ખૂની ખેલ : એક સાથે છ-છ હત્યા ! .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- તારી પાસે તો ઘણું છે, નાના ભાઈનો હિસ્સો હડપી લેવાની તારે શી જરૂર છે? એક એકર તને મળશે અને એક એકર હરીશની-એ જ ન્યાયની વાત છે
- હરીશ અને સોનિયા
- હત્યારો ભૂષણ
- ધરપકડ પછી આરોપીઓ
- સ્મશાનવત હરીશનું ઘર
આ વતી કાલે પંદરમી ઓગસ્ટ. આપણી આઝાદીનો દિવસ.આઝાદ ભારતના પ્રત્યેક નાગરિકના મનમાં એવો દ્રઢ વિશ્વાસ છે કે આપણી સરહદ ઉપર હુમલો કરીને આપણને પરાજિત કરી શકે એવી કોઈની તાકાત નથી- કારણ કે આપણા લશ્કરના ખડે પગે સરહદ ઉપર ઊભા છે. શિસ્ત અને શૌર્યનું સંયોજન એટલે આપણા લશ્કરી જવાનો! આ એક નિર્વિવાદ હકીકત છે, એ છતાં ક્યારેક કોઈક અપવાદ નીકળી આવે છે. નિવૃત્ત થયેલો સોલ્જર જ્યારે મગજ ઉપરથી કાબૂ ગૂમાવે ત્યારે હાહાકાર મચાવી દે છે! આજની કથા કંઈક આવી જ છે.
હરિયાણામાં અંબાલા કેન્ટોનમેન્ટ વિસ્તારથી ચાલીસ કિલોમીટર દૂર રાતોર નામનું ગામ નારાયણગઢ તાલુકામાં આવેલું છે. રાતોર ગામમાં મોટા ભાગની વસ્તી જાટ લોકોની. ગામથી દોઢેક કિલોમીટર દૂર કાચા-પાકા મકાનો બાંધીને શિડયુલ કાસ્ટના પરિવારો રહે છે. એમાં રહેતા ઓમપ્રકાશની ઉંમર અત્યારે અડસઠ વર્ષની. એમના પત્ની સરૂપીદેવીની ઉંમર પાંસઠ વર્ષની. ઓમપ્રકાશ અને સરૂપીદેવીને સંતાનમાં બે દીકરા. મોટાનું નામ ભૂષણકુમાર (૪૦ વર્ષ) અને નાનાનું નામ હરીશ (૩૫ વર્ષ).
આર્થિક સ્થિતિ સાવ નબળી હોવાથી બેમાંથી એકેય દીકરાને નારાયણગઢની સ્કૂલમાં દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવાની તક નહોતી મળી. એ છતાં, શારીરિક તંદુરસ્તી ખૂબ સરસ હતી, એટલે લશ્કરના ભરતી મેળામાં જઈને ભૂષણે નસીબ અજમાવ્યું અને એને તક મળી ગઈ. ઈન્ડિયન મિલેટ્રી ફોર્સમાં એને નોકરી મળી ગઈ. એના પગલે પગલે હરીશે પણ લશ્કરમાં નોકરી મેળવવા મથામણ કરેલી, પરંતુ એને સફળતા નહોતી મળી. ઓમપ્રકાશની પાસે બે એકર જેટલી જમીન હતી. ભૂષણ લશ્કરમાં જોડાઈ ગયો એ પછી ઓમપ્રકાશ અને હરીશ ખેતી ઉપરાંત છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
બંને દીકરાઓની ઉંમર થઈ ત્યારે ઓમપ્રકાશે એમને પરણાવી દીધેલા. ભૂષણની પત્નીનું નામ પૂનમ અને હરીશની પત્નીનું નામ સોનિયા. ભૂષણ અને પૂનમને સંતાનમાં બે દીકરા અને હરીશ-સોનિયાને સંતાનમાં બે દીકરીઓ. એ વખતે ભૂષણ તો લશ્કરમાં હતો, અને અહીં બાકીના બધાય એક જ ઘરમાં રહીને એક જ રસોડે જમતા હતા. પૂનમ અને સોનિયા-એ દેરાણી-જેઠાણી વચ્ચે કામની બાબતમાં ક્યારેક બોલાચાલી થતી હતી, પરંતુ સંયુક્ત કુટુંબના વડીલ તરીકે ઓમપ્રકાશ અને સરૂપીદેવી વચ્ચે પડીને એમના ઝઘડાનો ઉકેલ લાવી દેતા હતા.
