પડોશી પરિવાર ત્રણ દિવસથી દેખાતો નથી એવી ફરિયાદ પોલીસને મળી અને પછી...

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પડોશી પરિવાર ત્રણ દિવસથી દેખાતો નથી એવી ફરિયાદ પોલીસને મળી અને પછી... 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- અદાલત તો આદેશ આપે, પરંતુ આ અંતરિયાળ ગામડામાં એનું પાલન કોણ કરાવે? હાઈકોર્ટના આદેશ પછી પણ સૂરજમલની હાલત તો જૈસૈ થે જેવી જ રહેલી

- સૂરજમલ લબાણા

- લચ્છીદેવી

- ડેમમાં ત્રણ લાશની શોધ

- ડેમ ઉપર પોલીસ

રા જસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનું મુખ્ય મથક પ્રતાપગઢ શહેર રાજ્યની રાજધાની જયપુરથી લગભગ ચારસો કિલોમીટર દૂર આવેલું છે. મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતો આ જિલ્લો એની થેવા કલા (કાચ ઉપર સોનાનું જડતર), જીરાળુ અને હિંગ માટે પ્રખ્યાત છે. ભારત સરકારના નાર્કોટિક્સ વિભાગ દ્વારા મેળવેલા લાયસન્સના આધારે આ જિલ્લાના ૬૭૮૧ ખેડૂતો માત્ર અફીણની ખેતી કરે છે!

અહીંનો ધરિયાવદ તાલુકો તો પૂરો આદિવાસી વિસ્તાર જ છે. આદિવાસી જાતિઓમાં એમના પંચનું કામકાજ ખાપ પંચાયત જેવું જ હોય છે. પંચાયતના નિયમનું પાલન દરેકે કરવું પડે અને એમાં ચૂક થાય તો પંચ ફરમાવે એ દંડ પણ ભરવો પડે! તાજેતરમાં જ આ તાલુકાના મુંગાણા ટાડા નામના ગામમાં હૈયું હચમચાવી નાખે એવી ઘટના બની ગઈ.

ગામમાં રહેતા સૂરજમલ લબાણાની આર્થિક સ્થિતિ સારી એટલે ગામમાં જ એમનું બીજું એક મકાન પણ હતું. પરિવારમાં એ, એમના પત્ની અને ત્રણ પુત્રો. કરણીરામ, મણીરામ અને દયાલરામ. પરિવારના પાંચેય સુખશાંતિથી રહેતા હતા. ઈ.સ. ૨૦૧૮માં એમના મોટા દીકરા કરણીરામને પરણાવ્યો. એના લગ્ન પછી જે બીજું મકાન હતું એ નવદંપતીને રહેવા આપી દીધું.

ઈ.સ. ૨૦૧૯ માં ટૂંકી માંદગીમાં સૂરજમલની પત્નીનું અવસાન થયું. એમની અણધારી વિદાય પછી ઘરમાં કોઈ રસોઈ બનાવે એવું પણ નહોતું એટલે કરણીરામ પોતાની પત્નીને લઈને પાછો આ ઘરમાં રહેવા આવી ગયો. એની પત્નીએ કુશળ ગૃહિણી તરીકે આખા ઘરનો કારભાર સંભાળી લીધો.

ઘરમાં પુત્રવધૂએ બધા કામકાજની જવાબદારી તો સંભાળી લીધી હતી, પરંતુ ૪૫ વર્ષના સૂરજમલના જીવનમાં જે ખોટ પડી હતી એ કોણ પૂરી કરે? મનોમન અકળાઈને સૂરજમલ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આસપાસના ગામોમાં જઈને પરિચિતોને કહેતા કે મારી ઈચ્છા ફરીથી લગ્ન કરવાની છે, મારે લાયક કોઈ પાત્ર હોય તો બતાવો. એમની આ પ્રવૃત્તિની ખબર પડી એટલે ત્રણેય દીકરાઓને ઝાટકો લાગ્યો. આ ઉંમરે બાપાને ફરીથી પરણીને અમારા માટે ઘરમાં નવી મા લાવવી છે- એ વાત એમને જરાયે ગમી નહીં એટલે ઘરમાં બાપ અને દીકરાઓ વચ્ચે આ મુદ્દે ઝઘડો થયો. દીકરાઓની અનિચ્છા હતી, પરંતુ સૂરજમલને તો નવી પત્ની લાવવી જ હતી, એ પોતાની જીદ પર મક્કમ હતા!

