પ્રેમ, વાસના અને વેરની આગમાં બધું રાખ
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- તા.12-9-2024ના દિવસે એણે વોટ્સેપ સ્ટેટસમાં લખ્યું : 'પાંચ હત્યા થવાની છે, હું થોડા સમયમાં જ તમને બતાવીશ!' અને એણે તા.૩-૧૦-૨૦૨૪ના દિવસે કરી બતાવ્યું!
- ચંદન વર્મા
- સુનિલ ભારતી
- પૂનમ-બંને દીકરીઓ
- પૂનમ-ચંદનની વાયરલ થયેલી છબી
- ઘટનાસ્થળ
અ મેઠી અને રાયબરેલી- બહુ ચર્ચિત આ બંને શહેરોના નામ આપણાથી અજાણ્યા નથી. રાયબરેલીથી અમેઠીનું અંતર લગભગ સાંઈઠ કિલોમીટર. આ બંને શહેર વચ્ચે આકાર પામેલી પ્રેમકહાણીને લીધે સર્જાયેલી ખોફનાક ક્રાઈમકથાએ આખા ઉત્તરપ્રદેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
નવરાત્રિના પહેલા જ દિવસે, તારીખ ૩-૧૦-૨૦૨૪ ની સાંજે સાત વાગ્યે અમેઠીના શિવરતન ગંજ કસબામાં ભવાની મંદિરમાં આરતીનો સમય થયો હતો, એ જ વખતે ત્યાં રહેતા કેદાર વર્માના ઘર પાસે રાયબરેલીથી આવેલા ચંદન વર્માએ આવીને પોતાની બુલેટ મોટરસાઈકલ ઊભી રાખી. બાઈક પર બેસીને જ એણે કેદારના પુત્ર દીપકને ફોન કરીને બહાર બોલાવ્યો. ડેલીનું બારણું ખોલીને દીપક બહાર આવ્યો એટલે એની સાથે હાથ મિલાવીને ચંદને કહ્યું. 'દીપક, દર્શન કરવા જાઉં છું. પછી આવીશ.' દીપકે એને કહ્યું કે હું પણ માતાજીના મંડપમાં આરતી કરવા જાઉં છું. એમ કહીને એ ઘરમાંથી પૂજાની થાળી લઈને મંદિર તરફ ગયો. એ મંદિરમાં ગયો અને પંદર મિનિટમાં જ બહાર ધડબડાટી બોલી ગઈ. મંદિરની સામે થોડે દૂર બધી દુકાનો હતી અને એની વચ્ચે એક રહેણાંકનું મકાન હતું. દોઢેક મહિના પહેલાં જ ત્યાં એક પરિવાર ભાડે રહેવા આવ્યો હતો. એક પછી એક ડઝન જેટલા ગોળીબારના ધડાકા સાંભળીને દુકાનોના શટર પાડીને લોકો એ ઘર પાસે દોડી આવ્યા હતા. દીપકે પોતાના ઘર પાસે નજર કરી, તો ચંદનનું બાઈક ત્યાં નહોતું!
હિંમત કરીને લોકોએ એક સાથે એ ઘરમાં પ્રવેશ તો કર્યો, પણ આંગણામાં જ બધાના પગ થંભી ગયા. ફળિયામાં પાણીની ચકલી પાસે જ સુનિલ રામગોપાલ ભારતી (૩૪ વર્ષ) અને એની પત્ની પૂનમ ભારતી (૨૯ વર્ષ) લોહીના ખાબોચિયામાં પડયા હતા. એનાથી પણ વધુ કમકમાટી ઉપજાવે એ રીતે થોડે દૂર એમની બંને માસુમ દીકરીઓ સમીક્ષા (૫ વર્ષ) અને લાડો (દોઢ વર્ષ) પણ લોહીલુહાણ હાલતમાં પડી હતી!
કોઈકે ફોન કર્યો એટલે પોલીસ તરત આવી ગઈ અને ચારેયને શિવગંજપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તબીબોએ જણાવ્યું કે આ ચારેયમૃત્યુ પામી ચૂક્યા છે!
ગોળીબાર કરીને દલિત પરિવારના એક સાથે ચારેય સભ્યોની હત્યાનો મામલો હતો એટલે આઈ.જી. પ્રવીણકુમાર અને એસ.પી. અનુપસિંહ સહિત પોલીસોનું ધાડું ત્યાં આવી ગયું.આ ચાર લાશ જોઈને સુનિલનો આખો પરિવાર ભાંગી પડયો હતો. સુનિલના પિતા રામગોપાલે ફરિયાદમાં એક માત્ર ચંદન વર્માનું જ નામ આપ્યું.
