કોઈ જ્યોતિષી કહી શક્યા હશે કે તમારા સંતાનના હાથે પરિવારનો નાશ થશે?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- અર્જુને ચીસાચીસ શરૂ કરી એટલે પાડોશીઓ દોડી આવ્યા. એણે જ પોલીસને ફોન કર્યો કે જલ્દી આવો. ઘરમાં લૂંટારાઓએ મારા માતા, પિતા અને બહેનની હત્યા કરી છે!
- રાજેશ, કવિતા, કોમલ
- અર્જુન તન્વર
- મિથિલેશ, નેહા અને સિયાની
- પ્રતીકાત્મક તસ્વીર
સ ગો દીકરો કુલાંગાર બન્યો હોય એવી કરપીણ ઘટના તારીખ ૪-૧૨-૨૦૨૪, બુધવારે દિલ્હીમાં બની. એની વિગતો મેળવતી વખતે છ વર્ષ જૂની એવી બીજી ઘટના પણ જડી, એટલે આજે એક નહીં, પણ બે કપાતરની કથા!
દક્ષિણ દિલ્હીમાં નેબ સરાઈમાં છેલ્લા પંદરેક વર્ષથી રહેતો મૂળ હરિયાણાનો પરિવાર સુખી હતો. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા રાજેશ તન્વર (૫૧ વર્ષ) એમણે એન.એસ.જી. કમાન્ડો તરીકે પણ ફરજ બજાવેલી. નિવૃત્તિ પછી અત્યારે એક ઉદ્યોગપતિના અંગત સિક્યોરિટી અધિકારી હતા. એમની પત્ની કોમલ (૪૬ વર્ષ) આદર્શ ગૃહિણી. પુત્રી કવિતા (૨૩ વર્ષ) જુડોમાં બ્લેકબેલ્ટ ઉપરાંત અભ્યાસમાં અત્યંત તેજસ્વી. કવિતા અત્યારે આઈ.પી.એસ. માટે તૈયારી કરી રહી હતી. પુત્ર અર્જુન (૨૦ વર્ષ) અભ્યાસમાં કાચો, પણ બોક્સિંગમાં સ્ટેટ લેવલે સિલ્વર મેડલ મેળવેલો, એટલે સ્પોર્ટસ્ ક્વોટામાં પ્રવેશ મેળવીને દિલ્હી યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો એ બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.
નિવૃત્ત લશ્કરી અધિકારી તરીકે રાજેશ પોતાના સંતાનો પાસેથી શિસ્તની આશા રાખે એ સ્વાભાવિક હતું. કવિતાના વર્તનમાં તો કંઈ કહેવા જેવું નહોતું, પરંતુ રેઢિયાળ અર્જુનને ધમકાવીને ક્યારેક પ્રસાદી પણ આપવી પડતી હતી. બીજા વર્ષના પહેલા સેમેસ્ટરમાં અર્જુન નાપાસ થયો એ પરિણામના બીજા જ દિવસે કવિતાના જન્મદિવસની પાર્ટીમાં ઘેર મહેમાનોની વચ્ચે રાજેશે કહ્યું કે હું ગૌરવ લઈ શકું એવી દીકરી મને ઈશ્વરે આપી છે અને આ ડોબા જેવો દીકરો નાપાસ થઈને મારી આબરૂ બગાડે છે!
મહેમાનો વચ્ચે આવી રીતે પિતાએ અપમાનિત કર્યો એને લીધે અર્જુન ભયાનક ધૂંધવાયો હતો. આ ઘટના બની એના થોડા દિવસ પછી એમના ઘરની સામે બની રહેલા નવા મકાન પાસેથી બાપ-દીકરો પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈક મુદ્દે રાજેશ અર્જુન પર ગુસ્સે થયો અને રસ્તા પર ઊભા રહીને એને ધમકાવનાનું શરૂ કર્યું એટલે બધા મજૂરોને મજા પડી. એ લોકો અર્જુનની સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. એમને હસતા જોઈને અપમાનિત અર્જુન ગુસ્સાથી સળગી ગયો. આવી નાની-મોટી ઘટનાઓ તો બાપ-દીકરા વચ્ચે વારંવાર બનતી હતી. ઘરમાં બહેનને વધુ માન મળે છે અને મારી કોઈ કિંમત નથી એવી લાગણીથી અર્જુન પીડાતો હતો. માતા-પિતા સાથે કચકચ તો ચાલુ જ રહેતી, પણ ખાસ તો બહેન કવિતા સાથે ક્રૂરતાથી ઝઘડીને એ ગુસ્સો ઠાલવતો હતો.
