'એ ડાકણને ખતમ કરી દો તો જોઈએ એટલા પૈસા આપીશ!'
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- પોતે જીવતી છે, એને જ ઈશ્વરની મહેરબાની માનીને એ વેરાન જંગલમાંથી બહાર નીકળવા માટે નગ્નાવસ્થામાં માટીવાળા શરીરે તમન્નાએ ચાલવાનું શરૂ કર્યું...
- બિંદુ
- સતીશ રેડ્ડી
- ધરપકડ પછી આરોપીઓ
આ જે કર્ણાટકની ક્રાઈમકથામાં ક્રાઈમ તો છે જ, પણ એ ઉપરાંત ઘણું છે. પ્રચંડ માનસિક તાકાત, પ્રબળ જિજિવિષા અને યોગ-પ્રાણાયમની અદભૂત ટેક્નિકની વાત પણ આજની ક્રાઈમ કથાની સાથે સંકળાયેલી છે. નજર સામે મોત દેખાતું હોય ત્યારે સમયસૂચકતાની સાથે અકલ્પનીય શક્તિનો ઉપયોગ કરીને મોતને હંફાવનારી એક સ્ત્રીની વાત સહુના માટે પ્રેરણાદાયી બને એવી ઉદાહરણરૂપ છે. ભયાનક વિપરિત પરિસ્થિતિમાં પોતાના જ્ઞાાનનો ઉપયોગ કરીને મૃત્યુને હાથતાળી આપનારી એક યોગ શિક્ષિકાના સંઘર્ષની સત્ય ઘટના બેંગલોર પાસે આવેલા દેવનહલ્લી વિસ્તારની છે.
ચોત્રીસ વર્ષની તમન્ના (આ નામ બદલેલું છે.) છેલ્લા પંદરેક વર્ષથી યોગની શિક્ષિકા તરીકે પોતાની સંસ્થા ચલાવતી હતી. તમામ પ્રકારના યોગમાં આકરી મહેનત કરીને એણે કૌશલ્ય પ્રાપ્ત કરેલું હતું. સતત યોગમય રહેવાને લીધે ચોત્રીસ વર્ષની ઉંમરે પણ એ ચમકતી તંદુરસ્ત ત્વચા અને ઘટાદાર કાળા વાળને લીધે પચીસ વર્ષની યુવતી જેવી જ સૌંદર્યવાન દેખાતી હતી.
- અને એને લીધે જ એના ઉપર આ મુસીબત આવી પડેલી. બેંગલોરમાં રહેતો સંતોષકુમાર એના યોગ ક્લાસનો વિદ્યાર્થી હતો. ત્રીસ વર્ષનો સંતોષકુમાર તમન્ના પાસે યોગ શીખવા માટે આવતો હતો. સંતોષકુમાર પરણેલો હતો. એની પત્નીનું નામ બિન્દુ. પોતાનો પતિ કોઈ લેડી ટીચર પાસે યોગ શીખવા જાય છે, એ વાત બિન્દુને ખૂંચતી હતી. એ શિક્ષિકા દેખાવમાં કેવી હશે? એ જાણવાની જિજ્ઞાાસાને લીધે એક શનિવારે જીદ કરીને એ સંતોષકુમારની સાથે તમન્નાના યોગ ક્લાસમાં આવી. તમન્નાનું રૂપ જોઈને એ ઈર્ષાથી સળગી ઉઠી. એ જ દિવસથી એના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. એણે માની લીધું કે મારા વરને આ યુવતી સાથે લફરું છે અને એના માટે જ એ યોગ શીખે છે! દુનિયામાં વહેમની તો કોઈ દવા હોતી નથી. એ વખતે તો જાત ઉપર કાબૂ રાખીને બિન્દુ શાંત રહી, પણ ઘેર આવ્યા પછી એણે સંતોષકુમારને તાકીદ કરી કે તમે આ ધતિંગ છોડી દો, જો યોગ શીખવા હોય તો બીજો કોઈ યોગ ક્લાસ શોધી લો, પરંતુ સંતોષકુમારે એની વાતને હસવામાં ઊડાડી દઈને તમન્નાને ત્યાં જવાનું ચાલુ રાખ્યું.