આસપાસના બધા લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા. એમાં કેદારના પુત્ર દીપકે પોલીસને સાચેસાચું કહી દીધું કે રાયબરેલીથી ચંદન વર્મા બુલેટ મોટરસાઈકલ લઈને આવેલો, મારા ઘર પાસે એણે બાઈક ઊભી રાખેલી અને પંદર મિનિટ પછી એ અદ્રશ્ય થઈ ગયેલો! ચંદન વર્માને દબોચવા માટે એસ.પી. અનુપસિંહે પાંચ ટીમ બનાવીને મોનિટરિંગ પોતે જ સંભાળી લીધું હતું.
આ હત્યાકાંડ પાછળની આખી વાત કંઈક આવી છે. સુનિલ ભારતી ખૂબ મહેનતુ હતો. પરિવારનો એક માત્ર કમાનાર સભ્ય હોવાથી પોતાની જવાબદારીનું એને પૂરેપૂરું ભાન હતું. ઈંટના ભઠ્ઠામાં કાળી મજૂરી કરતી વખતે પણ એ સારી નોકરી માટે મહેનત કરી રહ્યો હતો. એની મહેનત ફળી અને ૨૦૨૨ માં એ ઉત્તરપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદ થઈ ગયો. કોન્સ્ટેબલ તરીકે એણે નોકરી તો શરૂ કરી, પરંતુ ઋજુ સ્વભાવ અને લાગણીશીલ હૈયું હોવાથી આ નોકરીમાં એ અંદરથી વલોવાતો હતો અને બીજી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એક જ વર્ષ કોન્સ્ટેબલની નોકરી કર્યા પછી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવી ત્યારે એને સંતોષ થયો.
સુદામાપુર ગામનો સુનિલ ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતો હતો એ જ વખતે ઈ.સ. ૨૦૧૬ માં ઉતરપારા ગામની પૂનમ સાથે પરિવારે એના લગ્ન કરાવેલા. પૂનમ પ્રેગ્નન્ટ થઈ ત્યારે પરિવારમાં આનંદ હતો. પ્રસુતિ થવાની હતી, એ અગાઉ ડૉક્ટરે તાકીદ કરેલી કે જોડકાં બાળકો છે માટે તબિયત જાળવજો.
ડિસેમ્બર, ૨૦૧૮ માં રાયબરેલીની એક ખાનગી હોસ્પિટલમાં પૂનમે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો,પરંતુ પુત્રની તબિયત અત્યંત નાજુક હતી. સુનિલ મજૂરીમાં ડૂબેલો હોવાથી હોસ્પિટલમાં માત્ર રાત્રે જ આવી શકે. સાસુ-સસરા સાવ અભણ. સાસુ હોસ્પિટલમાં સાથે હોવા છતાં ડૉક્ટરની વાત સમજવામાં એમને તકલીફ પડતી હતી. પૂનમ મનમાં મૂંઝાતી હતી અને પુત્ર સાજો થઈ જાય એ માટે મનોમન પ્રાર્થના કરતી હતી. એ પરિસ્થિતિમાં હોસ્પિટલનો લેબ ટેક્નીશિયન ચંદન વર્મા પૂનમનો સહારો બન્યો અને વારંવાર પૂનમ પાસે આવીને જે કંઈ જરૂરી કામ હોય એમાં મદદ કરતો હતો. માત્ર ચાર દિવસનું આયુષ્ય ભોગવીને પુત્ર ગુજરી ગયો ત્યારે પૂનમ હતાશામાં ડૂબી ગઈ. પુત્રીનું નામ સમીક્ષા રાખ્યું. એ તંદુરસ્ત હતી, પરંતુ પ્રથમ પુત્ર આવી રીતે આવીને તરત જતો રહ્યો એ આઘાત પૂનમ માટે અસહ્ય હતો. એ વખતે ચંદન વર્માએ એની હતાશા દૂર કરવા માટે ભાવનાત્મક ટેકો આપ્યો. આ રીતે એ બંને વચ્ચે વાતચીતનો સંબંધ શરૂ થયેલો.
