ધરવ થવા માટે કેટલા રૂપિયા જોઈએ? .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- કાનખજૂરાના પગ જેટલી મિલકતમાંથી એક પગ જેટલી મિલકત પણ નણંદને આપવા ન માંગતી ખતરનાક ક્લાસ વન ઓફિસરના કાળા કરતૂતની કહાણી
- સીસીટીવીમા પુરુષોત્તમ
- પુરુષોત્તમ પુત્તેવાર
- અર્ચના પુત્તેવાર
મ હારાષ્ટ્ર રાજ્યની બીજી રાજધાની તરીકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક તરીકે નાગપુર શહેરનું વિશેષ મહત્વ છે. ભારતભરમાં સૌથી વધારે સંતરાનું ઉત્પાદન અહીં થતું હોવાથી નાગપુરને ઓરેન્જ સીટી પણ કહેવામાં આવે છે.
લોભ અને લાલચને કોઈ સીમા નથી હોતી. પૈસાપાત્ર અને સરકારમાં ક્લાસ વન અધિકારી હોવા છતાં પૈસાની ભૂખમાં માનવી કેટલી હદે હેવાનિયત આદરી શકે છે એની વાત આજે કરવાની છે. અહીં આપેલી છબી સીસીટીવી ફૂટેજનો એક અંશ છે. જે વડીલ રસ્તા પર ચાલતા દેખાય છે એમનું નામ પુરુષોત્તમ પુત્તેકર. બ્યાંશી વર્ષના આ વડીલની કુલ સંપત્તિ ત્રણસો કરોડથી પણ થોડી વધારે છે. આ દ્રશ્ય નાગપુરના બાલાજીનગરમાં માનેવાડા ચોક પાસેનું છે. કેમેરામાં એમની આ ઝલક ઝડપાઈ, એ પછી દસેક મિનિટમાં જ એમનો જીવનદીપ બૂઝાવી દેવામાં આવ્યો અને કાયમ માટે આ વડીલ મોંઘીદાટ ફ્રેમમાં માત્ર છબી બનીને આલિશાન મકાનની દીવાલ પર લટકી રહ્યા છે!
હવે આખી કથા જોઈએ. નાગપુરમાં રહેતા પુરુષોત્તમ પુત્તેવારની પત્નીનું નામ શકુંતલા. એમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી. અભ્યાસમાં અત્યંત તેજસ્વી એમનો પુત્ર મનીષ એમ.બી.બી.એસ. થયો એ પછી એણે માસ્ટર ઑફ સર્જરી બનવાનું નક્કી કર્યું. એ જ વખતે એના લગ્નની વાત ચાલી. પુત્તેવાર પરિવાર જેવા જ મોભાદાર ગણાતા પાર્લેવાર પરિવારમાંથી માગું આવ્યું અને મનીષને પણ એ કન્યા ગમી. ધામધૂમથી લગ્ન થયા અને અર્ચના પાર્લેવાર હવે અર્ચના પુત્તેવાર બનીને આ પરિવારમાં આવી ગઈ. મનીષે એમ.એસ.ની પરીક્ષા પાસ કરી અને ઈ.એન.ટી. સર્જન બનીને નાગપુરમાં જ પોતાની હોસ્પિટલનો પ્રારંભ કર્યો.
અર્ચના પણ અભ્યાસમાં તેજસ્વી હતી. અર્ચનાનો ભાઈ પ્રશાંત પણ બહેન જેવો જ હોંશિયાર હતો. મહારાષ્ટ્ર સરકારના પબ્લીક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને એ બંને ભાઈ-બહેન ક્લાસ વન અધિકારી બની ગયા હતા.
પુરુષોત્તમ અને શકુંતલાએ પોતાની દીકરી - મનીષની નાની બહેન માટે પણ સારો મુરતિયો શોધીને એને પરણાવી દીધી હતી.
ડૉ. મનીષની હોસ્પિટલ સરસ ચાલતી હતી. નોકરીમાં એક પછી એક પ્રમોશન મેળવીને અર્ચના ગઢચિરોલી અને ચંદ્રાપુરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઑફ ટાઉન પ્લાનિંગ તરીકે નોકરી કરતી હતી. અર્ચનાનો ભાઈ પ્રશાંત પારલેવાર પણ મહારાષ્ટ્ર સરકારના માઈક્રો સ્મોલ મીડિયા એન્ટરપ્રાઈઝનો ડાયરેક્ટર બની ગયો હતો.
