Get The App

મિલનસાર અને મહેનતુ દંપતીની હત્યા કોઈ શા માટે કરે?

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
મિલનસાર અને મહેનતુ દંપતીની હત્યા કોઈ શા માટે કરે? 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- રાજેશે ઘરના બારણાંને ધક્કો માર્યો તો બારણું ખાલી અટકાડીને જ બંધ કરેલું. અગાઉ જે કોન્સ્ટેબલ ગયેલો એણે પૂરી તપાસ વગર જ રિપોર્ટ આપી દીધેલો 

- ઈન્સ્પેક્ટર રાજેશ L. Y..

- અગારા સરોવર

કા મ કરવાની પધ્ધતિમાં દરેક પોલીસ અધિકારીની પોતાની અલગ સ્ટાઈલ હોય છે. હત્યાનો કેસ હોય ત્યારે હત્યા કોની થઈ છે- એના આધારે એની તપાસની ગતિ નક્કી થતી હોય એવું ઘણા કિસ્સામાં બને છે. કોઈ દૂરના રાજ્યમાંથી મહેનત-મજૂરી કરવા આવેલ દંપતીની હત્યા થાય, પોલીસ ઉપર ઝડપી તપાસનું દબાણ કરનાર એકેય વ્યક્તિ કે સંસ્થા ના હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા કામના ભારણને લીધે એવા કેસની તપાસ ધીમી થઈ જાય છે. ચૌદ વર્ષ અગાઉ બેંગલોરમાં બનેલી આવી ઘટનામાં એ સમયના ઈન્સ્પેક્ટર એલ.વાય. રાજેશે એવા સંજોગોમાં પણ ગણીને ચૌદ દિવસમાં જ હત્યારાઓને ઝડપીને ફાસ્ટટ્રેક કોર્ટ મારફતે ચાર જ વર્ષમાં એમને આજીવન કેદની સજા પણ અપાવી દીધેલી!

તારીખ ૯-૨-૨૦૧૦. સવારે નવ વાગ્યે બેંગલોરમાં માઈક્રો લેઆઉટ પોલીસસ્ટેશનના નવા મકાનનું ઉદઘાટન કરવા પોલીસ કમિશ્નર આવ્યા હતા. શહેરના તમામ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા. એ સમારંભમાં યશસ્વી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓનું બહુમાન કરીને એમને સન્માનપત્ર આપવાનો પણ કાર્યક્રમ હતો.  HSR લેઆઉટ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર એલ. વાય. રાજેશનું નામ એ યાદીમાં હોવાથી  પોતાનું નામ બોલાય એની એ પ્રતીક્ષા કરી રહ્યો હતો. અચાનક એનો મોબાઈલ રણક્યો. સબઈન્સ્પેક્ટર મિરઝાએ કહ્યું કે સર, અગારા લૅક પાસે એક અજાણ્યા પુરુષની લાશ પડેલી છે. એ સાંભળીને સન્માનનો કાર્યક્રમ પડતો મૂકીને રાજેશ સીધો જ અગારા સરોવર પર પહોંચી ગયો. સબ ઈન્સ્પેક્ટર મિરઝા અને બે કોન્સ્ટેબલ લાશને અડયા વગર ત્યાં રાજેશની રાહ જોઈ રહ્યા હતા. લાશ ઊંધી પડી હતી. રાજેશે એને સીધી કરી. હત્યારાએ ક્રૂરતાથી ગરદન કાપી નાખી હતી!

મૃતકની ઓળખ મળે એવી એકેય ચીજ લાશની આસપાસ નહોતી. ઘટનાસ્થળના નિરીક્ષણથી રાજેશને ખ્યાલ આવ્યો કે હત્યા ક્યાંક બીજે કરીને લાશને અહીં ફેંકવામાં આવી છે. એણે આસપાસ ચારે તરફ નજર ફેરવી. થોડે દૂર એક સાવ જૂની ફિયાટ કાર પડેલી હતી. ત્યાં જઈને જોયું તો ડ્રાઈવરની સીટ લોહીથી લથબથ હતી. મૃતકની ઓળખ માટેની એક કડી મળી. કારના રજિસ્ટ્રેશન નંબર ઉપરથી પોલીસે કોરામંગલ વિસ્તારમાંથી એના માલિકની પૂછપરછ કરી. એણે કહ્યું કે આ કાર મારી હતી. ચાર મહિના અગાઉ મેં નવી કાર લીધી. એ પછી આ ભંગાર કાર માટે ગ્રાહક મળતો નહોતો. મારે ત્યાં ઘરકામ કરવા માટે જાનકી નામની યુવતી આવે છે. એણે માગી એટલે સાવ સસ્તામાં એને આપી દીધેલી. જાનકી ક્યાં રહે છે, એની મને ખબર નથી. એણે જાનકીનો મોબાઈલ નંબર જોડયો, પણ એ સ્વીચઑફ આવતો હતો.

