હત્યા એવી ચાલાકીથી થયેલી કે પોસ્ટમોર્ટમમાં પણ ન પકડાયું!
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- દેવુ નામનો માણસ કોણ હશે? મનિષાને એની સાથે એવો તો કેવો સંબંધ હશે કે એ રોજ એની સાથે આટલી લાંબી વાત કરતી હશે?
મ હાભારતમાં યુધિષ્ઢિરે દુર્યોધન પાસેથી માત્ર પાંચ પ્રસ્થ- પાંચ પત(ઈન્દ્રપ્રસ્થ, પાનીપત, તલપત, બાગપત અને સોનીપત)ની માગણી કરેલી. જેનો દુર્યોધને સ્વીકાર નહોતો કરેલો. સોનીપત-સોનપત-એટલે કે સુવર્ણ ભૂમિ. દિલ્હીથી ચોત્રીસ કિલોમીટર દૂર હરિયાણાના આ સોનીપત શહેરમાં તારીખ ૧૨-૯-૨૦૨૪ ના દિવસે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી એની લોકોમાં ચર્ચા હતી.
આ આરોપીઓએ ગુનો તો પાંચ મહિના અગાઉ કરેલો, પરંતુ એમણે કાવતરું એવી ચાલાકીથી કરેલું કે પોલીસ ફાંફે ચડી ગઈ હતી. એમને એક પણ પુરાવો મળ્યો નહોતો. અંતે, એન્ટી ગેંગસ્ટર યુનિટના બાહોશ અધિકારીઓએ ગુનાનો ભેદ ઉકેલીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી.
સત્તર વર્ષ અગાઉ, સોનીપતના આંબલી ગામમાં રહેતા કૃષ્ણને શિક્ષક તરીકે નોકરી મળી એના આઠ મહિના પછી એના લગ્ન થયા. કૃષ્ણની જાન રોહતક ગઈ અને નવવધૂ મનિષાને લઈને પાછી આવી. અત્યંત સરળ સ્વભાવનો કૃષ્ણ એક પ્રેમાળ પતિ હતો અને મનિષાને ફૂલની જેમ સાચવતો હતો. લગ્નના ત્રણ વર્ષ પછી મનિષાએ પુત્રને જન્મ આપ્યો અને એ પછી આખા પરિવારમાં આનંદ હતો. જુનિયર બેઝિક ટ્રેઈનિંગ (JBT) શિક્ષક તરીકે જાજી નગરમાં કૃષ્ણ નોકરી કરતો હતો. કૃષ્ણ અને મનિષાનો દીકરો ત્રણ વર્ષનો થયો ત્યારે એમના પરિવારમાં દીકરીનું આગમન થયું.
કૃષ્ણ નોકરી કરતો હતો અને મનિષા બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહેતી હતી. એમનો સુખી સંસાર હતો. આંબલી ગામમાં રહીને કૃષ્ણ અપડાઉન કરતો હતો.
દર રવિવારે આખા અઠવાડિયાનો થાક ઊતારતો હોય એમ બપોરે જમ્યા પછી કૃષ્ણ આરામથી ઊંઘી જતો હતો. એક રવિવારે એ ઊંઘમાંથી અચાનક જાગ્યો ત્યારે એને લાગ્યું કે બીજા ઓરડામાં મનિષા મોબાઈલ પર કોઈની સાથે અત્યંત ધીમા અવાજે વાત કરી રહી છે! એ શું વાત કરે છે અને કોની સાથે વાત કરે છે, એ સમજાતું નહોતું એટલે કૃષ્ણ ફરીથી ઊંઘી ગયો. મનમાં શંકા તો સળવળતી હતી, પરંતુ મનિષા ઉપર અગાધ વિશ્વાસ હોવાથી એણે એ વાત ભૂલી જવા પ્રયત્ન કર્યો. એ છતાં, રહેવાયું નહીં એટલે બે દિવસ પછી મનિષા બાથરૂમમાં હતી, ત્યારે એણે મનિષાના મોબાઈલનો કોલલોગ ચેક કર્યો. કોલ્સની વિગત જોઈને એનું મગજ ચકરાઈ ગયું. કોઈ દેવુ નામના કોન્ટેક્ટ નંબર ઉપર મનિષા દરરોજ એકાદ કલાક સુધી વાત કરતી હતી!
