ટ્રિપલ મર્ડરનો ભેદ પોલીસે કાબેલિયતથી ઉકેલી કાઢ્યો!

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ટ્રિપલ મર્ડરનો ભેદ પોલીસે કાબેલિયતથી ઉકેલી કાઢ્યો! 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- ગાયનેક હોસ્પિટલમાં ચેકિંગ માટે હસીન રેશમાની સાથે ગયેલો અને એણે આવનાર સંતાનના પિતા તરીકે પોતાનું નામ નોંધાવેલું.

- રેશમા, આયશા અને આયત

- નાળામાં ત્રણ લાશ

- હત્યારો હસીન

પો લીસ પણ ક્યારેક પરેશાન થતી હોય છે. લાશ મળે પણ કોણે હત્યા કરી છે, શા માટે આ ખૂન કરવામાં આવ્યું છે- એ બધાથી પણ સૌથી અઘરો સવાલ તો એ હોય છે કે આ અજાણી લાશ કોની છે? એમાં પણ એક નહીં, એક જ સ્થળેથી એક સાથે ત્રણ લાશ મળે અને એની કોઈ ઓળખ ના મળે ત્યારે પોલીસની કસોટી થઈ જતી હોય છે. રમણીય ગિરિમથક દહેરાદૂનની આ તાજી ઘટનામાં પોલીસ માટે આવો પ્રોબ્લેમ ઊભો થયેલો, પરંતુ બાહોશ પોલીસ અધિકારીઓએ એમની ટીમની મદદથી માત્ર બે દિવસમાં આ ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલીને હત્યારાને ઝડપી લીધેલો!

ચારેય તરફ લીલાછમ જંગલ અને પર્વતોથી ઘેરાયેલું દહેરાદૂન સહેલાણીઓને આકર્ષે એવું રળિયામણું છે, પરંતુ દરેક શહેરની જેમ છેવાડાના વિસ્તારમાં તો કચરાના ઢગલા ત્યાં પણ જોવા મળે છે. દહેરાદૂનના બડોવાલા વિસ્તાર પાસેથી સીમલા બાયપાસ પસાર થાય છે. આમ આ વિસ્તાર પટેલનગર પોલીસસ્ટેશનની હકૂમતમાં આવે, પરંતુ એની ગણતરી ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. ત્યાં થોડીક ફેક્ટરીઓ આવેલી છે અને રોડ ઉપર એક પેટ્રોલપંપ છે. એની પાછળ ગીચ જંગલ શરૂ થઈ જાય છે. ચોમાસામાં વરસાદ આવે ત્યારે જંગલમાંથી ધસમસતું પાણી ત્યાં એક નાળામાં આવે, બાકીના સમયમાં આસપાસના ફેક્ટરીવાળા એ નાળાનો ઉપયોગ કચરાપેટી તરીકે કરતા હતા.

તારીખ ૨૫-૬-૨૦૨૪, મંગળવારે બપોરે એ નાળા પાસેથી પસાર થનાર લોકોને વિચિત્ર દુર્ગંધનો અનુભવ થયો. પેટ્રોલપંપવાળા માટે એ ગંધ અસહ્ય બની ત્યારે સાંજે એમણે પટેલનગર પોલીસ સ્ટેશને ફોન કર્યો કે આ ગંધ કચરાની નથી, કંઈક અઘટિત બન્યું લાગે છે. પોલીસ ઈન્સ્પેક્ટર કમલકુમાર લૂંઠી એમની ટીમ સાથે ત્યાં આવ્યા. કચરાના ઢગલામાં પોલીસે તપાસ કરી. માત્ર સાત-આઠ મહિનાની એક બાળકીની લાશ અને એની નજીકમાં બાર-તેર વર્ષની એક કિશોરીની લાશ જોઈને એ લોકો ચોંકી ઉઠયા! બંને દીકરીઓની હત્યા કરાયેલી હતી એ સ્પષ્ટ હતું. હત્યા કરીને કોઈકે બંને લાશને આ કચરાના ઢગલામાં છૂપાવી દીધી હતી. રાત પડી ગઈ હતી અને જંગલમાંથી જંગલી જાનવરોની દહેશત હોવાથી પોલીસે વિકૃત થઈ ગયેલી એ બંને લાશને મોર્ગમાં મોકલી દીધી.

