એક તરફી પ્રેમનું વરવું પરિણામ! .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- મારી તો બીક લાગે એટલે એણે મને નહોતું કહ્યું પણ સોનુએ એના મામા-મામીને કહેલું કે હું મેહનાઝ સાથે લગ્ન કરવાનો છું!
- મેહનાઝ
- સદ્દામ
- રિઝવાન
- સોનુ
- ઘટનાસ્થળ
કો ઈ યુવાન પોતાના મામાના ઘેર આવે અને ત્યાં પાડોશમાં રહેતી યુવતી સાથે માત્ર વાત કરવા જેટલો જ સંબંધ હોય એ પરિસ્થિતિમાં જો એ યુવાન એવા વહેમમાં જીવતો થઈ જાય કે એ યુવતી મને પ્રેમ કરે છે -એ પછી એ યુવાન એકતરફી પ્રેમમાં પાગલ બનીને એ યુવતી પાસે અભદ્ર કહેવાય એવી માગણી કરે ત્યારે શું થાય? એમાં પણ એ યુવતીને ભોળવીને લીધેલી સેલ્ફીનો ઉપયોગ કરીને એ યુવાન બ્લેકમેઈલિંગનો પ્રયત્ન કરે તો એનું પરિણામ કેવું આવે? ઉત્તરપ્રદેશની આવી એક તાજી ઘટના ચોંકાવનારી છે.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાનું બિલારી શહેર મુરાદાબાદથી સાંઈઠ કિલોમીટર દૂર આવેલું છે. બુધવાર, તારીખ ૧૧-૯-૨૦૨૪ની સવારે બિલાનીથી દસેક કિલોમીટર દૂર સૈફાની વિસ્તારમાં ખેડૂતો શેરડીના ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે એ આખું ટોળું ચમકીને ઊભું રહી ગયું. એમાંથી એક ખેડૂતે હિંમત કરીને પોલીસને ફોન કર્યો કે સાહેબ! અહીં બૈરૂઆ પૂલ પાસે શેરડીના ખેતરમાં એક લાશ પડી છે!
પોલીસની જીપ તો ધડાધડ આવી ગઈ, પણ લાશની હાલત જોઈને એમનું મગજ પણ ચકરાઈ ગયું. લાશ માત્ર ધડની હતી, એનું મસ્તક ગૂમ હતું! લાશની ઓળખ માટે પાકીટ કે મોબાઈલ હોવાની તો કોઈ શક્યતા જ નહોતી, કારણ કે એ લાશ ઉપર એકેય વસ્ત્ર પણ નહોતું! લાશના નિરીક્ષણથી અનુભવી પોલીસને માત્ર એટલો ખ્યાલ આવતો હતો કે આ લાશ કોઈ પચ્ચીસ કે સત્યાવીસ વર્ષના યુવાનની છે. લાશની આસપાસ કોઈ એવી નિશાની પણ નહોતી કે જેથી એની ઓળખ મળી શકે.
પંચનામું કરીને પોલીસે માથા વગરની લાશને રામપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી. માથું જડે ત્યારે આ ધડ અને એ માથું એક જ વ્યક્તિના છે એની ખાતરી માટે ડી.એન.એ. ટેસ્ટ પણ જરૂરી હતો એ માટે સેમ્પલ લેવાની પણ સૂચના આપી. આસપાસના તમામ પોલીસસ્ટેશનમાં જાણ કરી કે કોઈ યુવાન ગૂમ થયાની ફરિયાદ તમારે ત્યાં નોંધાઈ હોય તો તાત્કાલિક એ ફરિયાદ કરનાર પરિવારને લઈને રામપુર આવી જાવ.