અઢળક સંપત્તિ હોવા છતાં પુરુષોત્તમ પુત્તેવારની જીવનશૈલી સાવ સાદી હતી. શેર સર્ટિફિકેટસ્, સોનું, બૅન્ક ડિપોઝીટસ્ અને નાગપુરની આસપાસ જમીનના પ્લોટસ્ -આ બધું મળીને એમની કુલ સંપત્તિ ત્રણસો કરોડથી પણ થોડી વધારે હતી.
ઈ.સ. ૨૦૨૧ના ડિસેમ્બરમાં અર્ચના પુત્તેવારનો પચાસમો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ડૉ. મનીષની ઉંમર ત્યારે ત્રેપન વર્ષની. એ ઉજવણીના થોડા દિવસ પછી આ સુખી પરિવારમાં કલહ શરૂ થયો. પુરુષોત્તમ અને શકુંતલાને જેટલો પ્રેમ પોતાના પુત્ર મનીષ ઉપર હતો, એટલો જ- કદાચ એનાથી પણ વિશેષ પ્રેમ પોતાની દીકરી ઉપર હતો. પોતાની સંપત્તિમાંથી એક હિસ્સો પોતાની દીકરીને આપવાનું એમણે વિચાર્યું અને સાંજે બધા એકસાથે જમવા બેઠા હતા, ત્યારે પુરુષોત્તમે આ વાત મનીષને કહી. પોતાના પરિશ્રમથી જ પિતાએ અઢળક સંપત્તિ એકઠી કરી હતી, એટલે એમાંથી થોડો હિસ્સો એ નાની બહેનને આપે એમાં મનીષને કોઈ વાંધો નહોતો. મનીષે તો તરત પિતાની વાત સ્વીકારી લીધી, પરંતુ અર્ચના વિફરી. સસરાજી નણંદને આવી રીતે દાન આપી દે એ એને ખટક્યું. એ સમયે તો પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખીને એણે મૂંગા મોઢે જમી લીધું, પરંતુ રાત્રે એણે મનીષને લબડધક્કે લીધો.
એને શાંત પાડવા માટે મનીષે સમજાવ્યું કે આ તમામ મિલકત બાપાની છે, અને એમાંથી એ પોતાની દીકરીને કંઈક આપે એની સામે આપણાથી કોઈ વિરોધ ના થાય. એની સમજાવટ પથ્થર ઉપર પાણી જેવી સાબિત થઈ. અર્ચનાએ તો મનોમન નક્કી કરી લીધું હતું કે આ ઘરની મિલકતમાંથી પરણેલી નણંદને હું કોઈ હિસ્સો આપવા નહીં દઉં.
પુરુષોત્તમે કોઈ વિલ બનાવ્યું નહોતું. આ મુદ્દે ઘરમાં ક્યારેક ક્યારેક માત્ર મૌખિક ચર્ચા જ થતી હતી. જ્યારે આવી ચર્ચા થાય, એ રાત્રે મનીષનું આવી બનતું. અર્ચના પતિને ધમકાવીને કહેતી કે બાપાની સામે તમે બીકણ બિલાડી બની જાવ છો. એમની સામે મોં ખોલવાની તમારામાં હિંમત નથી. હવે મારે જ મોં ખોલવું પડશે.
ઘરમાં બે કાર હતી. પગારદાર ડ્રાઈવર પણ રાખ્યો હતો. પોતાની હોસ્પિટલે જવા માટે એક કાર મનીષ વાપરતો હતો. મોટા ભાગે તો એ પોતે જ કાર ચલાવતો હતો. શકુંતલાને મંદિરે જવું હોય કે અર્ચનાને બજારમાં ખરીદી કરવા જવું હોય ત્યારે બીજી કારમાં ડ્રાઈવર લઈ જતો હતો. આ ઉંમરે પણ પુરુષોત્તમને ક્યાંક નજીકમાં જવું હોય તો ચાલીને જવાની જ એમની આદત હતી.
