કાચી વયની કિશોરી આવું કૃત્ય કરી શકે?

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
કાચી વયની કિશોરી આવું કૃત્ય કરી શકે? 1 - image


- ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક

- મુકુલે રાજકુમારની લાશને પ્લાસ્ટિકમાં લપેટીને ખૂણામાં મૂકી દીધી. આખું ફ્રીઝ ખાલી કરીને આઠ વર્ષના તનિષ્કની લાશને એમાં ઠાંસી દીધી! 

પ્ર વાસશોખીન ગુજરાતીઓએ મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદીનું નિરાળું રૂપ નિહાળીને ભેડાઘાટની મુલાકાત પણ લીધી હશે. આજે એ જબલપુર શહેરની એક કરૂણાંત કથા.

તારીખઃ ૩૦-૫-૨૦૨૪, ગુરૂવાર- સમય રાત્રે પોણા બાર વાગ્યે જબલપુરનું સિવિલ લાઈન્સ પોલીસસ્ટેશન. આ પોલીસસ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર એક આરોપીને પકડવા માટે છેક હરિદ્વાર સુધી અઢારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને આવ્યા હતા એટલે થાક ઊતારવા માટે થોડી વાર પહેલા જ એ ઘેર ગયા હતા. પોલીસસ્ટેશનમાં સબઈન્સ્પેક્ટર સાથે બીજા ત્રણ કોન્સ્ટેબલ ચાની ચૂસકી લીધા પછી તમાકુ મસળી રહ્યા હતા. એ વખતે બુકાનીની જેમ મોઢા ઉપર ગમછો બાંધીને એકવીસ વર્ષનો એક યુવાન અંદર આવીને આ ચારેયની સામે ઊભો રહ્યો.

'કોનું કામ છે, ભાઈ? કોણ છે તું? અત્યારે શેના માટે આવ્યો છે?' એક કોન્સ્ટેબલે પૂછયું.

'તમારું જ કામ છે. સરન્ડર થવા આવ્યો છું.' ઠંડકથી આટલું કહીને એ યુવકે મોઢા પરથી ગમછો હટાવીને ઓળખાણ આપી. 'હું મુકુલસિંહ. મુકુલસિંહ રાજપાલસિંહ-મિલેનિયમ કોલોની- હવે તો ઓળખાણ પડીને?'

નામ સાંભળીને વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ ચારેય પોલીસકર્મી એટેન્શનમાં આવી ગયા. છેલ્લા અઢી મહિનાથી આ યુવાનને શોધવા માટે તો આખા જિલ્લાની પોલીસ ખડે પગે હતી. સબઈન્સ્પેક્ટરે તરત ફોન કર્યો, એટલે મુસાફરીનો થાક ભૂલીને ઈન્સ્પેક્ટર ધીરજલાલ પોલીસસ્ટેશને આવી ગયા. મુકુલસિંહને લોક અપમાં નાખીને એમણે આ ખુશખબર જિલ્લાના પોલીસ વડા આદિત્ય પ્રતાપસિંહને આપી. જેના ઉપર દસ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું એ આરોપી સામેથી જ પોલીસની શરણાગતિમાં આવી ગયો, એ સાંભળીને એ પણ સિવિલલાઈન્સ પોલીસસ્ટેશને દોડી આવ્યા. પોલીસના આ ઉત્સાહનું કારણ જાણવા માટે ભૂતકાળની ઘટનાઓ જોઈએ.

જબલપુરના સિવિલલાઈન્સ વિસ્તારમાં રેલવે કર્મચારીઓ માટેના જે ક્વાર્ટર્સ બનેલા છે, એનું નામ મિલેનિયમ કોલોની. એમાં ૩૬૩ નંબરના બ્લોકમાં રહેતા હેડક્લાર્ક રાજકુમાર વિશ્વકર્માની પત્નીનું નામ આરતી. રાજકુમાર અને આરતીને સંતાનમાં એક દીકરી માયા(આ નામ બદલેલું છે) અને એક દીકરો તનિશ્ક. ૨૦૨૩ના મે મહિનામાં આરતીનું અવસાન થયું એ પછી માયા અને તનિશ્કની પૂરી જવાબદારી પિતા રાજકુમાર ઉપર આવી ગઈ. એ બંને બાળકો જબલપુરની સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