બિલાની પાસેના સહસપુરના રૂસ્તમનગરમાં રહેતા સાબિરઅલી એમના પરિવાર સાથે એ રાત્રે રામપુર હોસ્પિટલમાં દોડી આવ્યા. ચહેરો તો હતો નહીં, એ છતાં ધડના કદ-કાઠી ઉપરથી સાબિરઅલીએ પોતાના લોહીને ઓળખી લીધું. ભીની આંખે એમણે ઈન્સ્પેક્ટરને કહ્યું કે આ મારો દીકરો સોનુ જ છે! એમણે પોલીસને કહ્યું કે સોનુ તારીખ ૯-૯-૨૦૨૪, સોમવારે સાંજે સાતેક વાગ્યે ઘેરથી નીકળેલો. કહેલું કે બે કલાકમાં પાછો આવીશ પણ એ પછી એ પાછો ના આવ્યો. અમે અમારા સંબંધીઓ અને સોનુના દોસ્તારોના ઘેર તપાસ કરેલી, પણ એનો પત્તો ના મળ્યો. ભાંગી પડેલા સાબિરઅલી ધ્રૂસકે ધ્રૂસકે રડતા હતા. એમણે કહ્યું કે ક્યાંયથી દીકરાનો પત્તો ના મળ્યો એટલે આજે બપોરે જ એ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી અને રાત્રે તો જીવતા દીકરાને બદલે એની લાશ મળી, એ પણ માથા વગરની!
કાલે સવારથી અમારી ટીમ એ આખા વિસ્તારને ફેંદી નાખશે..ઈન્સ્પેક્ટરે સાબિરઅલીને ધરપત આપી..જેણે હત્યા કરી છે એણે સોનીનું માથું પણ આસપાસમાં જ ક્યાંક સંતાડયું હશે.
બીજા દિવસે સવારથી જ પોલીસની ટીમોએ શેરડીના ખેતરોની આસપાસ તમામ જગ્યાઓમાં શોધખોળ શરૂ કરી. બપોરે ત્રણ વાગ્યે એમની મહેનત ફળી. ધડ જ્યાંથી મળ્યું હતું એનાથી બે કિલોમીટર દૂર કચરાના ઢગલામાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી, એમાં કપાયેલું મસ્તક હતું! સાથે લોહીવાળો છરો પણ હતો. સાબિરઅલીને બોલાવ્યા ત્યારે પુત્રનું કપાયેલું મસ્તક જોઈને એ ફસડાઈ પડયા. માથાના પણ ડી.એન.એ. માટે સેમ્પલ લઈને આખી લાશ પરિવારને સોંપવામાં આવી. ડી.એન.એ. ના સેમ્પલ મુરાદાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા.
તમારા દીકરાની હત્યા કોણે કરી હશે એ માટે તમને કોઈના ઉપર શંકા હોય તો ફરિયાદમાં એનું નામ લખાવો. પોલીસે સાબિરઅલીને આવું કહ્યું ત્યારે એમણે જાણકારી આપી કે મારા દીકરા સોનુને એક છોકરી સાથે લફરું હતું. ખાતરી નથી, પણ એ લફરાની બબાલમાં જ હત્યા થઈ હશે એવું મને લાગે છે. એ છોકરીનું નામ-સરનામું લખી લો. મારું સાસરું એટલે કે સોનુનું મોસાળ બિલારી શહેરના સૈફનીમાં મઝરા મહોલ્લામાં છે. સોનુ વારંવાર મોસાળમાં જતો હતો, ત્યાં એના મામાની પાડોશમાં રહેતી મેહનાઝ નામની છોકરી સાથે એની આંખ મળી ગઈ હતી. મારી તો બીક લાગે એટલે એણે મને નહોતું કહ્યું પણ સોનુએ એના મામા-મામીને કહેલું કે હું મેહનાઝ સાથે લગ્ન કરવાનો છું!
