લોહીના સંબંધ પણ આટલા સંવેદનશૂન્ય ?

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
લોહીના સંબંધ પણ આટલા સંવેદનશૂન્ય ? 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- મમ્મીને જ્યુસ પીવાની ઈચ્છા થયેલી એટલે એમણે મને જ્યુસ લાવી આપવાનું કહ્યું. એક્ટિવા લઈને હું જ્યુસ લેવા માર્કેટમાં ગયેલી એટલી વારમાં આ શું થઈ ગયું?

- રાહુલ

- ઈશાંત

- કુશ

- સંજય (વર્ષ-૧૫), પદ્મા (વર્ષ-૪૫)

- મીના સૈની

- કાજલ

દર અઠવાડિયે ક્રાઈમની નવી ઘટના શોધતી વખતે માતા-પુત્ર-પુત્રી-આ બધા લોહીના સંબંધોનું સત્યાનાશ વાળતી અલગ અલગ રાજ્યોમાં એક સાથે અર્ધો ડઝન જેટલી ઘટનાઓ જોવા મળે ત્યારે અરેરાટી સાથે સવાલ થાય છે કે આ બધું શું થવા બેઠું છે? રવિવાર તારીખ ૨૩-૬-૨૦૨૪- એક જ દિવસની બે ઘટનાઓમાં એક ઉત્તર ભારતના હરિયાણાની છે, એની વિગતે વાત કરીશું.

એ પહેલા દક્ષિણ ભારતના ચેન્નાઈની ઘટના ટૂંકમાં જોઈશું. વેલાચેરી વિસ્તારમાં રહેતી પદ્મા એક્યુપ્રેશર થેરાપિસ્ટ તરીકે કામ કરતી હતી. એનો પતિ ઓમાનમાં નોકરી કરવા ગયો હતો. એમને સંતાનમાં બે દીકરા. મોટો નિતેશ એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. નાનો સંજય દસમા ધોરણમાં ભણતો હતો. રેઢિયાળ નિતેશને અભ્યાસમાં રસ નહોતો, દરેક ટર્મમાં એટીકેટી જ આવતી હતી એટલે માતા એને લડતી હતી. માતાની ટકટકથી કંટાળીને એક મહિના પહેલા નિતેશ ઘેરથી ભાગી ગયેલો, પરંતુ મિત્રો અને સંબંધીઓ એને સમજાવીને પાછો લઈ આવેલા. તારીખ ૨૪-૬-૨૦૨૪ ના દિવસે પદ્માની બહેન મહાલક્ષ્મીને નિતેશનો વોટસેપ મેસેજ મળ્યો કે માસી, ઘરની બહાર એક બોક્સમાં મેં ચાવી મૂકી છે, તમે તાત્કાલિક મારા ઘેર જાવ!

મહાલક્ષ્મીએ જઈને બારણું ખોલ્યું તો ઘરમાં વિચિત્ર વાસ આવતી હતી અને ઠેર ઠેર લોહી પથરાયેલું હતું. બીજા ઓરડામાં પ્લાસ્ટિકમાં લપેટેલી પદ્મા અને સંજયની લોહીમાં લથબથ લાશ જોઈને મહાલક્ષ્મી ફસડાઈ પડી! એની ચીસાચીસથી પાડોશીઓ દોડી આવ્યા.પોલીસને ફોન કર્યો એટલે પોલીસની જીપ આવી ગઈ. મહાલક્ષ્મીની વાત સાંભળીને પોલીસે નિતેશનો મોબાઈલ નંબર લઈને ટાવરના આધારે એનું લોકેશન શોધીને બાર કલાકમાં જ એને ઝડપી લીધો. ગુનાની કબૂલાતમાં એણે કહ્યું કે મને ભણવા માટે મારી મા સતત કચકચ કરતી હતી, એટલે એનાથી ત્રાસીને મારી નાખી. નાનો ભાઈ અનાથ બનીને કઈ રીતે જીવશે? એ વિચાર આવ્યો એટલે એને પણ મારી નાખ્યો! નિતેશને કોર્ટમાં રજૂ કરીને પોલીસે એના રિમાન્ડ મેળવ્યા છે. આવા પુત્રને શું કહેવાય?

એ જ દિવસે હરિયાણાના યમુનાનગરમાં બનેલી બીજી ખોફનાક ઘટના માટે પારિવારિક ઈતિહાસ જાણવો જરૂરી છે. પોશ વિસ્તારમાં બસો વારના પ્લોટમાં ફૂલકુમારી ઉર્ફે બબલીદેવીનું મકાન આવેલું છે. બે દીકરા અને બે દીકરીઓને વર્ષો અગાઉ પરણાવી દીધા પછી વૃધ્ધ બબલીદેવી આરામથી એકલા રહેતા હતા. ઈ.સ. ૨૦૨૦ માં કોરોનામાં એમનું મૃત્યુ થયું. એમની સૌથી મોટી દીકરી મીના ઈ.સ. ૨૦૦૭ માં વિધવા થયેલી એટલે બબલીદેવીને એના માટે વધારે લાગણી હતી. માતાની એ સૌથી વહાલી હોવાથી બાકીના ત્રણેય મીનાની ઈર્ષા કરતા હતા. બબલીદેવીના અવસાન પછી એમનું વિલ ખોલવામાં આવ્યું તો મકાન સહિતની તમામ મિલકત બબલીદેવીએ મીનાના નામે જ કરી દીધી હતી! અલબત્ત, એમાં છેલ્લે ઉમેરેલું કે આમાંથી મીના ઈચ્છે એ રીતે એ ભાઈ જયપ્રકાશ, ભાઈ શિવરામ અને બહેન કિરણને હિસ્સો આપશે!

જયપ્રકાશ, શિવરામ અને કિરણ-ત્રણેય મીનાને મળ્યા પણ મીનાએ હાથ અધ્ધર કરીને કહી દીધું કે બાએ આ પ્રસાદી મને આપી છે અને એમાંથી તમને કંઈ નહીં મળે! મીનાથી નાના ભાઈ જયપ્રકાશને સંતાનમાં બે દીકરા અને બે દીકરી, વળી આર્થિક સ્થિતિ સાવ નબળી, એટલે એ તો આ વારસાની આશા રાખીને બેઠો હતો. મોટીબહેનની નફટાઈ જોઈને એ ભાંગી પડયો. પીડા ભૂલવા માટે એણે હદ બહાર દારૂનો આશરો લીધો. વધારે પડતા દારૂના સેવનથી ૨૦૨૧ માં એનું અવસાન થયું. જયપ્રકાશના બે પુત્રો-ઈશાંત અને કૃષ. એ બંને પોતાના પિતાના મૃત્યુ માટે મીનાફૈબાને જ જવાબદાર માનતા હતા. મિલકત અને મકાનના હિસ્સા માટે મીનાના ઘેર આવીને ઝઘડો પણ કરતા હતા. મીનાની નાની બહેન કિરણ અને બીજો ભાઈ શિવરામ- એ બંને પણ સમસમીને મીના સામે બદલો લેવા માટે તક શોધી રહ્યા હતા.

મીનાનું બે માળનું ઘર આઝાદનગર કોલોનીમાં હતું. પતિના અવસાન પછી મીનાએ દીકરી કાજલ અને પુત્ર રાહુલને એકલા હાથે ઉછેર્યા હતા. કાજલ રાહુલ કરતાં ત્રણ વર્ષ મોટી હતી. કાજલનું વ્યક્તિત્વ વિચિત્ર-આપણે ગુજરાતીમાં જેને ''ભાયડાછાપ''કહીએ એવું હતું. સ્કૂલમાં અને એ પછી કોલેજમાં એને કોઈ બહેનપણી નહોતી. પંજાબી ડ્રેસ કે સાડી એ ક્યારેય નહોતી પહેરતી. છોકરાઓની જેમ ટિશર્ટ અને પેન્ટ જ પહેરતી હતી. કાજલ વીસ વર્ષની હતી ત્યારથી મીના એને પરણાવવા માગતી હતી, પરંતુ કાજલને તો લગ્ન કરવા જ નહોતા. મીનાએ અનેક વાર એને સમજાવેલી પણ એણે લગ્ન નહોતા કર્યા.ઈન્સ્ટાગ્રામમાં એ સક્રિય હતી. એ પોતાની જાતને નવાબ માનતી હતી. એણે હાથ પર નવાબ લખેલું ટેટુ પણ કોતરાવ્યું હતું.એણે ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટનું નામ પણ વીઆઈપી નવાબ રાખેલું હતું.