નવી પત્ની માટે સૂરજમલની શોધખોળ ચાલુ હતી. આર્થિક સ્થિતિ સધ્ધર હોવા છતાં, ૪૫ વર્ષની ઉંમર નડતરરૂપ બનતી હતી. એવામાં કોઈએ આંગળી ચીંધી અને સૂરજમલે લચ્છીદેવીને જોઈ. પચીસ વર્ષની લચ્છી રૂપાળી હતી. એક વર્ષ અગાઉ જ એ વિધવા થઈ હતી અને એને સંતાનમાં એક વર્ષની દીકરી પણ હતી. સૂરજમલને પહેલી જ નજરે લચ્છી ગમી ગઈ, પરંતુ એમની જાતિની પંચાયતનો કડક નિયમ હતો કે કોઈ પુરુષ - એ કુંવારો હોય કે વિધુર-એ કોઈ વિધવા સાથે લગ્ન ના કરી શકે!

પંચાયતના નિયમોની ઐસીતૈસી! લચ્છીનું રૂપ જોયા પછી સૂરજમલે હિંમતથી નિર્ધાર કર્યો અને એ લચ્છીના મા-બાપને મળ્યા. લચ્છી સાથે મુલાકાતમાં લચ્છીએ શરત મૂકી કે તમારી સાથે પરણવા હું તૈયાર છું, પરંતુ મારી આ દીકરી મારી સાથે આવશે, એને તમારે સગી દીકરીની જેમ જ રાખવી પડશે! લચ્છીના રૂપમાં પાગલ બનેલા સૂરજમલને પંચાયતની પરવા નહોતી અને લચ્છીની આ શરત પણ કબૂલમંજૂર હતી. ગામલોકો અને પંચાયતના મોટા માથાઓ લગ્નમાં વિરોધ કરે એવી સૂરજમલને બીક હતી. વળી ત્રણેય દીકરા અને પુત્રવધૂને પણ પોતાનો આ નિર્ણય નહીં ગમે એવી ખાતરી હોવાથી એમણે લચ્છીને તૈયાર કરી અને બંને ચિત્તોડગઢ પહોંચ્યા. તારીખ ૭-૧૨-૨૦૨૦ ના શુભદિવસે ત્યાંના આર્યસમાજ ગુરૂકુળમાં હિંદુ લગ્નવિધિપૂર્વક લગ્ન કરી લીધા! પાંચ દિવસ ઉદયપુરમાં હનીમૂન મનાવીને એ બંને નાનકડી દીકરીને લઈને ગામમાં આવ્યા ત્યારે ગામમાં હોબાળો મચી ગયો!

તાબડતોબ એમની જાતિની પંચાયત ભેગી થઈ અને એમાં સૂરજમલને બોલાવવામાં આવ્યો. વિધવા સાથે લગ્ન કરવાનો અપરાધ કેમ કર્યો ? એ મુદ્દે સૂરજમલની ઝાટકણી કાઢીને પંચે હુકમ કર્યો કે અગિયાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સૂરજમલ દંડ ભરવા તૈયાર નહોતો એટલે પંચે આદેશ આપ્યો કે આજથી તારા હુક્કા-પાણી બંધ! તને નાતબહાર મૂકવામાં આવે છે. એ ઉપરાંત ધમકી આપી કે આ ગામમાં રહેવાનું તને ભારે પડશે!

અપમાનિત દશામાં સૂરજમલ ઘેર પહોંચ્યો ત્યારે ઘરમાં પણ એવી જ પરિસ્થિતિ હતી. દયાલરામ, મણીરામ, કરણીરામ અને એની પત્ની-આ ચારમાંથી કોઈ લચ્છી કે એની દીકરીને સ્વીકારવા તૈયાર નહોતા. એમણે લચ્છી સાથે વાત પણ નહોતી કરી! એ ચારેય જણાએ ભેગા થઈને સૂરજમલ અને લચ્છી સાથે ઝઘડો કર્યો અને કહી દીધું કે અમારે તમારી આ નવી વહુ સાથે નથી રહેવું! એમણે તો પોતાના કપડાં અને સામાન પણ તૈયાર જ રાખ્યો હતો. ગામમાં જે બીજું મકાન હતું એમાં એ લોકો રહેવા જતા રહ્યા. હવે અહીં આ ઘરમાં સૂરજમલની સાથે લચ્છીદેવી અને લચ્છીદેવીની એક વર્ષની દીકરી જ રહ્યાં, પરંતુ સૂરજમલને બીજા કોઈની લગીર  પરવા પણ નહોતી.