મનિષા બહાર નીકળે- એ અગાઉ એણે મોબાઈલ પાછો મૂકી દીધો. એ પછી કૃષ્ણનું મગજ સતત વિચારોમાં જ અટવાયેલું રહ્યું. આ દેવુ નામનો માણસ કોણ હશે? મનિષાને એની સાથે એવો તો કેવો સંબંધ હશે કે એ રોજ એની સાથે આટલી લાંબી વાત કરતી હશે? આ સવાલો તો કૃષ્ણના મગજમાં ઘૂમરાતા રહ્યા, પરંતુ પોતાના રાંક સ્વભાવને લીધે આક્રમક બનીને મનિષાને આ સવાલ પૂછવાની એની તૈયારી નહોતી. તદ્દન સૌમ્ય સ્વભાવનો કૃષ્ણ ખરા અર્થમાં પંતુજી કહી શકાય એટલો ઢીલો હતો.
આખું અઠવાડિયું આકરા મનોમંથનમાં વીતાવ્યા પછી બીજા રવિવારે જમ્યા પછી ઊંઘવાનો ઢોંગ કરીને કૃષ્ણ પડયો રહ્યો. મનિષા તો બીજા રૂમમાં બેસીને બિન્દાસ વાત કરતી હતી.આ વખતે કૃષ્ણે કાન સરવા રાખ્યા હતા. ચાલીસ મિનિટ સુધી એ પ્રેમાલાપ સાંભળ્યા પછી કૃષ્ણને ખાતરી થઈ ચૂકી કે મનિષા વાત કરી રહી હતી એ સામેની વ્યક્તિ -દેવુ- મનિષાનો પ્રેમી છે, અને મનિષા એના ગળાડૂબ પ્રેમમાં છે!
હવે શું કરવું? સાવ સીધાસાદા પતિ તરીકે કૃષ્ણમાં કોઈ આકરું પગલું ભરવાની શક્તિ નહોતી અને વૃત્તિ પણ નહોતી. બંને બાળકો ઘરની બહાર રમવા ગયા હતા ત્યારે કૃષ્ણે મનિષાને પાસે બેસાડીને પૂછયું કે આ દેવુ કોણ છે? એની સાથે રોજ આટલી લાંબી વાત કરવાનું તને શોભે છે? આ પ્રશ્ન પૂછતી વખતે કૃષ્ણને આશા હતી કે હમણાં મનિષા સોરી કહેશે - પરંતુ મનિષાએ ચિડાઈને પૂછયું કે મારી જાસૂસી કરતા તમને શરમ નથી આવતી? એ પછી એણે નફટાઈથી જાણકારી આપી કે એ દેવુ ઉર્ફે દેવેન્દ્ર મારો જિગરી દોસ્ત છે. એટલું જ નહીં, એણે સખ્તાઈથી પતિને આદેશ આપ્યો કે હજુ પણ હું દેવેન્દ્ર સાથે વાત કરીશ, એમાં તમારે કચકચ નહીં કરવાની!
મનિષાના આવા તેવર જોઈને કૃષ્ણ ડઘાઈ ગયો. એ જ વખતે બાળકો ઘરમાં આવ્યાં. બાળકોની હાજરીમાં આવા મુદ્દે ઝઘડો ના કરાય એવી સમજ સાથે ઝેરનો ઘૂંટડો ચૂપચાપ ગળે ઊતારી દીધો.
આ દેવુ ઉર્ફે દેવેન્દ્ર કોણ હશે અને ક્યાં રહેતો હશે એની ખાતરી નહોતી, એ છતાં કૃષ્ણે માન્યું કે એ આ ગામમાં જ રહેતો હશે. મનિષા અને દેવુનું પ્રકરણ આગળ વધે નહીં એ માટે સીધાસાદા શિક્ષકની માનસિકતાથી એણે વિચારી લીધું કે આ ગામ છોડીને બીજા ગામમાં જ રહેવા જતા રહીએ તો આ પ્રકરણ સંકેલાઈ જશે. લોકોમાં ચર્ચાનો વિષય બને એના પહેલાં અહીંથી ઉચાળા ભરવાનું ઠીક રહેશે. એણે કરનાલમાં ભાડાનું મકાન શોધી કાઢયું અને બધાને લઈને ત્યાં રહેવા જતો રહ્યો.
