''માન ન માન, મૈં તેરી સંતાન !''
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- તુલારામની આર્થિક સ્થિતિ સાધારણ. જમવામાં ત્યાં સાવ સસ્તી મળતી પાલખની ભાજી અને બટાકાનું મિક્સ શાક બનાવે. આજે તો ત્રીસ વર્ષ પછી દીકરો પાછો આવ્યો હતો એટલે બટાકાને બદલે તુલારામ બજારમાં પનીર ખરીદવા ગયા!
આજની ક્રાઈમ કથામાં છરી, બંદૂક કે હત્યાની કોઈ વાત નથી. મહાન ફિલ્મકાર શોમેન રાજકપૂરની જન્મશતાબ્દી અત્યારે ઉજવાઈ રહી છે, ત્યારે એમની ફિલ્મ જીસ દેશમેં ગંગા બહેતી હૈ નું એક ગીત યાદ આવે છે. મેરા નામ રાજુ, ઘરાના અનામ..ગીતમાં એવું કહેવાયું છે કે મારા પરિવારની કંઈ ખબર નથી. પરંતુ આજે એક એવા રાજુની વાત કહેવાની છે કે જેણે એક નહીં, પણ દસ પરિવારને પોતાનું ઘર બનાવીને જલસા કર્યા!
તારીખ ૨૮-૧૧-૨૦૨૪ની સવારે એક યુવાન દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં આવીને ત્યાંના ખોડા પોલીસસ્ટેશનમાં પહોંચે છે. પોલીસ અધિકારીઓની સામે બેસીને એ રડમસ અવાજે કહે છે કે હું નવ વર્ષનો હતો, ત્યારે અહીં રહેતો હતો. એ પછી નિશાળેથી પાછો આવતો હતો ત્યારે ત્રણ ગુંડાઓ મારું અપહરણ કરીને મને રાજસ્થાનમાં જેસલમેર લઈ ગયેલા અને ત્યાં મારપીટ કરીને મારી પાસે મજૂરી કરાવીને મને પૂરી રાખવામાં આવતો હતો. માર ખાઈ ખાઈને મારું સાચું નામ પણ ભૂલી ગયો છું. એ લોકો મને રાજુ કહેતા હતા. માંડ માંડ ત્યાંથી છટકીને મારા ગામમાં પાછો આવ્યો છું, પણ મારું ઘર-મારા માબાપ- બધુંય ભૂલી ગયો છું. તમે મને મદદ કરો અને મારા મા-બાપ પાસે પહોંચાડો. એની ભીની આંખ અને ઉદાસ ચહેરો જોઈને પોલીસને દયા આવે છે. એના પ્રત્યે હમદર્દી દાખવીને એને જમાડે છે અને એનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને જણાવે છે કે ત્રીસેક વર્ષ અગાઉ કોઈનો પુત્ર ગૂમ થયો હોય તો તાત્કાલિક પોલીસસ્ટેશને આવી જાવ. જૂની ફાઈલો ફેંદીને એ સમયગાળામાં નોંધાયેલી આવી ફરિયાદો પણ શોધી કાઢે છે. શુભનિાથી પોલીસે કરેલી મહેનત ફળી અને એમને ત્રીસ વર્ષ જૂની નોંધાયેલી એક ફરિયાદ જડી ગઈ.
ગાઝિયાબાદના શહીદનગરમાં રહેતા તુલારામ (૭૦ વર્ષ) અને એમની પત્ની લીલાવતીએ (૬૫ વર્ષ), ૧૯૯૩ માં ફરિયાદ નોંધાવેલી કે અમારે ત્રણ દીકરીઓ વચ્ચે એકનો એક દીકરો છે. નવ વર્ષનો અમારો ભીમસિંગ ગૂમ થયો છે, નિશાળેથી પાછો નથી આવ્યો. પોલીસની ટીમ આ રાજુને તુલારામના ઘેર લઈ ગઈ. લીલાવતીને જોઈને રાજુએ કહ્યું કે બા, હું તારો ભીમસિંગ. વર્ષો પછી પાછો આવ્યો છું.