બીજા દિવસે પંચના માણસોએ ઘેર આવીને સૂરજમલ સાથે મોટો ઝઘડો કર્યો અને મારવાની ધમકી આપી. સૂરજમલ ઉપર એની કોઈ અસર નહોતી. સૂરજમલ નાતબહાર મૂકાયેલો અને ગામમાં તો એની જાતિની જ વસ્તી હતી એટલે એ ગામમાં નીકળે ત્યારે ગામલોકો પણ એને હડધૂત કરતા હતા. તું ગામ છોડીને ભાગી જા-એવી ધમકી આપતા હતા, પંચાયતના માણસો  વારંવાર એના ઘરના બારણે ઊભા રહીને એને ગામ છોડીને જતા રહેવાનું કહેતા હતા અને મારવાની ધમકી આપતા હતા. ત્રણેય દીકરાઓ પણ આવીને ઝઘડી જતા હતા કે તમારા પાપે ગામલોકો અમારી મજાકમશ્કરી કરે છે!

નાતની પંચાયતના મનસ્વી હુકમની સામે ઝૂકવાની સૂરજમલની તૈયારી નહોતી એટલે એ જોધપુર પહોંચ્યા અને એક પરિચિત વકીલ મારફતે હાઈકોર્ટનો આશરો લીધો. બાહોશ વકીલે જજ સામે સૂરજમલની દયાજનક સ્થિતિ વર્ણવી અને જુલાઈ, ૨૦૨૧ માં જોધપુર હાઇકોર્ટે  પ્રદેશના ગૃહ સચિવ, પ્રતાપગઢ જિલ્લાના પોલીસવડા, ધરિયાવદ અને પારસોલા પોલીસસ્ટેશનના અધિકારીઓને સૂરજમલ અને તેના પરિવારની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો અને ખાપ પંચાયતના અગિયાર આગેવાનોને પણ સખ્તાઈથી સૂચના આપી કે  સૂરજમલની કનડગત થવી ના જોઈએ.

અદાલત તો આદેશ આપે, પરંતુ આ અંતરિયાળ ગામડામાં એનું પાલન કોણ કરાવે? ત્રણેય દીકરાઓ પણ દર અઠવાડિયે એકાદ વાર આવીને ઝઘડતા હતા અને ગામની બજારમાં પણ બધા સૂરજમલને જેમ ફાવે એમ બોલતા હતા, મારવાની ધમકી આપતા હતા- ટૂંકમાં હાઈકોર્ટના આદેશ પછી પણ સૂરજમલની હાલત તો જૈસૈ થે જેવી જ રહેલી.

જૂન, ૨૦૨૩માં એક બળબળતી બપોરે ત્રણેય દીકરાઓએ એક સાથે સૂરજમલના ઘેર આવીને આવીને ખૂબ મોટો ઝઘડો કર્યો. એમાં લચ્છી પણ વચ્ચે પડીને કંઈક બોલી એટલે દીકરાઓ વિફર્યા અને સૂરજમલ ને 

ધમકી આપી કે તને, તારી આ રૂપાળી વહુને અને એની દીકરી- તમને ત્રણેયને જાનથી મારી નાખીશું, કાપીને ટૂકડા કરીને ગામના ઉકરડામાં ફેંકી દઈશું!

આવી ધમકી મળ્યા પછી સૂરજમલ ધરિયાવદ પોલીસસ્ટેશને ગયા અને ત્રણેય દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી. ગામમાં પાછા આવીને એમણે ત્રણેય દીકરાઓને ક્હી દીધું કે આ મારું મકાન વહેલામાં વહેલી તકે ખાલી કરો. મારી મિલકતમાંથી તમારામાંથી એકેયને એક રૂપિયો પણ નહીં મળે. મારી તમામ પ્રોપર્ટી અને પૈસા તમારી મા લચ્છીને જ મળશે- એવી ગોઠવણ કરી નાખી છે!