એમાં પણ નવેમ્બર, ૨૦૨૪ ના આરંભમાં જે ઘટના બની એને લીધે અર્જુનની કમાન છટકી. એ સાંજે અર્જુન એની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાંથી નાસ્તો કરીને બહાર નીકળ્યો અને રસ્તા પર સામે પિતાજી મળી ગયા! આ કોણ છે? રાજેશે પૂછયું એટલે અર્જુને સાવ સાચો જવાબ આપ્યો કે પપ્પા, આ મારી મિત્ર છે, અને અમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. સટ્ટાક..સટ્ટાક.. અર્જુનના ગાલ ઉપર રાજેશના લશ્કરી પંજાથી તમાચા પડયા. બેવકૂફ! ડફોળ! કેરિયર બનાવીને કોઈ નોકરી-ધંધો શોધવાને બદલે ઈશ્કબાજી ફરમાવતાં શરમ નથી આવતી? મારા એકના પગાર-પેન્શન ઉપર ઘર ચાલે છે અને તને લફરાં કરવાનું સૂઝે છે?
એ પછી તોપનું મોઢું પેલી છોકરી તરફ વળ્યું. તું આવી રીતે રખડે છે, એની તારા મા-બાપને ખબર છે? તારું એડ્રેસ આપ એટલે એમને તારા પરાક્રમની વાત કરું. એ છોકરી તો ગભરાઈને ભાગી ગઈ! ઘેર પહોંચ્યા પછી રાત્રે બધા સાથે જમવા બેઠા હતા ત્યારે રાજેશે કહી દીધું કે મારું આ ઘર અને મારી તમામ મિલકત માત્ર કવિતાને જ મળે એવી રીતે હું વિલ બનાવવાનો છું. આ વંઠેલને વારસામાં એક રૂપિયો પણ નહીં મળે!
એ રાત્રે અર્જુન ઊંઘી ના શક્યો. બહેન કવિતા પ્રત્યે ઈર્ષા તો હતી જ, પણ હવે હડહડતો ધિક્કાર ઉમેરાયો. મા-બાપ પણ એની જ તરફેણ કરે છે, એટલે એમને પણ પાઠ ભણાવવો જ પડશે- એવા નિર્ધાર સાથે એ વિચારોમાં ગૂંચવાયેલો જ રહ્યો.
તારીખ ૪-૧૨-૨૦૨૪. રાજેશ અને કોમલના લગ્નની આજે પચીસમી વર્ષગાંઠ હતી એટલે સાંજે ધામધૂમથી એ અવસર ઉજવવાનું આયોજન કરેલું હતું. રોજના નિયમ મુજબ સવારે સાડા પાંચ વાગ્યે અર્જુન મોર્નિગ વોક માટે ગયો. સાતમાં દસ મિનિટ બાકી હતી ત્યારે એ ઘેર આવ્યો અને એણે ચીસાચીસ શરૂ કરી એટલે પાડોશીઓ દોડી આવ્યા. અર્જુને જ પોલીસને ફોન કર્યો કે જલ્દી આવો. ઘરમાં લૂંટારાઓએ મારા માતા, પિતા અને બહેનની હત્યા કરી છે!
ટ્રિપલ મર્ડરની વાત સાંભળીને પોલીસ કમિશ્નર મધુપ તિવારી અને જોઈન્ટ કમિશ્નર એસ.કે.જૈન પણ દોડી આવ્યા. ફોરેન્સિક ટીમ અને સ્નીફર ડોગ સાથે પોલીસનું ધાડું આવી ચૂક્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં કવિતાની લાશ પડી હતી. એ જુડોમાં બ્લેકબેલ્ટ ચેમ્પિયન હોવાથી એણે પ્રતિકાર કર્યો હશે એટલે એના શરીર પર અનેક ઘા હતા અને ગરદન કપાયેલી હતી! પહેલા માળે ઓરડામાં પલંગ પર રાજેશની લાશ હતી. એના માથામાં ધારદાર હથિયારનો ખૂબ ઊંડો ઘા હતો. પિતા અને દીકરીની જેમ જ લોહીથી લથબથ માતા કોમલની લાશ પલંગ પર પડેલી હતી. એમની પણ ગરદન કપાયેલી હતી!
આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આવેલી ટીમે અધિકારીને રિપોર્ટ આપ્યો કે એક પણ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર જોવા નથી મળી. ઘરના નિરીક્ષણ દરમ્યાન અધિકારીઓને લૂંટ કે ચોરીની એકેય નિશાની જોવા ના મળી. એટલે એમણે અર્જુનની પૂછપરછ શરૂ કરી. જવાબમાં બોક્સર અર્જુન જે બોલતો હતો, એમાં સ્પષ્ટ વિરોધાભાસ હોવાથી પોલીસને એના ઉપર શંકા પડી. વધુ સવાલો પૂછીને એમણે અર્જુનને લપેટમાં લીધો અને એ ભાંગી પડયો. એણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી.
પિતા વારંવાર અપમાનિત કરતા હતા. ઘરની બહાર પાડોશીઓની વચ્ચે પણ મને ઝૂડતા હતા. બજાર વચ્ચે મારી ગર્લફ્રેન્ડની હાજરીમાં મને માર્યો અને એને પણ લબડધક્કે લીધેલી. માતાને પણ દીકરી જ વહાલી હતી, મારા માટે એને જરાય લાગણી નહોતી. બહેન કવિતા તો મારી એક નંબરની દુશ્મન હતી. મારી વિરૂધ્ધ એ મા-બાપને ચાવી ચડાવતી હતી. એ ત્રણેય મને નફરત કરતા હતા અને મને મિલકતમાંથી બેદખલ કરીને તમામ પ્રોપર્ટી કવિતાને આપવા ઈચ્છતા હતા. આ બધાથી તંગ આવીને એમના લગ્નની રજતજયંતીના દિવસે જ એ ત્રણેયને ખતમ કરી નાખ્યા!
પકડાયા વગર કોઈ વ્યક્તિને ક્યા ઝેરથી કેવી રીતે મારી શકાય એ માટેઅર્જુન ગુગલમાંએક અઠવાડિયાથી સર્ચ કરી રહ્યો હતો, પણ એમાં સફળતા નહીં મળે એવું લાગ્યું એટલે હત્યાના બે દિવસ અગાઉ એણે રાજેશના કબાટમાંથી એનો લશ્કરી છરો (ડેગર) ચોરી લીધો હતો. રાત્રે ત્રણ વાગ્યે એણે એ છરાથી સૌથી પહેલી હત્યા કવિતાની કરી. કવિતાએ સામનો કર્યો, પણ અર્જુને ધંધાદારી ખૂનીની જેમ ડાબા હાથે કવિતાનું મોં દબાવી રાખ્યું અને જમણા હાથે છરાથી એની ગરદન કાપી નાખી! એ પછી એ ઉપર ગયો. ભયાનક ખુન્નસથી એણે ઊંઘતા પિતાના માથામાં પૂરી તાકાતથી છરો ઘૂસાડી દીધો! એ વખતે માતા બાથરૂમમાં ગઈ હતી. એ બહાર નીકળી એટલે એને ઢસડીને પલંગમાં લાવીને ગરદન કાપી નાખી! ત્રણેયને મારી નાખ્યા પછી પોતાના લોહીવાળા કપડા બદલ્યા. એ કપડાં અને છરો થેલામાં નાખીને સાડા પાંચ વાગ્યે જાણે કશું જ બન્યું ના હોય એમ એ મોર્નિંગ વોક માટે નીકળી ગયો. કપડાં અને છરો સંજયવનમાં દાટીને ઘેર આવ્યા પછી એણે ચીસાચીસ કરી.
પાડોશીઓએ પોલીસને કહ્યું કે અર્જુન આવું કરી શકે એ માન્યામાં નથી આવતું. અલબત્ત, એ એની બહેન સાથે કાયમ ઝઘડતી વખતે એને ધમકી આપતો કે કવિતા! હું તને મારી નાખીશ! -પરંતુ અમને એ મજાક લાગતી હતી.
ધરપકડ પછી પણ અર્જુનને કોઈ પીડા કે પસ્તાવો નથી. છરો, લોહીવાળા કપડાં અને અન્ય પુરાવાઓ પોલીસ પાસે આવી ગયા છે. પોસ્ટમોર્ટમ પછી ત્રણેય લાશ પરિવારને સોંપાઈ.મા-બાપ અને બહેનના અંતિમસંસ્કાર માટે અર્જુનને રજા આપવાની માગણી કોર્ટ પાસે કોઈએ ના કરી. રાજેશના ભાઈ અને ભત્રીજાના હાથે હરિયાણા મહેન્દ્રગઢમાં તારીખ ૬-૧૨-૨૦૨૪ના દિવસે ત્રણેયની કાયા પંચમહાભૂતમાં ભળી ગઈ!