વાત ફેલાઈ અને આખી શેરી એમના ઘર પાસે ભેગી થઈ ગઈ. લીલાવતીએ કપાળ ઉપર વાગ્યાનું નિશાન અને છાતી ઉપરનો તલ જોઈને પોલીસને કહ્યું કે આ મારો ભીમ જ છે! અપહરણ પછી ત્રીસ વર્ષે પાછા આવેલા ભીમસિંગની વાત ટોક ઓફ ટાઉન બની ગઈ અને પત્રકારો ઉપરાંત હિન્દી ન્યૂઝ ચેનલોવાળા પણ ત્યાં દોડી આવ્યા. ન્યૂઝ ચેનલોને ઈન્ટરવ્યુ આપતી વખતે ભીમસિંગ રડીને પોતાની વ્યથાના વિતક સંભળાવતો હતો... મને એક ઓરડામાં પૂરી રાખતા હતા, બકરીઓ ચરાવવા મોકલતા હતા, ખાવા માટે ત્રણ દિવસના વાસી બાજરાના રોટલા અને લીલા મરચાં રૂમમાં નાખતા હતા, કામમાં કંઈક ભૂલ થાય તો બહુ ક્રૂરતાથી મને ઝૂડતા હતા.. એક દિવસ બારીમાંથી એક નાનકડી છોકરી દેખાઈ, એને મેં હાથ જોડીને કહ્યું અને એણે બારણું ખોલી આપ્યું એટલે હું દોડીને ભાગી આવ્યો. ટ્રેનમાં વગર ટિકિટે દિલ્હી ગયો. ત્યાં લોકોને આજીજી કરીને થોડા પૈસા મેળવ્યા અને પછી અહીં મારા ઘેર આવી ગયો..
લીલાવતીના ઉત્સાહનો પાર નહોતો. એણે હોંશે હોંશે દીકરા માટે જમવાનું બનાવવાનું શરૂ કર્યું. તુલારામની આર્થિક સ્થિતિ સાધારણ. જમવામાં ત્યાં સાવ સસ્તી મળતી પાલખની ભાજી અને બટાકાનું મિક્સ શાક બનાવે. આજે તો ત્રીસ વર્ષ પછી દીકરો પાછો આવ્યો હતો એટલે બટાકાને બદલે તુલારામ બજારમાં પનીર ખરીદવા ગયા! અલબત્ત, તુલારામના મનમાં હજુ વિમાસણ હતી કે આ ભીમસિંગ જ હશેને? એમને આવી શંકા હતી, પરંતુ વર્ષો પછી લીલાવતીના ચહેરા પર જે અભૂતપૂર્વ આનંદ દેખાયો, એ જોઈને એમણે પોતાની શંકા જાહેર ના કરી.
લીલાવતી-તુલારામની મોટી બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા. નાની દીકરી હેમા સૌથી રૂપાળી હતી, એના માટે અનેક મુરતિયા તૈયાર હતા, પરંતુ હેમાએ તો મોટીબહેનના લગ્ન વખતે જ પ્રતિજ્ઞા કરેલી કે મા-બાપનું ધ્યાન કોણ રાખશે? મારો ભઈલો ભીમસિંગ પાછો ઘેર આવે એ પછી જ હું લગ્ન કરીશ, નહીં તો કુંવારી રહીને માબાપની સેવા કરીશ!