કરનાલમાં પણ કૃષ્ણના કરમની કઠણાઈ ચાલુ રહી. મનિષા એટલી નફ્ફટ અને નીંભર બની ગઈ હતી કે કોલ ડિટેઈલ્સને ડિલિટ કરવાની પણ એને પરવા નહોતી. એના ફોન ચાલુ જ હતા. કૃષ્ણની સહનશીલતા હવે ખૂટી હતી. એણે મનિષાને સમજાવવા પ્રયત્ન કર્યો, તો મનિષા વિફરી અને ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા. કૃષ્ણને પુત્ર ઉપર અનહદ લાગણી હતી. આ ઝઘડાની એના મન ઉપર કે અભ્યાસ ઉપર અસર ના પડે એટલે એણે દીકરાને સરહાનપુરની હોસ્ટેલમાં મોકલી આપ્યો.
કૃષ્ણ નોકરી કરવા જાય ત્યારે કોઈ યુવાન ઘરમાં આવે છે એવી ઊડતી જાણકારી મળી એ પછી ઝઘડાઓ વધુ ઉગ્ર બન્યા. એ દરમ્યાન કૃષ્ણના અમુક સાથી શિક્ષકો સોનીપતમાં આવેલી ઈન્ડિયન કોલોનીમાં મકાન ખરીદવાનું નક્કી કરતા હતા, એટલે હિંમત કરીને કૃષ્ણે પણ સોનીપતની ઈન્ડિયન કોલોનીમાં મકાન ખરીદી લીધું અને પરિવાર સાથે ત્યાં રહેવા જતો રહ્યો.
સોનીપતમાં આવ્યા પછી પણ એમનો સંસાર તો સળગતો જ રહ્યો. કંઈ સૂઝયું નહીં એટલે એક દિવસ કૃષ્ણ મનિષાના પિયરમાં પહોંચ્યો. મનિષાની માતા ગીતા અને મનિષાના કાકા સુરેશને મળીને બધી વાત કહી. એની વાત સાંભળ્યા પછી ગીતાએ ફોન કર્યો એટલે મનિષાની ભાભી મિનાક્ષી, મનિષાની માસીનો દીકરો ડો. મોહિત, ફૈબાનો દીકરો મહેશ અને મનિષાના મામા- એ બધાય ઘરમાં આવી ગયા. એ બધાયની સામે કૃષ્ણે પોતાની લાચારીની વાત કહીને કહ્યું કે સમાજમાં મારા અને તમારા કુટુંબની બદનામી ના થાય એટલે હું આ ત્રાસ સહન કરું છું. છૂટાછેડા લેવામાં બાળકોનું ભવિષ્ય પણ બગડે-માટે પ્લીઝ, તમે મનિષાને સમજાવીને આ પ્રકરણ બંધ કરાવો!
તમારી આખી વાત ખોટી છે. અમારી મનિષા તો સતી સીતા જેવી છે. અહીં આવીને એના ચારિત્ર ઉપર ગંદા આક્ષેપ કરતા તમને શરમ નથી આવતી? આખું ટોળું સાગમટે મનિષાની વકીલાત કરવા તૂટી પડયું અને સાવ છેલ્લે પાટલે બેસીને કૃષ્ણને ધમકી આપી કે હવે પછી અમારી દીકરી ઉપર ખોટા આક્ષેપ કરશો તો હાડકાં ભાંગી જશે!
મનિષાના પિયર પક્ષની આવી ધમકી સાંભળીને કૃષ્ણ પાછો સોનીપત આવી ગયો. આ આખી ઘટનાની મનિષાને ફોન દ્વારા જાણકારી મળી ચૂકી હતી એટલે એ હવે બિલકુલ આઝાદ બની ગઈ હતી. હવે તો કૃષ્ણ ઘરમાં હોય ત્યારે પણ એ વીડિયો કોલ કરીને દેવેન્દ્ર સાથે વાત કરતી હતી! હતાશામાં ગરકાવ કૃષ્ણને વધારાનો માનસિક સંતાપ આપવા માટે એણે દીકરીને પણ પોતાના પક્ષમાં ભેળવી દીધી હતી. માતાની ક્રૂર રમતમાં દસ વર્ષની માસુમ બાળકીને તો શું સમજ પડે? મનિષા એના કાનમાં ઝેર રેડતી કે તારા પપ્પા તો સાવ મૂંજી છે, દિવેલિયું ડાચું રાખે છે. જો, આ અંકલ તારી સાથે કેવા હસીને વાત કરે છે?- એમ કહીને એ દેવેન્દ્ર સાથે વીડિયો કોલ પર દીકરીને વાત કરાવતી અને પેલો ફોન પર ટૂચકા જેવી વાતો કરીને આ બાળકીને હસાવતો!
