આત્મહત્યા સમસ્યાનો હલ નથી .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- એ પરમકૃપાળુ તો મને ન્યાય અપાવશે, એવી શ્રધ્ધા છે. મારી ભૂલચૂક બદલ સહુ સ્વજનોની ક્ષમા માગીને, સહુને છેલ્લા પ્રણામ કરીને હું અનંતયાત્રાએ જાઉં છું
- બદાયૂં લોમેશદેવી શર્મા
- અલીગઢ સમીર યાદવ
- સમીરની કારની તપાસ
- કાનપુર અંકિત યાદવ
ક્રા ઈમ એટલે ગુનો અને ભારતીય ન્યાય સંહિતામાં આત્મહત્યાને પણ ગુનો જ ગણવામાં આવે છે. આજના ક્રાઈમવોચમાં આત્મહત્યાની બે ઘટનાઓની વાત છે. બંને ઘટનામાં ગૂંચવાડાથી ભરેલી પરિસ્થિતિને લીધે પોલીસ પણ વિમાસણમાં મૂકાયેલી છે. બંને ઘટના ઉત્તરપ્રદેશની છે. પહેલી ઘટના બરેલી પાસે આવેલા બદાયૂં શહેરમાં બનેલી છે.
બદાયૂંના સહસવાન વિસ્તારમાં સૈફૂલ્લાગંજ મહોલ્લામાં એક શિવાલય આવેલું છે. એ મંદિરના પરિસરને અડીને આવેલા મકાનમાં રહેતા પાંસઠ વર્ષના ઉમેશ શર્માને દરરોજ સવારે પાંચ વાગ્યે જ ઉઠી જવાની ટેવ હતી.
તારીખ ૮-૨-૨૦૨૫ ની પરોઢે ઉઠીને તમામ પ્રાત: કર્મ પતાવીને પૂજા કરવા માટે મંદિરમાં જવા નીકળે એ અગાઉ મોબાઈલમાં આવેલા વોટસેપ મેસેજ ઉપર નજર ફેરવી લેવાની એમની આદત મુજબ એમણે મોબાઈલ હાથમાં લીધો અને રાત્રે બે વાગ્યે આવેલો વીડિયો જોઈને એ ધૂ્રજી ઉઠયા. ચીસ પાડીને એ દોડયા અને મંદિરમાં પ્રવેશ્યા. ઉમેશ શર્માના પત્ની લોકેશ શર્માએ (સાંઈઠ વર્ષ) તો છેલ્લા બે વર્ષથી મંદિર પરિસરને જ પોતાનું ઘર બનાવી દીધું હતું. એમણે મંદિરમાં રહેવાનું રાખ્યું હતું. પરિસરમાં એક ઓરડીમાં જ પથારી પાથરીને એ સૂઈ રહેતા હતા.
રાત્રે બે વાગ્યે લોકેશદેવીએ જે વીડિયો મૂક્યો હતો, એમાં એ રડીને બોલી રહ્યાં હતાં. રડતાં રડતાં ધૂ્રજતા અવાજે એ બોલતાં હતાં કે આ મહોલ્લાના લોકો મને ખૂબ હેરાન કરે છે. મારા ઉપર અમાનવીય ત્રાસ ગુજારે છે. મને અને મારા પરિવારને મારવાની વારંવાર ધમકી આપે છે. સાવ ખોટા કેસ કરીને મને ફસાવી દેવાની પણ ધમકી આપીને મને ઉચાટમાં રાખે છે. મારું લોહી પીનારા આ માણસો વિરૂધ્ધ મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે. એ છતાં, મને મદદ કરવાને બદલે પોલીસ એમને છાવરે છે અને એમની સામે કોઈ પગલાં લેવાતાં નથી.