ભીમસિંગ આવ્યાના સમાચાર ફેલાઈ ગયા એટલે પરણેલી બંને બહેનો અને બીજા સગાંવહાલાં પણ અહીં આવી ગયા હતા અને ઘરમાં મોટા મહોત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું. મોટી પુત્રીની એક દીકરી લીલાવતી પાસે જ રહેતી હતી. ભીમસિંગ વધારે બોલતો નહોતો. માત્ર હેમા અને પેલી નાનકડી દૌહિત્રી સાથે એ વાતો કરતો હતો. હેમા નાનપણની વાતો યાદ કરતી હતી ત્યારે પેલાના પ્રતિભાવ ઉપરથી હેમાને પણ થોડી શંકા પડેલી, પણ માતાને એણે જણાવી નહીં.
તમામ સ્થાનિક અખબારોમાં તો આ જાણે ચમત્કારિક ઘટના હોય એ રીતે ભીમસિંગના ફોટા સાથે એના ઈન્ટરવ્યુ છપાયા હતા. હિન્દી ન્યૂઝ ચેનલોએ પણ ખૂબ સારું કવરેજ આપીને ભીમસિંગ યાતનાઓ વર્ણવતો હોય એ ક્લિપ વારંવાર દર્શાવી અને પુત્ર પાછો મળ્યો એ બદલ લીલાવતી-તુલારામ ઈશ્વરનો આભાર માનતા હોય એ, અને બહેનોનો આનંદ દર્શાવતા દ્રશ્યો પણ દર્શકોને બતાવતા રહ્યા.
ગાઝિયાબાદથી બસો સત્યાવીસ કિલોમીટર દૂર આવેલા દહેરાદૂનમાં ટીવી ઉપર આ બધું જોઈને કપિલ શર્મા અને એની પત્ની આશાદેવી ચોંકી ઉઠયા! એમણે તરત જ પોલીસને ફોન કર્યો કે આ રાજુ નામનો યુવાન તો ચીટર છે. અક્ષરે અક્ષર આવી જ કથા કહીને એ અમારો દીકરો મોનુ શર્મા બનીને ચાર મહિના સુધી અમારા ઘરમાં રહેલો. અમારી લાગણી સાથે રમત કરીને એણે અમને છેતર્યા હતા! પછી એના વર્તનથી અમને થોડી શંકા પડી એટલે એ દિલ્હીમાં નોકરી શોધવાના બહાને અહીંથી ભાગી ગયો હતો!
દહેરાદૂન પોલીસે તરત જ આ બાબતની જાણ ડી.સી.પી. (ટ્રાન્સ-હિન્ડોન) નિમિષ પાટિલને કરી. નિમિષ પાટિલે ગાઝિયાબાદ પોલીસને આદેશ આપ્યો કે આ રાજુ અગાઉ દહેરાદૂનમાં આવી જ વાર્તા કહીને એક શર્મા પરિવારના ઘરમાં ચાર મહિના જલસા કરી આવેલો છે. એ ચીટર છે. પોતાને ભીમસિંગ કહીને રાજુ જેને માતા-પિતા કહે છે, એમના તાત્કાલિક ડી.એન.એ. ટેસ્ટ કરાવો. ટેસ્ટનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આ રાજુ ઉર્ફે ભીમસિંગ ઉર્ફે મોનુ શર્માને પકડીને લોકઅપમાં રાખો.
તુલારામ, લીલાવતી અને એમની ત્રણેય દીકરીઓને ભીમસિંગ મળ્યાનો આનંદ માત્ર બે દિવસ ટક્યો. ત્રીજા દિવસે સવારે પોલીસે આવીને રાજુને પકડયો અને ડી.એન.એ. ટેસ્ટની વાત કહી. પોલીસે તુલારામ અને લીલાવતીને દહેરાદૂનમાં આ માણસે શું કરેલું એની વાત કહી ત્યારે લીલાવતી ભાંગી પડી. ત્રીસ વર્ષ પછી એકનો એક દીકરો પાછો મળ્યાનો એનો આનંદ ઝૂંટવાઈ ગયો.
