે સાંજે મારા ઘર પાસે ચબૂતરા પર કોઈ છોકરો મૂકી ગયો હતો.' સુમને કહ્યું એ પછી જયભગવાને એ કાગળ વાંચ્યો. નોટબૂકના કાગળમાં લખાયેલી એ ચિઠ્ઠીમાં શબ્દો નહીં, પણ જાણે અંગારા હતા.એ વાંચતી વખતે એમના કપાળે પરસેવો વળી ગયો અને એ ધૂ્રજી ઉઠયા. 'તમારા એકના એક પૌત્રને જીવતો પાછો મેળવવો હોય તો કોઈને કશી વાત કર્યા વગર રોકડા પચાસ લાખ તૈયાર રાખો. એ પૈસા ક્યાં પહોંચાડવાના છે, એની જાણ કરતી ચિઠ્ઠી બે દિવસમાં તમારા ઘરના છાપરા ઉપર મળી જશે. પૈસા કરતા દીકરાની કિંમત વધારે છે, એટલે પોલીસને જાણ કરવાની મૂર્ખામી ના કરતા. તમારી એકેએક હિલચાલ ઉપર સીસીટીવીની જેમ અમારી નજર છે. પચાસ લાખ કે પૌત્ર-એ તમારે નક્કી કરવાનું છે!'

જયભગવાન યાદવે ધમકીથી ગભરાયા વગર તરત જ ૧૧૨ નંબર જોડીને પોલીસને જાણ કરી. એટલી વારમાં તો ગામમાં જાણ થઈ ગઈ હતી એટલે ગામલોકો પણ એમના ઘર પાસે આવી ગયા. નાનકડો પુનિત તો આખા ગામનો લાડકો હતો એટલે પોલીસ ટીમની સાથે ગામલોકોનું ટોળું પણ પુનિતને શોધવા માટે નીકળ્યું. ગામની શેરીઓ ફરી વળ્યા પછી બધા ગામ બહાર ખેતરો તરફ દોડયા. અર્ધા લોકો રસ્તાની જમણી બાજુના ખેતરોમાં અને અર્ધા લોકો ડાબી બાજુમાં ખેતરો ખંખોળી રહ્યા હતા. જયભગવાનના ઘરથી પાંચસો મીટર દૂર શેરડીના ખેતરમાં એક ગ્રામવાસીની નજર પડી. એણે ચીસ પાડી એટલે પોલીસની ટીમ સહિત આખું ટોળું ત્યાં દોડી આવ્યું.

શેરડીના ખેતર વચ્ચે છ વર્ષના માસુમ પુનિતની લાશની હાલત કમકમાટી ઉપજાવે એવી હતી. એના હાથ-પગ બંધાયેલા હતા. એ ચીસો ના પાડે એ માટે એના મોઢામાં શેરડીનો સાંઠો ઠાંસી દેવાયો હતો. બાજુમાં જ પડેલા બીજા શેરડીના સાંઠાનો છેડો લોહી-માંસથી ખરડાયેલો હતો, એના વડે પુનિતની જમણી આંખ ફોડી નાખવામાં આવી હતી! જે કપડાથી એની ગરદન ભીંસી નાખવામાં આવેલી, એ દુપટ્ટા જેવું કપડું પણ લાશની પાસે પડયું હતું!