કંટાળીને કૃષ્ણે જ્ઞાતિની પંચાયતમાં પણ પોતાના પ્રશ્નની રજૂઆત કરી હતી, પરંતુ પંચાયતે મનિષાને ઠપકો આપીને જ સંતોષ માન્યો હતો.
એક સમય એવો આવે છે કે જ્યારે ચંદનનું ઝાડ પણ આગ ફેંકે છે. એપ્રિલ, ૨૦૨૪ માં કૃષ્ણે ભયાનક ગુસ્સે થઈને મનિષાને ધમકાવી એટલે મનિષાએ આત્મહત્યાનું નાટક કર્યું. ઊંઘની પાંચ ગોળી ખાઈને કૃષ્ણને ધમકી આપી કે મારા આપઘાત માટે તમારું નામ આપીશ એટલે પોલીસ તમને પકડી જશે. ગભરાયેલો કૃષ્ણ મનિષાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો. એ નાનકડી હોસ્પિટલ પણ કોની હતી? મનિષાના સગા માસીના દીકરા ડોક્ટર મોહિતની! ત્યાં હોસ્પિટલમાં જ કૃષ્ણ ઉપર દેવેન્દ્રનો ફોન આવ્યો. એણે કૃષ્ણને ધમકી આપીને કહ્યું કે તું મનિષાનો પતિ હોય તો ભલે રહ્યો, પણ મારી અને મનિષાની વચ્ચે આવવાની કોશીશ કરીશ તો તારા ફોટા ઉપર ફૂલનો હાર લટકશે! એ અગાઉ પણ દેવેન્દ્રે કૃષ્ણને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી આપેલી.
હવે હદ થતી હોય એવું લાગ્યું એટલે તારીખ ૨૨-૪-૨૦૨૪ ના દિવસે કૃષ્ણએ સોનીપત પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્ર વિરૂધ્ધ હત્યાની ધમકીની ફરિયાદ નોંધાવી. એણે પોલીસને ફરિયાદ કરી છે એ ખબર પડી એટલે દેવેન્દ્ર મોટરસાઈકલ લઈને ઘેર આવ્યો. એ ઘરના બારણાં પાસે ઊભો રહ્યો અને પોતાની બેગ લઈનેમનિષા એની બાઈકની પાછળ બેસીને એના ઘેર પહોંચી ગઈ!
કૃષ્ણ જાણતો હતો કે બાળકો માટે થઈને જનેતા ઘેર પાછી આવી જાય એવું મનિષા માટે વિચારી ના શકાય. અકળામણનો અંત લાવવા માટે એણે વકીલને મળીને છૂટાછેડાના પેપર્સ તૈયાર કરાવ્યા અને દેવેન્દ્રના ઘેર મનિષાને મોકલાવી આપ્યા. તારીખ ૨૪-૪-૨૦૨૪ ના દિવસે પોલીસસ્ટેશને જઈને મારી પત્ની મનિષા ગૂમ થઈ ગઈ છે અને કોઈ દેવેન્દ્ર એને ભોળવીને લઈ ગયો છે- એવી ફરિયાદ પણ નોંધાવી. પોલીસે એ તારીખના આસપાસના સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા એમાં દેવેન્દ્રની બાઈક પર એને વળગીને બેઠેલી મનિષા દેખાતી હતી!
તારીખ ૧૦-૫-૨૦૨૪ ની સવારે જાણે કશું જ બન્યું ના હોય એમ મનિષા પાછી ઘેર આવી ગઈ. એ પસ્તાઈને પાછી આવી છે, એમ માનીને કૃષ્ણને એની સાથે કોઈ વાત ના કરી અને પાછા ચાલ્યા જવાનું પણ ના કહ્યું. થોડી વાર પછી મનિષાની અંગત બહેનપણી પિંકી ખોખર ઘેર આવી અને મનિષા એની સાથે વાતે વળગી અને કૃષ્ણ સ્કૂલે ગયો.
તારીખ ૧૩-૫-૨૦૨૪ઃ સાંજે ચાર વાગ્યે પિંકી ખોખરે કૃષ્ણની બહેનને ફોન કર્યો કે તમે બધા તાત્કાલિક કૃષ્ણના ઘેર આવો. ઘરમાં કોઈ નથી અને પલંગ ઉપર કૃષ્ણ મરેલો પડયો છે!