એ પછી સુનિલ કોન્સ્ટેબલ બન્યો અને રાયબરેલીમાં ઘર ભાડે રાખ્યું. ચંદન વર્મા પણ નજીકમાં જ રહેતો હતો. વારંવાર સુનિલના ઘેર આવીને સુનિલ સાથે મિત્રતા કેળવવા એ મથતો હતો. સુનિલ સંવેદનશીલ સજ્જન હતો, પણ ભોટ નહોતો. ચંદનના ઈરાદાને એ પારખી ચૂક્યો હતો, પરંતુ પૂનમ ઉપર એને વિશ્વાસ હોવાથી એને વધારે ચિંતા નહોતી.
એ દરમ્યાન ૨૦૨૨ માં સુનિલને શિક્ષક તરીકે નિમણૂંક મળી ગઈ. ચંદનના આંટાફેરા તો ચાલુ જ હતા.એ પૂનમ સાથે સંબંધ વધારવા ઈચ્છતો હતો, પરંતુ સુનિલનો વિચાર આવે ત્યારે પૂનમ સંભાળીને એને દૂર રાખતી હતી, એ ચંદનને ખૂંચતું હતું. એ બમણા ઝનૂનથી પૂનમને પોતાની બનાવવા માટે મથામણ કરતો હતો.
એપ્રિલ, ૨૦૨૪ માં બૅન્કની લોન લઈને મકાન બનાવવા માટે સુનિલે રાયબરેલીમાં દોઢસો વારનો એક પ્લોટ ખરીદ્યો. એના મકાનનું બાંધકામ દશેરાના દિવસથી શરૂ કરાવવાનો હતો. પ્લોટ ખરીદતી વખતે દસ્તાવેજમાં પણ ચંદન એની સાથે જ રહ્યો હતો. સુનિલનું ભાડાનું મકાન ચંદનના ઘરથી સાવ નજીક હતું અને જે પ્લોટ લીધો એ ખાસ્સો દૂર હતો એટલે ચંદન ધૂંધવાયેલો તો હતો જ.
પૂનમની હાલત કફોડી હતી. ભોળિયા પતિદેવ સુનિલનો ભરોસો એ તોડવા નહોતી માગતી અને બીજી તરફ ચંદન એને પામવા માટે જાતજાતના તિકડમ કરી રહ્યો હતો. અંતે, ઈ,સ. ૨૦૨૩ ના જુલાઈ મહિનાની એક વરસાદી સાંજે સુનિલ હજુ ઘેર આવ્યો નહોતો અને ચંદન પાસે પૂનમે પરાજય સ્વીકારી લીધો. અલબત્ત, એનો અંતરાત્મા તો ડંખતો જ હતો. દ્વિધામાં ફસાયેલી પૂનમનું મન હાલકડોલક થતું હતું.
પૂનમના વ્યવહાર ઉપરથી સુનિલને એના પ્રેમપ્રકરણનો ખ્યાલ તો આવી ચૂક્યો હતો, છતાં ઝેરનો ઘૂંટડો ગળે ઊતારીને એ જીવી રહ્યો હતો. એણે પૂનમને કશુંય કહ્યું નહીં અને દીકરીઓના ભવિષ્યનું વિચારીને મનોમન વલોવાતો રહ્યો. સ્કૂલમાં પણ એ સાવ અંતર્મુખી બનીને ગૂમસૂમ જ રહેતો હતો.
પૂનમે પ્રેમનો સહેજ પ્રતિસાદ આપેલો એટલે ચંદનની હિંમત વધી ગઈ. એણે પૂનમને કહ્યું કે સુનિલને છોડીને તું મારી સાથે લગ્ન કરી લે. પૂનમ એના માટે લગીર પણ તૈયાર નહોતી. એણે ચોખ્ખી ના પાડી અને ચંદન સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. બંને વચ્ચેના સંબંધો સાવ વણસી ચૂક્યા હતા.વિફરેલો ચંદન પૂનમને પાઠ ભણાવવાની તક શોધતો હતો.
તારીખ ૧૮-૮-૨૦૨૪ ની સાંજે મોટી દીકરી સમીક્ષાની તબિયત ખરાબ હતી એટલે એની દવા લેવા માટે પૂનમ હોસ્પિટલ ગઈ હતી. એ ત્યાંથી પાછી આવતી હતી ત્યારે ભરચક ચાર રસ્તા પર ચંદને એને જકડી લીધી. પૂનમ હવે ખરેખર એનાથી છૂટવા માગતી હતી એટલે બૂમ પાડીને એ ચંદનની પકડમાંથી છૂટી ગઈ અને એને ધુત્કારી કાઢયો. એકતરફી પ્રેમમાં પાગલ ચંદન ભયાનક ગુસ્સામાં આવીને પૂનમ ઉપર તૂટી પડયો. ધડાધડ તમાચા મારીને એણે અશ્લીલ હરકતો કરી અને જાતિ વિષયક ગંદી ગાળોનો વરસાદ વરસાવ્યો. પૂનમની હડપચી પકડીને એણે આખા પરિવારને ખતમ કરી નાખવાની ધમકી પણ આપી!