આટલું બોલ્યા પછી લોકેશદેવી એ પાંચેક વ્યક્તિઓના નામ પણ બોલે છે. એ પછી રડીને કહે છે કે એમના ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. મારા મોત માટે એ પાંચ માણસો જ જવાબદાર છે. એમની કનડગતથી કંટાળીને જિંદગીનો અંત લાવવા સિવાય મારી પાસે કોઈ ઉપાય બચ્યો નથી. હું પ્રભુના ધામમાં રહું છું, એ એમને ખૂંચે છે એટલે એ બધા ત્રાસ આપે છે. આજે હું મારી જાતે જ જીવનનો અંત લાવીને પ્રભુ પાસે જઈ રહી છું. એ પરમકૃપાળુ તો મને ન્યાય અપાવશે, એવી શ્રધ્ધા છે. મારી ભૂલચૂક બદલ સહુ સ્વજનોની ક્ષમા માગીને, સહુને છેલ્લા પ્રણામ કરીને હું અનંતયાત્રાએ જાઉં છું.
ઉમેશ શર્મા દોડીને અંદર ગયા. પથારીમાં સૂતેલા લોકેશદેવીને ઢંઢોળ્યા, પણ એમનું પ્રાણપંખેરું તો ઊડી ગયું હતું! પથારીમાં ઓશિકાંની પાસે લોકેશદેવીએ લખેલી બે પાનાંની સ્યુસાઈડ નોટ પણ પડી હતી. વીડિયોમાં બોલતાં અગાઉ એમણે આ નોટ લખી હશે, કારણ કે વીડિયોમાં એ જે બોલ્યા હતા એ આ નોટમાં જોઈને જ બોલતાં હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.
ઉમેશ શર્માની ચીસાચીસ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. એમાંથી કોઈકે પોલીસને પણ ફોન કર્યો એટલે સહસવાન પોલીસસ્ટેશનમાંથી ઈન્સ્પેક્ટર આર.બી. સિંગ એમની ટીમ સાથે આવી ગયા અને એમણે ફોરેન્સિક ટીમને પણ બોલાવી લીધી.
પંચનામું કરીને પોલીસે લોકેશદેવીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. પોલીસે લોકેશદેવીનો વીડિયો અને સ્યુસાઈડ નોટ પણ કબજે કરી લીધી.
કહાનીમેં ટ્વીસ્ટની જેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે બધા ચોંકી ઉઠયા. લોકેશદેવીના શરીર પર ઈજાનું એક પણ નિશાન નહોતું અને મૃત્યુના કારણમાં ડોક્ટરોએ સ્પષ્ટ લખ્યું હતું કે લોકેશદેવીનું મૃત્યુ હાર્ટએટેકને લીધે થયું છે!
પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને પરિવારને દુ:ખદ આશ્ચર્યનો ઝાટકો લાગ્યો. લોકેશદેવીએ સ્યુસાઈડ નોટ લખી અને આત્મહત્યા અગાઉ પોતાના નિર્ધારનો વીડિયો બનાવીને પણ બધાને મોકલેલો- તો પછી એમાં આ હાર્ટએટેકની વાત ક્યાંથી આવી? એ લોકો આ પોસ્ટમોર્ટમ રિપોર્ટને સાચો માનવા તૈયાર નથી.ઉપરના લેવલે કંઈક રંધાઈ ગયું હશે એવી પરિવારને શંકા છે. લોકેશદેવીનો વીડિયો અને સ્યુસાઈડ નોટ આગળ તપાસ માટે પોલીસે ટેકનીકલ ટીમને મોકલી આપ્યો છે. આમ પરિવાર અને પોલીસ વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે!
બદાયૂંની આ ઘટના જેવી જ આત્મહત્યાની બીજી ગૂંચવાડા ભરેલી ઘટના બદાયૂંથી એકસો પંદર કિલોમીટર દૂર આવેલા અલીગઢ શહેરમાં બની છે. તાળા-ચાવી માટે પ્રખ્યાત અલીગઢ શહેરની ઘટનામાં પરિવાર અને પોલીસ વચ્ચે કોઈ વિવાદ નથી. કેસ તો ક્લિયરકટ આત્મહત્યાનો જ છે, પરંતુ એના કારણનું રહસ્ય જ ગૂંચવાયેલું છે.