આસપાસના મકાનોમાં કામ કરનારી સ્ત્રીઓ પાસેથી એટલી જાણકારી મળી કે જાનકી પરણેલી છે, એનો પતિ અમૃત રૉય કોરામંગલા વિસ્તારમાં કોઈ ખાનગી પેઢીમાં નોકરી કરે છે અને એ લોકો બેલાન્દુર વિસ્તારમાં ભાડે રહે છે. રાજેશે એક કોન્સ્ટેબલને જાનકીના ઘેર તપાસ કરવા મોકલ્યો. પાછા આવીને એણે કહ્યું કે જાનકીનું ઘર તો જડી ગયું, પણ એ બંધ છે. અમૃત રૉય જ્યાં નોકરી કરતો હતો એ ઑફિસનું નામ-સરનામું મળ્યું એટલે ત્યાં જઈને પોલીસે અમૃતનો મોબાઈલ નંબર તો મેળવ્યો, પણ મોબાઈલ સ્વીચઑફ આવતો હતો. 

કાર જાનકીએ ખરીદેલી, એટલે જેની લાશ મળી એ જાનકીનો પતિ અમૃત રૉય હોઈ શકે એ ધારણાના આધારે પોલીસે વિચાર્યું કે જાનકી પણ ગૂમ છે, એનો અર્થ એ કે જાનકીને કોઈની સાથે લફરું હોઈ શકે અને એના પ્રેમીએ અમૃતની હત્યા કરી હશે!

અમૃત-જાનકીના ઘરનું તાળું તોડીને એમાં બધું તપાસીએ તો કંઈક કડી મળશે એવી આશા સાથે સાંજે સાત વાગ્યે રાજેશ, મિરઝા અને બે કોન્સ્ટેબલ એમના ઘેર પહોંચ્યા. એ સમયે એ વિસ્તારની લાઈટો બંધ હતી. રાજેશે ઘરના બારણાંને ધક્કો માર્યો તો એ ચમક્યો. બારણું ખાલી અટકાડીને જ બંધ કરેલું હતું. અગાઉ જે કોન્સ્ટેબલને તપાસ કરવા મોકલેલો એણે એ બારણું બંધ જોઈને પૂરી તપાસ કર્યા  વગર જ રિપોર્ટ આપી દીધેલો કે ઘર બંધ છે!

સબઈન્સ્પેક્ટર મિરઝા ટોર્ચ લઈને ઘરમાં ગયો અને તરત જ બહાર આવીને એણે રાજેશને કહ્યું કે અંદર કોથળામાં એક સ્ત્રીની લાશ છે! જિજ્ઞાસાવશ પાડોશીઓ પણ ટોળું વળીને ઘર પાસે ઊભા હતા. ગળું કપાયેલી એ લાશ જોઈને એમણે પોલીસને કહ્યું કે આ જાનકીની લાશ છે! 

અમૃત અને જાનકી છેક પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી અહીં નોકરી-ધંધા માટે આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી અહીં ભાડે રહેતા હતા. પતિ-પત્ની મિલનસાર હતા અને એમની વચ્ચે ક્યારેય ઝઘડો નહોતો  થયો, એવી પાડોશીઓએ જાણકારી આપી. જાનકીની પણ હત્યા થઈ એને લીધે કોકડું ગૂંચવાયું. અમૃત કે જાનકીના કોઈ સગાંની પણ પોલીસ પાસે માહિતી નહોતી. ઘરમાંથી જાનકીની ડાયરી જેવી એવી નોટ મળી, એમાં જાનકીના ભાઈ સંતોષનું દાર્જિલિંગનું સરનામું અને ફોન નંબર લખેલા હતા. પોલીસે એને ફોન કરીને જાણ કરી એટલે એણે કહ્યું કે હું બેંગલોર આવવા નીકળું છું.

