એક ગુનો ઉકેલવા જતાં પોલીસને વર્ષો જૂનો બીજો ગુનો જડયો!
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- સાપને નોળિયા ઉપર જેટલો વિશ્વાસ હોય એટલો જ વિશ્વાસ લલિતાને ઉમેશ ઉપર હતો, એટલે એણે એના મોબાઈલમાંથી મને સતત લાઈવ લોકેશન મોકલેલું છે.
- ઉમેશ
- લલિતા
- પૂજા
- લાશની શોધ
ક્યા રેક એવું બને કે ખોવાયેલી વસ્તુ શોધવા માટે આપણે શોધખોળ કરીએ, ત્યારે એ વસ્તુ તો જડી જાય, પણ એની સાથે આપણને ખ્યાલમાં પણ ના હોય એવી પાંચેક વર્ષ અગાઉની કોઈ મૂલ્યવાન વસ્તુ પણ આપણા હાથમાં આવી જાય. કર્ણાટકમાં બેંગલોરથી સાંઈઠ કિલોમીટર દૂર આવેલા મગાડી પોલીસસ્ટેશનના અધિકારીઓને પણ તાજેતરમાં આવો અણધાર્યો લાભ મળ્યો !
બેંગલોરના પરા જેવા મદનાયાકલહલ્લી ગામમાં રહેતી ત્રીસ વર્ષની લલિતા પોતાના ઘરમાં બ્યુટીપાર્લર ચલાવતી હતી. આ પાર્લર એના માટે જીવનનો આધાર હતું, કારણ કે પતિથી અલગ થઈને એ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલી રહેતી હતી. છ વર્ષ અગાઉ તેના લગ્ન થયા હતા. એનો પતિ ઉમેશ બેં ગલોરની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. ઉમેશ મૂળ મગાડી પાસેના હુજુગુલ્લુ ગામનો. લગ્નના પ્રારંભના દોઢેક વર્ષ સુધી પતિ-પત્નીનો સંસાર ખૂબ સુખી હતો. એ પછી ઉમેશને ક્યાંકથી ડ્રગની લત લાગી ગઈ. ડ્રગના દૂષણની સાથે ઘરમાં કંકાસ વધવા લાગ્યો. પૈસાની તંગીને તો લલિતા કરકસર કરીને પહોંચી વળતી હતી, પરંતુ પતિના શંકાશીલ સ્વભાવને સહન કરવાનું કામ કપરું હતું. લલિતાના ચારિત્ર ઉપર આક્ષેપ કરીને ડ્રગના નશામાં ઉમેશ ઝઘડતો હતો. પતિના ગલીચ આક્ષેપને સહન કરવાનું અસહ્ય બન્યું ત્યારે ઈ.સ. ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં પુત્રને સાથે લઈને લલિતાએ ઘર છોડી દીધું. ઘરમાંથી નીકળતી વખતે એણે ઉમેશને સંભળાવી દીધું કે તમે ડ્રગના નશામાં જેમ ફાવે એમ બકવાસ કરો છો, એના કારણે આપણા દીકરાનું ભવિષ્ય શું? મારી વાત માનો કે ના માનો, પણ સચ્ચાઈ એ છે કે તમારા સિવાય કોઈ પુરુષનો મેં સ્વપ્નમાં પણ વિચાર નથી કર્યો! આપણા દીકરાને ખૂબ સારી રીતે ઉછેરીશ. થોડાક પૈસાની જોગવાઈ થશે એટલે વકીલને મળીને કાયદેસર છૂટાછેડાની અરજી કરીને તમારી પાસેથી ભરણપોષણની માગણી કરીશ, એ પણ આપણા દીકરા માટે થઈને- બાકી, આછીપાતળી કમાણી કરીને એકલો ભાત ખાઈને પણ જીવવાની મારામાં ત્રેવડ છે!
લલિતા એકલી રહેતી હતી. ઉમેશ એના ડ્રગના બંધાણી મિત્રો સાથે જલસાથી જીવતો હતો.
ઈ.સ. ૨૦૨૪ના એપ્રિલ મહિનામાં લલિતાએ વકીલ મારફત છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધેલી.
