જયસી બાથરૂમમાં પડી ગઈ હતી તો ઘરના બારણે તાળું કેમ?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- જયસીનો મિલનસાર સ્વભાવ હોવાથી એને કોઈ સાથે દુશ્મનાવટ હોઈ ના શકે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જયસીના ઘરમાં આવી હોય એવું કોઈ પાડોશીએ જોયું નહોતું
- જયસી અબ્રાહમ
- ગિરીશ બાબુ
- ખતિજા ઉર્ફે પ્રતિભા
- નયનરમ્ય કોચી
સૌ થી વધારે વિદેશી પ્રવાસીઓ આપણા દેશના કેરાલા રાજ્યમાં આવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર કેરાલા મરી-મસાલાના ઉત્પાદનમાં વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એર્નાકુલમ જિલ્લામાં આવેલું કોચી (જૂનું નામ કોચીન) કુદરતી બંદર છે. સેંકડો વર્ષોથી વિશ્વના મસાલા બજારનું એ કેન્દ્ર છે.
તારીખ ૧૭-૧૧-૨૦૨૪, સાંજે સાત વાગ્યે કોચીના પોલીસ કમિશ્નરની ઓફિસમાં ફોનની રિંગ વાગી એટલે ચેમ્બરની બહાર બેઠેલા એક અધિકારીએ ફોન ઉઠાવ્યો. 'હેલ્લો, પોલીસ કમિશ્નરની ઓફિસ?' વીસેક વર્ષની યુવતીનો અવાજ ગભરાયેલો હતો. અધિકારીએ હા પાડી એટલે એ યુવતીએ ધૂ્રજતા અવાજે કહ્યું. 'સર! હું મોન્ટ્રિયલ- કેનેડાથી બોલું છું. મારી મમ્મી કોચીમાં એકલી જ રહે છે. અમે રોજ ફોન પર વાત કરીએ છીએ. અત્યારે છેલ્લા પાંચ કલાકથી હું મથામણ કરું છું, પરંતુ એના બંને ફોન સ્વીચઓફ જ આવે છે! આવું તો ક્યારેય બનતું નથી એટલે મને બહુ ચિંતા થાય છે. સર, પ્લીઝ, હેલ્પ મી! મારા પપ્પા અને બીજા સગાઓ પેરૂમ્બવૂરમાં રહે છે. મેં એમને ફોન કર્યો અને એ લોકો કોચી આવવા નીકળી ગયા છે, પણ પ્લીઝ, તમે એના ફ્લેટ પર જઈને તપાસ કરાવશો?'
'ચિંતા ના કરો. તમે નામ અને એડ્રેસ જણાવો એટલે તરત જ હું અમારી ટીમને ત્યાં મોકલીશ.'
'થેન્ક યુ વેરી મચ, સર! મારી મમ્મીનું નામ જયસી અબ્રાહમ. એ રિયલ એસ્ટેટ બ્રોકરનું કામ કરે છે. કુનમથાઈ એરિયામાં લોરાઈઝ ફ્લેટ એક જ છે. એમાં એ ફર્સ્ટ ફ્લોર પર રહે છે.' 'એ એરિયા થ્રિક્કાકારા પોલીસસ્ટેશનની અન્ડરમાં આવે છે. હું ત્યાં ફોન કરું છું એટલે વીસેક મિનિટમાં જ એમની જીપ ત્યાં પહોંચી જશે.' પેલી યુવતી વારંવાર થેન્ક્યુ..થેંક્યુ..બોલતી રહી અને અધિકારીએ થ્રિક્કાકારા પોલીસસ્ટેશનને ફોન પર આદેશ આપી દીધો.