ગઢચિરોલી અને ચંદ્રાપુરમાં ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે અર્ચના બેફામ હતી. અનેક સ્થળે નિયમોનો ભંગ કરીને એણે બાંધકામની છૂટ આપી હતી. મોટા ગજાના એક રાજકારણી એ વિસ્તારમાં લેન્ડ માફિયા બની ગયા હતા અને અર્ચના સાથે એમને ઘનિષ્ટ સંબંધ હતો. એને લીધે એમને છૂટો દોર મળી ગયો હતો. અર્ચનાની આવી કામગીરી સામે લોકોને વિરોધ હતો અને એની વિરૂદ્ધમાં અનેક ફરિયાદો છેક મંત્રી સુધી પહોંચી હતી, પરંતુ પ્રબળ રાજકીય પીઠબળ હોવાથી અર્ચનાની સામે કોઈ એક્શન લેવાતા નહોતા.
સસરા પોતાની દીકરીને મિલકતમાંથી ભાગ આપવા માગે છે, એનો બળાપો અર્ચનાએ પોતાના ભાઈ પ્રશાંત પારલેવાર પાસે પણ ઠાલવ્યો હતો. આ મુદ્દે એ ભાઈ-બહેન વચ્ચે પણ ઘણી ગુપ્ત ચર્ચાઓ ચાલતી હતી. ઑફિસમાં અર્ચનાની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી પાયલ નાગેશ્વર સાથે પણ અર્ચના આ મુદ્દે ચર્ચા કરતી હતી.
મનીષ પિતાની સામે મોં નથી જ ખોલવાનો એની ખાતરી થઈ ગયા પછી ઈ.સ. ૨૦૨૪ ના આરંભમાં એક વાર આ મુદ્દે ઘરમાં ચર્ચા થઈ ત્યારે અર્ચનાએ સસરા સામે તલવાર ખેંચી અને એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમારે તમારી દીકરીને મિલકતમાંથી કંઈ આપવાનું નથી! વાર તહેવારે સાડી કે કોઈ દાગીનો આપો એ કબૂલ, પણ મિલકતમાંથી તો એને ભાગ આપવાનું વિચારશો તો એ મારાથી સહન નહીં થાય! અર્ચનાનું આ રૂપ જોઈને પુરુષોત્તમ અને શકુંતલા ડઘાઈ ગયા. મિતભાષી પુરુષોત્તમે મગજ પર બરફ રાખીને જવાબ આપવાનું ટાળ્યું, પણ શકુંતલાથી શાંત રહેવાનું શક્ય નહોતું એટલે સાસુ-વહુ વચ્ચે એ દિવસથી વિવાદનો આરંભ થઈ ગયો. હવે ઘરનું વાતાવરણ તંગ રહવા લાગ્યું. મનીષ કામ સિવાય અર્ચના સાથે બોલતો નહોતો. સાસુ અને સસરાએ તો અર્ચના સાથે બોલવાનું સદંતર બંધ કરી દીધું હતું.
એપ્રિલ, ૨૦૨૪માં પુરુષોત્તમ પોતાના વકીલ સાથે ફોન ઉપર કંઈક વાત કરી રહ્યા હતા, એ સાંભળીને અર્ચના ચમકી. એને લાગ્યું કે આ ડોસો જો વિલ કરી નાખશે તો એમાં એ ચોક્કસ પોતાની દીકરીને ભાગ આપશે જ! હવે શું કરવું? એણે પોતાના ભાઈ પ્રશાંતની સલાહ લીધી. ઑફિસમાં પોતાની પર્સનલ આસિસ્ટન્ટ પાયલ નાગેશ્વરની સાથે પણ ચર્ચા કરી. એ બંનેની સલાહ પછી અર્ચનાના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો -વિલ બનાવે એ અગાઉ પુરુષોત્તમને પરલોકમાં પહોંચાડી દેવાનો એક માત્ર ઉપાય જ એને દેખાતો હતો!