એ માસુમ બાળકી અને કિશોરી વચ્ચે શું સંબંધ હશે? એમની હત્યા કોણે કરી હશે? શા માટે આવી સાવ નિર્દોષ બાળકીઓને મારવામાં આવી હશે? એ સવાલોનો કોઈ જવાબ જડતો નહોતો. બેવડી હત્યાનો મામલો હતો એટલે ઈન્સ્પેક્ટરે જિલ્લાના પોલીસ વડા SSP અજયસિંહને ફોન કરીને જાણકારી આપી.

બીજા દિવસે તારીખ ૨૬-૬-૨૦૨૪ ની સવારે અજયસિંહ ત્યાં આવી ગયા અને પટેલનગર પોલીસસ્ટેશનની ટીમને સાથે લઈને એમણે એ કચરાના ઢગલાનું વધુ ચોકસાઈથી નિરીક્ષણં કર્યું. બે લાશ જ્યાંથી મળી હતી એનાથી સાતેક ફૂટ દૂર કચરાનો મોટો ઢગલો હતો. SSPના આદેશથી કોન્સ્ટેબલોએ એ ઢગલો ફેંદ્યો તો એમાં છેક નીચે ત્રીસેક વર્ષની યુવતીની લાશ પણ સડેલી હાલતમાં પડી હતી. એ લાશને વેસ્ટેજ ફોમના ટૂકડાઓથી ઢાંકી દેવામાં આવી હતી!

એક જ સ્થળેથી મળેલી ત્રણ લાશની ઘટના પોલીસ માટે પણ ચોંકાવનારી હતી. લાશ જોઈને અનુભવના આધારે પોલીસને લાગ્યું કે આ યુવતીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે! તાબડતોબ ટીમોની રચના કરવામાં આવી, પરંતુ આ ગ્રામ્ય વિસ્તારમાં આસપાસમાં સીસીટીવી પણ નહોતા. 

આ ત્રણ લાશની ઓળખ માટે કચરાના ઢગલામાંથી કંઈક જાણકારી મળે એ હેતુથી કોન્સ્ટેબલોએ બધો કચરો ફેંદી નાખ્યો. એમાં બીજો બધો કચરો તો જૂનો અને સડી ગયેલો હતો પરંતુ બે બેગ આ લાશની સાથે જ ફેંકાયેલી હોય એવું લાગતું હતું. વાદળી રંગની બેગ બ્લ્યુ ડાર્ટ કુરિયર કંપનીની હતી અને એમાં સ્ત્રી અને બાળકીઓના કપડાં અને સ્ત્રીઓ માટેની પરચૂરણ વસ્તુઓ હતી. બીજી જાંબલી રંગની બેગમાં પણ એવી જ સામગ્રી હતી, પણ એમાં એક નાનકડું પર્સ હતું, એમાં પૈસા તો નહોતા, પણ માત્ર બસની બે ટિકિટ હતી. ઉત્તરપ્રદેશ એસ.ટી.ની બસની બે ટિકિટ હતી. એ જોઈને પોલીસે તાળો મેળવ્યો કે આ માતા પોતાની આ બે દીકરીઓ સાથે ઉત્તરપ્રદેશથી અહીં ઉત્તરાખંડના દહેરાદૂનમાં આવી હશે અને અહીં કોઈકે એ ત્રણેયની હત્યા કરેલી છે. ટિકિટ ચોળાયેલી અને ઝાંખી હતી અને એના ઉપરના નંબરમાંથી પણ અમુક નંબર જ વાંચી શકાય એવા હતા. અલબત્ત, મુરાદાબાદ ડિવિઝનની એ ટિકિટો હતી એટલી જાણકારી એમાંથી મળતી હતી. એ ટિકિટો, લાશના અને થેલાઓના ફોટોગ્રાફ્સ લઈને એક ટીમ મુરાદાબાદ જવા રવાના થઈ ગઈ.

એ દરમ્યાન પોલીસે દહેરાદૂનના તમામ પોલીસસ્ટેશન ઉપરાંત આસપાસના જિલ્લાઓ સહરાનપુર, હરિદ્વાર અને મુઝફ્ફરનગરમાં પૂછાવ્યું કે તમારે ત્યાં એક માતા અને એની બે દીકરીઓ ગૂમ થયાની કોઈ ફરિયાદ નોંધાયેલી છે? આવી કોઈ જ ફરિયાદ ક્યાંય નોંધાયેલી નહોતી એટલે પોલીસની મૂંઝવણ વધી ગઈ. આ કમનસીબ મા અને દીકરીઓ કોણ હશે?