અરેરાટીભર્યા આક્રોશ સાથે ગામલોકો વિફર્યા. આટલી ભયાનક ક્રરતાથી આ નિર્દોષ બાળકની હત્યા કરનાર હત્યારાને પકડો-એ માગણી સાથે એમણે ચક્કાજામ કર્યો અને પોલીસને લાશ ઉઠાવવા ના દીધી! આખું ગામ ત્યાં આવી ગયું હતું અને લોકોનો ઉશ્કેરાટ એટલો જબરજસ્ત હતો કે પોલીસ ટીમે તરત જ જીજીઁ ને ફોન કર્યો. ગામના પ્રતિતિ સજ્જનનો પૌત્ર અને હેડ કોન્સ્ટેબલના પુત્રની ક્ર હત્યાનો મામલો હતો અને ગામલોકો ચક્કાજામ કરીને બેઠા હતા. ગામમાં પણ ટેન્શન હતું. એને લીધે પરિસ્થિતિ સંભાળવા માટે જીજીઁ રોહિતસિંહ સજવાણે આસપાસના પાંચ પોલીસસ્ટેશનમાંથી ટીમો બોલાવી અને પોતે પણ ધનપુર દોડી આવ્યા. ઉશ્કેરાયેલા ગામલોકોને એમણે ખાતરી આપી કે વહેલામાં વહેલી તકે હત્યારાને પકડીને એને સખત સજા કરાવીશું. એમની અર્ધા કલાકની સમજાવટ પછી છેક બપોરે દોઢ વાગ્યે ગામલોકો સંમત થયા. પંચનામું કરીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી.

પુનિતની જનેતા સુપ્રભા તો આ સમાચાર સાંભળીને બેભાન બનીને ફસડાઈ પડી હતી. સુપ્રભાની બહેન સુનીતા બાજુના ગામમાં જ રહેતી હતી. પુનિત ગૂમ થયાના સમાચાર જાણીને એ એના પતિ સાથે અહીં આવી ગઈ હતી. હત્યાના સમાચાર જાણીને એ પણ માથું પટકીને રડતી હતી. ગઈ કાલે બપોરે તો એણે ફોન કરીને ખુશી અને પુનિત સાથે વાત કરી હતી. એ વખતે પુનિતે એને કહેલું કે માસી, મારે અને ખુશીને તમારા ઘેર આવવું છે, તમે આવીને અમને લઈ જાવ. એ વાત યાદ કરીને એ ધૂ્રસકે ધૂ્રસકે રડીને બબડતી હતી કે હે પ્રભુ! હું કાલે જ આવીને એને લઇ ગઈ હોત તો આજે આ દિવસ જોવો ના પડતો! પાડોશી સ્ત્રીઓ આ બંને બહેનોને સંભાળવા માટે મથામણ કરતી હતી.

જીજીઁ રોહિતસિંહ સજવાણે જયભગવાન યાદવને સાંત્વના આપીને પૂછયું કે વડીલ, તમને કોઈના ઉપર શંકા છે? એ વખતે જયભગવાને જણાવ્યું કે અમારા પિતાની જમીન અંગે મારે મારા ભાઈ ચરણસિંહ સાથે અણબનાવ થયેલો. ચરણસિંહ તો અત્યારે હયાત નથી, પણ એનો દીકરો મનોજ અમારી સાથે દુશ્મનાવટ રાખે છે. એણે કોર્ટ કેસ પણ કરેલો છે અને દસેક દિવસ અગાઉ એણે અહીં આવીને મારી સાથે ઝઘડો કરીને ધમકી પણ આપેલી! મારા એ ભત્રીજા મનોજે આ કાળું કામ કર્યું હોય એવી મને શંકા છે! અમને ઊંધા રસ્તે દોરવા એણે પચાસ લાખની ચિઠ્ઠી મોકલાવેલી.

જીજીઁ એ એ જાસાચિઠ્ઠી જોઈને પૂછયું કે આ તમારી પાસે કઈ રીતે આવી? જયભગવાને સુમનનું નામ આપ્યું એટલે જીજીઁ એ એને બોલાવી અને પૂછયું એટલે સુમને કહ્યું કે ગઈ કાલે સાંજે એક છોકરો આ ચિઠ્ઠી દાદાના ઘર પાસે ચબૂતરા ઉપર મૂકી ગયેલો. બાહોશ જીજીઁ ને એ જ વખતે વિચાર આવ્યો કે અપહરણ આજે થયું અને એના આગલા દિવસે કોઈ આ રીતે ચિઠ્ઠી કેમ મોકલે?એ પણ નોટબૂકમાંથી પાનું ફાડીને? એમને સીધી જ સુમન ઉપર શંકા પડી. પોલીસ ટીમે તરત જ સુમનના ઘરની ઝડતી લીધી ત્યારે એ નોટબૂક મળી કે જેમાંથી આ પાનું ફાડવામાં આવ્યું હતું! તરત જ સુમનને અટકાયતમાં લઈને પોલીસે એની પૂછપરછ શરૂ કરી.