હવે તો બિન્દુને મનોમન ખાતરી થઈ ગઈ કે પેલી તમન્નાએ મારા વરને લપેટમાં લઈ લીધો છે અને મારો વર પણ એ રૂપસુંદરી પાછળ પાગલ બની ગયો છે. એટલે તો મેં ના પાડી તોય એણે ત્યાં જવાનું બંધ નથી કર્યું!
બિન્દુનું મગજ હવે આ વિચારમાં જ રોકાયેલું રહેતું હતું. પોતાને મનોમન તો ખાતરી હતી, પરંતુ એ બંને વચ્ચે લફરું છે જ એનો કોઈ પુરાવો પોતાની પાસે નહોતો. એ બંનેને રંગે હાથ પકડીને એમની પ્રેમક્રીડાનો પુરાવો જો મારા હાથમાં આવી જાય તો એ બંનેની સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય. એ વિચારની સાથે જ બિન્દુએ પ્રાઈવેટ ડિટેક્ટિવની મદદ લેવાનું વિચાર્યું. મહાનગરી ડિટેક્ટિવ એજન્સીની ઑફિસે જઈને એના માલિક સતીશ રેડ્ડીને એ મળી.
બિન્દુએ એને કહ્યું કે તમન્ના નામની યોગ શિક્ષિકા મારા પતિની પ્રેમિકા છે! તમે પાકા પાયે જાસૂસી કરીને એ બંનેના પ્રેમસંબંધના પુરાવા મને લાવી આપો. આ કામ માટે જે ફી હોય એ હું આપીશ. સતીશ રેડ્ડીએ આ પડકાર સ્વીકારી લીધો અને બિન્દુને ખાતરી આપી કે બે મહિનામાં તમારું કામ પતાવીને પુરાવા લાવી આપીશ!
સતીશ રેડ્ડી આમ પણ નવરો જ હતો. એની પાસે હાથ ઉપર કોઈ કામ નહોતું. એ પહોંચી ગયો તમન્ના પાસે. તમન્નાના ક્લાસમાં જઈને એણે કહ્યું કે સજ્જડ બૅકપેઈનની તકલીફ છે, એ યોગથી મટાડી આપો. તમારે મને એકડે એકથી શીખવવું પડશે. તમન્નાએ હસીને આ નવા વિદ્યાર્થીને આવકાર આપ્યો અને ફી લઈને એને પોતાના વર્ગમાં પ્રવેશ આપી દીધો. સતીશ રેડ્ડી કાર લઈને યોગના ક્લાસ ભરવા આવતો હતો અને પોતાના વાક્ચાતુર્યથી એણે તમન્ના સાથે સંબંધ પણ વધાર્યો.
બિન્દુનો પતિ સંતોષકુમાર હજુ તમન્ના પાસે યોગના ક્લાસમાં આવતો હતો. એને લીધે બિન્દુ ઈર્ષાની આગમાં સતત સળગતી હતી. એક મહિનો પસાર થઈ ગયો એટલે બિન્દુએ સતીશ રેડ્ડી પાસે પુરાવાની ઉઘરાણી શરૂ કરી, પરંતુ સતીશને કોઈ પુરાવો મળ્યો નહોતો. એ દરમ્યાન આ મુદ્દે ઘરમાં સંતોષકુમાર અને બિન્દુ વચ્ચે ઝઘડા શરૂ થઈ ચૂક્યા હતા. બીજા મહિનાના અંતે પણ બિન્દુની ઉઘરાણીનો સતીશ રેડ્ડી પાસે કોઈ જવાબ નહોતો એટલે બિન્દુએ વિફરીને એને ઝાટકી કાઢયો. 'પુરાવા ના લાવી શકો, તો એ ડાકણને પૂરી કરી દેવાની હિંમત છે?' બિન્દુએ પડકાર આપ્યો. 'ના રહે બાંસ, ના બજે બાંસુરી!' એવું કંઈક કરી બતાવવાની તાકાત અને તૈયારી હોય તો એના માટે પૈસા ચૂકવવા તૈયાર છું! તમે રકમ બોલો અને એડવાન્સ જોઈતા હોય તો એ પણ કહી દો!'