સોમવાર, તારીખ ૧૨-૮-૨૦૨૪. બપોરે બે વાગ્યે ઉમેશ લલિતાના ઘેર આવ્યો. એણે કહ્યું કે મગાડી કોર્ટમાં આજે મારા અને તારા વકીલની સાથે આપણી મિટિંગ ગોઠવી છે. કોર્ટમાં મુદત ઉપર મુદત પડયા કરે એના બદલે આપણા વકીલો કોઈ રસ્તો બતાવે, અને તને એ મંજૂર હોય તો આપણે કોર્ટના ધક્કા ખાવા ના પડે.
મગાડી તો ત્યાંથી સાંઈઠ કિલોમીટર દૂર અને કોર્ટમાં સમયસર પહોંચાડે એવો કોઈ બસનો સમય નહોતો. ઉમેશે કહ્યું કે કોઈનું વાહન મળી જાય તો આપણે સમયસર પહોંચી જઈશું. લલિતાને એની સામે રહેતા પરિવાર સાથે ખૂબ સારા સંબંધો હતા. લલિતા એ ઉમાના ઘેર ગઈ. ઉમા અને એનો પતિ બાલારાજુ બંને ઘેર જ હતા. લલિતાએ ઉમાને કહ્યું કે કોર્ટમાં અરજન્ટ કામ છે, ઉમેશ મને લેવા આવ્યો છે. સાંજ સુધી ટીનુને તારા ઘેર રાખજે અને તારું સ્કૂટર અમને આપીશ? ઉમાએ તરત જ એના એક્ટિવાની ચાવી લલિતાને આપી દીધી.
ઉમેશે સ્કૂટર સ્ટાર્ટ કર્યું અને લલિતા એની પાછળ બેસી ગઈ.
રાત્રે છેક અગિયાર વાગ્યે ઉમેશ ઉમાના ઘેર આવ્યો. એણે બારણું ખખડાવ્યું એટલે ઉમા બહાર આવી. ઉમેશે ઉમાને સ્કૂટરની ચાવી આપીને કહ્યું કે ચિંતા ના કરતા, મેં પેટ્રોલ ભરાવી દીધું છે. ઉમાને પેટ્રોલની પરવા નહોતી, પણ એને લલિતાની ચિંતા હતી. લલિતાની પૂરી કથાની એને ખબર હતી. ઉમેશની સાથે લલિતા દેખાઈ નહીં એટલે એણે તરત પૂછયું કે લલિતા ક્યાં છે?
ઉમેશે જવાબ આપ્યો કે કોર્ટમાં થોડો વિવાદ થયો, એમાં એ રિસાઈને મારી સાથે આવવા તૈયાર નહોતી એટલે મેં એને બસસ્ટેન્ડ પર ડ્રોપ કરી દીધેલી! આટલું કહીને ઉમેશ રવાના થઈ ગયો.
ઉમેશનો ચહેરો અને એના અવાજનો સાવ અલગ રણકો પારખીને ઉમા અને એના પતિ બાલારાજુને તરત કંઈક અજુગતું બન્યાની શંકા પડી. એમણે લલિતાને ફોન જોડયો, પરંતુ લલિતાના બંને મોબાઈલ સ્વીચઑફ આવતા હતા. સ્કૂટર લઈને એ બંને સીધા જ પોલીસસ્ટેશને પહોંચી ગયા. ઉમાએ લલિતાની બહેન પૂર્વિકાને ફોન કરીને આ ઘટનાની જાણ કરી.
ઉમેશ અને લલિતાના વણસેલા સંબંધની વાત કહીને એમણે ઈન્સ્પેક્ટરને કહ્યું કે ડ્રગનો બંધાણી ઉમેશ કંઈ પણ કરી શકે એવો હલકટ છે. ઈન્સ્પેક્ટરના આશ્ચર્ય વચ્ચે ઉમાએ પર્સમાંથી પોતાનો મોબાઈલ કાઢીને અગત્યની માહિતી આપી કે સાપને નોળિયા ઉપર જેટલો વિશ્વાસ હોય એટલો જ વિશ્વાસ લલિતાને ઉમેશ ઉપર હતો, એટલે એણે એના મોબાઈલમાંથી મને સતત લાઈવ લોકેશન મોકલેલું છે. ઈન્સ્પેક્ટરે મોબાઈલમાં જોઈને કહ્યું કે છેલ્લું લોકેશન હુજાગલ હિલના જંગલમાં આવેલા બસવન્ના મંદિર પાસેનું છે. એ વિસ્તાર રમણનગર જિલ્લાના મગાડી પોલીસસ્ટેશનની હદમાં આવે છે, એટલે એક કામ કરો. સવારે સાતેક વાગ્યે તમે મગાડી પોલીસસ્ટેશન પર પહોંચી જાવ. હું ત્યાંના ઈન્સ્પેક્ટરને ફોન કરી દઉં છું. એ તમને પૂરી મદદ કરશે.