ઈ.સ. ૨૦૧૭ ના ડિસેમ્બરમાં ભૂષણ લશ્કરમાંથી સુબેદારની પોસ્ટ પરથી નિવૃત્ત થઈને ઘેર આવ્યો. એ પછી પરિસ્થિતિ બદલાઈ. એક્સ સર્વિસમેન તરીકે ભૂષણને નારાયણગઢની વેટરનરી હોસ્પિટલમાં વોચમેન તરીકે નોકરી મળી ગઈ. પેન્શન પણ ચાલુ થઈ ગયું હતું. નિવૃત્તી નિમિત્તે જે રકમ મળી હતી એમાંથી એણે નારાયણગઢમાં એક નાનકડી હોટલ પણ કરી. આ તરફ હરીશ તો ખેતરમાં મજૂરી જ કરતો હતો.
હવે તો પતિ ઘેર આવી ગયો હતો અને કમાણી પણ વધી હતી એટલે પૂનમનો મિજાજ બદલાઈ ગયો. વાતવાતમાં એ હરીશની પત્ની સોનિયા ઉપર રોફ જમાવતી હતી અને એમાંથી ઝઘડા થતા હતા.ભૂષણ ઘેર આવે ત્યારે નાની વાતને મોટું રૂપ આપીને પૂનમ એને ફરિયાદ કરતી હતી. એવી જ રીતે સોનિયા પણ પોતાના પતિ હરીશની પાસે પીડા ઠાલવતી હતી. આ કારણથી બંને ભાઈઓ વચ્ચે પણ બોલાચાલી થવા લાગી. આ પરિસ્થિતિ વધારે વણસી એટલે ઓમપ્રકાશ અને સરૂપીદેવીએ બંને પુત્રોને પાસે બેસાડીને કહી દીધું કે આવી રીતે આ ઘર નહીં ચાલે, તમને બંનેને સાથે રહેવાનું ફાવતું ના હોય તો આપણા આ ઘરના બે ભાગ પાડી દઈએ. આમ તો એમનું ઘર પણ કેવું હતું? પ્લાસ્ટર વગરની ઈંટની દીવાલોના ઘરમાં વધારાનો એક ઓરડો ખેંચી કાઢવામાં આવ્યો. એ પછી જે ઘર બન્યું એના બે ભાગ પાડી દીધા! હરીશ, સોનિયા અને એમની બે દીકરીઓ એક ઘરમાં અને બાજુના ઘરમાં ભૂષણ, પૂનમ અને એમના બે દીકરાઓ. હવે ઓમપ્રકાશ અને સરૂપીદેવીએ ક્યાં રહેવાનું? આવકની દ્રષ્ટિએ ભૂષણ સધ્ધર હતો એટલે મા-બાપે એની સાથે રહેવાનું નક્કી કરી લીધું. આ રીતની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ, એ પછી થોડો સમય શાંતિ રહી, પરંતુ બે ઘરની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી એને લીધે દેરાણી-જેઠાણી એકબીજાના શબ્દો પકડીને પણ ઝઘડો કરવા લાગી.
મોટા ભાઈ તરીકે નાના ભાઈને મદદ કરવાને બદલે ભૂષણ પૈસાની ભૂખમાં ભાન ભૂલી ગયો હતો. ઓમપ્રકાશના નામે બે એકર જમીન હતી, એના ઉપર એની નજર હતી. અગાઉ ઓમપ્રકાશે જાહેર કરી દીધેલું કે આ જમીન તમારા બંને ભાઈઓની સહિયારી છે, હું મરું એ પછી તમે બંને એક એક એકર વહેંચી લેજો. હવે તો મા-બાપ પોતાની સાથે રહેતા હતા એટલે ભૂષણે ઓમપ્રકાશને કહ્યું કે તમે અમારી સાથે રહો છો, એટલે તમામ જમીન મારા નામે કરી આપો. એની આ માગણી ઓમપ્રકાશ કઈ રીતે સ્વીકારે? એમણે ભૂષણને કહ્યું કે તારી પાસે તો ઘણું છે, નાના ભાઈનો હિસ્સો હડપી લેવાની તારે શી જરૂર છે? એક એકર તને મળશે અને એક એકર હરીશની-એ જ ન્યાયની વાત છે.