બ્યાંશી વર્ષના પુરુષોત્તમને એવી રીતે ખતમ કરી નાખવા પડે કે જેથી કોઈને પણ શંકા ના પડે. હવે અર્ચનાનું મગજ એ માટે પ્લાન વિચારવામાં જ રોકાયેલું હતું. બહુ વિચાર્યા પછી એણે ખતરનાક પ્લાન વિચારી લીધો. એમના પરિવારમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એ સાર્થક બાગડે (૨૯ વર્ષ) ઉપર વિશ્વાસ મૂકી શકાય. એ માણસ પૈસાની જરૂરિયાતવાળો હતો, એટલે એને મોટી લાલચ અપાય તો એ મારુંકામ કરી આપશે એવી ગણતરી સાથે અર્ચના એને મળી.
બાગડે, કરોડપતિ બનવાની ઈચ્છા છે? અર્ચનાએ એને પૂછયું અને બાગડેની આંખ ચમકી. એણે તરત કહ્યું કે એ માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. અર્ચનાએ એને સમજાવ્યું કે હું તને એક કરોડ રૂપિયા આપીશ. તારે તારા કોઈ વિશ્વાસુ મિત્રને તૈયાર કરવો પડશે. પુરુષોત્તમ પુત્તેવાર ચાલતા જતા હોય અને એ વખતે એમને કોઈ કારની ટક્કર વાગે અને એ મરી જાય એ રીતની ગોઠવણ કરવાની છે! અર્ચનાની આફર સાંભળીને સાર્થક બાગડે ચોંકી તો ઉઠયો, પરંતુ સવાલ એક કરોડ રૂપિયાનો હતો એટલે એ તૈયાર થઈ ગયો. એણે કહ્યું કે મારા બે અંગત મિત્ર પણ ડ્રાઈવર જ છે.
નીરજ ઈશ્વર નિમજે (૩૦ વર્ષ) અને સચિન મોહન ધાર્મિક (૨૯૯ વર્ષ) આ બે નામ આપીને બાગડેએ બીજા દિવસે કહ્યું કે સચિન જોરદાર જિગરવાળો છે, એ કામ પતાવી આપશે, પણ એની માગણી એવી છે કે એને ગઞચિરોલીમાં બિયર બારનું લાયસન્સ તમારે અપાવવું પડશે. ગઢચિરોલીમાં તો પેલો રાજકારણી અર્ચનાનું કહ્યું માનવા તૈયાર હતો એટલે અર્ચનાએ બાગડને ખાતરી આપી કે સચિનને બિયર બારનું લાયસન્સ અપાવી દઈશ. સચિનને સાડા ત્રણ લાખ રૂપિયા ઉપરાંત દોઢસો ગ્રામ જેટલા સોનાના દાગીના અર્ચનાએ એડવાન્સ તરીકે આપ્યા. અકસ્માત કરવા માટે જૂની કાર ખરીદવાની હતી,એ માટે અર્ચનાએ બાગડેને દોઢ લાખ રૂપિયા આપ્યા. નીરજ નિમજેને ચાલીસ હજાર આપ્યા.
તારીખ ૮-૫-૨૦૨૪ અને ૧૬-૫-૨૦૨૪ ના દિવસે સચિન અને નીરજે કાર લઈને રસ્તે જતા પુરુષોત્તમની પાછળ જઈને પ્રયત્ન કર્યો, પરંતુ એ બે પ્રયત્નમાં એમને સફળતા ના મળી. એ દરમ્યાન શકુંતલાને પગમાં નાનકડી સર્જરી કરાવવાની જરૂર પડી, એટલે એમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સર્જરી સફળતાપુર્વક થઈ ગઈ પણ એ પછી પાંચેક દિવસ એમને હોસ્પિટલમાં જ રહેવાનું હતું. પુરુષોત્તમ રોજ સવાર-સાંજ હોસ્પિટલમાં ચાલતા જ જતા હતા.