પોલીસ માટે આટલી જાણકારી પૂરતી હતી. પોલીસની જીપ મઝરા મહોલ્લામાં પહોંચી ગઈ અને મેહનાઝનું ઘર શોધી કાઢયું. મહિલા સબ ઈન્સ્પેક્ટરે મેહનાઝને પોલીસસ્ટેશને લઈ જવાનું કહ્યું એટલે મેહનાઝનો ભાઈ સજ્જાદ પણ મેહનાઝની સાથે જીપમાં બેસી ગયો. ભાઈ અને બહેન બંને પોલીસસ્ટેશને પહોંચ્યા. એ બંનેનું મોં ખોલાવવા માટે પોલીસને કોઈ મહેનત કરવાની જરૂર ના પડી. એમણે બેફિકરાઈથી ગુનો કબૂલી લીધો.
બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય આરોપીઓને રજૂ કરીને એમની કબૂલાતના આધારે પોલીસે મીડિયાકર્મીઓને વિગતવાર આખી ઘટનાની જાણકારી આપી.
મઝરા મહોલ્લામાં રહેતી મેહનાઝ બિલારીના થાંવલા વિસ્તારમાં આવેલી પોલિટેકનીક કૉલેજમાં અભ્યાસ કરતી હતી. ભણવામાં હોંશિયાર અને તંદુરસ્તી સારી હોવાથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાવાની એની ઈચ્છા હતી. તાજેતરમાં લેવાયેલી ઉત્તરપ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા એણે આપી હતી અને પેપર ખૂબ સારું ગયું હોવાથી એને પાસ થવાની પૂરી ખાતરી હતી. એને લીધે હવે પછી લેવાનાર ફિઝિકલ ફીટનેસની ટેસ્ટ માટે એ તૈયારી કરી રહી હતી.
આજથી છ મહિના અગાઉ એ કૉલેજથી ઘેર આવતી હતી ત્યારે બસમાં એની મુલાકાત સોનુ સાથે થઈ. સોનુનું ઘર બિલારીના સહસપુર વિસ્તારમાં હતું, પણ એના મામાનું ઘર તો મેહનાઝના જ મહોલ્લામાં હતું. સોનુએ વાત આગળ વધારી અને મામાને ત્યાં એના આંટાફેરા વધી ગયા. મેહનાઝનો પરિવાર રૂઢિચુસ્ત હતો અને મેહનાઝ પણ એકદમ સીધીસાદી છોકરી હતી. એના મનમાં તો કોન્સ્ટેબલ બનીને પોલીસખાતામાં આગળ વધવાની જ ધૂન હતી, પરંતુ સોનુ તો પહેલી જ નજરે મેહનાઝના પ્રેમમાં પડી ગયો હતો. મિત્ર તરીકે સોનુ અને મેહનાઝે પરસ્પર મોબાઈલ નંબરની પણ આપ-લે કરી હતી. ગુડમોર્નિંગના મેસેજથી આગળ વધીને સોનુએ શાયરી મોકલવાનું શરૂ કર્યું ત્યારે મેહનાઝે એને અટકાવીને કહી દીધેલું કે હવે પછી આવા મેસેજ મોકલતો નહીં! સોનુએ એની વાત સ્વીકારીને મેસેજ મોકલવાનું બંધ કરી દીધું. બંને વચ્ચે મિત્રતાનો સંબંધ આ રીતે ચાલુ રહ્યો.
વારંવાર મામાને ત્યાં આવીને સોનુ મેહનાઝ સાથે વાત કરવાની તક ઝડપી લેતો હતો. એક દિવસ ઘરના ઓટલા પર મેહનાઝ એકલી બેઠી હતી ત્યારે સોનુ ત્યાં આવ્યો. આડીઅવળી થોડી વાતો કરીને એણે મેહનાઝને કહ્યું કે આવતી કાલે તો તું મોટી પોલીસ ઑફિસર બની જઈશ, પછી તો ક્યારેય મળવાનું પણ નહીં બને. પ્લીઝ, આજે એક સેલ્ફી તારી સાથે લેવા દે-તો એ મારા માટે કાયમી સંભારણું બની જશે. ભોળી મેહનાઝે કમને સંમતિ આપી અને સોનુએ એની તદ્દન નજીક જઈને ત્રણ સેલ્ફી લીધી. એ ત્રણેય છબીમાં બંનેના ચહેરા સાવ નજીક હોય એવી સોનુએ ચાલાકી કરી હતી.