સપ્ટેમ્બર,૨૦૨૩માં રાજકુમાર ઉપર આભ તૂટી પડયું. બાજુના બ્લોકમાં રહેતા સિક્યોરિટી ઑફિસર રાજપાલસિંહના દીકરા મુકુલસિંહની છાપ વંઠેલ તરીકેની હતી અને ઓગણીસ વર્ષનો એ રખડેલ ગુંડા જેવો હતો. મુકુલસિંહની નજર પંદર વર્ષની રૂપાળી માયા ઉપર હતી. માયાને ભોળવીને એ ભગાડી ગયો! રાજકુમાર વિશ્વકર્માએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે બીજા જ દિવસે આ પ્રેમીપંખીડાને એક હોટલમાંથી ઝડપી લીધા. એ વખતે માયાએ પોલીસને તેમ જ કોર્ટમાં કહ્યું કે મને બળજબરીથી ઉઠાવીને લઈ ગયેલો અને એણે મારા ઉપર બળાત્કાર કર્યો! પંદર વર્ષની સગીરા પર બળાત્કાર અને અપહરણના આરોપને લીધે મુકુલસિંહને પોક્સો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

જેલમાં સજા ભોગવતી વખતે મુકુલસિંહ બદલાની આગમાં સળગી રહ્યો હતો. પોતાને જેલમાં ધકેલનાર એકેએક વ્યક્તિ ઉપર કઈ રીતે વેર વાળી શકાય એ એક જ વિચાર એના સડેલા મગજમાં ઘૂમરાઈ રહ્યો હતો. જેલની દીવાલો સામે તાકીને એ મનોમન પ્લાનિંગ કરી રહ્યો હતો. એનો પરિવાર એને જામીન ઉપર છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો.

રાજકુમાર વિશ્વકર્મા વ્યથિત હતા. પોતાની નાદાન દીકરીએ જે મૂર્ખામી કરી એને લીધે એ ભાંગી પડયા હતા. જબલપુરથી બસો પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું પિપરિયા ગામ એ એમનું વતન હતું. આ ઘટના બન્યા પછી રજાનો મેળ પાડીને એ પરિવારને સાથે લઈને પિપરિયા જવાનું પસંદ કરતા હતા. ત્યાં પોતાના ભાઈઓ-બહેનો સાથે એમને માનસિક હૂંફ મળતી હતી. એમણે તો રેલવેમાં ટ્રાન્સફર માટે પણ અરજી આપી દીધી હતી કે વહેલામાં વહેલી તકે પિપરિયા અથવા ઈટારસીમાં મારી બદલી કરી આપો. રેલવેતંત્ર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો અને એ દરમ્યાન તારીખઃ ૧૫-૩-૨૦૨૪ના દિવસે ખોફનાક ઘટના બની ગઈ!

અઢી મહિનાથી આખા જબલપુર જિલ્લામાં ડબલ મર્ડરની આ ઘટનાએ ચકચાર જગાવી હતી, એટલે મુકુલસિંહની ધરપકડના બીજા દિવસે-તારીખ ૩૧-૫-૨૦૨૪, શુક્રવારે સાંજે જિલ્લાના પોલીસ વડા આદિત્ય પ્રતાપસિંહની પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો જાણવા મીડિયાકર્મીઓ ઉત્સુક હતા. પોલીસવડાએ એક પછી એક ઘટનાક્રમની વિગતો આપી.

ફેબ્રુઆરી, ૨૦૨૪માં મુકુલસિંહને જામીન મળી ગયા અને એ બહાર આવી ગયો. એ પછી જેલમાં વેઠેલી યાતનાઓ યાદ કરીને કોના ઉપર બદલો લેવો એની એણે મનોમન તો યાદી બનાવી રાખી હતી. બદલાની ભાવના એટલી તીવ્ર હતી કે એણે છાતી ઉપર ટેટૂ કોતરાવીને એ પાંચે પાંચ વ્યક્તિઓને યાદ રાખવા માટે ટેટૂમાં પાંચ ખોપરીઓ કોતરાવી હતી! જે પાંચ વ્યક્તિઓની હત્યા કરવાનું એણે નક્કી કરેલું એમાં સૌથી પહેલું નામ સગીરાના પિતા રાજકુમાર વિશ્વકર્માનું હતું! એમણે જ ફરિયાદ કરીને જેલમાં ધકેલ્યો હતો. સગીરાના એક દૂરના માસી જબલપુરમાં જ રહેતા હતા અને એમણે આ સંબંધનો ઉગ્ર વિરોધ કરીને મુકુલને ઝાટકી કાઢેલો, એટલે એમનું નામ બીજા ક્રમે હતું. ક્વાર્ટરમાં જ રહેતો એક પાડોશી સગીરાના બાપાને ચાડી ખાતો હતો એટલે ત્રીજા ક્રમે એને ખતમ કરવાનો હતો. અપહરણ અને બળાત્કારના મામલે તપાસ કરીને રિપોર્ટ આપનાર મહિલા પોલીસ સબઈન્સ્પેક્ટરનું નામ ચોથા ક્રમે હતું. આ ચારેય સાથે હિસાબ પતાવ્યા પછી સૌથી છેલ્લે સૌથી ક્રૂર હત્યા સગીરાની કરવાની હતી! એની જુબાનીથી તો જેલના સળિયા ગણવા પડયા હતા! છાતી ઉપર પાંચ ખોપરીનું ટેટૂ કોતરાવીને એ બદલાની ફિરાકમાં હતો. એ જામીન ઉપર છૂટીને આવ્યો એ પછી રાજકુમાર(૫૨ વર્ષ) પણ ફફડાટમાં જીવતા હતા. આ ગુંડાનો શો ભરોસો? સલામતી માટે એમણે ઘરની બારીઓ અને બારણાંમાં લોખંડની ગ્રીલ જડાવી દીધી હતી.