તારીખ ૨૨-૫-૨૦૨૪ : સવારે પુરુષોત્તમ હોસ્પિટલ ગયા ત્યારે સચિન અને નીરજ કાર લઈને એમની પાછળ જ હતા, પણ પુરુષોત્તમ એકદમ રસ્તાની ધારે ચાલી રહ્યા હતા એટલે એમને તક ના મળી. દસ વાગ્યે પુરુષોત્તમ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા. એમની દીકરી નજીકમાં બાલાજીનગરમાં જ રહેતી હતી એટલે દીકરીને મળવા એમણે પગ ઉપાડયા. સચિને કાર એમની પાછળ લીધી. માનેવાડા ચોક પાસે સચિને હિંમત કરીને પુરુષોત્તમને કારની ટક્કર મારીને કારની એક્સલ સાથે એમને ઘસડયા અને પુરુષોત્તમ ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા! એ દ્રશ્ય જોઈને લોકોએ સચિનને પકડયો અને પોલીસને ફોન કર્યો. આ વિસ્તાર અજની પોલીસસ્ટેશનની હદમાં આવતો હોવાથી ત્યાંથી પોલીસટીમ આવી ગઈ. ત્યાં કંઈક એવો વહીવટ થયો કે પોલીસે અકસ્માત ગણીને સચિન સામે જામીનપાત્ર ગુનો નોંધ્યો અને બે કલાકમાં જ સચિન બહાર આવી ગયો!
નજરે જોનાર કોઈ વગદાર સજ્જને આ જાણકારી પોલીસ કમિશનર રવીન્દ્ર સિંઘલને આપીને કહ્યું કે સાહેબ, કંઈક કાચું કપાયું છે! પોલીસ કમિશનરે તરત જ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સઘન તપાસમાં સાક્ષીઓ મેળવ્યા અને સીસીટીવી ફૂટેજ જોઈને જણાવ્યું કે આ કેસ અકસ્માતનો નથી, વડીલની રીતસર હત્યા કરવામાં આવી છે! પોલીસે સચિનની ધરપકડ કરી અને પ્રસાદી આપી એટલે એણે વટાણાં વેરી નાખ્યાં. એણે કહ્યું કે હું તો ચિઠ્ઠીનો ચાકર, માસ્ટરમાઈન્ડ તો મેડમ અર્ચના પુત્તેવાર છે! એણે એક પછી એક નામ આપ્યા એટલે પોલીસે તારીખ ૬-૬-૨૦૨૪ના દિવસે અર્ચના, સાર્થક બાગડે, નીરજ નિમજે, પ્રશાંત પારલેવાર અને પાયલ નાગેશ્વરીની ઘરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા. સિનિયર ઈન્સ્પેક્ટર રમેશ તાલે એ રજૂઆત કરેલી કે ઈન્વેસ્ટિગેશન માટે વધારે દિવસ માટે અર્ચનાના પોલીસ કસ્ટડી રિમાન્ડની જરૂર છે, પરંતુ ક્રોસ વેરીફિકેશન વગર માત્ર ત્રણ દિવસમાં જ અર્ચનાના રિમાન્ડ સંકેલાઈ ગયા!
પોલીસે બે કાર અને સાત મોબાઈલ જપ્ત કરી લીધા છે. સચિનના ઘરમાંથી ત્રણ લાખ રોકડા અને સોનાના દાગીના પણ જપ્ત કર્યા છે. અર્ચનાની ધરપકડ પછી ગઢચિરોલી અને ચંદ્રાપુરના ફરિયાદીઓને આશા છે કે મેડમે અહીં કરેલા ગેરકાયદેસર કામોની પણ હવે તપાસ થશે.
અકસ્માતનો કેસ નોંધીને સચિનને તરત જ જામીન આપનાર અજની પોલીસસ્ટેશનના જવાબદાર અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોવાથી એમની પણ પૂછપરછ કરવામાં આવેલી.
ત્રણસો કરોડની મિલકત માટે એક કરોડની સોપારી આપીને સસરાની હત્યા કરાવનાર અર્ચનાની એ સમયે નાગપુરમાં ખૂબ ચર્ચા થયેલી. કોઈકે તો એમ પણ કહ્યું કે સસરાના કેસમાં સફળતા મળી હોત, તો આ મેડમ તમામ મિલકતની એક માત્ર માલિક બનવા માટે એના મિસ્ટરને પણ આવી જ કોઈ રીતે મરાવવાનો પ્લાન બનાવે એવી ખતરનાક છે!