માતા-પિતા-એક પુત્ર અને એક પુત્રી-આવા જ, આટલી ઉંમરના જ પાત્રો સાથેની આવી બીજી ઘટના દક્ષિણ દિલ્હીમાં ૧૨-૧૦-૨૦૧૮ ના દિવસે બનેલી.
મિથિલેશ વર્મા વ્યવસાયે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર અને આર્થિક રીતે સમૃધ્ધ. વસંતનગરમાં એમનું બે માળનું મકાન. એમની પત્નીનું નામ સિયાદેવી. એમની બાવીસ વર્ષની દીકરી નેહા અને ઓગણીસ વર્ષનો દીકરો સૂરજ.
અભ્યાસમાં અત્યંત તેજસ્વી નેહા આઈ.ટી. એન્જિનિયર થઈ ચૂકી હતી અને રખડેલ સૂરજ બારમા ધોરણમાં નાપાસ થયો હતો! પુત્ર મોટો થઈને પોતાનો કન્સ્ટ્રક્શનનો કારોબાર સંભાળી લે એવી આશા સાથે મિથિલેશે ડોનેશન આપીને સૂરજને ગુરૂગ્રામની એક ખાનગી કોલેજમાં ડિપ્લોમાએન્જિનિયરીંગમાં પ્રવેશ અપાવ્યો હતો.
સૂરજના મિત્રવર્તુળમાં યુવાનો સાથે યુવતીઓ પણ હતી. એમની વચ્ચે સૂરજ હીરો બનીને ફરતો હતો. એના પૈસે નાસ્તો-પાણી અને ફરવા મળે એટલે એના મિત્રો માટે તો એ આઈકોન હતો. પૈસાની છૂટ હતી એટલે મા-બાપથી છાની રીતે સૂરજે કુતુબમીનાર પાસે મહેરૌલીમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. ત્યાં મોટું એલઈડી ટીવી પણ વસાવેલું હતું. સૂરજને વીડિયો ગેઈમ્સનું બંધાણ થઈ ગયેલું. સવારે સાત વાગ્યે જ એ મહેરૌલી પહોંચી જતો અને સાંજે છ વાગ્યા સુધી મિત્રોની મહેફિલ જમાવીને એ વીડિયો ગેઈમ્સ રમ્યા કરતો. બપોરે ધમધમાટ બાઈક લઈને ઘેર જમવા માટે આવી જતો હતો અને જમીને તરત પાછો મહેરૌલી પહોંચી જતો હતો.
ધંધામાં રચ્યાપચ્યા રહેતા પિતા તો આખો દિવસ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર હોય એટલે સવારે સૂરજ કોલેજ જાય છે એવું જ એ સમજતા હતા. નેહા ચાલાક હતી. પોતાનો નાનો ભાઈ ઘેર રહેતો જ નથી એનો એને ખ્યાલ હતો. એક દિવસ તક મળી ત્યારે એણે સૂરજનો મોબાઈલ ચકાસ્યો. એના વોટસેપ ગૃપમાં ચાર યુવતીઓ અને છ યુવાનો હતા. વોટસેપ મેસેજમાં મહેરૌલીના રૂમની વાત હતી, વીડિયો ગેઈમ્સનો ઉલ્લેખ હતો અને એ ઉપરાંત, બહાર રખડવા જવાના, ફિલ્મોના અને હોટલોના કાર્યક્રમોની વિગતો જોઈને નેહાને ખાતરી થઈ ગઈ કે ભાઈ ભણવાને બદલે દોસ્તો સાથે રખડીને બાપાના પૈસા જ બગાડે છે!
સૂરજ ઘેર નહોતો ત્યારે નેહાએ મા-બાપને સૂરજના આવા બધા ધંધાની જાણકારી આપી. મિથિલેશ વર્માએ કોલેજ પર જઈને તપાસ કરી તો ખબર પડી કે આખા સેમેસ્ટરમાં સૂરજ ગણીને ત્રણ જ દિવસ કોલેજમાં હાજર હતો!