ઉમાએ લલિતાની બહેન પૂર્વિકાને ફોન કર્યો. બધાએ સાથે સવારે સાત વાગ્યે મગાડી પોલીસસ્ટેશને ભેગા થવાનું નક્કી કર્યું.
પૂર્વિકા, એનો પતિ મારૂતિ, ઉમા અને બાલારાજુ ચારેય મગાડી પહોંચી ગયા. ફોન આવી ગયો હતો એટલે ઈન્સ્પેક્ટર પણ સવારે સાત વાગ્યે જ પોલીસસ્ટેશને આવી ગયા હતા. ઉમાએ એમને બધી વાત કહીને પોતાનો મોબાઈલ એમને આપ્યો. એમણે કહ્યું એ રીતે પૂર્વિકાએ ફરિયાદ નોંધાવી. મોબાઈલમાં છેલ્લું જંગલનું જે લોકેશન હતું એ પોલીસસ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર હતું. આ ચારેય પણ પોલીસની ટીમ સાથે જોડાઈ ગયા. જંગલનું લોકેશન જોયા પછી અનુભવના આધારે ઈન્સ્પેક્ટરે ટીમને સૂચના આપેલી કે તમારે તાજી ખોદેલી જમીન શોધવાની છે!
બપોરે બાર વાગ્યે એક નાળા પાસે દટાયેલી લલિતાની લાશ પોલીસે શોધી કાઢી! પૂર્વિકા એ જોઈને ભાંગી પડી. એણે ઈન્સ્પેક્ટરને કહ્યું કે ઉમેશ બાજુના હુજુગુલ્લુ ગામનો જ છે, અને એના ડ્રગના બંધાણી દોસ્તારો પણ આ ગામમાં જ રહે છે; તમે એમને પકડો તો ઉમેશનો પત્તો મળી જશે. એણે ચાર નામ આપ્યા એટલે પોલીસની જીપ એ ગામમાં પહોંચી ગઈ. આ તરફ પંચનામું કરીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. લાશની ગરદન પર લપેટાયેલું કપડું જોઈને ખ્યાલ આવતો હતો કે હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે.
કિરણ, શશાંક, રોહિત અને ભરત-ડ્રગના બંધાણી આ ચારેય યુવાનોને પકડીને પોલીસે ઠમઠોર્યા એટલે એમણે વટાણાં વેરી નાખ્યા કે લલિતા કોઈની સાથે ચાલુ છે, એવી ઉમેશને શંકા હતી, વળી એ છૂટાછેડાનો કેસ કરે તો ઉમેશે પૈસા આપવા પડે, એટલે એણે અમને ચારેયને હુજાગલ હિલના મંદિર પાસે બોલાવી રાખ્યા હતા. મંદિરે દર્શનના બહાને એ લલિતાને અહીં લાવ્યો હતો. અમે પકડી રાખી અને ઉમેશે દુપટ્ટાથી એનું ગળું ભીંસીને મારી નાખી! પછી ઉમેશ ભાગીને કુંજીગલ ગામમાં ક્યાંક સંતાયો છે. એ ચારેયને પોલીસે જેલમાં ખોસી દીધા.
પંદરમી ઓગસ્ટે પોલીસે ઉમેશને પકડી લીધો. થોડીક પ્રસાદી મળી એટલે એણે ગુનાની કબૂલાત કરી લીધી. હત્યા પછી લલિતાના બંને મોબાઈલ એણે હાઈવે પરથી પસાર થતી આંધ્રપ્રદેશની એક ટ્રકમાં ફેંકી દીધા હતા. મજાકના સૂરમાં ઈન્સ્પેક્ટરે એને પૂછયું કે ભલા માણસ, બેંગલોરથી છેક સાંઈઠ કિલોમીટર દૂર આવીને અમને કેમ હેરાન કર્યા? આ કામ ત્યાં પતાવવામાં શું વાંધો હતો? ઉમેશે જવાબ આપ્યો કે અહીં આવવાની સલાહ મને કિરણે આપી હતી. મોહનલાલનું દ્રશ્યમ્ પિક્ચર પાંચ વાર જોઈને એણે કહેલું કે આ જંગલમાંથી કોઈને લાશ નથી મળવાની અને લાશ જ ના મળે તો પોલીસ કંઈ ના કરી શકે!