બાપ-દીકરા વચ્ચેની આ ચર્ચાની હરીશને ખબર પડી એટલે એણે ભૂષણ સાથે ઝઘડો કર્યો. આમ પણ ઘર અલગ થઈ ગયા પછી બંને ભાઈ વચ્ચે કામ સિવાય બોલવાનો વ્યવહાર તો બંધ થઈ જ ચૂક્યો હતો. ભૂષણ બધી જમીન લઈ લેવા માગે છે એની જાણ થયા પછી તો એટલો સંબંધ પણ તૂટી ગયો.
હરિયાણાની માનસિકતા પુરુષપ્રધાન સમાજની છે અને પુત્રીઓને મિલકતમાં ભાગ દેવાનું ત્યાં કોઈ ભાગ્યે જ વિચારે છે. ભૂષણને સંતાનમાં બે દીકરા હતા, જ્યારે હરીશને તો બે દીકરીઓ જ હતી એટલે ભવિષ્યમાં પણ હરીશનો કોઈ વારસદાર નથી એમ વિચારીને એ બાબતમાં ભૂષણ નિશ્ચિંત હતો.
ભૂષણ પિતા ઉપર સતત દબાણ કરતો હતો કે આખું ખેતર મારા નામે કરી આપો. ઓમપ્રકાશ ના પાડતા હતા એટલે ભૂષણ ગુસ્સે થઈને એમને ધમકાવતો હતો. જનેતા તરીકે સરૂપીદેવીને તો નબળા દીકરા હરીશ ઉપર જ વધારે લાગણી હતી એટલે એ પણ ભૂષણને કહેતા હતા કે તારે શું ભૂખ છે? આ મુદ્દે ભૂષણ મા-બાપ સાથે સતત લડતો હતો. એ બધું સંભળાય એટલે હરીશ પણ દોડી આવતો હતો અને ભૂષણ સાથે ઉગ્રતાથી ઝઘડતો હતો.
જાન્યુઆરી, ૨૦૨૪ માં પોતાની આશા ઉપર પાણી ફરી વળ્યું એટલે ભૂષણ બેબાકળો બની ગયો. હરીશ અને સોનિયાને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે ભૂષણ અને પૂનમના પેટમાં તેલ રેડાયું. એક નવા વારસદારનો જન્મ થયો હતો એ ઘટનાથી ભૂષણને લાગ્યું કે હવે ગમે તેમ કરીને પણ ખેતર મારા નામે કરાવી દેવું જ પડશે. દર બે-ત્રણ દિવસે ભૂષણ ઉગ્ર થઈને મા-બાપ સાથે ઝઘડતો, પરંતુ એની ગેરવ્યાજબી માગણી સ્વીકારવા મા-બાપ તૈયાર નહોતા.
એક એકર જમીન માટે ભૂખાળવો બનેલો ભૂષણ હવે માતા-પિતાને અને હરીશ-સોનિયાને ખુલ્લેઆમ ધમકી આપતો હતો કે આનું પરિણામ સારું નહીં આવે. તારીખ ૫-૭-૨૦૨૪ ના દિવસે ભૂષણ ભયાનક ગુસ્સે થઈને સોનિયા અને હરીશ સાથે ઝઘડયો.એ દિવસે કોઈક કારણસર બહારગામથી સોનિયાની માતા પણ એમના ઘેર આવેલી હતી. ભૂષણની ધમકીભરી ભાષા સાંભળીને એણે સોનિયાને કહ્યું કે આવી દાદાગીરી શા માટે સહન કરો છો? આવા માણસની સામે તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ. ચાલ, હું તારી સાથે આવું છું. એ મા-દીકરી નારાયણગઢ પોલીસસ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી કે ભૂષણકુમાર અમારી સાથે ઝઘડીને ધમકી આપે છે.