ડિટેક્ટિવ તરીકે થોડું ઘણું કામ મળતું હતું એટલે પૈસાની ખેંચ તો હતી અને બિન્દુની ઑફર લલચામણી હતી, એટલે સતીશ રેડ્ડીએ હા પાડીને કહ્યું કે આ કામમાં બીજા સાથીઓની પણ જરૂર પડશે. એ વ્યવસ્થા ગોઠવાઈ જશે એટલે પ્લાન બનાવીને કામ પતાવી આપીશ. બિન્દુ સાથે રકમ પણ નક્કી થઈ ગઈ.
તારીખ ૨૩-૧૦-૨૦૨૪ સવારે સાડા દસ વાગ્યે તમન્ના પોતાના ક્લાસમાંથી પાછી ઘેર આવતી હતી ત્યારે સતીશ કાર લઈને આવ્યો. 'એક નવો અનુભવ કરવો છે?' સતીશે તમન્નાને આગ્રહપૂર્વક કહ્યું. 'થોડે દૂર રાયફલ શૂટિંગનું સેશન છે. મારે એમાં ભાગ લેવાનો છે. પ્લીઝ, મારા મહેમાન તરીકે તમે આવો. જોવાની મજા આવશે અને જમવાની વ્યવસ્થા પણ ત્યાં રાખેલી છે.' આટલા સમયમાં સતીશે તમન્ના સાથે સારો ઘરોબો કેળવી લીધો હતો, એટલે તમન્ના એની કારમાં બેસી ગઈ. કાર સહેજ આગળ વધી ત્યારે ચાર યુવાન અને એક કિશોર રસ્તામાં ઊભા હતા. સતીશે કાર રોકીને એ ચારેયને અંદર બેસાડી દીધા. તમન્નાએ પ્રશ્નાર્થ નજરે સતીશ સામે જોયું એટલે સતીશે ખુલાસો કર્યો કે મારા સ્ટાફના જ માણસો છે.
સતીશની કાર શહેર છોડીને જંગલ વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા લાગી ત્યારે તમન્નાને લગીર શંકા પડી. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એણે સતીશને પૂછયું એટલે સતીશે રિવોલ્વર બતાવીને આદેશ આપ્યો કે ચૂપચાપ બેસી રહે અને જે થાય એ જોયા કર. તમન્નાએ પોતાની પર્સમાંથી મોબાઈલ બહાર કાઢયો. એની બાજુમાં બેઠેલા યુવાને તમન્નાના હાથ પર ઝાપટ મારીને મોબાઈલ ઝૂંટવી લીધો અને બીજા યુવાને તો તમન્નાના હાથમાંથી પર્સ જ ખેંચી લીધું!
સામે રિવોલ્વર તકાયેલી હતી, છતાં તમન્નાની માનસિક તાકાત અડીખમ હતી. પોતે એકલી સ્ત્રી છે, અને સામે પાંચ સશક્ત પુરુષો છે, એટલે એમની સાથે લડવામાં શક્તિ વેડફવાના બદલે તક મળે ત્યારે શાંતિથી છટકવાનો ઉપાય શોધવો પડશે - એમ વિચારીને પ્રતિકાર કર્યા વગર એ ચૂપચાપ બેસી રહી.
દેવનહલ્લીથી પાંત્રીસેક કિલોમીટર દૂર ધનમિત્તેલહલ્લીના સૂમસામ જંગલ વિસ્તારમાં સતીશે છેક અંદર નિર્જન જગ્યાએ કારને ઊભી રાખી. બધાએ મળીને તમન્નાને ખેંચીને કારમાંથી બહાર કાઢી. 'પૈસા માટે થઈને તેં સંતોષકુમારને તારી જાળમાં ફસાવ્યો છેને? એની બૈરી બાપડી બિન્દુ રડીને મારી પાસે ફરિયાદ લઈને આવી એટલે યોગ શીખવાના બહાને મારે તારી પાસે આવવું પડયું. આજે તારો ફેંસલો કરી નાખવાનો છે!' સતીશની જીભ ઝેર ઓકતી હતી અને પાંચ પુરુષોની વચ્ચે ઘેરાઈને તમન્ના લાચાર બનીને ઊભી હતી. 'યોગની ટીચર થઈને તેં તો વેશ્યાનો ધંધો શરૂ કરી દીધો, હલકટ! તારા રૂપાળા શરીરની લાલચ આપીને તેં સંતોષકુમારને ખંખેરવાનું કામ કર્યું છે, પણ આજે તારી રૂપકડી કાયા અહીં માટીમાં ધરબાઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે!'