તારીખ ૧૪-૩-૨૦૨૪ની રાત્રે એક વાગ્યે મુકુલસિંહ છત કૂદીને રાજકુમાર વિશ્વકર્માના ઘરમાં ઘૂસ્યો. સીધો જ માયાના ઓરડામાં જઈને એણે માયાને દબોચીને બળાત્કાર કર્યો. પછી ત્યાં જ સૂઈ ગયો. સવારે પોણા છ વાગ્યે રાજકુમાર હજુ ઊંઘતા હતા ત્યાં મુકુલ કુહાડી લઈને પહોંચી ગયો. ભયાનક ઝનૂન સાથે પૂરી તાકાતથી એણે રાજકુમારના માથામાં કુહાડી ઝીંકી, એમણે ચીસ પાડી એટલે માયાનો ભાઈ તનિશ્ક(૮ વર્ષ) પણ ત્યાં આવીને ચીસાચીસ કરવા લાગ્યો. મુકુલની યાદીમાં તનિશ્કનું નામ નહોતું, પરંતુ એની ચીસાચીસથી ઉશ્કેરાઈને મુકુલે એના માથા ઉપર પર કુહાડી મારી. એ પછી પાગલની જેમ રાજકુમાર અને તનિશ્કના માથા ઉપર એ પ્રહાર કરતો રહ્યો. માયા ફાટી આંખે પિતા અને ભાઈની હત્યા જોઈ રહી હતી! એણે વિરોધ ના કર્યો એટલે મુકુલે પોતાની માનસિક યાદીમાંથી એનું નામ ભૂંસી નાખ્યું. બંને લાશના નાના નાના ટૂકડા કરીને એને દૂર દૂર ફેંકી દેવાનો આઈડિયા એ બંનેએ પહેલા વિચાર્યો, પરંતુ આખા ઘરમાં પથરાયેલું લોહી અને માંસના લોચા જોઈને બંને હિંમત હારી ગયા હતા. મુકુલે રાજકુમારની લાશને પ્લાસ્ટિકમાં લપેટીને ખૂણામાં મૂકી દીધી. આખું ફ્રીઝ ખાલી કરીને આઠ વર્ષના તનિષ્કની લાશને એમાં ઠાંસી દીધી! બંનેએ મળીને પાણીથી ઘસીને ઘરમાં રેલાયેલું લોહી સાફ કરી નાખ્યું. એ જ વખતે ડોરબેલ રણકી. દૂધવાળો આવ્યો હતો. માયાએ બારણું ખોલીને દૂધ લીધું. રસોડામાં જઈને એણે બંને માટે ચા બનાવી. ફ્રીઝ ખાલી કરી નાખ્યું હતું એટલે વધેલું દૂધ-ઘી રસોડામાં પ્લેટફોર્મ પર પડયું હતું. મુકુલે માયાને કહ્યું કે હવે અહીંથી ભાગવું પડશે, પણ એ પહેલાં ફટાફટ કંઈક જમવાનું બનાવી નાખ. માયાએ શીરો બનાવ્યો અને બંનેએ ખાધો. પિતા અને માસુમ ભાઈની લાશ ઘરમાં જ પડી હતી, છતાં માયાને મુકુલ પલંગમાં ઢસડી ગયો અને શારીરિક સંબંધ બાંધ્યો!