ઘરમાં ૪૫ વર્ષની મીના, ૨૭ વર્ષની કાજલ અને ૨૪ વર્ષનો રાહુલ એક જ છત નીચે રહેતા હતા. એ છતાં, કાજલને માતા અને ભાઈ સાથે બોલવાનો પણ સંબંધ નહોતો. ઉપરના માળે એક ઓરડામાં એ રહેતી હતી અને જમવાના સમયે નીચે આવીને પોતાની થાળી લઈને ઉપર જઈને જમતી હતી. રાહુલના બે વાર લગ્ન થઈ ચૂક્યા હતા અને વારાફરતી બંને વહુઓ આ ઘર છોડીને ભાગી ગઈ હતી.

તારીખ ૨૩-૬-૨૦૨૪, રવિવારે એક વાગ્યે એક પાડોશીએ પોલીસને ફોન કર્યો કે બાજુના ઘરમાં કંઈક ભયાનક બન્યું છે, તમે જલ્દી આવો. મેસેજ મળ્યો એટલે યમુનાનગર સીટી પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર જગદીશચંદ્ર એમની ટીમ સાથે ત્યાં આવી પહોંચ્યા. એ વખતે મીનાનું ઘર ખુલ્લું હતું, પણ કોઈ પાડોશીએ અંદર જવાની હિંમત નહોતી કરી. સમજદારી દાખવીને એ બધા બારણાંની બહાર જ ઊભા રહ્યા હતા. પોલીસે અંદર જઈને જોયું તો કમકમાટી ઉપજાવે એવુ દ્રશ્ય હતું. પલંગ ઉપર મીનાની લાશ પડી હતી. એના માથામાંથી નીકળેલું લોહી જામીને કાળું પડી ગયું હતું. એ જ ઓરડામાં નીચે ફરસ પર લોહીથી લથબથ રાહુલની લાશ પડી હતી! સામે દીવાલ પરની તિજોરી ખુલ્લી પડી હતી અને એમાંથી ફેંદાયેલો સામાન નીચે વેરવિખેર પડયો હતો!

પહેલી જ નજરે પોલીસને ખ્યાલ આવી ગયો કે આ તો હત્યા સાથે લૂંટફાટનો કેસ છે. એમણે પાડોશીઓને પૂછયું કે ઘરમાં આ બે સિવાય કોણ રહે છે? કોઈ નોકર ઘરકામ માટે રાખેલો? પાડોશીઓએ કહ્યું કે એમને ત્યાં કોઈ નોકર નથી. આ મૃતક મીનાની દીકરી કાજલ ઘરમાં જ રહે છે, પણ અત્યારે એ ક્યાંક બહાર ગયેલી છે.

ફોરેન્સિક ટીમ એમનું કામ શરૂ કરે એ જ વખતે ત્રણ વાગ્યે હાથમાં જ્યુસની બોટલ લઈને ટિશર્ટ અને પેન્ટ પહેરેલી કાજલ ઘરમાં પ્રવેશી. પાડોશીએ ઈન્સ્પેક્ટરને જાણ કરી કે આ એમની દીકરી કાજલ. ઈન્સ્પેક્ટરે કાજલ સામે જોયું એટલે કાજલે કહ્યું કે મમ્મીને જ્યુસ પીવાની ઈચ્છા થયેલી એટલે એમણે મને જ્યુસ લાવી આપવાનું કહ્યું. એક્ટિવા લઈને હું જ્યુસ લેવા માર્કેટમાં ગયેલી એટલી વારમાં આ શું થઈ ગયું?

ઈન્સ્પેક્ટરની નજર આખા ઘરમાં ફરતી હતી. વિખરાયેલો સામાન જોઈને એમણે કાજલને પૂછયું કે આ તિજોરીમાં શું શું હતું? કાજલે કહ્યું કે મમ્મીને મેં ના પાડેલી કે આ બધા સોનાના દાગીના ઘરમાં ના રાખો, એ છતાં ચૌદ-પંદર લાખ રૂપિયાના દાગીના એણે અહીં રાખ્યા હતા.

એ વખતે એક કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યું કે ઘરમાં સીસીટીવી છે, પરંતુ આજે સવારથી એ બંધ છે.