બાપાએ પોલીસ ફરિયાદ કરી અને મિલકતમાંથી કાણી પાઈ પણ નહીં મળે એવું કહી દીધું એને લીધે ત્રણેય દીકરાઓ ગુસ્સાની આગમાં સળગતા હતા. થોડા સમય પછી એક સમાચાર જાણીને એમની એ આગ ઉપર પેટ્રોલ રેડાયું. નવી મા લચ્છી પ્રેગનન્ટ છે એ માહિતી મળી ત્યારે એમને લાગ્યું કે જો લચ્છીને દીકરો આવશે તો એ પછી તો બાપા આપણી સામે પણ નહીં જુએ. હવે જલ્દી કંઈક કરવું જ પડશે એવા નિર્ધાર સાથે એ લોકો જાત જાતના પ્લાન વિચારવા લાગ્યા.

શનિવાર, તારીખ ૨૭-૭-૨૦૨૪ બપોરે એક પાડોશીએ પારકોલા પોલીસસ્ટેશનમાં જાણકારી આપી કે સૂરજમલ અને એની બૈરી ત્રણ દિવસથી દેખાતા નથી. તમે આવીને તપાસ કરો. બે કોન્સ્ટેબલ ગામમાં આવીને બધાની પૂછપરછ કરીને પાછા જતા રહ્યા. એ લોકો આંટો મારીને જતા રહ્યા એટલે ગામના સરપંચે પોલીસને ફોન કરીને કહ્યું કે મામલો સિરિયસ છે. તમે પૂરી તપાસ કરો. અમને શંકા છે કે એમને મારી નાખ્યા હશે! ગામના આગેવાને તતડાવીને કહ્યું એટલે પોલીસની આંખ ઉઘડી. એમને ત્રણ વર્ષ અગાઉ જોધપુર હાઇકોર્ટે આપેલા આદેશનું પણ સ્મરણ થયું. એ પછી તો જિલ્લાના ચાર પોલીસસ્ટેશનની ટીમ, વાંસવાડા ખજીન્ ની ટીમ, ચિત્તોડગઢથી ડોગ સ્ક્વૉડ અને જીઁ લક્ષ્મણ દાસ- બધાય ગામમાં દોડી આવ્યા. 

ડોગ સ્ક્વૉડે મહેનત કરી, પણ પત્તો ના મળ્યો. સૂરજમલનું ઘર બંધ હતું. એ ખોલીને ખજીન્ ની ટીમે નિરીક્ષણ કર્યું. ઘરની ફરસ ઉપર લોહીના ડાઘા હતા. અલબત્ત, એને ધોઈ નાખવાનો કોઈએ પૂરો પ્રયત્ન કરેલો, પરંતુ ખજીન્ ની ટીમે એ લોહીના ડાઘને પારખી લીધા. પોલીસને ખાતરી થઈ કે મામલો હત્યાનો જ છે. ગામલોકોની પૂછપરછમાં દીકરાઓ સાથે ઝઘડાની જાણકારી મળેલી. એ ઉપરાંત ખુદ સૂરજમલે એક વર્ષ અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી કે મારા ત્રણેય દીકરાઓએ મને મારી નાખવાની ધમકી આપી છે. એને લીધે પોલીસનું કામ સરળ બની ગયું. હવે તો દીકરાઓને પકડીને એમનું મોઢું ખોલાવવાનું કામ જ બાકી હતું. એ ત્રણમાંથી એકેય અત્યારે ગામમાં નહોતો, એટલે પોલીસની શંકા હવે ખાતરીમાં બદલાઈ. એમને શોધવા માટે દીકરાઓ સાથે ગામમાં જેને જેને સંબંધ હતો એમની પૂછપરછ કરીને કરણીરામ, મણીરામ અને દયાલરામ ક્યાં હોઈ શકે એની જાણકારી મેળવીને પોલીસની ટીમો અલગ અલગ દિશામાં રવાના થઈ ગઈ.

ભીલવાડા ગયેલી ટીમને સફળતા મળી. તારીખ ૩૦-૭-૨૦૨૪ ની સવારે એમણે કરણીરામ અને મણીરામને ભીલવાડામાં એમના એક સંબંધીના ઘરમાંથી દબોચી લીધા અને પકડીને ગામમાં લાવ્યા. જીઁ લક્ષ્મણ દાસે એ બંને ભાઈઓની પૂછપરછ શરૂ કરી. અમને કંઈ ખબર જ નથી એવો એક જ જવાબ એ આપી રહ્યા હતા. એ પછી જીઁ ના આદેશથી ચાર કદાવર કોન્સ્ટેબલોએ એમની 'સરભરા' કરી એટલે એ બંને ભાંગી પડયા અને કબૂલાત કરી.