સુમન અને એના પતિ ટીટુ યાદવની કથા પણ વિચિત્ર છે. ટીટુ યાદવના પિતા રામપાલ યાદવ પાસે પુષ્કળ જમીન હતી. રામપાલને સંતાનમાં પાંચ દીકરા. રામપાલના અવસાન પછી પાંચેય ભાઈઓના ભાગ પડયા અને દરેકને સારી એવી રકમ મળી. બાકીના ત્રણ ભાઈઓ બીજા ગામમાં રહેવા જતા રહ્યા. ટીટુ અને રાજુ એ બે ભાઈઓ ધનપુરમાં જ રહ્યા. દારૂની આદત અને આડાઅવળા ધંધાને લીધે એમણે પૈસા ઊડાડી માર્યા અને જયભગવાનને ત્યાં મજૂરી શરૂ કરી. સુમનના અગાઉ દિલ્હીમાં લગ્ન થયેલા, પણ સુમનની દારૂની આદતને લીધે બે જ મહિનામાં એના પતિએ એને કાઢી મૂકેલી. અહીં પાછા આવીને એણે ટીટુ જોડે સંસાર માંડેલો. સુમનની બહેન પૂજાને પણ દારૂની આદત હતી. એ આ ગામના દીપક નામના યુવક સાથે પરણેલી, પરંતુ એના અપલક્ષણ પારખીને દીપકે એને દોઢ મહિનામાં જ તગેડી મૂકેલી. એણે રાજુ સાથે લગ્ન કર્યા. આમ આ બે ભાઈઓને કોઈ દેતું નહોતું અને પેલી બે બહેનોને કોઈ લેતું નહોતું-આ રીતે એ બે સગા ભાઈ સાથે આ બંને સગી બહેનો પરણેલી! ચારેય દારૂડિયા હતા એટલે કોઈ કોઈને રોકે-ટોકે એવી સ્થિતિ નહોતી. ચારેય જયભગવાનને ત્યાં ખેતમજૂર તરીકે કામ કરીને જીવતા હતા.

પોલીસની આકરી પૂછપરછ સામે ટકી શકવાનું સુમનનું ગજું નહોતું. એણે પોતાનો ગુનો કબૂલી લીધો. એણે પોલીસને જણાવ્યું કે ચાર દિવસ અગાઉ એક અગત્યના કામ માટે મારે દસ હજાર રૂપિયાની જરૂર હતી. અમારા માટે તો જયભગવાનનો જ આશરો, એટલે હું એમની પાસે ગઈ અને દસ હજાર ઉછીના માગ્યા. એમણે મારી દારૂની ટેવની ટીકા કરી અને કહ્યું કે આ પૈસા તો તું દારૂમાં ઊડાડી મારીશ. દાદાએ મને પૈસા આપવાની ના પાડી તોય હું ત્યાં ઊભી રહીને એમને કરગરતી રહી. એ જ વખતે ગામનો સુથાર એમની પાસે આવ્યો અને એણે દાદા પાસે પંદર હજાર રૂપિયા ઉછીના માગ્યા. મારી હાજરીમાં જ દાદાએ ફટ દઈને કબાટ ખોલીને એને પંદર હજાર રૂપિયા આપી દીધા! એ જોઈને મારા રુંવાડે રુંવાડે આગ લાગી અને આ અપમાનનો બદલો લેવા દાદાના એકના એક પૌત્રને મારી નાખવાનો નિર્ધાર કર્યો.