બધા દોડી આવ્યા. પલંગ ઉપર કૃષ્ણની લાશ જોઈને બધા ભાંગી પડયા. કૃષ્ણના નાનાભાઈ ચાંદસિંહને શંકા નહીં, પણ પાક્કી ખાતરી હતી કે કૃષ્ણનું મોત કુદરતી નથી, એની હત્યા કરવામાં આવી છે! એણે લાશનું નિરીક્ષણ કર્યું પણ આખા શરીર ઉપર મારપીટની કે ગળું દબાવ્યાની કોઈ નિશાની નહોતી. એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે પત્ની મનિષા અને એના પ્રેમી દેવેન્દ્રે મારા ભાઈ કૃષ્ણની હત્યા કરી છે! એણે ફરિયાદ તો નોંધાવી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને પોલીસે હત્યાની થિયરી નકારી અને માની લીધું કે ઊંઘમાં જ હાર્ટએટેક આવી ગયો હશે! મનિષા કે દેવેન્દ્ર વિરૂધ્ધ કોઈ પુરાવો પણ નહોતો એટલે પોલીસ ધરપકડ પણ શી રીતે કરે?
ચાંદસિંહે હાર ના માની અને એણે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળીને આ મામલે તપાસ કરવાની વિનંતિ ચાલુ જ રાખી. કૃષ્ણને અગાઉ કરેલી ફરિયાદોની નકલ સાથે એણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે, એની મહેનત ફળી અને આ કેસની તપાસ એન્ટિ ગેંગસ્ટર યુનિટ ૭ ના વડા અજય ધનખડને સોંપવામાં આવી.
આ ટીમે પૂરી ઝીણવટથી તાણાવાણા મેળવ્યા અને મનિષાની આકરી પૂછપરછ કરી. મનિષા ભાંગી પડી અને એણે ખતરનાક પ્લાનની કબૂલાત કરી. મનિષા અને દેવેન્દ્રને પોલીસ પકડી ના શકે એવો પ્લાન કરીને કૃષ્ણથી છૂટકારો મેળવવો હતો. એ માટે મનિષાએ એના મસિયાઈ ભાઈ ડોક્ટર મોહિતની મદદ માગી. પોસ્ટમોર્ટમમાં હત્યા પકડાય નહીં એ માટેનો ઉપાય મોહિતે શોધી આપ્યો. એણે કહ્યું કે જો એનેસ્થેસિયાના ઓવરડોઝનું ઈન્જેક્શન આપવામાં આવે તો પોસ્ટમોર્ટમમાં વાંધો ના આવે. મનિષા અને એના પ્રેમીને મદદ કરવા માટે એણે એવું ઈન્જેક્શન પણ આપ્યું અને એ કઈ રીતે આપવું એની રીત પણ દેવેન્દ્રને સમજાવી.
તારીખ ૧૨-૫-૨૦૨૪ ની રાત્રે એક વાગ્યે કૃષ્ણ ભર ઊંઘમાં હતો. મનિષા એની દસ વર્ષની દીકરી સાથે જાગતી હતી. બારણે હળવા ટકોરા થયા એટલે મનિષાએ દીકરીને કહ્યું કે જા, હળવે રહીને બારણું ખોલ. દીકરીએ જઈને બારણું ખોલ્યું અને દેવેન્દ્ર અંદર આવ્યો. ત્રણેય કૃષ્ણના પલંગ પાસે ગયા. મનિષા શ્વાસ રોકીને જોઈ રહી હતી. મોહિતે શીખવ્યું હતું એ રીતે દેવેન્દ્રે કાળજીપૂર્વક કૃષ્ણના બાવડા પર ઈન્જેક્શન આપી દીધું! થોડી મિનિટોમાં જ કૃષ્ણના શ્વાસ અટકી ગયા!
મનિષાની કબૂલાત પછી પોલીસે દેવેન્દ્ર, મોહિત અને દીકરીની ધરપકડ કરી. કોર્ટમાં રજૂ કરીને મનિષા-દેવેન્દ્રના ચાર દિવસના રિમાન્ડ અને ડોક્ટર મોહિતના બે દિવસના રિમાન્ડ મેળવ્યા. દસ વર્ષની દીકરીને સોનીપતના નારી નિકેતનમાં મોકલી દેવામાં આવી!
એક પરિવાર વિંખાઈ ગયો. પ્રેમીઓ અને મદદ કરનાર ડોક્ટર જેલની કાળમીંઢ દીવાલ પાછળ ધકેલાઈ ગયા અને સંતાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું!