Get The App

વીસ દિવસમાં પરિવારમાં પાંચ જણના શંકસ્પદ અપમૃત્યુ !

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વીસ દિવસમાં પરિવારમાં પાંચ જણના શંકસ્પદ અપમૃત્યુ ! 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- એક જ પરિવારની સાવ સાજી પાંચ વ્યક્તિઓ એક સરખી રીતે બીમાર થાય અને ડાક્ટરોને કંઈ સમજાય એ પહેલાં મરી જાય-એ ઘટના આખા જિલ્લામાં ચર્ચાસ્પદ બની

- સંઘમિત્રા

- રોશન કુંભારે

- વર્ષા

- રોજા અને સંઘમિત્રા

- ધરપકડ પછી રોઝા અને સંઘમિત્રા

જં ગલ અને પર્વતોથી ભરચક મહારાષ્ટ્ર રાજ્યનો ગઢચિરોલી જિલ્લો નક્સલવાદી ઘટનાઓથી  જાણીતો છે. બીડી માટેના ટીમરુંના પાન અને વાંસ અહીંની મુખ્ય પેદાશ છે. અહીંનો અહેરી તાલુકો તેલંગણા રાજ્યને અડીને આવેલો છે. એમાંય મહાગાંવ નામનું ગામ એ રીતે આવેલું છે કે ત્યાંના લોકો સાઈકલ લઈને મહારાષ્ટ્રમાંથી તેલંગણામાં જઈ શકે છે. આજની ક્રાઈમ કથામાં આ મહાગાંવમાં રહેતા શંકર પીરૂ કુંભારેના પરિવારની વાત કરવાની છે. 

શંકર કુંભારેની પત્નીનું નામ વિજ્યા. એમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી. બંને દીકરીઓ મોટી. શંકર અને વિજ્યાએ એ બંનેને પરણાવી દીધેલી. મોટી દીકરી કોમલ દહાગાંવકરનું સાસરું તો ગામમાં જ હતું. એનાથી નાની વર્ષા ઉરાડેનું સાસરું બાજુના ગામમાં હતું. મોટો દીકરો સાગર દિલ્હીની કોઈ ઑફિસમાં નોકરી કરતો હતો. એના માટે કન્યાની શોધ ચાલતી હતી. ચાર-પાંચ મહિને એકાદ વાર એ મહાગાંવ આવતો હતો. સાગરથી નાના દીકરાનું નામ રોશન. આગળ ભણવાની ઈચ્છા હોવાથી એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે અકોલા ગયો હતો.

અકોલાની એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું નામ મોટું ગણાય છે. ત્યાં અભ્યાસ કરતી સંઘમિત્રા દેખાવે સુંદર હતી, એ ઉપરાંત અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી. એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સ્નાતકની પરીક્ષામાં એણે પ્રથમ નંબર મેળવ્યો અને એ પછી અનુસ્નાતકમાં પ્રવેશ મેળવે એ અગાઉ એણે પ્રેમમાં પ્રવેશ મેળવી લીધો! અકોલાની બજારમાં જ મહાગાંવથી આવેલા રોશન કુંભારે સાથે એને પરિચય થયેલો, એ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પલટાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ધાર કર્યો.

સંઘમિત્રા અને રોશનનીજ્ઞાાતિ અલગ અલગ હતી. એમાંય સંઘમિત્રાની તુલનામાં રોશનની જ્ઞાાતિને ખૂબ હલકી માનવામાં આવતી હતી. પોતાનો પરિવાર સંમતિ નહીં આપે એવી બીક હોવા છતાં, સંઘમિત્રાએ પોતાના મા-બાપ પાસે રોશન કુંભારે સાથે લગ્ન માટે વાત કરી. જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ એ બંને ધૂ્રજી ઉઠયા! તને કોઈ નહીં ને એ કુંભારે છોકરો જ ગમ્યો? અમારી આબરૂનો તને વિચાર ના આવ્યો? આ લગ્ન માટે અમારી કોઈ કાળે સંમતિ નથી. તું એ કુંભારે સાથે લગ્ન કરીશ, તો અમે સમાજમાં મોઢું કઈ રીતે બતાવીશું? અમારે તો મરવા જેવું થશે. 

મા-બાપના તીવ્ર વિરોધની વાત સંઘમિત્રાએ રોશનને કહી. રોશને એને સમજાવ્યું કે એમની ઈચ્છા વિરૂધ્ધ આપણે લગ્ન કરીશું, તો પણ વહેતા સમય સાથે એમનો વિરોધ શાંત થઈ જશે. લગ્નના બે મહિના પછી આપણે આશીર્વાદ લેવા જઈશું ત્યારે રાજીખુશીથી એ આપણને સ્વીકારી લેશે. તું હિંમત કરીને ઘર છોડીને આવી જા. આપણે લગ્ન કરીને સીધા મહાગાંવ જતા રહીશું.

રોશનની સલાહ સંઘમિત્રાએ સ્વીકારી. બહેનપણીના જન્મદિવસના બહાને કપડાંની બેગ લઈને એ ઘરમાંથી નીકળી ગઈ. કોર્ટ મેરેજ કરીને બંને રોશનના ઘેરમહાગાંવ પહોંચી ગયા!

શંકર કુંભારેના પરિવાર માટે પણ આ એક આંચકો હતો. ઘેર કશી વાત કર્યા વગર રોશન લગ્ન કરીને પરજ્ઞાાતિની કન્યાને પરણીને આવ્યો, એ કોઈનેય ગમ્યું નહીં. સંઘમિત્રાની હાલત કફોડી હતી. સાસુ-સસરા શંકર અને વિજ્યા તો ઠીક, એ ઉપરાંત પરણેલી બંને દીકરીઓ વર્ષા અને કોમલની પણ ઘરમાં સતત આવ-જા ચાલુ જ રહેતી હતી. એ ચારમાંથી કોઈએ સંઘમિત્રાને પ્રેમથી આવકારી નહીં. પરણેલી દીકરીએ પોતાના પિયરમાં વધુ પડતો ચંચુપાત ના કરાય-એટલી સમજણ એ બેમાંથી એકેયને નહોતી. સંઘમિત્રાને મેણાંટોણાં મારીને અપમાનિત કરવામાં વર્ષા અને કોમલને વિકૃત આનંદ મળતો હતો.

એક મહિના પછી સંઘમિત્રાની દશા દયાજનક બની ગઈ. મા-બાપની મરજી વિરૂધ્ધ એણે રોશન સાથે લગ્ન કરેલા, એ આઘાત અને સમાજમાં બદનામી જીરવવાનું કામ એ પ્રૌઢ દંપતી માટે અસહ્ય હતું. સંઘમિત્રાના મા-બાપે ઝેર પીને આત્મહત્યા કરી લીધી!

મા-બાપના વિરોધની વાત સંઘમિત્રાએ રોશને કહેલી ત્યારે રોશને ધરપત આપેલી કે થોડા સમયમાં એમનો વિરોધ શાંત થઈ જશે. રાજીખુશીથી એ આપણને સ્વીકારી લેશે. તું હિંમતથી ઘર છોડીને આવી જા. મા-બાપના આપઘાતના સમાચાર મળ્યા, ત્યારે સંઘમિત્રાને લાગ્યું કે ખોટી ધરપત આપીને રોશને મને છેતરી!

રોશન સાથે લગ્ન કરીને મહાગાંવમાં આવીને પોતે ખૂબ મોટી ભૂલ કરી અને મા-બાપ ગૂમાવ્યા- એકવીસ વર્ષની સંઘમિત્રા આ વેદનામાં વલોવાતી હતી. સાસુ-સસરા, બંને નણંદો ઉપરાંત રોશન પણ હવે તો વાતે વાતે છણકાં કરતો હતો. સહાનુભૂતિના બે શબ્દો કહેનારું પણ અહીં કોઈ નહોતું.

હૈયું ઠાલવીને વાત કરી શકાય એવી એકમાત્ર વ્યક્તિ પાડોશમાં રહેતી હતી. રોશનના મામા પ્રમોદ રામટેકની પત્ની રોજાને સંઘમિત્રા માટે લાગણી હતી. મનની પીડા અસહ્ય બને ત્યારે રોજા પાસે જઈને સંઘમિત્રાહૈયાનો ભાર હળવો કરતી હતી.