હવે પૂનમની કમાન છટકી. એ સીધી જ રાયબરેલી સદર પોલીસસ્ટેશને ગઈ અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના કાગળમાં એણે ચંદનની તમામ હરકતોનું વર્ણન અને મારી નાખવાની ધમકી આપી એ પણ લખ્યું. ચંદન વર્માનું પૂરું નામ સરનામું અને મોબાઈલ નંબર પણ એણે ફરિયાદમાં લખાવેલ!
એની ફરિયાદ પછી પોલીસે ચંદનને પોલીસસ્ટેશને બોલાવ્યો. બંધ ચેમ્બરમાં ઈન્સ્પેક્ટર પાસે અર્ધો કલાક બેસીને એ હસતા મોઢે બહાર આવી ગયો! પૂનમે ઘેર જઈને રડીને સુનિલને આખી હકીકત નિખાલસતાથી જણાવી. બીજા દિવસે સુનિલ સ્કૂલે જતો હતો ત્યારે ચંદને રસ્તામાં એને રોકીને જાતિ વિષયક ગાળો દઈને મારી નાખવાની ધમકી આપીને કહ્યું કે મારી અને પૂનમ વચ્ચેથી તું ખસી જા, નહીં તો હું તને દુનિયામાંથી ખસેડી દઈશ!
સુનિલે પણ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ તો નોંધાવી, પરંતુ હવે એને સલામતીની ચિંતા થતી હતી.
એની સ્કૂલ જે ગામમાં હતી એ રાયબરેલી અને અમેઠીની વચ્ચે જ આવેલું હતું. એટલે ૨૩-૮-૨૦૨૪ ના દિવસે એણે અમેઠીના શિવરતન ગંજ કસબામાં ભવાની મંદિર પાસે મકાન ભાડે રાખી લીધું અને રાતોરાત સામાન ફેરવીને પરિવાર સાથે ત્યાં રહેવા જતો રહ્યો.
પૂનમે પોલીસ ફરિયાદ કરેલી એ પછી ચંદન ભયાનક ગુસ્સામાં હતો. અપમાનની આગમાં સળગીને એ બદલો લેવા માગતો હતો. રાયબરેલીનું ખાલી મકાન જોઈને એ બાઈક લઈને સુનિલની સ્કૂલ પાસે આંટા મારતો હતો અને એક દિવસ પીછો કરીને એણે અમેઠીનું મકાન પણ જોઈ લીધું. તારીખ ૧૨-૯-૨૦૨૪ ના દિવસે એણે પોતાના વોટસેપ સ્ટેટસમાં લખ્યું : 'પાંચ હત્યા થવાની છે, હું થોડા સમયમાં જ તમને બતાવીશ!'
- અને એણે તારીખ ૩-૧૦-૨૦૨૪ ના દિવસે એ કરી બતાવ્યું! એને પકડવા માટે પોલીસની દોડાદોડી ચાલુ હતી. રાયબરેલીના લાલગંજ વિસ્તારના માથાભારે અપરાધીઓ સાથે ચંદનને સંબંધ હતો એટલે અમેઠી SOG ટીમે ત્યાંથી છ ગુંડાઓની ધરપકડ કરીને રાયબરેલી પોલીસને સોંપ્યા. એમાં નિક્કી ઉર્ફે અનુરાગ ચંદનનો ખાસ મિત્ર હતો. ઉત્તર પ્રદેશના ઘણા ગામમાં દેશી પિસ્તોલ બનાવવાનો ગૃહઉદ્યોગ ધમધમાટ ચાલે છે. એમાં મુંગેરમાં બનેલી .૩૨ બોરની દસ પિસ્તોલ રાયબરેલીમાં વેચાવા માટે આવી હતી. ચંદને કહી રાખેલું એટલે નિક્કીએ એમાંથી એક પિસ્તોલ ચંદન માટે અન્નુ જે.ડી. પાસેથી ખરીદી હતી. પોસ્ટમોર્ટમમાં ચારેય લાશમાંથી એવી જ સાત બુલેટસ્ મળી હતી. ઘટનાસ્થળેથી મળેલા નવ ખોખા અને એક કારતૂસ પણ એના જ હતા. આટલી જાણકારી મળી, પરંતુ ચંદન હજુ પકડાયો નહોતો. અંતે, STFની ટીમે યમુના એક્સપ્રેસ વે પર જેવર ટોલપ્લાઝા પાસેથી એને પકડીને પોલીસને સોંપ્યો ત્યારે પોલીસે પોતાની પીઠ થપથપાવી!