પોલીસની જીપ એ ફ્લેટ પાસે પહોંચી ત્યારે વાતાવરણ શાંત હતું. ફ્લેટમાં કશું અજુગતું બન્યું હોય એવું લાગતું નહોતું. પોલીસે જયસી અબ્રાહમના ફ્લેટ વિશે પાડોશીઓને પૂછયું ત્યારે એમણે ફ્લેટ બતાવ્યો, પણ એના બારણે તો તાળું હતું. પોલીસની ટીમને જોઈને જિજ્ઞાસાવશ પાડોશીઓ પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. બંધ ફ્લેટનું બારણું ખોલવા સિવાય પોલીસ પાસે કોઈ ઉપાય નહોતો. પાંચ પાડોશીઓને સાથે રાખીને પોલીસે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. ડ્રોઈંગરૂમ એકદમ વ્યવસ્થિત હતો. બંને બેડરૂમ કે રસોડામાં પણ કશું વાંધાજનક નહોતું. જ્યારે બાથરૂમ ખોલ્યું ત્યારે બધા ચોંકી ઉઠયા. બાથરૂમની વચ્ચે જયસીની લાશ પડી હતી! લાશના માથામાંથી નીકળેલું લોહી જામીને કાળું પડી ગયેલું હતું. બાથરૂમમાં ફસડાઈ પડવાથી માથામાં ગંભીર ઈજા થઈ હશે અને એને લીધે મૃત્યુ થયું હશે એવી શંકા એક ભોળી પાડોશણે વ્યક્ત કરી કે તરત ચાલાક પોલીસ અધિકારીએ એને પૂછયું કે મેડમ, તો પછી ફ્લેટનું બારણું બહારથી બંધ કોણે કર્યું હશે?
પતિ સાથે વિધિસર છૂટાછેડા લીધા વગર જયસી( ૫૩ વર્ષ ) દોઢેક વર્ષથી અહીં એકલી રહેતી હતી. રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે એનું કામ ખૂબ સારું ચાલતું હતું. અગાઉ એ પતિ સાથે પેરૂમ્બવૂર પાસે ચૂંડીકૂઝી ગામમાં રહેતી હતી.
ઘટનાની જાણ થઈ એટલે કોચીના પોલીસ કમિશ્નર પૂત્તા વિમલાદિત્યે એક એસીપીને તપાસની જવાબદારી સોંપીને અલગ અલગ ટીમની રચના કરવા આદેશ આપ્યો. પંદર પોલીસકર્મીની ટીમ બનાવી દેવામાં આવી.
પોલીસની ફોરેન્સિક ટીમની વિધિ ચાલતી હતી એ દરમ્યાન જયસીનો પતિ અને અન્ય સંબંધીઓ પણ ત્યાં આવી ગયા હતા. પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે એર્નાકુલમની સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં મોકલવામાં આવી. જયસી બે મોબાઈલ રાખતી હતી, પરંતુ એ ઘરમાંથી જડયા નહીં એટલે એના નંબર મેળવીને પોલીસે પ્રયત્ન કર્યો તો બંને સ્વીચઓફ આવતા હતા. છેલ્લા બે દિવસમાં જયસીએ કોની કોની સાથે વાત કરી હતી એ જાણવા માટે પોલીસ ટીમે એ બંને નંબરની કોલ ડિટેઈલ્સ કઢાવી.
જયસીને મળવા કોણ કોણ આવેલું એ જાણવા માટે બીજી ટીમે સગા-સંબંધીઓ અને પાડોશીઓની પૂછપરછ કરી.પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો હતો. બોથડ પદાર્થથી માથામાં દસેક પ્રહાર કરીને જયસીની હત્યા કરવામાં આવેલી. એમાં પણ માથાની પાછળના ભાગમાં થયેલો ઘા સૌથી વધુ ઊંડો હતો. હત્યા જ થઈ છે એની પાકી ખાતરી થયા પછી હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસ ટીમોએ ઝડપ વધારી. સગા-સંબંધીઓ અને પાડોશીઓ કહ્યું કે જયસીનો મિલનસાર સ્વભાવ હોવાથી એને કોઈનીયે સાથે દુશ્મનાવટ હોઈ ના શકે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જયસીના ઘરમાં આવી હોય એવું પણ કોઈ પાડોશીએ જોયું નહોતું.
જયસીએ છેલ્લા બે દિવસમાં જેની જેની સાથે વાત કરી હતી એવી પિસ્તાળિસ વ્યક્તિઓને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવી. એમાંથી મોટા ભાગની વ્યક્તિઓએ મકાન કે પ્લોટ ખરીદવા કે વેચવા માટે જ જયસી સાથે વાત કરી હતી. એમની પૂછપરછ તો કરી પરંતુ એમાંથી એકેય પાત્ર પોલીસને શંકાસ્પદ ના લાગ્યું.