એ પછી મુકુલે માયાને સમજાવ્યું કે આપણે અહીંથી ભાગીએ, એ પહેલાં તું તારા કાકાને ફોન કરી દે. માયાએ પિપરિયા રહેતા કાકાને વોઈસ મેસેજ કરીને કહ્યું કે કાકા, મારા પપ્પાને અને તનિશ્કને મુકુલસિંહે મારી નાખ્યા છે!

રાજકુમાર વિશ્વકર્મા બેન્કિંગ વ્યવહાર મોબાઈલથી કરતા હતા અને એની પૂરી જાણકારી માયાને હતી. એ મોબાઈલ, ઘરમાં હતી એ તમામ રોકડ અને જરૂરી કપડાં લઈને એ તૈયાર થઈ ગઈ. મુકુલ પોતાનું એક્ટિવા લઈ આવ્યો અને ઘર બંધ કરીને બંને રેલ્વેસ્ટેશન તરફ ભાગ્યા.

પિપરિયા તો જબલપુરથી ત્રણસો કિલોમીટર દૂર, ત્યાં રહેતા કાકાએ માયાનો મેસેજ સાંભળીને જબલપુરમાં રહેતા સંબંધીઓને ફોન કર્યો અને એ પછી એ પણ જબલપુર આવવા નીકળી ગયા. સંબંધીઓએ પોલીસને જાણ કરી એટલે પોલીસની ટીમ મિલેનિયમ કોલોની આવી. સગાં-સંબંધીઓ પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે બારણું તોડયું ત્યારે અંદરની દશા જોઈને બધા હબકી ગયા. સિવિલલાઈન્સના ઈન્સ્પેક્ટર ઉપરાંત એસ.પી. પણ આવી ગયા હતા. ફોરેન્સિક ટીમે પુરાવા મેળવ્યા. પંચનામું કરીને બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. મુકુલસિંહ અને માયાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને એ પછી ઉંદર-બિલાડીની રમત શરૂ થઈ!

તારીખ ૧૫-૩-૨૦૨૪થી શરૂ થયેલી આ રમત છેક ૩૦-૫-૨૦૨૪ સુધી ચાલી. મુકુલ અને માયાને પકડવા માટે આ પંચોતેર દિવસ દરમ્યાન જબલપુર પોલીસની ટીમે કુલ આઠ રાજ્યો ખૂંદવા પડયા. સૌથી પહેલા સાયબર ટીમને જાણકારી મળી કે પૂનાની હોટલમાં જમવાનું બિલ રાજકુમારના બૅન્ક એકાઉન્ટમાંથી ઓનલાઈન ચૂકવવામાં આવ્યું છે, એટલે ટીમ પૂના પહોંચી ત્યારે પેલા બંને વિશાખાપટનમ તરફ રવાના થઈ ગયા હતા! એ પછી પોલીસે મુકુલને પકડવા માટે દસ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું. મુકુલના ફોટા સાથેના પોસ્ટર છપાવીને તમામ રાજ્યોને અને નેપાળમાં પણ મોકલવામાં આવ્યા. 

જિલ્લાના પોલીસ વડા આદિત્ય પ્રતાપસિંહ પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો આપી રહ્યા હતા.

સગીરા અને મુકુલસિંહ મુંબઈ, પૂના, કટની, ઈંદોર, બેંગલોર, ભૂવનેશ્વર, ગૌહત્તી, શિલોંગ (મેઘાલય), ઝાંસી, આગ્રા અને 

ચંદિગઢ સુધી ભાગતા રહ્યા. એ સ્થળોના સીસીટીવી ફૂટેજ અમને મળતા હતા, પરંતુ અમારી ટીમ પહોંચે એ અગાઉ એ છટકી જતા હતા. પોલીસે રાજકુમાર વિશ્વકર્માનું બૅન્ક એકાઉન્ટ સીઝ કરાવી દીધું એ પછી એમને પૈસાની તકલીફ પડી એટલે એ બંને ચંદિગઢથી અમૃતસર પહોંચી ગયા. ત્યાં લંગરમાં મફત જમવાનું મળતું હતું. એ પછી ટ્રેનમાં વગર ટિકિટે હરિદ્વાર પહોંચી ગયા. ત્યાં મફત રહેવાનું અને જમવાનું મળતું હોય એવી ધર્મશાળા શોધીને ત્યાં રહેતા હતા. પૈસા હતા ત્યારે ભાગીને નેપાળ જવા માટે પણ પ્રયત્ન કરેલો, પરંતુ એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહોતા એટલે નેપાળ જવાનું શક્ય ના બન્યું.