મામલો બેવડી હત્યાનો હતો, એટલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઈચ્છતા હતા કે આ કેસની તપાસ CCB  (સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ)ને સોંપાય, પરંતુ કમિશ્નર રેડ્ડીને રાજેશ ઉપર વિશ્વાસ હતો એટલે એમણે ભભમ્ ની ના પાડીને રાજેશને કહ્યું કે તપાસની ઝડપ વધારો.

અમૃતનો મોબાઈલ બંધ આવતો હતો, પરંતુ પોલીસે છેલ્લા બે દિવસની કોલ ડિટેઈલ્સ કઢાવીને એણે કોની કોની સાથે વાત કરેલી, એ જાણવાના પ્રયત્ન શરૂ કર્યો એ જ વખતે અચાનક બેંગલોરથી સિત્તેર કિલોમીટર દૂર કુનીગલ ગામમાં એ ફોન એક્ટિવ થયો. વળી, એ મોબાઈલધારક બેંગલોર તરફ જ આવી રહ્યો હતો. રાજેશે સૂચના આપી એટલે એક મહિલા કોન્સ્ટેબલે એ ફોનનંબર જોડીને મીઠી મીઠી વાતો કરીને એને બેંગલોરની એક હોટલ પર મળવા બોલાવ્યો. એ આવ્યો એટલે પોલીસે એને દબોચી લીધો, પરંતુ એ માણસે કબૂલ્યું કે અગારા સરોવર પાસેથી એને આ સિમકાર્ડ જડેલું અને એમાં બેલેન્સ હતું એણે વાપરવાનું શરૂ કરી દીધેલું, એ પછી એ સિમકાર્ડને એ ફેંકી દેવાનો હતો. એની નિર્દોષતાની ખાતરી થયા પછી પોલીસે એને છોડી મૂક્યો.

જાનકીનો ભાઈ સંતોષ દાર્જિલિંગથી આવી ગયો. એણે બંને લાશની ઓળખવિધિ કરીને જણાવ્યું કે મારા બનેવીની સોનાની ચેઈન અને વીંટી ગૂમ છે.  એણે કહ્યું કે અમૃત રૉય અનાથ હતો. મારા મા-બાપે જ એને આશરો આપીને ઉછેરેલો. માણસ પ્રમાણિક, મહેનતુ અને નિર્વ્યસની હતો, એટલે મારી બહેન જાનકીને એની સાથે પરણાવેલી. એ બંને ઉજ્જ્વળ ભવિષ્યની આશા લઈને બેંગલોર આવેલા. બનેવીએ કાળી મજૂરી કરીને ખાસ્સી બચત પણ કરેલી છે. રાજેશે એને બેંગલોરમાં અમૃત રૉયના મિત્રો વિશે પૂછયું ત્યારે સંતોષે માહિતી આપી કે મૂળ આસામનો પ્રદીપ છતરી મારા બનેવીનો ખાસ મિત્ર હતો. એ હેરડ્રેસર છે. મારી બહેન જાનકીએ તો એને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. દરેક રક્ષાબંધનના દિવસે જાનકી પ્રદીપને રાખડી બાંધતી હતી. એ પ્રદીપ ઉપરાંત પ્રથમ થમાંગ તો અમારા દાર્જિલિંગનો જ છે. આસામનો વિવેક અને સંતોષ છતરી- અમૃતના આટલા મિત્રોને હું ઓળખું છું. ગયા વર્ષે હું અહીં આવ્યો ત્યારે બનેવીએ બધાનો પરિચય કરાવેલો.

'તમારા બહેન-બનેવીની કાલે અંતિમ વિધિમાં અમે હાજર રહેવાના છીએ.' રાજેશે સંતોષને સૂચના આપી. 'એ વખતે આ બધાનો પરિચય કરાવજે.'