કાજલનું વર્તન જોઈને ઈન્સ્પેક્ટર જગદીશચંદ્રને આશ્ચર્ય એ વાતનું હતું કે સગી જનેતા અને જુવાનજોધ ભાઈની આવી લાશ જોયા પછી પણ કાજલ તદ્દન સ્વસ્થ હતી. એની આંખમાંથી આંસુનું એક ટીપુંય નહોતું છલક્યું, ચહેરા પર આઘાત કે વેદનાની આછીપાતળી ઝલક પણ નહોતી દેખાતી! વળી, સવારથી સીસીટીવી બંધ કેમ હતું? એમણે ચાલાકીપુર્વક હળવે હળવે કાજલની પૂછપરછ શરૂ કરી અને એના જવાબોમાં વિસંગતા પારખીને એમને લાગ્યું કે આ પાત્ર ઉપર નજર રાખવી પડશે!

ખબર ફેલાઈ ગઈ એટલે કાજલની માસી-મીનાની નાની બહેન કિરણ પણ ત્યાં આવી ગઈ હતી. ઈન્સ્પેક્ટરે એમની પૂછપરછ કરીને જાણકારી મેળવી. મીનાના નાના ભાઈ શિવરામની પણ પૂછપરછ કરી.

ટૂકડે ટૂકડે કાજલની પૂછપરછ ચાલતી જ હતી. ચોવીસ કલાકમાં એણે પચીસ વાર્તાઓ બદલી એટલે પોલીસે એની અટકાયત કરીને રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડમાં જે જાણકારી મળી એના આધારે કાજલના મામાના દીકરા કૃષને પણ ષિકેશમાંથી ઝડપી લેવાયો.

તારીખ ૨૬-૬-૨૦૨૪, બુધવારે રિમાન્ડ પત્યા પછી કાજલ અને કૃષને ન્યાયિક કસ્ટડીમાં લઈને પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જાણકારી આપી. 

કાજલની માસી કિરણે આપેલી માહિતી ચોંકાવનારી હતી. કાજલ લેસ્બિયન (સમલૈંગિક) હતી. કોલેજમાં એની સાથે એની એક માત્ર બહેનપણી હતી. કાજલ પોતાને નવાબ અને એ રૂપાળીને પોતાની બેગમ જ માનતી હતી, અને એ બંને વચ્ચેના સંબંધો પણ એવા જ હતા! પોતાનો આ સંબંધ કાયમ માટે ટકી રહે એ માટે કાજલે ખેલ કર્યો. એ સખીને પોતાના ઘેર બોલાવી. એ વખતે માતા અને ભાઈ સાથેના કાજલના સંબંધો સાવ વણસી ગયેલા નહોતા. કાજલે એ સખીના વખાણ કરીને માતાને અને રાહુલને લપેટમાં લઈ લીધા અને એની સાથે રાહુલના લગ્ન કરાવ્યા! રાહુલ કાજલથી ત્રણ વર્ષ નાનો હતો અને નાનપણથી જ કાજલ એના ઉપર દાદાગીરી કરતી હતી. રાહુલ પેલીને પરણ્યો તો ખરો, પણ રોજ રાત્રે એની પત્ની તો કાજલના ઓરડામાં જ જતી રહેતી હતી!

સમાજમાં આબરૂ ના જાય એટલે વધારે હોહા કર્યા વગર દોઢ મહિના પછી કાજલની એ સખીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી! એના છ મહિના પછી રાહુલને બીજી રૂપાળી કન્યા મળી ગઈ એટલે એણે ફરી વાર લગ્ન કર્યા. એ યુવતીને પણ પોતાની પત્ની બનાવવા માટે કાજલે એના ઉપર દાદાગીરી શરૂ કરી. એના ત્રાસથી કંટાળીને પેલી વીસ દિવસમાં જ ઘર છોડીને પિયર ભાગી ગઈ! ઘરમાં ઝઘડો થયો, એ પછી માતા અને ભાઈ સાથે કાજલના સંબંધો સાવ વણસી ગયા અને બોલવાનો વ્યવહાર પણ બચ્યો નહોતો.

કાજલને પોતાની રીતે આપખુદીથી જીવવું હતું અને પૈસા જોઈતા હતા એટલે એણે માતા અને ભાઈને ખતમ કરી નાખવાનું વિચાર્યું. પોતે એકલી આ કામમાં પહોંચી નહીં વળે એવું લાગ્યું એટલે એણે બુધ્ધિ વાપરીને મામાના દીકરાઓ ઈશાંત અને કૃષને રેલ્વેસ્ટેશન સામેની એક હોટલમાં મળવા બોલાવ્યા.પોતાની મા પ્રત્યે આ બંને ભાઈઓ હડહડતો તિરસ્કાર ધરાવે છે એની ખબર હોવાથી કાજલે એ બંનેને કહ્યું કે ફૂલકુમારીવાળું મકાન વત્તા રોકડા પચાસ હજાર રૂપિયા જોઈતા હોય તો મારું કામ કરવું પડશે. કાજલે પાનાં ખોલ્યાં અને કહ્યું કે મારી મા અને ભાઈને મારી નાખવાના છે. ઈશાંતે હત્યા કરવાની ના પાડી, પણ કૃષને મીનાફૈબા ઉપર અત્યંત દાઝ હતી, વળી મકાન અને પચાસ હજાર મળવાના હતા એટલે એ તૈયાર થઈ ગયો. ત્રણેય જણાએ સાથે મળીને પ્લાન બનાવ્યો. 