સૂરજમલ નવી મા લચ્છીને ઘરમાં લાવ્યા અને એ પછી કહેલું કે મિલકતમાંથી એક પૈસો પણ તમને નહીં મળે, એટલે ત્રણેય ભાઈઓએ એમને ખતમ કરી નાખવાનું નક્કી કરી નાખેલું. એમાંય નવી મા પ્રેગનન્ટ છે, અને ત્રણ મહિના પછી નવા વારસદારને જન્મ આપવાની છે એ જાણ્યા પછી વધુ રાહ જોયા વગર એમણે પ્લાન અમલમાં મૂક્યો અને તારીખ ૨૫-૭-૨૦૨૪ ની પરોઢે એમણે સૂરજમલ, ગર્ભવતી લચ્છી અને પાંચ વર્ષની લચ્છીની દીકરી- ત્રણેયને ધારદાર છરાથી મારી નાખેલા!

એ બધાની લાશનું શું કર્યું? પોલીસના એ પ્રશ્નના જવાબમાં કરણીરામે કહ્યું કે અહીંથી બે કિલોમીટર દૂર પાચલી ડેમ છે, એ ડેમમાં ત્રણેય લાશને પધરાવી દીધેલી ! પોલીસને નવાઈ લાગી. એ ડેમમાં તો એક ટીમ તપાસ માટે જઈ આવેલી પણ ત્યાં કોઈ લાશ એમને જોવા નહોતી મળી! બંને ભાઈઓએ ખુલાસો કર્યો કે કોઈનેય જડે નહીં એ માટે લાશની સાથે પથરા બાંધીને ડેમમાં ફેંકી હતી! જીઁ એ તરત પ્રતાપગઢ ફોન કરીને ડૂબકીમાર તરવૈયાઓને બોલાવી લીધા.

એ લોકો આવી ગયા પછી એમને લઈને પોલીસટીમ ડેમ પર પહોંચી ત્યારે આખું ગામ એમની પાછળ આવ્યું. કરણીરામ અને મણીરામે જગ્યા બતાવી ત્યાં તરવૈયાઓની ટીમ કૂદી પડી. એ ટીમે પણ ખૂબ મહેનત કરવી પડી. પ્લાસ્ટિકમાં લપેટેલી સૂરજમલની લાશ સાથે પચાસ કિલો જેટલા પથ્થર બાંધેલા હતા. ગર્ભવતી લચ્છીની લાશની પીઠ પાછળ એની પાંચ વર્ષની દીકરીની લાશને બાંધીને એની સાથે પણ પચાસેક કિલો પથ્થર બાંધેલા હતા! ત્રણેય લાશની હાલત જોઈને ગામલોકોની ભીડમાં અરેરાટી વ્યાપી ગઈ. પોલીસે ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હત્યામાં વપરાયેલા છરાઓ પણ પોલીસે કબજે કરી લીધા છે.

તમારો નાનો ભાઈ દયાલરામ ક્યાં છે? કરણીરામ અને મણીરામને પોલીસે પૂછયું ત્યારે એમણે કહ્યું કે પકડાઈ જવાની બીકથી એ ભાગી ગયો છે. એ નેપાળ જવાનું કહેતો હતો.

નાનકડા ગામમાં આવી મોટી ઘટના તો પહેલીવાર બની હોવાથી ગામમાં હજુય સન્નાટો છવાયેલો છે. સહુના મનમાં એક જ સવાલ છે કે સગા બાપને અને સાવકી માતાને રહેંસી નાખનાર આ ત્રણેયને નાનકડી પાંચ વર્ષની સાવકી બહેનની પણ દયા ના આવી? કરણીરામ અને મણીરામ પ્રતાપગઢ જેલમાં છે. દયાલરામ પોલીસથી ભાગતો ફરે છે, અને પોલીસ મીડિયાથી! જોધપુર હાઈકોર્ટનો આદેશ હતો, એ છતાં તમે આ પરિવારને રક્ષણ કેમ ના આપ્યું? એ સવાલનો જવાબ પોલીસ આપી શકતી નથી! 


Google NewsGoogle News