સાસુ-સસરા ઉપરાંત બંને નણંદો તો સંઘમિત્રાની દુશ્મન જ હતી. લગ્ન કરવા માટે રોશને મને છેતરી અને એના કારણે મારા મા-બાપે આપઘાત કર્યો-એવી લાગણીથી પીડાતી સંઘમિત્રા હવે રોશનને પણ ધિક્કારતી હતી. લગ્ન પછી રોશનનું રૂપ પણ બદલાઈ ગયું હતું, ઝઘડો થાય ત્યારે એ સંઘમિત્રાને ઝૂડતો હતો.

તારીખ ૫-૮-૨૦૨૩ની સવારે ઘરમાં મોટો ઝઘડો થયો. એકલી સંઘમિત્રાની સામે પતિ, સાસુ-સસરા અને બંને નણંદો-બધાં જેમ ફાવે એમ બોલતાં હતાં. તમામ રીતે ભાંગી પડેલી બાવીસ વર્ષની સંઘમિત્રા શું કરે? એણે કેરોસીનનો કેરબો શરીર પર ઠાલવ્યો. એ દીવાસળી ચાંપે એ પહેલાં રોજા ત્યાં દોડી આવી અને સંઘમિત્રાને સમજાવીને પોતાના ઘેર લઈ ગઈ. સાંજે સંઘમિત્રા પાછી ઘેર આવી ગઈ.

તારીખ ૨૦-૯-૨૦૨૩ ના દિવસે શંકર અને વિજ્યાની તબિયત અચાનક લથડી. સ્થાનિક ડૉક્ટરે સલાહ આપી એટલે એ બંનેને અહેરી તાલુકા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના તબીબોને કંઈ સમજણ ના પડી એટલે એમણે આ બંનેને ચંદ્રાપુરની મોટી હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં સારવાર શરૂ થઈ, પણ કંઈ ફેર ના પડયો એટલે એ બંનેને નાગપુરની હોસ્પિટલમાં લઈ ગયા. ડાક્ટરોની દવા કામ નહોતી કરતી. બંનેના અંગમાં ધૂ્રજારી, પીઠના ભાગમાં ભયાનક વેદના અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હોઠ કાળા પડી ગયા હતા અને જીભ એકદમ સંવેદનાહીન-જાડી થઈ ગઈ હતી. તબીબોની ટીમે મહેનત તો કરી, પરંતુ તારીખ ૨૬-૯-૨૦૨૩ ના દિવસે શંકરના શ્વાસ થંભી ગયા! એના બીજા દિવસે સત્યાવીસમી તારીખે વિજ્યાનું પણ અવસાન થયું!

સાવ અચાનક એક જ સરખા લક્ષણથી પતિ-પત્નીનું મોત થવાથી આખા ગામમાં હાહાકાર થઈ ગયો. એ આઘાત હળવો થાય એ પહેલા તારીખ ૮-૧૦-૨૦૨૩ ના દિવસે એવા જ લક્ષણો દેખાયા એટલે કોમલ દહાગાંવકરને તાબડતોબ ચંદ્રાપુરની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એ જ દિવસે એ મૃત્યુ પામી! કુંભારે પરિવાર પર પથરાયેલી મોતની છાયા હજુ ઘેરાયેલી જ હતી. તારીખ ૧૪-૧૦-૨૦૨૩ ના દિવસે એવા જ લક્ષણો સાથે વર્ષા ઉરાડેને અહેરી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એ મરી ગઈ! એના બીજા જ દિવસે ૧૫-૧૦-૨૦૨૩ ની પરોઢે રોશનને પણ એવી જ તકલીફ શરૂ થઈ અને એને અહેરી લઈ ગયા, ત્યાં હોસ્પિટલના તબીબોએ એને મૃત જાહેર કર્યો!

મા-બાપનું અવસાન થયું એટલે રોશનનો મોટો ભાઈ સાગર દિલ્હીથી દોડી આવેલો. અગ્નિસંસ્કાર પતાવીને એ પાછો દિલ્હી ગયો એ વખતે એની તબિયત પણ લથડી. એ તરત જ એઈમ્સમાં દાખલ થઈ ગયો અને બચી ગયો. શંકર અને વિદ્યાને કારમાં ચંદ્રાપુર હોસ્પિટલ લઈ જનાર ડ્રાઈવર રાકેશ મડાવીને પણ હળવા લક્ષણો દેખાયા એટલે એ નાગપુર હોસ્પિટલમાં પહોંચી ગયેલો એટલે બચી ગયો. 