રાજેશ અને મિરઝા સાદા વસ્ત્રોમાં સ્મશાનમાં સંતોષની જોડે જ હતા. સ્મશાનમાં પ્રથમ થમાંગ, વિવેક અને સંતોષ છતરી હાજર હતા. જાનકીનો ધર્મનો ભાઈ પ્રદીપ છતરી સ્મશાનમાં આવ્યો નહોતો. સંતોષે અમૃતના આ ત્રણેય મિત્રોની ઓળખાણ કરાવી. રાજેશે પોતાની ઓળખ આપીને એ ત્રણેયને બીજા દિવસે બાર વાગ્યે પોલીસસ્ટેશને આવવા આદેશ આપ્યો. આ વાતચીત દરમ્યાન એ ત્રણેયના હાથ પર તાજા જખમોના નિશાન હતા 

એનું રાજેશ અને મિરઝાએ નિરીક્ષણ કરી લીધું હતું. જાનકીનો ધર્મનો ભાઈ પ્રદીપ છતરી ગૂમ હતો એની પણ એમણે નોંધ લીધી. 

બીજા દિવસે એ ત્રણેય પોલીસસ્ટેશને આવ્યા એ પછી રાજેશે એ ત્રણેયને અલગ અલગ બોલાવીને એમના હાથમાં થયેલી ઈજા વિશે પૂછયું, તો બાઈક પરથી પડી ગયાનો જવાબ મળ્યો. એ જવાબ ખોટો છે એની ખાતરી થયા પછી પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી, એમાં સંતોષ છતરી ભાંગી પડયો અને એણે રડીને ગુનાની કબૂલાત કરી. હત્યાનો સૂત્રધાર પ્રદીપ છતરી હતો.

સતત અભાવમાં ઉછરેલા અમૃત રૉયને સારી રીતે જીવવાનો શોખ હતો. એ અને જાનકી તનતોડ મહેનત કરીને પણ ખૂબ સારી રીતે જીવતા હતા, એની પ્રદીપ છતરીને ઈર્ષા થતી હતી. એમાં એક દિવસ અમૃતે કહ્યું કે નોકરી છોડીને પ્રોપર્ટી બ્રોકર તરીકે હું મારો ખુદનો ધંધો શરૂ કરવાનો છું, એ માટે આજ સુધી બચાવીને મેં વીસ લાખ રૂપિયા રોકડા ભેગા કર્યા છે! 

વીસ લાખ રોકડાની વાત સાંભળીને પ્રદીપની દાનત બગડી. એણે સંતોષ, વિવેક અને પ્રથમ તમાંગને પોતાના કાવતરામાં સહભાગી બનાવ્યા. તારીખ ૮-૨-૨૦૧૦ની સાંજે એ ચારેય અમૃતના ઘેર આવ્યા. જાનકીએ રસોઈ બનાવીને એ ચારેયને જમાડયા. જમીને ખાસ્સી વાર હસી-મજાકની વાતો કરીને પ્રદીપે અમૃતને કહ્યું કે ચાલ, તારી કારમાં અગારા લેકનું ચક્કર મારવા જઈએ. અમૃતની કારમાં એ ચારેય ગોઠવાયા. અગારા લેકના સૂમસામ ખૂણે પીપી કરવાના બહાને પ્રદીપે કાર ઊભી રખાવી. અમૃત કારમાં જ બેઠો હતો. છરા સાથે આ ચારેય એને ઘેરી વળ્યા. અમૃતની ગરદન પર છરો મૂકીને પ્રદીપે આદેશ આપ્યો કે અમે ત્રણ અહીં છીએ. હું પ્રથમને તારા ઘેર મોકલું છું. તું જાનકીને ફોન કરીને કહે કે એ વીસ લાખ રૂપિયા એને આપી દે. પોતાના જિગરી દોસ્તારની આવી વાત સાંભળીને અમૃત ભડક્યો. એણે ચોખ્ખી ના પાડી અને એમાં ઝપાઝપી થઈ અને છરાથી અમૃતનું ગળું કપાઈ જવાથી એ મરી ગયો. એની લાશને ઊંચકીને થોડે દૂર મૂકીને આ લોકોએ વિચાર્યું કે જાનકીને તો ખબર છે કે આપણે એની સાથે હતા. એ પોલીસને આપણા નામ આપશે તો? જાનકીને હવે જીવતી ના છોડાય. એ ચારેય રિક્ષા કરીને જાનકીના ઘેર આવ્યા. એને કહ્યું કે અમૃત ડ્રાઈવિંગ લાયસન્સ ઘેર ભૂલી ગયો છે, એટલે પોલીસે પકડયો છે. જલ્દી લાયસન્સ શોધીને આપો. જાનકી કબાટ ખોલતી હતી એ વખતે આ ચારેય છરા લઈને તૂટી પડયા. જાનકીએ પ્રતિકાર કર્યો, પણ એ હારી ગઈ. એની પણ ગરદન વાઢી નાખી અને એની લાશને ત્યાં પડેલા એક કોથળામાં ભરીને આ ચારેય ભાગી ગયા. બંને હત્યા દરમ્યાન ઝપાઝપીમાં એમના હાથમાં વાગેલું હતું. પ્રદીપ ક્યાં ભાગી ગયો છે એની આ લોકોને જાણકારી નહોતી.