એણે પિસ્તોલ ક્યાં સંતાડી છે, એની રિક્વરી માટે પોલીસની ટીમ એને લઈ જતી હતી ત્યારે PSI મદનકુમારની રિવોલ્વર ઝૂંટવીને ચંદને પોલીસ પર ફાયરિંગ કર્યું. જવાબમાં શિવરતનગંજના PI સચ્ચિદાનંદે ચંદનના પગમાં ગોળી મારી અને એ ફસડાઈને પકડાઈ ગયો. પોલીસ એને ઊંચકીને હોસ્પિટલમાં લઈ જતી હતી ત્યારે એ રડતો હતો. એણે કહ્યું કે બંને નાનકડી દીકરીઓને મારી એ મારી ભૂલ બદલ મને પસ્તાવો થાય છે. એણે વોટસેપમાં પાંચ હત્યાનું લખેલું-આ ચારની હત્યા કર્યા પછી એ પોતે આત્મહત્યા કરવાનો હતો, પણ હિંમત હારી ગયો, એટલે આપઘાત ના કર્યો. ચંદનને એમ્બ્યુલન્સમાં જ લઈ જઈને કોર્ટમાં રજૂ કર્યો. લોકો અને પત્રકારોની ભીડથી બચાવીને એને ગૂપચૂપ રીતે જ જેલમાં લઈ જવાયો.
સ્થાનિક ધારાસભ્યને સાથે લઈને સુનિલનો પરિવાર મુખ્યમંત્રી આદિત્યનાથને મળ્યો. સુનિલ જ આખા પરિવારનું ભરણપોષણ કરતો હતો. વળી, ૧૮-૮-૨૦૨૪ ના દિવસે પૂનમે પોલીસ ફરિયાદ નોંધાવેલી. બે દિવસ પછી સુનિલે પણ હત્યાની ધમકીની ફરિયાદ નોંધાવેલી. એ પછી પોલીસે જો સમયસર ચંદન સામે કડક કાર્યવાહી કરી હોત તો આ ચાર જીવ બચી જાત- આ તમામ જાણકારી પરિવાર વતી ધારાસભ્યે મુખ્યમંત્રીને આપી. આદિત્યનાથે સરકારી સહાયનું વચન આપ્યું.
ચંદન, પૂનમ અને સુનિલ-ત્રણેયના મોબાઈલ અત્યારે પોલીસના કબજામાં છે. એ છતાં કોઈકે ચંદન અને પૂનમની છબી વોટસેપ પર વહેતી મૂકી દીધી છે. એ ફોટો ક્યારે લેવાયેલો અને કોણે વાયરલ કરી એ પણ એક રહસ્ય છે.
દલિત શિક્ષક પરિવારના ચારેચાર સભ્યોની હત્યાથી વિપક્ષ પણ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની આલોચનામાં આક્રમક બનીને તૂટી પડયો. પૂનમની પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરીને માયાવતીએ કહ્યું કે ચંદન વર્માની સાથોસાથ જવાબદાર પોલીસકર્મીઓ ઉપર પણ કામ ચલાવવું જોઈએ. આ મુદ્દે રાજકારણ ગરમાયું એટલે સરકારે તાબડતોબ પરિવારને આર્થિક સહાયરૂપે આડત્રીસ લાખ રૂપિયા ઉપરાંત ચાર વીઘા જમીન આપી. સુનિલનો નાનો ભાઈ બેકાર છે, એને વહેલામાં વહેલી તકે સરકારી નોકરી આપવામાં આવશે એવું વચન પણ અપાયું.
સરકારી સહાય તો મળી, પરંતુ પ્રેમ, વાસના અને વેરની આગમાં સુનિલના સુખી પરિવારનું સત્યાનાશ નીકળી ગયું- એની વેદના માતા-પિતાના હૃદયમાં તો સતત ડંખતી જ રહેશે!