માત્ર ઓગણીસ દિવસના સમયગાળામાં એક જ પરિવારની સાવ સાજી પાંચ વ્યક્તિઓ એક સરખી રીતે બીમાર થાય અને ડાક્ટરોને કંઈ સમજાય એ પહેલાં મરી 

જાય-એ ઘટના આખા જિલ્લામાં ચર્ચાસ્પદ બની. કાલા જાદૂ અને મેલી વિદ્યાની વાત પણ ફેલાઈ, પરંતુ જિલ્લાના પોલીસ વડા નિલોત્પલને મામલો શંકાસ્પદ લાગ્યો. કેસની ગંભીરતા પારખીને એમણે સુકાન સંભાળ્યું અને ચાર ટીમ બનાવીને મહારાષ્ટ્ર અને તેલંગણાના જિલ્લાઓમાં તપાસ શરૂ કરાવી. 

પહેલી ટીમે મહાગાંવ કુંભારેના ઘરની મુલાકાત લીધી ત્યારે એક માત્ર જીવિત સંઘમિત્રાના ચહેરા પર પતિ સહિત પાંચ સ્વજનને ગૂમાવ્યાની લગીર પણ પીડા નહોતી! એ રિપોર્ટ જી.ઁ. નિલોત્પલનેમળ્યો ત્યારે એ ચમક્યા. પરિવારની પાંચ વ્યક્તિ મરી, અને આ યુવતી એકલી જીવતી કઈ રીતે રહી? એમણે સંઘમિત્રાની કુંડળી ખંગાળી. એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ટોપર હતી એ જાણ્યા પછી તપાસમાં જાણકારી મેળવી કે  કૃષિ વિજ્ઞાાનમાં જાતજાતના જંતુનાશકો અને ઝેરનો વિગતવાર અભ્યાસ પણ હોય છે. એક વર્ષ અગાઉ સંઘમિત્રાએ રોશન કુંભારે સાથે ભાગીને લગ્ન કરેલા અને એ પછી સંઘમિત્રાના મા-બાપે આત્મહત્યા કરેલી. આટલી માહિતી પછી પાંચેય મૃતકોની સારવાર કરનારા તમામ તબીબોની પૂછપરછમાં એમણે કબૂલ કર્યું કે આમ હાર્ટએટેક કે મલ્ટિઓર્ગન ફેઈલ્યોર જેવું લાગેલું. એ ઉપરાંત પોઈઝનિંગનો કેસ હોય એવી શંકા પણ પડેલી, પરંતુ એ શું હતું એ સમજાયું નહોતું.

જી.ઁ. નિલોત્પલને હવે ખાતરી થઈ ચૂકી હતી કે આ ખતરનાક ખેલ સંઘમિત્રાનો જ હોઈ શકે. એમણે સંઘમિત્રાને પૂછપરછ માટે બોલાવી. અધિકારીઓની પૂછપરછ પછી બે કદાવર મહિલા કોન્સ્ટેબલે સંઘમિત્રાની  'પૂછપરછ' કરી અને એ ભાંગી પડી.

તારીખ ૨૦-૧૦-૨૦૨૩ ના દિવસે સંઘમિત્રા અને રોજા રામટેકની ધરપકડ કર્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં સંઘમિત્રાની કબૂલાતના આધારે પોલીસે મીડિયાકર્મીઓને વિગતવાર જાણકારી આપી. અસહ્ય ત્રાસને લીધે સંઘમિત્રાએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો, ત્યારે એની મામીજી રોજા રામટેકે એને બચાવી લીધેલી. પોતાના ઘેર લઈ જઈને રોજાને એણે સમજાવેલું કે તારે શા માટે મરવું જોઈએ? તારામાં હિંમત હોય તો તને હેરાન કરનારાઓને ખતમ કરી નાખને!

એમાં વાત એવી હતી કે પ્રમોદ અને એની પત્ની રોજાને કુંભારે પરિવાર પ્રત્યે ભયાનક રોષ હતો. પ્રમોદ અને રોશનની માતા વિજ્યા એ બંને સગા ભાઈ-બહેન છે. એમના પિતાના અવસાન પછી વિજ્યાએ પોતાની માતાને ભોળવીને એમની તમામ પ્રોપર્ટી પોતાના નામે કરાવી નાખી હતી. માતાના મૃત્યુ પછી તમામ પૈતૃક સંપત્તિ વિજ્યાએ હડપ કરી લીધેલી. પ્રમોદ અને રોજાએ હિસ્સો માગ્યો ત્યારે વિજ્યાએ ચોખ્ખી ના પાડી દીધેલી. ત્યારથી સંબંધોમાં કડવાશ ભળી હતી. પુરુષ તરીકે પ્રમોદે તો પોતાની બહેનને મનોમન માફી આપી દીધેલી, પરંતુ રોજાના મનમાં બદલાની આગ સળગતી હતી. એમાં એને સંઘમિત્રા મળી ગઈ. 