ફોરેન્સિક ટીમ અને પોસ્ટમોર્ટમના નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે જયસીની હત્યા તારીખ ૧૭-૧૧-૨૦૨૪ બપોરે બાર વાગ્યાની આસપાસ થઈ હશે. પોલીસ માટે હવે તો સૌથી મોટો આધાર સીસીટીવી ફૂટેજનો જ હતો. એ સમયને ધ્યાનમાં રાખીને એ ટીમ આસપાસના તમામ સ્થળના સીસીટીવીના ફૂટેજ ચોકસાઈથી ચકાસી રહી હતી.
ત્રણ કિલોમીટર સુધીના લગભગ પાંચસો સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા પછી પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢી. સ્કૂટર કે બાઈક ચલાવનાર વ્યક્તિ હેલ્મેટ પહેરે એ સ્વાભાવિક છે, પરંતુ આખો ચહેરો ઢંકાય એવી હેલ્મેટ પહેરેલો એક માણસ સવારે દસ ને વીસ મિનિટે જયસીના ફ્લેટ તરફ ચાલતો જતો દેખાયો હતો. એના હાથમાં એક થેલો હતો. એ જ વ્યક્તિ બપોરે બાર ને પચાસ મિનિટે હેલ્મેટ અને થેલા સાથે જ ફ્લેટમાંથી બહાર નીકળીને રોડ ઉપર ચાલતો ગયો હતો. પોલીસે આગળના તમામ સીસીટીવી ફૂટેજમાં જોયું કે ત્રણ કિલોમીટરના રસ્તામાં એણે અલગ અલગ ત્રણ રીક્ષા બદલેલી! પોતાની ઓળખ છૂપાવવા માટે ફૂલ હેલ્મેટ અને સાવચેતીરૂપે ત્રણ વાર બદલેલી રીક્ષા! જયસીના ફ્લેટ પાસે એના આગમન અને વિદાયનો સમય પણ હત્યાના સમય સાથે મેળ ખાતો હતો. વળી, ફ્લેટ તરફ આવતી વખતે એણે જે ટિશર્ટ પહેર્યું હતું એપાછા જતી વખતે એણે બદલી નાખ્યું હતું.આ બધી બાબતને લીધે જયસીની હત્યા આ માણસે જ કરી છે એની પોલીસને ખાતરી તો થઈ ચૂકી, પણ હવે સવાલ હેલ્મેટનો હતો. હેલ્મેટની પાછળ છૂપાયેલો એ ચહેરો કોનો હશે?
પોલીસને ધારણા હતી કે આ વ્યક્તિ જયસીની પરિચિત જ હશે અને અગાઉ પણ એ જયસીના ઘેર આવેલ હશે. જયસીના ફર્સ્ટ ફ્લોરના ત્રણેય પાડોશી પરિવારને સાથે બેસાડીને પોલીસે સીસીટીવીના વિઝયુઅલ્સ બતાવીને પૂછયું કે મોઢું હેલ્મેટથી ઢંકાયેલું છે, એ છતાં, દેખાવ અને હાલચાલ પરથી આ માણસને તમે ઓળખી શકશો? પોલીસનો આ પ્લાન સફળ થયો. એ વ્યક્તિએ ટિશર્ટ પહેર્યું હતું અને એમાં એની ઉપસેલી ફાંદ અને ચાલવાની ઢબ પરથી એક પાડોશીએ તરત કહ્યું કે આ તો ગિરીશ બાબુ છે! જયસીમેડમના ઘેર તો એ ઘણી વાર આવતો હતો. એ પાડોશીએ તો વધારાની જાણકારી પણ પોલીસને આપી કે આ ગિરીશ ક્યારેક એની ગર્લફ્રેન્ડને પણ સાથે લાવતો હતો. એ સ્ત્રી કોઈક બેકરીમાં નોકરી કરે છે, એટલે જ્યારે એ બંને સાથે આવે ત્યારે જયસીમેડમ માટે ટોસ્ટ, કેક કે બિસ્કિટ લઈને જ આવતા હતા. ત્રણેય સાથે બેસીને દારૂની મહેફિલ પણ જમાવતા પણ મેં જોયા છે!