મુરાદાબાદ ગયેલી ટીમે ત્યાંના એસ.ટી. ડેપોમાં તપાસ કરી. એસ.ટી. ના અધિકારીઓએ જહેમત ઉઠાવીને તાળો મેળવીને પોલીસને જણાવ્યું કે આ નંબરની સિરિઝ માટે તમે બિજનૌર એસ.ટી ડેપો પર તપાસ કરો, ત્યાંથી પૂરી માહિતી મળી જશે. બિજનૌર એસ.ટી. ના અધિકારીઓએ મહેનત કરીને પૂરી જાણકારી આપી કે આ બે ટિકિટમાં એક પુખ્ત વયની વ્યક્તિની છે અને અર્ધી ટિકિટ બાળકની છે. બિજનૌર પાસેના નહટૌરથી દહેરાદૂનની આ ટિકિટો છે. એ રૂટના કંડક્ટરને બોલાવીને પૂછયું તો એણે ટિકિટો ચકાસીને જાણકારી આપી. તારીખ ૨૩-૬-૨૦૨૪ ના દિવસે એક યુવતી કાખમાં નાની બાળકીને તેડીને નહટૌરથી બસમાં બેઠેલી અને બારેક વર્ષની બીજી દીકરી પણ એની સાથે હતી. પોલીસે એ કંડક્ટરને લાશના અને થેલાના ફોટાઓ બતાવ્યા ત્યારે એણે ખાતરીથી કહ્યું કે આ મા અને દીકરીઓ જ દહેરાદૂન જવા માટે બસમાં બેઠાં હતાં. એણે એ પણ કહ્યું કે એમની પાસે આ વાદળી રંગનો થેલો નહોતો, માત્ર જાંબલી રંગનો થેલો જ હતો! એણે એ પણ જાણકારી આપી કે આ બસ નહટૌરથી સાંજે સવા ચાર વાગ્યે ઉપડેલી.

આ ટીમે તરત જ દહેરાદૂન ફોન કરીને આ વિગતની જાણકારી આપીને ઉમેર્યું કે બિજનૌર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે કે ત્રીસ વર્ષની રેશમા એની બે દીકરીઓ સાથે ગૂમ થઈ છે.હવે દહેરાદૂનમાં ટીમ સક્રિય બની ગઈ. નહટૌરથી દહેરાદૂનનું અંતર ૧૨૭ કિલોમીટર, પરંતુ પહાડી રસ્તાઓ હોવાથી એ બસ ૨૩-૬ ની રાત્રે દસેક વાગ્યે દહેરાદૂન પહોંચે. એ ગણતરી કરીને દહેરાદૂન બસસ્ટેન્ડ  ISBTની આસપાસના તમામ સીસીટીવીમાં એ સમયના ફૂટેજની ચકાસણી કરવામાં આવી. 

આખું મોઢું ઢંકાય એવી હેલ્મેટ પહેરીને એક બાઈક સવાર આ ત્રણેયને લઈને જતો હતો એવું દ્રશ્ય એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું. ફૂટેજમાં બાઈકનો નંબર પણ દેખાયો. UP 20 BE 9915.. બાઈકનું રજિસ્ટ્રેેશન ઉત્તરપ્રદેશનું હતું એટલે પોલીસે અહીં બડોવાલા વિસ્તારમાં રહેતા યુપીવાસીને જ શોધવાનો હતો. ત્રણેયની હત્યા કરીને લાશને એણે નાળામાં ફેંકેલી એના આધારે પોલીસે ધારણા કરી કે હત્યારો ક્યાંક આસપાસમાં જ રહેતો હતો. 

પેટ્રોલપંપની સામે જ ટિમ્બર લી નામની ફર્નિચરની ફેક્ટરી હતી. લાશને સંતાડવામાં ફોમના ટૂકડાઓનો ઉપયોગ થયેલો એટલે પોલીસે સૌથી પહેલું એ ફેક્ટરી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ફેક્ટરીમાં કુલ અગિયાર માણસો કામ કરતા હતા. પોલીસે એમની કુંડળી મેળવી ત્યારે તાળો મળી ગયો. ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશનો એક માત્ર કર્મચારી હતો. હસીન નામનો છત્રીસ વર્ષનો એ યુવાન પણ નહટૌરનો જ હતો!

