Get The App

આચાર્ય ખુદ યમદૂત બની જાય ત્યારે... .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
આચાર્ય ખુદ યમદૂત બની જાય ત્યારે...                                    . 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- પોલીસે એમની ફરિયાદ લેવાને બદલે સમજાવી દીધું કે એવું હોય તો તમારા દીકરાને એ નિશાળમાં ના મોકલતા! જો એ વખતે પોલીસે કાર્યવાહી કરી હોત તો કૃતાર્થનો જીવ બચી જતો

- કૃતાર્થ કુશવાહા

- આરોપીઓની ધરપકડ

- પ્રિન્સિપાલ લક્ષ્મણસિંહ

- દીનેશ બઘેલ

રા ત્રે સાંભળેલા ગરબાઓની ધૂન અત્યારે કાનમાં ગૂંજતી હશે. નવરાત્રિ માત્ર ગરબાનો ઉત્સવ નથી, પરંતુ શક્તિની આરાધનાનું પર્વ પણ છે. અમુક ભાવિકો આ શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાન કરીને નવે નવ દિવસ ઉપવાસ કરે છે. માતાજીની સાત્વિક આરાધના કરે છે. સામા પક્ષે મંત્ર-તંત્રના મુદ્દે અમુક હેવાનો સતત મેલી વિદ્યા-ટૂચકા-કાલા જાદૂના તંત્રમાં ડૂબેલા હોય છે. મેલી વિદ્યાના સાધકો સિધ્ધિ અને આર્થિક લાભ માટે ગમે તે હદે નીચે ઊતરીને ખોફનાક કાળા કામ પણ કરે છે. આજની ક્રાઈમ કથામાં એક તાંત્રિકની પૈશાચિક લીલાની વાત છે.

ઉત્તરપ્રદેશમાં આગ્રાથી પાંત્રીસેક કિલોમીટર દૂર સદાબાદ નગર આવેલું છે. સદાબાદથી ચૌદ કિલોમીટર દૂર આવેલું હાથરસ જિલ્લાનું રાસગવાં નામનું ગામ આજની કથાનું ઘટનાસ્થળ છે. રાસગવાં ગામની વસ્તી ચાર હજાર માણસની. ત્યાં રહેતા યશોધનસિંહ બઘેલની ખ્યાતિ તાંત્રિક તરીકેની. આસપાસના પચીસેક ગામના લોકો એમને ભગતજી તરીકે જ ઓળખતા હતા! એમની પાસે મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાની જબરજસ્ત સિધ્ધિ છે, અને એ ધારે એ કરી શકવા સમર્થ છે એવી એમની ધાક હતી. ગામથી સહેજ દૂર એક બે માળનું મકાન ભગત મેલી વિદ્યાના વર્કશોપ તરીકે વાપરતા હતા. ત્યાં તાલીમ આપીને બીજા નાના તાંત્રિકો પણ એણે તૈયાર કર્યા હતા અને એ તાંત્રિકો પણ પોતપોતાના ગામોમાં તંત્રવિદ્યાનું તિકડમ ચલાવતા હતા. એમાંથી કોઈની પાસે કોઈ અઘરો કે મોટો કેસ આવે ત્યારે ગૂંચવાઈને એ લોકો રાસગવાંમાં ભગતજી પાસે મદદ માટે દોડી આવતા હતા. યશોધન એમની સમસ્યાનો ઉકેલ શોધી આપતો હતો.

યશોધનના પુત્રનું નામ દીનેશ. એન્જિનિયર થયેલો દીનેશ થોડો સમય મલેશિયા ગયેલો, પણ ત્યાં ફાવ્યું નહીં એટલે પાછો આવ્યો હતો. એને ધંધે લગાડવા માટે બહુ વિચારી યશોધને શિક્ષણની હાટડી ખોલવાનું વિચાર્યું. આજુબાજુના ગામોમાં અંગ્રેજી માધ્યમની કોઈ સ્કૂલ નહોતી અને વિદ્યાર્થીઓએ સદાબાદની સ્કૂલોમાં પ્રવેશ લેવો પડતો હતો. આ પરિસ્થિતિ જોઈને યશોધને રાસગવાં ગામમાં જ આધુનિક સ્કૂલ ખોલવાનું નક્કી કર્યું. ગામથી સહેજ દૂર પોતાના વર્કશોપ પાસે જમીન ખરીદી લીધી અને ત્યાં સરસ મજાનું આધુનિક સ્કૂલનું મકાન પણ બનાવી નાખ્યું. અલબત્ત, આ માટે એમણે ૅબૅન્કમાંથી ખૂબ મોટી રકમની લોન પણ લેવી પડી હતી.