'પણ એ પહેલાં એ રૂપની ઝલક અમને તો બતાવો!' એક યુવાને બિભત્સ અટ્ટહાસ્ય કરીને સતીશને કહ્યું. 'એમાં મને શું વાંધો હોય?' પેલા ચારેય સામે જોઈને સતીશે હસીને સૂચના આપી. 'એ વેશ્યાના બધાં કપડાં કાઢી નાખો અને કરી લો એના રૂપના દર્શન!'
ધૂ્રજી ઉઠેલી તમન્ના હાથ જોડીને કરગરી પણ એ રાક્ષસોને દયા ના આવી. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હોય એમ બધાએ અડપલાં કરતાં કરતાં તમન્નાના તમામ કપડાં ઊતારી લીધાં. ઉભડક પગે બેસીને બે હાથ વચ્ચે માથું ઢાળીને તમન્ના ભોંય પર બેઠી હતી. સતીશે હુકમ કર્યો એટલે કારની ડિકીમાંથી કોદાળી-પાવડો કાઢીને ત્રણ યુવાનો ખાડો ખોદવા લાગી ગયા હતા. 'જલ્દી કરો.' સતીશે એમને કહ્યું. 'કોઈ આવી જશે તો આખો ખેલ બગડી જશે. બહુ ઊંડો નહીં ખોદો તો ચાલશે, પણ ઝડપ કરો.'
ખાડાનું કામ પતાવીને બધા લોલુપ નજરે તમન્ના સામે તાકી રહ્યા હતા. કાર પાસે જઈને સતીશ જાડો વાયર લઈ આવ્યો. તમન્નાને ઢસડીને ઊભી કરી. બાકીના યુવાનોએ તમન્નાના હાથ-પગ પકડી રાખ્યા અને સતીશે તમન્નાની ગરદન ફરતે વાયર વીંટાળીને દાંત ભીંસીને તાકાત અજમાવી. તમન્નાના હાથ-પગ તરફડયાં અને ચારેક મિનિટમાં જ એ ભોંય પર ફસડાઈ પડી! સતીશે વાયર ખેંચી લઈને તમન્નાના નાક પાસે હથેળી ધરી રાખી. શ્વાસ અટકી ચૂક્યા હતા. 'ખેલ ખતમ! આ મેડમ મરી ગઈ છે! મરેલી બેબીને પૈસાની જરૂર નથી. બધુંય લઈ લો અને મડદાને ખાડામાં નાખીને ફટાફટ કારમાં ગોઠવાઈ જાવ.'
તમન્નાની સોનાની ચેઈન, બુટ્ટી અને બંગડીઓ ઊતારી લીધી અને લાશને ઢસડીને ખાડામાં નાખી. પાવડે પાવડે ઝડપથી માટી નાખીને ખાડો પૂરી દીધો અને બધા કારમાં બેસીને રવાના થઈ ગયા!
યોગ શિક્ષિકા તમન્નાની ગરદન પર વાયર વીંટળાયો એ જ ક્ષણે એને પેલા લોકોના ઈરાદાનો અંદાજ આવી ચૂક્યો હતો. પ્રચંડ માનસિક તાકાત અને અપ્રતીમ પ્રાણાયમની આવડતને લીધે એ શ્વાસ રોકીને ફસડાઈ પડેલી અને મરી ગઈ હોય એવું નાટક એણે સફળતાપૂર્વક ભજવ્યું હતું!