દહેરાદૂનના બ્રહ્મપુરી વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહેતા હસીનને પોલીસે દબોચી લીધો. દયામાયા વગરની આકરી પૂછપરછમાં હસીન ભાંગી પડયો અને એણે કબૂલાત કરી લીધી.

બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં SSP અજયસિંહે ટીમની પ્રશંસા કરી. એક માત્ર ચોળાયેલી એસ.ટી.ની ટિકિટથી છેડા મેળવીનેકઈ રીતે હત્યારાને ઝડપ્યો એ વાત કહ્યા પછી હસીનની કબૂલાતની વિગતો આપી. 

હસીનનું વતન નહટૌર. કમાણી કરવા માટે એ સાઉદી અરબ ગયેલો અને ત્યાંથી પાછો આવેલો. એની બીબીને એણે તલાક આપી દીધા હતા. એ દરમ્યાન રેશમા નામની તલાકશુદા યુવતી પોતાની એક પુત્રી આયતને લઈને નહટૌરમાં રહેવા આવેલી. હસીન અને રેશમાની આંખ મળી અને એ બંને પ્રેમબંધનમાં જોડાઈ ગયા. 

એ દરમ્યાન હસીનને મુંબઈની એક કંપનીમાં નોકરી મળી. એણે રેશમાને વાત કરી તો રેશમા એની સાથે મુંબઈ જવા તૈયાર થઈ ગઈ. મુંબઈમાં એ બંને પતિ-પત્ની બનીને જ રહ્યા અને રેશમા ગર્ભવતી થઈ ગઈ. ગાયનેક હોસ્પિટલમાં ચેકિંગ માટે હસીન રેશમાની સાથે ગયેલો અને એણે આવનાર સંતાનના પિતા તરીકે પોતાનું નામ નોંધાવેલું.

એ દરમ્યાન હસીનની નોકરી છૂટી ગઈ અને બંને પાછા નહટૌર આવી ગયા. ત્યાં આવીને રેશમાએ પુત્રીને જન્મ આપ્યો. દીકરીનું નામ રાખ્યું આયશા અને એના પિતા તરીકે હસીનનું નામ જ સરકારી ચોપડે નોંધાવવામાં આવેલું. 

આયશા એક મહિનાની થઈ એ જ વખતે હસીનને દહેરાદૂનની ટિમ્બર લી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ, એટલે એ દહેરાદૂન આવી ગયો. પંદરેક દિવસે એક વાર એ નહટૌર જતો હતો. રેશમા હવે પોતાનો અધિકાર માગતી હતી અને લગ્ન માટે દબાણ કરતી હતી. એ ઉપરાંત, ખાધાખોરાકી માટેના પૈસાની પણ એ માગણી કરતી હતી.  હસીનની સાથે દહેરાદૂન આવીને રહેવાની એની તીવ્ર ઈચ્છા હતી અને એ માટે એ વારંવાર હસીનને કરગરતી હતી કે અમને ત્રણેયને પણ તમારી સાથે દહેરાદૂન લઈ જાવ. હસીન દર વખતે એક જ બહાનું કાઢતો હતો કે ત્યાં સારું મકાન ભાડે મળશે એટલે તમને બોલાવી લઈશ.

રેશમાની દહેરાદૂન આવવાની જીદ અને વારંવાર પૈસા માટેની માગણીથી હસીન એટલી હદે કંટાળી ગયો કે એણે કોઈક કાયમી ઉપાય શોધવાનું વિચાર્યું. ન રહે બાંસ-ન બાજે બાંસુરી! આઠ માસની આયશા તો એની પોતાની દીકરી હતી એ છતાં, હવે એના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો. દહેરાદૂન બોલાવીને રેશમા, આયત અને આયશા-ત્રણેયને ખતમ કરી નાખવાનું એણે નક્કી કરી લીધું. ટિમ્બર લી ફેક્ટરીનો કારોબાર તો એના હાથમાં જ હતો. સાંજે છ વાગ્યા પછી બાકીના દસેય કારીગર જતા રહે એ પછી ફેક્ટરીની ઑફિસ અને વર્કશોપ બંધ કરવાની જવાબદારી હસીનની જ હતી. એણે પ્લાન વિચારી લીધો અને રેશમાને ફોન કરીને કહ્યું કે હવે ગમે ત્યારે દહેરાદૂન આવી જાવ. બસસ્ટેન્ડ પર ઊતરીને મને ફોન કરજો એટલે હું તમને લેવા આવી જઈશ.