ભૂષણ હવે બરાબર ધૂંધવાયો હતો. એણે મા-બાપને ધમકી આપી કે તમે મારી સાથે રહીને પણ હરીશનો પક્ષ કેમ લો છો? ખેતર મારા નામે નહીં કરો તો એનું પરિણામ સારું નહીં આવે! છેલ્લી વાર તમને ચેતવું છું. મારી કમાન છટકશે ત્યારે બધાના ગાભા કાઢી નાખીશ!
રવિવાર: તારીખ ૨૧-૭-૨૦૨૪ ની રાત ગોઝારી બની. રાત્રે નવ વાગ્યે ભૂષણના બે સાળા-અમન અને મનીષ- હાથમાં ડંડા લઈને આવી ગયા હતા. ભૂષણના બે દીકરા-માખણ અને પ્રિન્સ-પણ શસ્ત્રસજ્જ થઈને તૈયાર હતા. પૂનમને મદદ કરવા એની બહેન બેબી પણ આવી ગઈ હતી. ભૂષણ ચિક્કાર દારૂ પીને ફૂલ નશામાં હતો અને એના હાથમાં ધારદાર કુહાડો હતો!
ઓમપ્રકાશ ક્યાંક બહાર ગયા હતા. એ ઘેર આવ્યા કે તરત ભૂષણે કુહાડો ઊગામીને પૂછયું કે ખેતર મારા નામે કેમ નથી કરતા? આજે તમને ખબર પાડી દઈશ! ઓમપ્રકાશ કંઈ સમજે કે વિચારે એ અગાઉ ભૂષણે કુહાડો એમના માથા પર ઝીંક્યો. એ લથડીને પડે એ અગાઉ સરૂપીદેવી પુત્રને રોકવા દોડી આવ્યાં. ભૂષણે પૂરી તાકાતથી માતાના માથા પર કુહાડીનો પ્રહાર કર્યો.
લોહીલુહાણ હાલતમાં સરૂપીદેવી ઢળી પડયાં. એ છતાં ભૂષણ ઝનૂનથી કુહાડીના પ્રહાર કરતો જ રહ્યો! માથામાંથી લોહી વહેતું હતું, એ છતાં જીવ બચાવવા માટે ઓમપ્રકાશે દોટ મૂકી અને દૂર એક પરિચિત-રમેશના ખેતરમાં પંપની ઓરડીમાં પહોંચીને ફસડાઈ પડયા. રમેશ ત્યાં જ હતો. એણે એમને ખાટલામાં સૂવડાવ્યા અને માથા પર પાટો બાંધ્યો ત્યાં સુધીમાં એ બેહોશ થઈ ગયા હતા!
સરૂપીદેવીના શ્વાસ અટકી ગયા હતા એની ખાતરી થયા પછી ભૂષણ અને બધા હરીશના ઘરમાં ઘૂસ્યા. સોનિયાની ગોદમાં સૂતેલા નવા વારસદાર સાત મહિનાના મયંકના માથા પર કુહાડાનો એક જ પ્રહાર થયો અને એની ખોપરી ફાટી ગઈ! સોનિયા ચીસ પાડીને જાગી એની સાથે જ ભૂષણે એની ગરદન વાઢી નાખી! હરીશ સામનો કરવા આવે એ અગાઉ ભૂષણ પૂરી તાકાતથી એના ઉપર કુહાડો લઈને તૂટી પડયો. પાંચ મિનિટમાં તો સોનિયા પણ તરફડીને મરી ગઈ અને એની પાછળ હરીશને પણ ભૂષણે મારી નાખ્યો! મોટી દીકરી પરી (૭ વર્ષ) અને નાની દીકરી યાશિકા (૪ વર્ષ) એકમેકને વળગીને ડઘાઈને ઊભી હતી. એ બંનેના માથા પર પણ ભૂષણે કુહાડો ઝીંકવાનું શરૂ કર્યું. આખો ઓરડો લોહીથી ખરડાઈ ચૂક્યો હતો!
ભૂષણે આદેશ આપ્યો એટલે એના બંને સાળા અને બંને દીકરાઓ કામે લાગી ગયા. ઘરની બહાર પડેલા લાકડાના ઢગલા પાસે વારાફરતી એક પછી એક છ લાશને ઢસડીને લાવ્યા એ પછી લાકડાઓને ચિતાની જેમ ગોઠવીને અર્ધો ડઝન લાશ એના ઉપર ગોઠવીને ભૂષણે કેરોસિન રેડયું અને દીવાસળી ચાંપી. મોટો ભડકો થયો એ જોઈ લીધા પછી એ આખું ટોળું ભાગી ગયું !