એ પછી થોડા દિવસ પછી સોનુ મામાને ત્યાં આવ્યો. ફોન કરીને એણે મેહનાઝને મામાના ઘર પાસે બોલાવી. મેહનાઝ ત્યાં ગઈ ત્યારે સોનુએ એને કહ્યું કે કાલે બપોરના શૉમાં મારી સાથે પિક્ચર જોવા માટે તારે આવવાનું છે. મેં ટિકિટ બૂક કરાવી રાખી છે. મેહનાઝ ભડકી. એણે સોનુને કહ્યું કે આવી રીતે તારી સાથે હું ક્યાંય બહાર આવવાની નથી, એટલે ફિલ્મ જોવા માટે તારી મમ્મી કે બહેનને સાથે લઈ જજે! એ વખતે તો સોનુ ઘીસ ખાઈ ગયો પણ બીજા અઠવાડિયે ફરીથી આવીને એણે નફ્ફટ થઈને મેહનાઝને કહ્યું કે આજે ના પાડીશ તો નહીં ચાલે. જલસો કરવા માટે હોટલમાં રૂમ બૂક કરાવી છે. એની આ વાત સાંભળીને મેહનાઝ વિફરી અને એણે સોનુને ધમકાવીને કહ્યું કે તું તારા મનમાં શું સમજે છે? મિત્ર માનીને તારી સાથે હસીને વાત કરી એમાં તો તેં શું ધારી લીધું? પ્લીઝ, હવે મારી સાથે વાત પણ ના કરતો, મોબાઈલમાં પણ તારો નંબર બ્લોક કરી દઈશ.
તું મારી સાથે આવવાની ના પાડે છે? સોનુએ ચિડાઈને કહ્યું અને ધમકી આપી કે આપણા બંનેના જે ફોટા છે એ વાયરલ કરીને આખી દુનિયાને જણાવીશ કે અમે લગ્ન કરવાના છીએ! મેં અહીં મામાના ઘેર તો આ ફોટા બતાવીને કહી જ દીધું છે કે હું મેહનાઝ સાથે જ શાદી કરવાનો છું! એને કંઈ જવાબ આપ્યા વગર મેહનાઝ સીધી ઘેર જતી રહી. હવે એને પોતાની મૂર્ખામી ઉપર રડવું આવતું હતું. આવા હલકટ સાથે બોલવાનો સંબંધ રાખ્યો એ પણ મારી ભૂલ હતી, એણે નાલાયકી કરીને ફોટા પાડયા અને હવે એની બીક બતાવીને મને હોટલમાં લઈ જવા દબાણ કરે છે!
મહોલ્લામાં ફોટાની વાત ફેલાઈ અને એ વાત મેહનાઝના ભાઈ સદ્દામ સુધી પહોંચી. એણે મેહનાઝને ધમકાવીને પૂછયું ત્યારે મેહનાઝે
રડતા રડતા આખી વાત કહી એટલે સદ્દામની કમાન છટકી. પોતાની બહેનની આવી રીતે બદનામી કરનાર બદમાશને સજા તો કરવી જ પડે! સોનુને ખતમ કરી નાખવાનું ઝનૂન મનમાં ઘૂંટાતું હતું એટલે મદદ માટે એણે પોતાના અંગત મિત્ર રિઝવાનને ઘેર બોલાવ્યો. સદ્દામ, રિઝવાન અને મેહનાઝ- ત્રણેય જણાએ સાથે બેસીને બે દિવસમાં પ્લાન બનાવ્યો. ત્રીજા દિવસે મેહનાઝે ફોન કરીને સોનુને મળવા બોલાવ્યો. એ દિવસે સોનુને બીજું કંઈક કામ હતું એટલે એ ના આવ્યો. બીજા દિવસે (તારીખ ૯-૯-૨૦૨૪) મેહનાઝે ફરીથી ફોન કર્યો એટલે સાંજે સોનુ આવી ગયો. સૈફની પાસે સોનુ આવ્યો એટલે મેહનાઝ એને કાચા રસ્તે શેરડીના ખેતર પાસે લઈ ગઈ. ત્યાં રિઝવાન અને સદ્દામ સંતાઈને બેઠા હતા. એ લોકો પૂરું પ્લાનિંગ કરીને જ આવ્યા હતા. રિઝવાને સોનુને પકડીને નીચે પાડયો. રસ્સીથી એના હાથ- પગ બાંધી દીધા. એ પછી રિઝવાને એના હાથે જકડી રાખ્યા અને મેહનાઝે એના પગ પકડી રાખ્યા. મટન કાપવાના છરાથી સદ્દામે સોનુની ગરદન કાપી નાખી.. જ્યાં સુધી માથું ધડથી સાવ અલગ ના થયું ત્યાં સુધી એ દાંત ભીંસીને પ્રહાર કરતો રહ્યો. છરો મારતી વખતે એ બબડતો હતો કે મારી બહેનની તું બદનામી કરતો હતો એટલે ચાર દિવસથી પળેપળ હું મનમાં સળગતો હતો, આજે તને મારીને મને શાંતિ થઈ!
સોનુનું માથું ધડથી અલગ કર્યા પછી લાશની ઓળખ ના થાય એ માટે એના તમામ કપડાં કાઢી નાખ્યા. રિઝવાન, સદ્દામ અને મેહનાઝના કપડાં પણ લોહીથી લથબથ હતા. એ લોકો બીજા કપડાં અને પેટ્રોલનો બાટલો સાથે લાવ્યા હતા. કપડાં બદલીને એમના અને સોનુના લોહીવાળા કપડાં પેટ્રોલ છાંટીને સળગાવી દીધા. લાશનું માથું અને છરો એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને એ થેલી બે કિલોમીટર દૂર કચરાના ઢગલામાં ફેંકી આવ્યા. સોનુ અને મેહનાઝના મોબાઈલ પણ તોડીને કચરામાં ફેંકી દીધા. કોઈ જ પુરાવો છોડયા વગર આ કામ પતાવીને એ ત્રણેય બહુ શાંતિથી પાછા ઘેર આવી ગયા.
અગિયારમી તારીખે માથા વગરની લાશની અમને જાણ કરવામાં આવી એટલે અમે તપાસ શરૂ કરી. સોનુના પિતા સાબિરઅલીએ જે ફરિયાદ નોંધાવી એના આધારે અમે મેહનાઝના ઘેર પહોંચ્યા. મેહનાઝની સાથે એનો ભાઈ સદ્દામ પણ પોલીસસ્ટેશને આવ્યો. પૂછપરછમાં એમણે પોતાના ગુનાની કબૂલાત કરીને આખી હકીકત જણાવી. એમની કબૂલાત પછી અમે રિઝવાનને પણ પકડી લીધો. સોનુની આવી ક્રૂર હત્યા કર્યાનો એમને લગીર પણ અફસોસ નથી, સહેજ પણ પસ્તાવો નથી.
આટલી જાણકારી આપીને પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીની અમે ધરપકડ કરી છે. હત્યા, ગુનાઈત કાવતરૂ અને પુરાવાનો નાશ જેવી વિવિધ કલમો લગાવીને એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
એકતરફી પ્રેમમાં પાગલ બનીને સોનુએ જીવ ગૂમાવ્યો. એની હત્યા બદલ પશ્ચાતાપની કોઈ જ લાગણી વગર મનમા સંતોષ સાથે સદ્દામ અને રિઝવાન જેલના સળિયા પાછળ આરામથી બેઠા છે. મેહનાઝ પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તત્પર હતી અને એ માટે પાકા પાયે તૈયારી કરી રહી હતી, પણ અત્યારે એ ખુદ પોલીસના પહેરા હેઠળ જેલની દીવાલો સામે તાકી રહી છે!