સાંજે ચાર વાગ્યાની બસમાં બંને દીકરીઓને લઈને દહેરાદૂન જવાનું હતું એટલે તારીખ ૨૩-૬-૨૦૨૪ ની સવારથી જ રેશમા ખુશખુશાલ હતી. એક વાર ત્યાં ગયા પછી બધો સામાન તો પાછળથી લઈ જવાનો હતો. આઠ માસની આયશા અને તેર વર્ષની આયતને લઈને એ બસમાં બેસી ગઈ. રાત્રે દસ વાગ્યે દહેરાદૂનના બસસ્ટેન્ડ પર ઊતરીને એણે હસીનને ફોન કર્યો એટલે હસીન બાઈક લઈને ત્યાં આવી ગયો. એણે રેશમાને સમજાવ્યું કે મકાનની ચાવી તો કાલે મળવાની છે એટલે આજે રાત્રે તો આપણે મારી ફેક્ટરી પર જ સૂઈ રહેવું પડશે, ત્યાં બધી વ્યવસ્થા છે. ત્રણેયને બાઈક પર બેસાડીને એ ફેક્ટરી પર લઈ ગયો. સાવ સૂમસામ વિસ્તાર હોવાથી હસીન નિશ્ચિંત હતો કે મારા કારનામાની કોઈનેય ખબર નહીં પડે. આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં એટલે ટૂંક સમયમાં જ વરસાદ આવશે અને નાળામાંથી ત્રણેયની લાશ ક્યાંની ક્યાંય તણાઈ જશે એવી એને ધરપત હતી.

મુસાફરીના થાકને લીધે થોડી વારમાં જ રેશમા ઘસઘસાટ ઊંઘી ગઈ. બંને દીકરીઓ તો એની પહેલાં જ ઊંઘી ગઈ હતી. હસીન હવે હેવાન બન્યો. દુપટ્ટાથી રેશમાની ગરદન ભીંસી નાખી. પાંચેક મિનિટના તરફડાટ પછી રેશમાના શ્વાસ અટકી ગયા. બંને હાથથી આયતનું મોઢું અને નાક દબાવી રાખ્યા એટલે આયત પણ તરફડીને મરી ગઈ. આઠ માસની માસુમ સગી દીકરી આયશાને મારતી વખતે પણ હસીનના હાથ ના ધૂ્રજ્યા. ત્રણેયને માર્યા પછી એમની લાશને ઊંચકીને વારાફરતી નાળામાં ફેંકી આવ્યો અને એમના ઉપર કચરો ઢાંકી દીધો. રેશમા જે થેલો લાવી હતી એ ઠાંસોઠાસ ભરેલો હતો, એટલે એમાંથી અડધો સામાન ઑફિસમાં કાયમ આવતી હતી એ કુરિયરની થેલીમાં ભરી દીધો અને એ બંને થેલા પણ ત્યાં કચરામાં ફેંકી આવ્યો. એ પછી આરામથી ઊંઘી ગયો.

આ બધી જાણકારી પત્રકારોને આપીને SSP અજયસિંહે ઉમેર્યું કે ટ્રિપલ મર્ડરના એ કેસમાં જો એસ.ટી. બસની ટિકિટ ના મળી હોત, તો અમે હજુ અંધારામાં જ આંટા મારતા હોત! હસીને જે બ્લ્યુ ડાર્ટ કુરિયરનો થેલો ફેંકેલો, એવા જ બીજા થેલા ફેક્ટરીમાં જોયા, સીસીટીવીમાં દેખાયેલી બાઈક પણ ત્યાં હતી અને નહટૌરમાંથી આયશાનું જન્મનું સર્ટિફિકેટ પણ અમને મળી ગયું છે, જેમાં બાપ તરીકે હસીનનું નામ છે. આ હત્યારાને આકરામાં આકરી સજા થાય એ માટે અમે પ્રયત્ન કરીશું. આ કેસને ઝડપથી ઉકેલવા બદલ પટેલનગર પોલીસ્ટેશનની ટીમને DGPતરફથી સન્માનપત્ર એનાયત કરવામાં આવશે અને IGP તરફથી પચીસ હજાર રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.

એસ.ટી. બસની ચિમળાયેલી ટિકિટ પણ ક્યારેક કમાલ કરી બતાવે છે!


Google NewsGoogle News