હરીશની મોટી દીકરી પરીના શ્વાસ હજુ ચાલુ હતા. સળગતી આગમાંથી જિજિવિષા સાથે એ બહાર દોડી. કપડાં સળગતાં હતાં એટલે વેદનાથી ચીસાચીસ કરતી એ પાણીની કૂંડી પાસે ગઈ અને એમાં બેસી ગઈ !
આ તરફ ઓમપ્રકાશને થોડું ભાન આવ્યું એટલે રમેશને સાથે લઈને એ ઘેર આવ્યા ત્યારે આગ હજુ સળગતી હતી અને પાણીની કૂંડીમાં પરી ચીસો પાડતી હતી. બંનેએ સાથે મળીને પરીને બહાર કાઢી, પણ એ બાપડીની ચામડી ઊતરડાઈ ગઈ હતી. રમેશે પોલીસને ફોન કર્યો. પાંચેય લાશ સળગી રહી હતી ત્યાં પાણી રેડીને આગ બૂઝાવી નાખી. એ વખતે આસપાસના લોકો પણ મદદમાં દોડી આવ્યા હતા.
નારાયણગઢના પોલીસ ઈન્સ્પેક્ટર રામપાલે આવીને સહુ પ્રથમ તો ઓમપ્રકાશ અને પરીને તાત્કાલિક નારાયણગઢની હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાંના ડોક્ટરોએ કેસની ગંભીરતા પારખીને એ બંનેને ચંદિગઢની PGIMER હોસ્પિટલમાં મોકલી આપ્યા. ત્યાં બંનેની સારવાર ચાલી રહી હતી, પરંતુ એકાદ કલાક પછી પરીના શ્વાસ અટકી ગયા!
એક સાથે છ હત્યાની ઈન્સ્પેક્ટરે જાણ કરી એટલે અંબાલાથી SP સુરિન્દરસિંગ ભોરિયા પણ રાત્રે એક વાગ્યે ત્યાં આવી ગયા હતા. તાબડતોબ SIT ની રચના કરી. અંબાલા અને કેન્ટોનમેન્ટના DSP, રામલાલ અને સાયબર ટીમે કામ શરૂ કર્યું. હોસ્પિટલમાં ઓમપ્રકાશની તબિયત સુધારા પર હતી એટલે એમના સ્ટેટમેન્ટના આધારે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૦૩(૧) હત્યા, ૧૦૯ (૧) હત્યાનો પ્રયાસ, ૨૩૮ (એ) ઈરાદાપૂર્વક પુરાવાનો નાશ-અનુસાર FIR નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી.
સવારે સાત વાગ્યે અંબાલાની સિવિલ હોસ્પિટલમાં અર્ધી બળેલી હાલતમાં એક સાથે છ લાશ પોસ્ટમોર્ટમ માટે આવી ત્યારે ડોક્ટર મુકેશકુમાર પણ ચોંકી ઉઠયા. દરેક લાશ ઉપર ઘાના નિશાન પણ હતા.
સોમવારે સાંજે રાતોર ગામના સ્મશાનમાં એક સાથે છ લાશને એક જ ચિતામાં અગ્નિદાહ અપાયો ત્યારે ત્યાં હાજર દરેકના હૈયામાં વેદના હતી. પોલીસની સાથે પત્રકારો પણ ત્યાં હાજર હતા.
મંગળવાર, તારીખ ૨૩-૭-૨૦૨૪ ના દિવસે પોલીસે ભૂષણ, એની પત્ની પૂનમ, પૂનમના ભાઈઓ અમન, મનીષ અને બહેન બેબીની ધરપકડ કરી લીધી છે. એમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવી લીધા છે.
એક એકર જમીન માટે સગી જનેતા, ભાઈ-ભાભી, એમની માસુમ દીકરીઓ અને માત્ર સાત માસના ભત્રીજાની ક્રૂર હત્યા કરનાર નિવૃત્ત સોલ્જર ભૂષણને નરરાક્ષસ સિવાય શું કહી શકાય ?