એ રાત્રે ઘરમાં ખૂબ મોટો ઝઘડો થયો અને મિથિલેશે સૂરજ પર હાથ પણ ઉપાડયો. પહેલી વાર પપ્પાના હાથનો માર પડયો એટલે સૂરજની કમાન છટકી. વિચાર કરીને એણે તારણ કાઢયું કે પપ્પા તો આખો દિવસ બહાર હોય છે, મમ્મી ઘરકામમાં ડૂબેલી હોય છે, એટલે મારી ચાડી ખાવાનું કામ નેહાએ જ કર્યું છે -એવી એને ખાતરી થઈ ગઈ.
એ દિવસ પછી ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. નાની નાની વાતમાં સૂરજ માતા અને બહેન સાથે ઝઘડવા લાગ્યો. વીડિયો ગેઈમ્સનું એનું બંધાણ એટલું તીવ્ર હતું કે હવે ઘરમાં મૂકાયેલા પ્રતિબંધોને લીધે એ સતત ઉશ્કેરાયેલો જ રહેતો હતો.
પંદરમી ઓગસ્ટના દિવસે સૂરજે મિત્રો સાથે આખો દિવસ બહાર રખડવાની યોજના બનાવી હતી, પણ મિથિલેશે એને ઘરમાંથી બહાર નીકળવા ના દીધો! ભયાનક ગુસ્સા સાથે સૂરજ ઘરમાં તો બેસી રહ્યો, પણ એના મનમાં હવે એક જ વિચાર ઘૂમરાતો હતો કે મારી રીતે મારે એકલાએ આઝાદ થઈને રહેવું છે. એ વિચારે એના મગજનો કબજો લઈ લીધો અને સતત બે મહિના સુધી એ એમાં જ ગૂંચવાયેલો રહ્યો.
તારીખ ૧૨-૧૦-૨૦૧૮ની રાત્રે માતા, પિતા અને બહેનની સાથે જમ્યા પછી એણે કબાટ ખોલીને પરિવારના ફોટોગ્રાફ્સના બધા જૂના આલ્બમ બહાર કાઢયા અને પોતાના રૂમમાં લઈ ગયો. રાત્રે બાર વાગ્યા સુધી એ તમામ જૂની છબીઓની સામે તાકતો રહ્યો. એ પછી પણ એ ઊંઘ્યો નહીં.
સવારે સાડા પાંચ વાગ્યે એણે બૂમાબૂમ કરીને પાડોશીઓને જગાડયા. બધા દોડી આવ્યા. ઘરનું દ્રશ્ય જોઈને એક પાડોશીએ તરત પોલીસને ફોન કર્યો. નીચેના ઓરડામાં લોહીથી લથબથ બહેન નેહા અને માતા સિયાદેવીની લાશ પડી હતી અને ઉપરના માળે મિથિલેશ વર્માની લાશ પણ લોહીથી તરબોળ હતી!
પોલીસની પૂછપરછમાં સૂરજે કહ્યું કે બુકાની બાંધેલા ત્રણ ડાકૂઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. બધું લૂંટીને મારા માબાપ અને બહેનની હત્યા કરીને એ ભાગી ગયા! ત્રણેય લાશ અને ઘરના નિરીક્ષણ પછી ઓગણીસ વર્ષના આ યુવાનની વાત પોલીસના ગળે ના ઊતરી. એમણે લગીર આકરી પૂછપરછ કરી, એમાં સૂરજ ટકી ના શક્યો.
પાડોશીઓએ કહ્યું કે સૂરજ ઘરમાં કાયમ ઝઘડતો હતો. ત્રણ વર્ષ અગાઉ ખોટું અપહરણનું નાટક કરીને એ ઘેરથી ભાગી ગયો હતો, પણ ચાર દિવસ પછી જાતે પાછો આવી ગયેલો!
સૂરજે કબૂલાત કરી કે બહેન ચાડી ખાતી હતી એટલે મા-બાપ ત્રાસ આપતા હતા, એટલે એ ત્રણેયને ખતમ કરી નાખ્યા! પોલીસે લોહીવાળા કપડાં અને લોહીવાળો છરો કબજે કરીને એ જ દિવસે સૂરજની ધરપકડ કરી. સૂરજ જેલમાં છે અને કેસ ચાલુ છે!
માતા, પિતા અને બહેનની હત્યા કરનાર બંને કુલાંગાર-અર્જુન અને સૂરજના કારનામા વચ્ચે છ વર્ષનું અંતર છે, પણ ક્રૂરતાની કથા એક સરખી છે!