સંઘમિત્રાને કુંભારે પરિવાર પર ગુસ્સો હતો અને રોજા તો એ પરિવારને ખતમ કરવા તત્પર હતી. એણે સંઘમિત્રાને કહ્યું કે તું ચાલાક છે, કોઈક રસ્તો શોધી કાઢ, હું તને પૂરેપૂરો સહકાર આપીશ. રોજાએ મદદનું વચન આપ્યું એટલે સંઘમિત્રાની હિંમત વધી ગઈ. એણે પણ આ બધાને ખતમ કરી નાખવાનો નિર્ધાર કર્યો. સંઘમિત્રાને જુદા જુદા ઝેરની પાક્કી જાણકારી હતી. રંગ, ગંધ કે સ્વાદ વગરનું એક ઝેર જમવામાં તો ઠીક પણ જો પીવાના પાણીમાં ભેળવીને આપવામાં આવે તો પણ પીનારને કશી ખબર ના પડે! રસોડું તો સંઘમિત્રાના હાથમાં જ હતું. એણે એ ઝેરનું નામ લખીને એ કઈ રીતે ક્યાંથી મળશે એ સમજાવ્યું, એટલે રોજા તેલંગણા જઈને એ કાતિલ ઝેર લઈ આવી! (એ ઝેરનું નામ અહીં આપવું હિતાવહ નથી.)

એ ઝેર- સ્લો પોઈઝન- ચારેક દિવસ જમવામાં અને પાણીમાં ભેળવીને આપવામાં આવે તો કોઈને કશી ખબર ના પડે અને માણસમૃત્યુ પામે. ડૉક્ટરને પણ હાર્ટએટેક જેવું જ લાગે. શંકર કુંભારે અને વિજ્યા ઉપર સંઘમિત્રાએ પહેલો અખતરો કર્યો અને એ બંને મૃત્યુ પામ્યા. એમને હોસ્પિટલમાં લઈ જનાર ડ્રાઈવર પણ એ દિવસે સવારે એક સમય ત્યાં જ જમ્યો હતો એટલે એને પણ અસર થયેલી. મા-બાપની અંતિમ વિધિ માટે દિલ્હીથી આવેલા રોશનના મોટા ભાઈ સાગરે પણ બે દિવસ એ પ્રસાદી લીધેલી એટલે એ પણ તકલીફમાં મૂકાયેલો, પણ એ બચી ગયો. સાસુ-સસરાને વિદાય કર્યા પછી સંઘમિત્રાએ આવી જ રીતે બંને નણંદ અને પતિને પણ પરલોકમાં પહોંચાડી દીધા! પોતાના જ્ઞાાનનો દુરોપયોગ કરીને સંઘમિત્રાએ માત્ર વીસ દિવસમાં અત્યંત ચાલાકીથી પાંચ હત્યા કરી. એના આ ખતરનાક ખેલમાં પોતાનું વેર વાળવા માટે રોજા રામટેકે એને સહકાર આપ્યો. રોજાના પતિ-વિજ્યા કુંભારેના ભાઈ- પ્રમોદ રામટેકનો આમાં કોઈ સક્રિય હિસ્સો હોય એવું અમને નથી લાગ્યું, એટલે એમને પૂછપરછ કરીને જવા દીધા છે.

એગ્રીકલ્ચર યુનિવસટીમાં સ્નાતકની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર બાવીસ વર્ષની સંઘમિત્રા અને એની છત્રીસ વર્ષની મામીજીએ કુંભારે પરિવારનું સત્યાનાશ વાળી નાખ્યું. ગણીને વીસ દિવસમાં પાંચ માણસોની હત્યા કરનાર આ બંને અત્યારે ગઢચિરોલીની જેલમાં દિવસો પસાર કરે છે.


Google NewsGoogle News