ઉમેશે કિરણનું નામ આપ્યું એટલે ઈન્સ્પેક્ટરના ધ્યાનમાં આવ્યું કે બાકી ત્રણેયની પત્નીઓ એમને મળવા આવી ગઈ, પણ કિરણની ખબર પૂછવા તો કોઈ આવ્યું નથી! આવું કેમ? એમણે કિરણને પૂછયું. કિરણે કહ્યું કે મારી પત્નીનું નામ પૂજા. પાંચ વર્ષ પહેલા પૂજા અમારી બે વર્ષની દીકરીને મારી પાસે મૂકીને એના પ્રેમી સાથે ભાગી ગઈ છે! હવે એના મામલામાં રસ પડયો એટલે ઈન્સ્પેક્ટરે પૂછયું કે અલ્યા, એ વખતે તેં અમારી મદદ કેમ ના માગી? પૂજા ભાગી ગઈ, પછી તેં ફરિયાદ ક્યારે નોંધાવેલી?
તારીખ ૧-૫-૨૦૧૯ના દિવસે એ ગૂમ થઈ એના ત્રણ-ચાર દિવસ પછી ફરિયાદ નોંધાવેલી, પણ પૂજાનો હજુ પત્તો નથી મળ્યો. કિરણે આવો જવાબ આપ્યો એ પછી માત્ર જિજ્ઞાસા ખાતર ઈન્સ્પેક્ટરે જૂનો રેકર્ડ ચકાસ્યો તો મે, ૨૦૧૯માં આવી કોઈ ફરિયાદ નહોતી નોંધાઈ! એમણે ફરીથી કિરણને પૂછયું કે તેં ફરિયાદ ખરેખર નોંધાવેલી? ગામના બીજા બે યુવાનોના નામ આપીને કિરણે આત્મવિશ્વાસથી કહ્યું કે સાહેબ, મારા બે દોસ્તાર પણ મારી સાથે આવેલા.
આખો મામલો હવે શંકાસ્પદ લાગ્યો એટલે પાકા પાયે ખાતરી કરવા ઈન્સ્પેક્ટરે ગામમાં જઈને પેલા બે યુવાનોને પકડીને પૂછયું, ત્યારે એ બંનેએ આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે કેવી ફરિયાદ ને કેવી વાત? બૈરી ગૂમ થઈ ગઈ એ પછી એ તો સાવ નફકરો થઈને રખડતો હતો. એણે કોઈ ફરિયાદ નથી કરી!
હવે ઈન્સ્પેક્ટરને લાગ્યું કે કિરણ ખેલાડી છે અને મામલો ગંભીર છે. એમણે પૂજાની માતા- કિરણની સાસુની શોધ કરી. ગોરમ્મા નામની એ વૃધ્ધા બાજુના ગામમાં જ રહેતી હતી. એણે પોલીસને કહ્યું કે પાંચ વર્ષ અગાઉ મારી દીકરી પૂજા કોઈની સાથે ભાગી ગઈ છે એવું કિરણે અમને કહેલું. એણે તો કાગળ બતાવીને કહેલું કે ફરિયાદ નોંધાવી છે. એટલે પોલીસ એને શોધીને ઝૂડી નાખશે. ગોરમ્માએ ભીની આંખે ઉમેર્યું કે મારી દીકરી આવું ક્યારેય ના કરે એની મને ખાતરી હતી. વળી, એને તો એની દીકરી જીવથીયે વહાલી હતી, એને મૂકીને તો એ ક્યારેય ના ભાગે! પણ નાછૂટકે અમારે જમાઈની વાત માનવી પડી અને વહેતા સમયની સાથે પૂજા વિસરાઈ ગઈ!