આ ગિરીશ બાબુ વિષે પોલીસને એટલી જાણકારી મળી કે એ આઈ.ટી. એન્જિનિયર હતો. કોચીની તમામ આઈ.ટી. કંપનીઓમાં તપાસ કરી તો ખબર પડી કે બેંતાલીસ વર્ષનો ગિરીશ ઈન્ફોપેક નામની કંપનીમાં સોફ્ટવેરએન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને થ્રિક્કાકારા વિસ્તારમાં જ રહે છે. એના સહકર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે જાણકારી આપી કે ગિરીશના આડાઅવળા ધંધા હોવાથી એણે અનેક બેન્કોમાંથી લોન લીધી છે અને ક્રેડિટ કાર્ડનું દેવું પણ વધી ગયું છે. એના મોબાઈલ નંબરોની સાથે પોલીસને એ માહિતી પણ મળી કે એની ગર્લફ્રેન્ડનું નામ ખતીજા ઉર્ફે પ્રતિભા છે.
ગિરીશના ઘરનું સરનામું પણ મળી ગયું હોવાથી પોલીસ ત્યાં પહોંચી. ઘર બંધ હતું એટલે એના ઘર પર નજર રહે એ રીતે બે કોન્સ્ટેબલની ટીમ રાત-દિવસ માટે ગોઠવાઈ ગઈ. તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના દિવસે ગિરીશ બાબુ આવ્યો અને પોલીસે એને પકડી લીધો!
ગિરીશ પાસે ગુનાની કબૂલાત કરાવવામાં પોલીસને વધુ મહેનત કરવાની જરૂર ના પડી. એની કબૂલાતના આધારે પોલીસે એની પ્રેમિકા ખતીજાની પણ ધરપકડ કરી. ગિરીશના માથે લગભગ એંશી લાખનું દેવુ થઈ ચૂક્યું હતું. એનો ઉપાય શોધવા માટે એણે અને ખતીજાએ મળીને બે મહિના અગાઉથી પ્લાન બનાવ્યો હતો.
રિયલ એસ્ટેટ બ્રોકર જયસી એકલી રહેતી હતી અને એની પાસે ઢગલાબંધ સોનું અને રોકડ હશે એવી ગણતરીથી એ બંનેએ જયસી સાથે મિત્રતા કરીને એના ઘેર આવવા-જવાનો સંબંધ વિકસાવ્યો. ખતીજા એક બેકરીમાં નોકરી કરતી હતી એટલે બેકરી આઈટમો અને દારૂની બોટલ લઈને એ બંનેએ વારંવાર જયસીના ઘેર જઈને સંબંધ ગાઢ બનાવ્યો હતો. એના ઘરની રેકી કરીને ગિરીશે જાણી લીધું હતું કે રવિવારે સવારે દસથી બાર વચ્ચેના ગાળામાં એમના ફ્લેટમાંથી કોઈ બહાર હોતું નથી. જયસીની હત્યા કરીને દલ્લો લૂંટવાનો એમણે જે પ્લાન બનાવેલો એમાં છરો કે રિવોલ્વરને બદલે પોતે ઘેર કસરત કરવા માટે જે ડંબ્બેલ વાપરતો હતો એનો જ ઉપયોગ કરવાનું ગિરીશે નક્કી કર્યું.