વેરની આગમાં હું ભાન ભૂલી ગઈ હતી. મારા ઉપર કોઈને શંકા ના આવે એટલે ખંડણીની ખોટી ચિઠ્ઠી લખીને એમને પહોંચાડી, પણ એ જ મારાથી ભૂલ થઈ ગઈ. સવારે પુનિત બહાર રમતો રમતો મારા ઘર પાસે આવ્યો. એ વખતે શેરીમાં કોઈ નહોતું. મેં મારી બહેન પૂજાને પણ સાથે લીધી. પુનિતને કહ્યું કે અમે ખેતરમાં ટયુબવેલમાં નહાવા જઈએ છીએ. ત્યાં ખૂબ મજા આવે છે. બોલ, તારે આવવું છે નહાવા? એ તરત તૈયાર થઈ ગયો. એને ખેતરમાં લઈ ગયા પછી મેં એના હાથ-પગ બાંધી દીધા. એણે ચીસો પાડવાનું શરૂ કર્યું એટલે એના મોઢામાં શેરડીને સાંઠો ખોસીને એને મૂંગો કરી દીધો. વેરની આગમાં હું એવી સળગતી હતી કે મને કંઈ ભાન નહોતું રહ્યું. અત્યારે પસ્તાવો થાય છે, પણ એ વખતે તો એની આંખ ફોડતી વખતે કે એનું ગળું દબાવતી વખતે પણ મારા હાથ નહોતા ધૂ્રજ્યા!

સુમન, ટીટુ અને પૂજાને પોલીસે પકડી લીધા હતા એ છતાં આખા ગામમાં ઉશ્કેરાટ હતો. પુનિતની માતા સુપ્રભાની હાલત દયાજનક હતી. એ વારંવાર બેહોશ થઈને લથડી પડતી હતી. એને લીધે પોસ્ટમોર્ટમ પછી પુનિતની લાશને રાત્રે ઘેર લાવવાનું બધાને યોગ્ય ના લાગ્યું ગંગાનગરમાં જ એક સંબંધીના ઘેર લાશની સાથે બધા પુરુષો રોકાઈ રહ્યા અને સવારે લાશને લઈને ધનપુર આવ્યા. આખા ગામમાં શોકનું વાતાવરણ હતું. પુનિતની અંતિમયાત્રામાં આખું ઘનપુર ગામ ઉપરાંત આસપાસના ગામમાંથી પણ લોકો જોડાયા હતા. પરિસ્થિતિ પારખીને જીજીઁ એ ચાર પોલીસસ્ટેશના સ્ટાફને અહીં બોલાવી લીધો હતો અને ટ્રાફિક જીઁ રાઘવેન્દ્ર મિશ્રાને પણ એમની ટીમ સાથે બોલાવી લીધા હતા. સ્મશાનમાં જયભગવાનના દોહિત્ર ચિરાગે મુખાગ્નિ આપ્યો એ વખતે સેંકડો લોકોની આંખ ભીની હતી.

અગ્નિસંસ્કારની વિધિ પતી એ પછી જયભગવાને જીજીઁ રોહિતસિંહ સજવાણેને કહ્યું કે સુમને કબૂલાત તો કરી, પરંતુ એ મને અધૂરી લાગે છે. આટલા વર્ષોથી સુમનના ઘરનો ચૂલો અમારા પગારથી જ સળગે છે, એટલે માત્ર દસ હજાર રૂપિયા માટે સુમન આવું કામ કરે, એ વાત મારા ગળે નથી ઊતરતી. મારો ભત્રીજો મનોજ અમને દુશ્મન માને છે અને અમારે જમીનનો ઝઘડો ચાલે છે-એટલે સો ટકા એણે જ સુમનને ખૂબ મોટી રકમની લાલચ આપીને એની પાસે આ કાળું કામ કરાવ્યું હશે. તમે મારી ફરિયાદ નોંધી લો.

પોલીસે આ ફરિયાદના આધારે કેસ નોંધીને મનોજ યાદવની પણ ધરપકડ કરી છે. હત્યા કોણે કરી? શા માટે કરી? એ તપાસ ચાલુ છે અને જે કંઈ પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી ચાલ્યા કરશે. એ દરમ્યાન ગોપાલ અને સુપ્રભાની આંખ સામે જેટલી પણ વાર પુનિતનો ચહેરો તરવરશે એટલા વાર એમની આંખ વરસતી રહેશે!


Google NewsGoogle News