એ ત્રણેયને લોકઅપમાં નાખીને પોલીસ મુખ્ય આરોપી પ્રદીપના ઘેર વિવેકનગરમાં પહોંચી તો માહિતી મળી કે ઘર ખાલી કરીને એ બીટીએમ લેઆઉટમાં રહેવા ગયો છે. એ નવા ઘેર પહોંચેલી પોલીસને પાડોશીઓએ કહ્યું કે પ્રદીપ બેગ લઈને ક્યાંક બહારગામ જતો હોય એવું લાગેલું. પ્રદીપને શોધવા માટે પોલીસે તમામ ખબરીઓને કામે લગાડી દીધા હતા.

તારીખ ૨૬-૧૦-૨૦૧૦ ના દિવસે પોલીસની મહેનત ફળી. એક ખબરીએ જાણ કરી કે પ્રદીપ બેંગલોર આવ્યો છે. પોલીસે એને પકડી લીધો. હત્યા કરીને પ્રદીપ ચેન્નાઈ ભાગી ગયો હતો અને ત્યાંથી આસામ જવા માટે એણે ટ્રેનની ટિકિટ પણ કરાવી લીધી હતી. હત્યા પછી પ્રદીપની હાલત કફોડી થઈ ગઈ હતી. એ એકેય રાત ઊંઘી શક્યો નહોતો. પથારીમાં પડે કે તરત એને જાનકી દેખાતી હતી. લોહીથી લથબથ જાનકી એની સામે આંગળી ચીંધીને રડીને પૂછતી હતી કે ભાઈ! તેં આવું કેમ કર્યું? હું તો દર બળેવે તને રાખડી બાંધતી હતી, તોય તેં અમને બંનેને કેમ મારી નાખ્યા? ભૂત-પ્રેત અને આત્માની વાતોમાં વિશ્વાસ ધરાવતો પ્રદીપ આવા સ્વપ્નો જોઈને ફફડી ગયો હતો. ચેન્નાઈથી આસામ જતી ટ્રેનમાં એ બેઠો તો ખરો, પરંતુ ટ્રેન ઉપડી એ પછી પણ એની આંખ સામે જાનકી જ દેખાવા લાગી. શું કરવું એ એને સમજાતું નહોતું. ચાલુ ટ્રેને જ એ નીચે કૂદી પડયો. બંને પગ છોલાઈ ગયા અને અસમંજસની દશામાં જ એ પાછો બેંગલોર આવી ગયેલો!

બેવડી હત્યાનો આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે એ માટેની ગોઠવણ કરીને ઈન્સ્પેક્ટર રાજેશે તાબડતોબ ચાર્જશીટ તૈયાર કરીને ચૌદમી ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરી દીધું. હત્યામાં વપરાયેલ છરાઓ, અમૃતની ચેઈન અને વીંટી સહિતના ૪૬ પુરાવાઓ અને ૩૪ સાક્ષીઓ સાથે એણે ગુનેગારોને સજા અપાવવા માટે પોતાની ટીમ સાથે મળીને તનતોડ મહેનત કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો અને માત્ર ચાર વર્ષમાં જ તારીખ ૧૬-૯-૨૦૧૪ ના દિવસે અદાલતે ચુકાદો આપીને ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.   

અત્યારે બેંગલોરમાં એસ.પી. તરીકે ફરજ બજાવતા એલ. વાય. રાજેશે એક ટીવી ઈન્ટરવ્યુમાં બીજા યાદગાર કિસ્સાઓની સાથે ધર્મના ભાઈનો આ કિસ્સો વર્ણવીને કહેલું કે કોર્ટના ચુકાદાના એ દિવસે એણે અભૂતપૂર્વ સંતોષ અનુભવેલો! 


Google NewsGoogle News