અલીગઢના કાર્સી- તાલાનગર વિસ્તારમાં કાવેરી વાટિકા નામની સોસાયટીમાં આલિશાન બંગલાઓ આવેલા છે અને શહેરના ધનિકો ત્યાં રહે છે. ત્યાં રહેતા રાજકુમાર યાદવને લોકો પ્રેમથી રાજુ યાદવ તરીકે જ ઓળખે છે. અલીગઢ અને અકરાબાદમાં એમનો દવાનો કારોબાર ખૂબ મોટો હતો. અકરાબાદના મેયર તરીકે પણ પ્રજાલક્ષી કામો કરીને એમણે લોકોની ચાહના મેળવી હતી. બજારમાં એમનું નામ ખૂબ મોટું ગણાતું હતું. રાજુ યાદવને ત્રણ સંતાન. સૌથી મોટી દીકરીને અને એ પછીના દીકરાને ધામધૂમથી પરણાવી દીધેલા. સૌથી નાનો દીકરો સમીર યાદવ તો હજુ બાવીસ વર્ષનો જ હતો. દેખાવમાં ફિલ્મી હીરો જેવો સોહામણો સમીર પિતાની સાથે દવાનો કારોબાર સંભાળતો હતો, સાથોસાથ એ બોડી બિલ્ડર પણ હતો. દરરોજ ધાર્મિકતાપૂર્વક જિમમાં જવાનું એને વ્યસન હતું.
તારીખ ૨૭-૧-૨૦૨૫, સોમવારે સવારે રાજુ યાદવ ચા પી રહ્યા હતા ત્યાં જ એમનો મોબાઈલ રણક્યો. ''રાજુભૈયા, ચોર્યાસી ચાલીસ નંબરવાળી ટાટા નેક્સન કાર તમારી જ છેને?'' કાર્સી પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરે આવું પૂછયું એટલે ચોંકી ઉઠેલા રાજુ યાદવે કહ્યું. ''જી. એ મારો દીકરો સમીર ચલાવે છે.'' ઉચાટભર્યા અવાજે આટલું કહીને રાજુ યાદવે પૂછયું. ''રાત્રે જીમમાં જવાનું કહીને એ ઘેરથી નીકળેલો. એની પ્રોબ્લેમ, સર?'' ''એક કામ કરો. એ કારની ડુપ્લિકેટ ચાવી તમારી પાસે હોય તો એ લઈને તાત્કાલિક તાલાનગર પાસેના સર્વિસ રોડ પર આવી જાવ. અમે ત્યાં જ ઊભા છીએ.'' આટલું કહીને ઈન્સ્પેક્ટરે ફોન કાપી નાખ્યો એટલે જાતજાતની શંકા-કુશંકા વચ્ચે રાજુ યાદવે પોતાની કાર સ્ટાર્ટ કરી.
એ સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે ત્યાં કારની આસપાસ પોલીસ ઉપરાંત લોકોનું ટોળું ઊભું હતું. કાર અંદરથી લોક થયેલી હતી. ડ્રાઈવર સીટ પર સમીર ઢળી પડેલો હતો. એના ટિશર્ટનો રંગ બદલાઈ ગયો હતો. છાતીમાં ડાબી બાજુ બરાબર હૃદય ઉપર જ લોહીનું મોટું ધાબું હતું અને ત્યાંથી નીકળેલું લોહી નીચે ઊતરીને જામી ગયું હતું. એ મૃત્યુ પામ્યો છે એ જાણવા માટે કોઈ તબીબી પ્રમાણપત્રની જરૂર નહોતી!
બાવીસ વર્ષના જુવાનજોધ પુત્રની લાશ જોઈને ફસડાઈ પડેલા રાજુ યાદવને લોકોએ સંભાળી લીધા. ડુપ્લિકેટ ચાવીથી પોલીસે કારનું બારણું ખોલ્યું. લાશની નજીક સીટ પરથી બે મોબાઈલ અને પગ પાસે પડેલી પિસ્તોલ ફોરેન્સિક ટીમે પુરાવા તરીકે કબજે કરી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ આ કાર અને અંદરનું દ્રશ્ય જોઈને અમને જાણ કરી..પત્રકારોને જવાબ આપતી વખતે પોલીસ અધિકારીએ જાણકારી આપી..રાજુભાઈના જણાવ્યા મુજબ સમીર આખો દિવસ તો દુકાનમાં એમની સાથે જ હતો. જીમમાં જવાનું કહીને રાત્રે દસ વાગ્યે એ એની કાર લઈને ઘેરથી નીકળેલો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એનું મૃત્યુ પરોઢે ત્રણથી ચારની વચ્ચે થયું છે. કાર અંદરથી લોક હતી એટલે આત્મહત્યા સિવાય બીજું કોઈ કારણ નથી. દોમ દોમ સાહ્યબીમાં ઉછરેલા સમીરે આવી રીતે આત્મહત્યા શા માટે કરી, એ રહસ્ય ઉકેલવા માટે અમારી ટેકનીકલ ટીમ એના બંને મોબાઈલ ઉપર કામ કરી રહી છે. રાત્રે દસથી પરોઢ સુધી એણે શહેરની સડકો ઉપર કાર ઘૂમાવતી વખતે કોઈની સાથે વાત કરી હશે અને એમાંથી જ કંઈક એવું બન્યું હશે કે એણે પોતાની છાતીમાં ગોળી ધરબી દીધી હશે. સમીરે આ પિસ્તોલ કઈ રીતે અને કોની પાસેથી મેળવી એની પણ તપાસ ચાલુ છે. યુવાન વય છે એટલે આ ઘટના પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ હોઈ શકે એવું અમને અત્યારે તો લાગે છે.
સાંજે સમીરની અંતિમયાત્રામાં સેંકડો લોકો હાજર હતા. જે કરૂણ ઘટના બની હતી એની ચર્ચા પણ લોકોમાં થતી હતી.
બદાયૂંના સાંઈઠ વર્ષના લોકેશદેવીની આત્મહત્યાનું કોકડું હાર્ટએટેકના રિપોર્ટને લીધે ગૂંચવાયેલું છે, અલીગઢના બાવીસ વર્ષના સમીરની આત્મહત્યાનું રહસ્ય હજુ ઘૂંટાયેલું જ છે, એના વિશે લખતી વખતે જાણવા મળેલી ત્રીજી તાજી ઘટના પણ વિચારવા માટે વિવશ કરી મૂકે એવી છે.
નોઈડાના સેક્ટર ૭૧ માં જાગૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા રામસૂરત યાદવનો એકનો એક પુત્ર અંકિત યાદવ અભ્યાસમાં અત્યંત તેજસ્વી. બી.એસ.સી. અને એમ.એસ.સી.માં કેમિસ્ટ્રિમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવીને એણે એ જ વિષયમાં પી.એચ.ડી. કરવા માટે ડિસેમ્બર, ૨૦૨૩ માં કાનપુરની પ્રતિતિ આઈ.આઈ.ટી. માં પ્રવેશ મેળવ્યો હતો. એની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને લીધે એને યુનિ. ગ્રાન્ટસ્ કમિશન તરફથી દર મહિને સાડત્રીસ હજાર રૂપિયાની ફેલોશીપ મળતી હતી. બે વર્ષ પછી તો એ રકમ વધીને મહિને બેંતાળીસ હજાર મળવાના હતા. એના પી.એચ.ડી. ના ગાઈડ પરિતોષ સુબ્રમણ્યમને પણ એના માટે લાગણી હતી.
કાનપુર આઈ.આઈ.ટી.ની હોસ્ટેલ ખૂબ વિશાળ છે, એ છતાં અનુભવના આધારે ત્યાંના ડીન ડો. પ્રતીક સેન એક રૂમમાં બે વિદ્યાર્થી સાથે રહે એવો આગ્રહ રાખતા હતા, પરંતુ પોતાની પ્રાઈવસીનું બહાનું કાઢીને વિદ્યાર્થીઓ સ્વતંત્ર રૂમમાં એકલા રહેવાનું જ પસંદ કરતા હતા. એ રીતે અંકિત યાદવ રૂમ નંબર એચ.૧૦૩ માં એકલો રહેતો હતો.
રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે પરિસરમાં લટાર મારતી વખતે એણે મિત્રોની સાથે વાત કરી હતી. તારીખ ૧૦-૨-૨૦૨૫, સોમવારે આખો દિવસ અંકિત બહાર ના દેખાયો એટલે એની મિત્રો રાત્રે એની રૂમ પર ગયા. બારણું ખખડાવ્યું, મોબાઈલની રિંગ મારી, પણ કોઈ જવાબ ના મળ્યો એટલે ઉચાટમાં આવેલા મિત્રોએ બારણું તોડી નાખ્યું. રૂમની વચ્ચોવચ પંખા પર અંકિત યાદવની લાશ લટકતી હતી!
ડીન અને ગાઈડને જાણ કરી એટલે એ બંને તરત ત્યાં આવી ગયા અને પોલીસને જાણ કરી. નોઈડામાં રહેતા અંકિતના માતા-પિતા પણ દોડી આવ્યા. ચોવીસ વર્ષના તેજસ્વી પુત્રની લાશ જોઈને એ વૃધ્ધ દંપતીની જે હાલત થઈ હતી એનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. અંકિતે માત્ર ત્રણ લીટીની સ્યુસાઈડ નોટ લખીને ટેબલ પર મૂકી હતી. હું આત્મહત્યા કરું છું. એમાં કોઈની પણ સંડોવણી નથી. આ મારો પોતાનો નિર્ણય છે!
આવા હોનહાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એનાથી વ્યથિત ડીન ડો. પ્રતીક સેને કહ્યું કે વિદ્યાર્થીઓ અકળ કારણસર મોતને વહાલું કરી રહ્યા છે. રૂમમાં એકલો રહેતો વિદ્યાર્થી કોઈ કારણસર હતાશામાં સરકી જાય ત્યારે આવું બને છે. જો પાર્ટનર તરીકે બીજો વિદ્યાર્થી સાથે રહેતો હોય તો આવી ઘટનાઓ નિવારી શકાય.
અભ્યાસની ચિંતા, બેકારી, આર્થિક ઉપાધિ, સામાજિક સમસ્યાઓ વગેરે અનેક કારણોસર લોકોની માનસિક સ્વાસ્થ્યની હાલત જે રીતે બગડી રહી છે એ સમાજ માટે ચિંતાનો વિષય છે. આ ત્રણ ઘટનાઓ તો ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરની છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોના તો આવા અનેક કિસ્સાઓની તો નોંધ પણ નહીં લેવાતી હોય. આપણા ગુજરાતમાં પણ સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરમાં આવા કિસ્સાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જન્મ અને મૃત્યુ- આ બે છેડામાંથી ક્યારે, ક્યાં, કઈ રીતે જન્મ લેવો એ તો કોઈના હાથમાં નથી, એ છેડો ઈશ્વરના હાથમાં છે, પરંતુ મૃત્યુની મળેલી સત્તાનો દુરૂપયોગ સમાજ માટે ચિંતાનો વિષય છે.અત્યારે સમાજના દરેક વર્ગમાં ઉત્તરોત્તર આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે -એનો કોઈ ઉપાય કોઈના હાથમાં નથી.