મારી દીકરી પૂજાને કિરણે જ ગૂમ કરી છે -એવી ગોરમ્મા પાસેથી ફરિયાદ લઈને પોલીસે કિરણને રિમાન્ડ ઉપર લીધો. કદાવર જમાદારોના ડંડા પડયા એટલે એણે મોઢું ખોલીને કબૂલાત કરવી પડી. પૂજા રૂપાળી હતી અને બધાની સાથે હસીને વાત કરવાની એની આદત હતી એટલે કિરણ હમેશાં એને શંકાની નજરે જ જોતો. પૂજાને ગામના યુવાનો સાથે સંબંધ છે એવો વહેમ એના મનમાં ઘર કરી ગયેલો. એમાં તારીખ ૧-૫-૨૦૧૯ના દિવસે આ મુદ્દે મોટો ઝઘડો થયો. ધૂંધવાયેલા કિરણે એને ખતમ કરી નાખવાનો પ્લાન બનાવ્યો. એ જ અરસામાં દ્રશ્યમ્ ફિલ્મ જોઈને એણે માની લીધું કે જો લાશ ના મળે, તો પોલીસ ખૂનનો ગુનો સાબિત ના કરી શકે. એ તો હુજુગુલ્લુ ગામમાં જ રહેતો હતો અને હુજાગલ હિલનું જંગલ સાવ નજીક હતું. બસવન્ના મંદિરના બહાને એ સાંજે પૂજાને ત્યાં લઈ ગયો. ગળું દબાવીને એની હત્યા કરીને સૂમસામ જંગલમાં એની લાશને દાટી દીધી! બીજા દિવસે ગામમાં વાત ફેલાવી કે બદચલન પૂજા એના કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ છે!
જંગલમાંથી જંગલી પ્રાણીઓ ગામમાં આવી જતા હતા એટલે ૨૦૨૩ના જાન્યુઆરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જંગલ ફરતી વાડ બનાવવાનું નક્કી કર્યું અને એ માટે ખોદકામ શરૂ કર્યું ત્યારે કિરણ ફફડી ગયો. જો પૂજાની લાશ કોઈને જડી જાય તો પોતાને જેલમાં જવું પડે. એ જંગલમાં ગયો અને પૂજાની લાશ જ્યાં દાટી હતી ત્યાં ખોદકામ કરીને બધા હાડકાં ભેગા કરીને એણે સળગાવી દીધા અને એની રાખ નદીમાં પધરાવી દીધી!
પાંચ વર્ષ અગાઉ પૂજાની હત્યા કર્યા પછી પણ પોતે આરામથી નિશ્ચિંત બનીને જીવી રહ્યો હતો. ડ્રગના નશા માટે બધા બંધાણીઓ ભેગા થયા હતા ત્યારે ઉમેશે પોતાની શંકાની કથા રજૂ કરીને મિત્રોની સલાહ માગેલી કે લલિતાથી છૂટકારો મેળવવા માટે શું કરવું? પોતાના અનુભવના આધારે કિરણે એને કહ્યું કે બેંગલોરથી લલિતાને લઈને તું અહીં જંગલમાં આવી જા. અહીં દટાયેલી લાશની કોઈ ભૂતભાઈને પણ ક્યારેય ખબર નથી પડવાની! અલબત્ત, પોતે પૂજાની હત્યા કરી છે એ વાત કિરણે કોઈ મિત્રને નહોતી કરી.
કિરણની કબૂલાત પછી પૂજાની લાશ જ્યાં દાટવામાં આવી હતી ત્યાં કિરણને લઈ જવામાં આવ્યો. ત્યાં ખોદકામ કરીને મોટા ભાગના હાડકાં તો કિરણે અગાઉ કાઢી લીધેલા. એ છતાં, પૂજાના દાંત અને અમુક હાડકાં પોલીસને મળ્યા. એને ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા.
૧-૫-૨૦૧૯ના દિવસે પત્નીની હત્યા કરીને બિન્દાસ ઘૂમી રહેલા કિરણે ઉમેશને સલાહ આપી અને ૧૨-૮-૨૦૨૪ના દિવસે ઉમેશ લલિતાને અહીં સાંઈઠ કિલોમીટર દૂર લઈ આવ્યો, પરંતુ લલિતાએ લાઈવ લોકેશન ઉમાને મોકલેલું એના આધારે ઉમેશ અંદર થઈ ગયો! પોલીસની સતર્કતાને લીધે સલાહ આપનાર કિરણ પણ સપડાઈ ગયો!
ડ્રગના બંધાણી બંને મિત્રોને અત્યારે જેલમાં બીડીના પણ ફાંફા છે!