ભીમસિંગ બનીને આવેલો યુવાન તો ધૂતારો નીકળ્યો, એવા સમાચાર ફેલાયા એટલે ફરીથી મીડિયાકર્મીઓ તુલારામના ઘેર આવી ગયા. લીલાવતીએ ધૂ્રજતા અવાજે કહ્યું કે જાણે ફરીથી દીકરો ગૂમાવ્યો હોય એવું લાગે છે. એ મૂવાને મેં ભીમસિંગના નાનપણના ફોટા બતાવ્યા, આ ફળિયામાં ડગુમગુ ચાલતો હતો ત્યારે મેં એની આંગળી પકડીને કઈ રીતે ચાલતાં શીખવેલું, કાખમાં તેડીને મેળામાં લઈ ગઈ હતી- એ બધી વાત હું કહેતી હતી ત્યારે એ જુઠ્ઠો હા એ હા કરતો હતો અને હું રાજી થતી હતી! ખરેખર કાળજું ફાટી જાય એવી પીડા થાય છે!
તુલારામે કહ્યું કે ઈશ્વરે અમને બચાવી લીધા. ભીમસિંગ બનીને એ અહીં રોકાઈ ગયો હોત, તો આગળ ઉપર એ શું કરતો? મને પહેલેથી થોડી શંકા હતી, પણ એની મા હરખાતી હતી, એટલે એનો આનંદ અકબંધ રાખવા હું મૂંગો રહ્યો. મગજથી કામ લેવાને બદલે હૈયાનું કહ્યું માન્યું એટલે મને મારી જાત ઉપર હસવું આવે છે. ઈશ્વરે આ ક્રૂર મજાક કરી એ પછી નક્કી કરી લીધું છે કે હવે હૈયાની લાગણીને બાજુ પર રાખીને મગજથી જ કામ લઈશ. ઘરની નીચે જ એમની ફ્લોર મિલ છે, અને આખો પરિવાર ઉપર રહે છે. આ ચાર-પાંચ દિવસના વિરામ પછી તુલારામે પોતાની લોટ દળવાની ઘંટી સંભાળી લીધી છે. હેમાએ લગ્ન માટે વિચાર્યું હતું, પણ હવે એ દ્વિધામાં છે.
તારીખ ૫-૧૨-૨૦૨૪ ના દિવસે રાજુની વિધિસર ધરપકડ કરી. એ પછી એની કબૂલાતના આધારે પ્રેસ કોન્ફરન્સમાં ડી.સી.પી. નિમિષ પાટિલે વિગતવાર જાણકારી આપી.
આ રાજુનું મૂળ વતન રાજસ્થાનના અનુપગઢ જિલ્લાના જસદબુગિયા ગામ. એનું સાચું નામ ઈન્દ્રરાજ. ખૂબ નાની ઉંમરથી જ એને ચોરીની આદત પડી ગયેલી. એને લીધે એનો પરિવાર પરેશાન હતો. આઠમા ધોરણમાં નાપાસ થયા પછી એણે અભ્યાસ છોડીને ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. એ અઢાર વર્ષનો થયો ત્યાં સુધીમાં એના પર ચોવીસ કેસ નોંધાઈ ચૂક્યા હતા, એટલે એના બાપાએ છાપામાં જાહેરાત આપીને મિલકતમાંથી એને બેદખલ કરેલો અને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ચોરીના પૈસાથી જલસા કરીને જીવવાની આદત પડી ગયેલી એટલે એણે આ અદભૂત આઈડિયા વિચાર્યો અને અમલમાં મૂક્યો. રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ- આ પાંચ રાજ્યમાં એણે નવ પરિવાર સાથે આવી છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે. આવી છેતરપિંડી કરવામાં એણે પોલીસની હમદર્દીનો પણ પૂરો ગેરલાભ લીધો છે. એની પાવરફૂલ એક્ટિંગને લીધે પોલીસ એના પર દયા દાખવતી હતી. દરેક ગામમાં પોલીસસ્ટેશને જઈને એ પોતાની દર્દભરી દાસ્તાન સંભળાવતો. હું ચાર વર્ષનો હતો ત્યારે મારું અપહરણ થઈ ગયેલું. એ ગુંડાઓએ મારા પર અમાનવીય ત્રાસ ગુજાર્યો અને હું મહાપ્રયત્ને છટકીને ભાગી આવ્યો છું. તમે મને મારા પરિવાર સુધી પહોંચાડો. દરેક વિસ્તારમાં આવી રીતે બાળકો તો ગૂમ થયેલા જ હોય છે. પોલીસ ફાઈલો ઉથલાવીને આવા પરિવાર સુધી એને પહોંચાડે. ખોવાયેલોપુત્ર પાછો મળ્યાની હોંશમાં માબાપ કોઈ નાનીસરખી નિશાનીના આધારે એને પોતાનો દીકરો માની લે અને ઘરમાં રાખીને એની દરેક ઈચ્છા પૂરી કરે. જ્યારે પકડાઈ જવાની બીક લાગે ત્યારે ઘરમાંથી રોકડ અને દાગીના લઈને એ ભાગી જતો!