પકડાઈ જવાની બીકે અને ઉતાવળમાં એ લોકોએ ખાડો ઊંડો નહોતો ખોદ્યો અને તમન્નાની ઉપર માટીનો થર કરેલો એ હટાવવાનું કામ મુશ્કેલ હતું, પણ અશક્ય નહોતું. તમન્નાએ ધીરજપૂર્વક મક્કમતાથી માટી હટાવી અને ખાડામાંથી બહાર આવી. કપડાં, પર્સ, દાગીના અને મોબાઈલ-બધુંય પેલા લોકો લઈ ગયા હતા. પોતે જીવતી છે, એને જ ઈશ્વરની મહેરબાની માનીને એ વેરાન જંગલમાંથી બહાર નીકળવા માટે નગ્નાવસ્થામાં માટીવાળા શરીરે તમન્નાએ ચાલવાનું શરૂ કર્યું. ભૂખ, તરસ અને થાકને લીધે આખું શરીર તૂટતું હતું, એ છતાં હિંમત હાર્યા વગર એ ચાલતી રહી. ત્રણ કિલોમીટર જેટલું ચાલ્યા પછી એક ગામ દેખાયું. ઝડપથી પગ ઉપાડીને જે પહેલું ઘર દેખાયું એમાં એ પહોંચી ગઈ. એ ઘર વેંકટેશ નામના સજ્જનનું હતું.
ઘરની સ્ત્રીઓ આશ્ચર્યથી તમન્ના સામે તાકી રહી હતી. તમન્નાએ પોતાની રામકહાણી એમને કહી એટલે એ બહેનોએ તમન્નાને કપડાં આપ્યાં અને જમવાનું આપ્યું. એ પછી વેંકટેશે પોલીસને ફોન કર્યો. પોલીસની જીપ આવી અને અને તમન્નાને ચિક્કાબલ્લાપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા પછી દિબ્બુરહલ્લી પોલીસસ્ટેશનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને તમન્નાએ જે બન્યું હતું એ જણાવીને ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા પારખીને ઈન્સ્પેક્ટરે જિલ્લાના સિનિયર પોલીસ વડા કુશલ ચૌકસેને જાણ કરી. એમણે તાત્કાલિક એસ.પી. નાગેશના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી.
સતીશ રેડ્ડી અને બિન્દુ સફળતાની પાર્ટી મનાવે એ પહેલાં જ પોલીસ ત્રાટકી. બેંગલોર પોલીસ માટે સતીશ રેડ્ડીનું નામ અજાણ્યું નહોતું. એની સામે પાંચ ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે. જાન્યુઆરી, ૨૦૨૪ માં સીઆઈડી ક્રાઈમના એક કોન્સ્ટેબલને લાંચ આપીને એણે એક વ્યક્તિની કોલ ડિટેઈલ્સનો રેકર્ડ મેળવેલો અને એ બદલ સીબીઆઈએ એની ધરપકડ પણ કરેલી. તમન્નાના અપહરણ માટેની કાર પણ એણે બેંગલોરના કોપ્પલ વિસ્તારમાંથી ચોરેલી હતી. એની યશકલગીમાં આ નવું છોગું ઉમેરાયું. પોલીસે એની મરામત કરી એટલે એણે બાકીના સાથીઓના નામ-સરનામા આપી દીધા. અપહરણ, લૂંટ, છેડછાડ અને હત્યાનો પ્રયાસ જેવી કલમો લગાવીને પોલીસે બેંગલોરમાંથી બિન્દુ (૨૭ વર્ષ), સતીશ રેડ્ડી (૩૫ વર્ષ), આંધ્ર પ્રદેશમાંથી રમણ (૩૪ વર્ષ) અને નાગેન્દ્ર રેડ્ડી (૩૫ વર્ષ), રાયચુર, કર્ણાટકમાંથી રવિચંદ્રન (૨૭ વર્ષ) અને ત્યાંથી જ સગીરની ધરપકડ કરી લીધી છે.
કટોકટીના સમયે પ્રચંડ માનસિક તાકાત અને યોગ-પ્રાણાયમની ટેકનીકથી મોતનું નાટક કરીને જીવ બચાવનાર તમન્નાની ચર્ચા એ સમયે આખા કર્ણાટકમાં ફેલાઈ ગઈ હતી.