તારીખ ૧૭-૧૧-૨૦૨૪ ના દિવસે થેલામાં ડંબ્બેલ અને દારૂની બોટલ લઈને હેલ્મેટ પહેરીને ગિરીશ એના ઘેર પહોંચ્યો. પકડાવાય નહીં એ માટે એ રસ્તામાં રીક્ષાઓ બદલતો રહ્યો. જયસીએ એને આવકાર આપ્યો. બેડરૂમમાં બેસીને બંનેએ સાથે દારૂ પીધો. જયસી પૂરેપૂરી મદહોશ બની જાય ત્યાં સુધી ગિરીશ એને દારૂ પીવડાવતો રહ્યો. એ નશામાં ચૂર થઈ ગઈ ત્યારે ગિરીશે એના માથા પર ધડાધડ ડંબ્બેલના દસેક પ્રહાર કર્યા. જયસીના શ્વાસ અટકી ગયા પછી ગિરીશે એના હાથ પરથી સોનાની બંગડીઓ અને નેકલેસ કાઢી લીધા. લાશને એવી રીતે બાથરૂમમાં ગોઠવી કે અકસ્માતે પડી ગઈ હોય એવું લાગે. એ પછી લોહીવાળું ટિશર્ટ બદલીને એણે ઘરમાં ખાંખાખોળાં કર્યા.(ઘરમાંથી એક રૂપિયો પણ રોકડ નથી લૂંટી, એવું એ પોલીસને કહે છે પણ પોલીસ એ વાત સાથે સંમત નથી!) જયસીના બે મોબાઈલ પણ થેલામાં મૂકી દીધા અને હેલ્મેટ પહેરીને બહાર નીકળી ગયો. ત્યાંથી નીકળીને પોતાના ઘેર ગયો. હેલ્મેટ મૂકી દીધી. બંને હાથના નખ પર લોહીના ડાઘ હતા એટલે નેઈલકટરથી નખ કાપ્યા. જયસીના દાગીના સાથે લીધા અને અંગમલી ગામમાં રહેતા એક સગાને ત્યાં ગયો. ત્યાં બે દિવસ રોકાઈને એ ઈડુક્કી ગયો. ઈડુક્કીમાં એક સોનીની દુકાનમાં એણે નેકલેસ અને બંગડીઓ વેચી દીધી. એ પછી પાછો કોચી આવ્યો અને ઝડપાઈ ગયો!
જયસીની હત્યા કર્યા પછી ગિરીશે એના ઘરમાંથી કેટલા દાગીના-કેટલી રકમની લૂંટ કરી એ અંગે ગિરીશે માત્ર બંગડીઓ અને નેકલેસ ઉપરાંત બે મોબાઈલની ચોરીની જ કબૂલાત કરી છે. એની પ્રેમિકા ખતીજા પણ પોલીસને એ જ જવાબ આપે છે કે એણે કેટલી ચોરી કરી એની મને ખબર નથી! પોલીસને ગિરીશ પાસેથી રોકડા માત્ર એક લાખ બાર હજાર રૂપિયા મળ્યા છે. ઈડુક્કી શહેરના સોનીની ચિઠ્ઠી બતાવીને ગિરીશે પોલીસને કહ્યું કે બંગડીઓ અને ચેઈન વેચી એના આ પૈસા છે. પોલીસે એ ચિઠ્ઠી અને પૈસા કબજે કરી લીધા છે.
પોલીસે મહત્વના પુરાવા તરીકે હેલ્મેટ કબજે કરી છે. એ ઉપરાંત લોહીવાળું ટિશર્ટ અને ગિરીશે નખ કાપેલા હતા, એ નખના લોહીવાળા ટૂકડાઓ પણ પુરાવા તરીકે પોલીસે કબજે કર્યા છે. એંશી લાખનો દેવાદાર માણસ માત્ર લાખેક રૂપિયાના દાગીના મેળવવા માટે બે મહિના સુધી પ્લાનિંગ કરીને કોઈ સ્ત્રીની હત્યા કરે, એ વાત હજુ પોલીસના ગળે નથી ઊતરતી. ગિરીશે ઘરમાં મોટો હાથ માર્યો હશે અને એ દલ્લો એણે ક્યાંક સગેવગે કરી દીધો હશે એવી પોલીસની શંકા વ્યાજબી છે.
પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવતા 'સોફ્ટ' વેર એન્જિનિયર ગિરીશ બાબુએ દેવાના ચક્કરમાંથી છૂટવા માટે હત્યાનો 'હાર્ડ' રસ્તો પસંદ કર્યો, એમાં પ્રેમિકા ખતીજાનો સાથ મળ્યો,અને એમના ખેલમાં બિચારી જયસી અબ્રાહમનો જીવ ગયો! કોચીની જેલમાં ભીંત સામે તાકીને એ બંને આરોપીઓ દિવસો પસાર કરે છે!