ગાઝિયાબાદમાં તુલારામ અને લીલાવતીનો પુત્ર ભીમસિંગ બનીને એ રહી ગયો હોત, પરંતુ ટીવી પર સમાચાર જોઈને દહેરાદૂનના કપિલ શર્મા અને આશાદેવીએ અમને જાણ કરી કે આ માણસ તો આવી જ કથા કહીને અમારો દીકરો મોનુ બનીને ચાર મહિના અમારા ઘરમાં જલસાથી રહેલો અને ધાપ મારીને ભાગી ગયેલો! એ પછી અમે એને પકડીને પૂછપરછ કરી ત્યારે એણે નવ પરિવાર સાથે આવી છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે. અગાઉની ઘટનાઓ ભૂલી ગયાનું એ નાટક કરે છે, પણ છેલ્લા અમુક કિસ્સાઓ એણે જણાવ્યા છે. ઈ.સ. ૨૦૨૦ માં રાજસ્થાનના ગંગાનગરમાં આશારામનો દીકરો રામપ્રતાપ બનીને એ બે મહિના રહેલો. પછી દાગીના લઈને ભાગી ગયેલો. ઈ.સ. ૨૦૨૧ માં ઉત્તરપ્રદેશના હનુમાનગઢી જિલ્લાના રાવતસર ગામમાં હેતરામનો દીકરો બનીને ગયો અને તક મળી એટલે જમીનના દસ્તાવેજ, રોકડ અને દાગીના લઈને એ ભાગેલો, પણ એમાં પકડાઈ ગયેલો એટલે ત્રણ મહિના જેલમાં રહેલો! જૂન, ૨૦૨૩ માં રાજસ્થાનમાં દાદિયા પોલીસસ્ટેશનમાં કથા સંભળાવીને ઝીંગર ગામમાં પંકજ નાયકનો દીકરો બનીને રહેલો. જુલાઈ, ૨૦૨૪ માં દહેરાદૂનમાં કપિલ શર્માનો દીકરો મોનુ બનીને ચાર મહિના રહ્યો અને એ પછી ગાઝિયાબાદમાં ભીમસિંગ બન્યો તો ખરો પણ પકડાઈ ગયો! બીજા બધા કિસ્સાઓની વિગત એ ધીમે ધીમે યાદ કરીને જણાવી રહ્યો છે.
બનાવટી વાર્તા બનાવીને દીકરો ગૂમાવનાર માતા-પિતાની લાગણી સાથે ક્રૂર રમત રમનારો આ ભેજાબાજ રાજુ ઉર્ફે ઈન્દ્રરાજ અત્યારે તો ગાઝિયાબાદની જેલમાં છે. આજ સુધી તો અનેક પરિવારનો પુત્ર બનીને એણે જલસા કરેલા, પણ અત્યારે તો જેલના સંત્રીઓને જ એણે મા-બાપ બનાવવા પડયા છે!