રવિવાર તારીખ ૨૩-૬-૨૦૨૪ ની સવારે કાજલે સીસીટીવી બંધ કરી દીધેલું. અગિયાર વાગ્યે રાહુલ હજામત કરાવવા ગયો. મીના પલંગમાં સૂઈને મોબાઈલ હાથમાં રાખીને ફિલ્મ જોતી હતી. હાથમાં લોખંડનો દસ્તો લઈને હળવા પગલે કાજલ પાછળથી આવી. બંને હાથે દસ્તો પકડીને એણે પૂરી તાકાતથી જનેતાના માથા પર કચકચાવીને પ્રહાર કર્યો. એ પછી પણ એ જીવતી ના રહે એ માટે વાયરથી ગળું ભીંસી નાખ્યું. માતાના શ્વાસ અટકી ગયા એની ખાતરી કરીને એણે કૃષને ફોન કર્યો. એ તરત આવી ગયો. હાથમાં દસ્તો લઈને એ બારણાંની પાછળ લપાઈને ઊભો રહ્યો.રાહુલ ઘરમાં આવ્યો એ જ વખતે કૃષે એના માથા ઉપર દસ્તો માર્યો. રાહુલ લથડી પડયો એટલે કાજલે એના પગ પકડી રાખ્યા અને કૃષે વાયરથી એની ગરદન ભીંસી નાખી. થોડી વાર તરફડિયાં મારીને રાહુલના શ્વાસ અટકી ગયા. કાજલે કૃષને ભગાડી મૂક્યો અને તિજોરી ખોલીને ચોરી થઈ હોય એવો સીન ઊભો કર્યો. તિજોરીમાં ચૌદ-પંદર લાખના જે સોનાના દાગીના હતા એને કાજલે પોતાના એક્ટિવાની ડિકીમાં મૂકી દીધા.

માતા અને ભાઈને એવી રીતે માર્યા હતા કે એમને ચીસ પાડવાની પણ તક નહોતી મળી, એટલે આસપાસમાં કોઈને ખબર ના પડી. બારણું ખુલ્લું જ રાખીને કાજલ બહાર નીકળી ગઈ. માતા અને ભાઈની હત્યા કર્યા પછી ઘરમાં પોલીસ આવે એ પછી જ ઘેર જવાનો એનો પ્લાન હોવાથી એણે એક્ટિવા પર ચક્કર માર્યા અને એક બ્યુટી પાર્લરમાં જઈને ફેસિયલ અને વાળનું ટ્રિમિંગ કરાવ્યું!

હત્યા પછી કૃષ તો સીધો જ હરિદ્વાર અને ષિકેશ ભાગી ગયો હતો. લોખંડનો દસ્તો અને લોહીવાળા કપડાં એણે એક નાળામાં ફેંકી દીધા હતા. એની ધરપકડ કર્યા પછી એ પુરાવા ઉપરાંત કાજલ પાસેથી સોનાના દાગીના પણ પોલીસે કબજે કરી લીધા છે. હત્યાના સમયે ઈશાંત તો એની નોકરીના સ્થળે હતો, પરંતુ હત્યાના કાવતરામાં સહભાગી (IPC 120 B)તરીકે પોલીસે એની પણ ધરપકડ કરી છે.

દીકરી વહાલનો દરિયો-પણ કાજલ જેવી દીકરી માટે શું કહેવાય?

(પ્રેમમાં આંધળી બનેલી ત્રીસ વર્ષની જનેતાએ પોતાના બે, ચાર, પાંચ અને આઠ વર્ષના ચાર પુત્રોને નદીમાં પધરાવી દીધા! લોહીના સંબંધોને લજવતી વધુ એક હૃદયદ્રાવક ઘટના આવતા બુધવારે!)


Google NewsGoogle News