હરિદ્વારમાં એમની ધર્મશાળા પાસે જિલ્લાની હોસ્પિટલ હતી. સગીરા દરરોજ ત્યાં પ્રાંગણમાં આંટા મારતી હતી. મુકુલ પણ એની સાથે હોય એટલે ત્યાંના કર્મચારીઓને શંકા પડી. 

એમાં વળી એક કર્મચારીએ મુકુલના ફોટાવાળું પોલીસનું પોસ્ટર જોયું અને એણે પોલીસને બાતમી આપી. તારીખ ૨૯-૫-૨૦૨૪ સવારમાં હરિદ્વાર પોલીસની ટીમ હોસ્પિટલમાં આવી. એ વખતે સગીરા અને મુકુલ સાથે જ હતા. પોલીસે ફોટા પરથી મુકુલને તરત જ ઓળખી પાડયો, પરંતુ મુકુલ એમની ધારણાથી વધારે ચાલાક નીકળ્યો. પોલીસે સગીરાને તો ઝડપી, પણ મુકુલ છટકી ગયો! હરિદ્વાર પોલીસે જબલપુર જાણ કરી એટલે અમારી ટીમે હરિદ્વાર જઈને સગીરાનો કબજો મેળવી લીધો.

સગીરા પકડાઈ ગઈ હતી એટલે એ પોલીસ પાસે વટાણા વેરશે એની મુકુલને બીક હતી. વળી બીજે ક્યાંય ભાગીને રહેવાય એટલા પૈસા પણ એની પાસે નહોતા એટલે મુકુલ હરિદ્વારથી વગર ટિકિટે જબલપુર આવી ગયો અને ત્રીસમીએ રાત્રે બાર વાગ્યે એણે સિવિલલાઈન્સ પોલીસસ્ટેશનમાં સરન્ડર કરી દીધું!

મુકુલસિંહે પાંચ વ્યક્તિની હત્યા કરવાનું નક્કી કરેલું હતું એવી એણે કબૂલાત કરી છે અને એણે એ પણ કબૂલ્યું કે તનિશ્કની હત્યા તો ક્ષણિક આવેશમાં થઈ ગઈ. એણે ચીસાચીસ કરી એટલે ગભરાટમાં એના પર કુહાડી ચલાવી, બાકી, એને મારવાનો મારો ઈરાદો નહોતો.

સપ્ટેમ્બર, ૨૦૨૩માં મુકુલસિંહે સગીરાનું અપહરણ કરીને એના પર બળાત્કાર ગુજારેલો એવી સગીરાના પિતાની ફરિયાદના આધારે મુકુલને સજા થયેલી. આજે સવારે એણે એવું કહ્યું કે એ સમયે સગીરાની સંમતિ હતી. એણે નફટાઈથી ઉમેર્યું કે આ અઢી મહિના અમે સાથે રહ્યા એ દરમ્યાન મેં કુલ આડત્રીસ વાર એના પર બળાત્કાર કર્યો છે!

પાંચ હત્યાનો નિર્ધાર યાદ રહે એ માટે મુકુલસિંહે છાતી પર પાંચ ખોપરીનું ટેટૂ કોતરાવ્યું હતું એ વાત સાચી? એવું એક પત્રકારે પૂછયું એટલે પોલીસે મુકુલસિંહનું શર્ટ કઢાવીને પત્રકારોને એના ફોટા લેવા દીધા!

પિતા અને ભાઈની હત્યામાં સંડોવાયેલી સગીરાને શું સજા થશે? આવો જઘન્ય અપરાધ કર્યો હોવા છતાં, માત્ર સગીર હોવાના કારણે એ સજામાંથી છટકી જશે? એના માટે તમે શું કરશો? પત્રકારના એ સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ સગીર કિશોરીને અમે જુવેનાઈલ બૉર્ડમાં રજૂ કરીશું. જન્મદાતા પિતા અને માસુમ ભાઈની હત્યામાં સહભાગી બનેલી આ સગીરા માટે અમે  જુવેનાઈલ બૉર્ડના અધિકારીઓને કહીશું કે એ પુખ્ત હોય એવો જ એની સાથે વ્યવહાર થવો જોઈએ!

કાચી ઉંમરની કિશોરી કોઈ કુપાત્રની જાળમાં ફસાઈને કઈ હદ સુધી નીચે ઊતરી શકે છે- એનું આ જીવંત ઉદાહરણ દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે!



Google NewsGoogle News