તારીખ ૨૦-૩-૨૦૨૦ના દિવસે સ્કૂલનો પ્રારંભ થયો. સ્કૂલનું નામ રાખવામાં આવ્યું ડી.એલ. પબ્લિક સ્કૂલ. શિક્ષણ ખાતા તરફથી ધોરણ એકથી પાંચ સુધીની સ્કૂલ માટેની પરવાનગી મળી ગઈ હતી. મેનેજિંગ ડાયરેક્ટર તરીકે દીનેશે સ્કૂલનું સંચાલન સંભાળી લીધું. બાળકોને અભ્યાસ કરાવવા માટે આજ્ઞાાંકિત શિક્ષકોને નિમણૂંક પણ અપાઈ ગઈ.

સ્કૂલને પરવાનગી તો એકથી પાંચ ધોરણ સુધીની જ હતી, પણ આ તો ઉત્તરપ્રદેશની વાત છે. સદાબાદની સ્કૂલોમાં અપડાઉન કરતા આસપાસના ગામોના મોટા વિદ્યાર્થીઓની પૂછપરછ આવવા લાગી એટલે દીનેશ બઘેલે એકથી દસ ધોરણ સુધીની સ્કૂલ બનાવી નાખી! ભગતજીની ખ્યાતિ તો બધે ફેલાયેલી હતી. દૂરના ગામડાઓના બાળકો- જેમને અપડાઉન કરવાનું અઘરું પડે એમના માટે શું થઈ શકે? એવા બાળકો માટે રેસિડેન્શિયલ સ્કૂલ પણ દીનેશે શરૂ કરી દીધી. સ્કૂલનું મકાન વિશાળ હતું. એના એક મોટા ઓરડામાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવી દીધી. અલબત્ત, આ માટે કોઈ સરકારી પરવાનગી લેવામાં નહોતી આવી. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં કુલ ચોવીસ બાળકો એક જ ઓરડામાં રહેતા હતા.

રાસગવાં ગામથી છ કિલોમીટર દૂર તુરસેન ગામમાં રહેતા કૃષ્ણ કુશવાહા સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોઈડાની એક કંપનીમાં નોકરી કરતા હતા. તુરસેનમાં એમનું સંયુક્ત કુટુંબ હતું, એટલે દર શનિ-રવિમાં એ ગામડે આવી જતા હતા. એમનો એકનો એક દીકરો કૃતાર્થ અત્યંત તેજસ્વી હતો. મારો કૃતાર્થ ભણીગણીને કલેક્ટર બને એવી કૃષ્ણ કુશવાહાની તમન્ના હતી. જુનિયર અને સિનિયર કે.જી.માં તો એ ડી.એલ. સ્કૂલની બસમાં આવ-જા કરતો હતો, પણ એ બીજા ધોરણમાં આવ્યો ત્યારે એ સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે કૃષ્ણે એને રેસિડેન્શિયલ સ્કૂલમાં જ મૂકી દીધો હતો.

તારીખ ૨૩-૯-૨૦૨૪, સોમવારે સવારે કૃષ્ણ કુશવાહા નોઈડા જવા માટે તૈયારી કરતા હતા, એ જ વખતે સ્કૂલમાંથી દીનેશનો ફોન આવ્યો કે કૃતાર્થની તબિયત ઠીક નથી, એટલે અમે એને સદાબાદ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. કૃષ્ણે તરત કહ્યું કે એને અહીં ઘેર મોકલી આપો, મારું ફેમિલી એને સંભાળી લેશે; પરંતુ દીનેશે કહ્યું કે એ શક્ય નથી, એને હોસ્પિટલમાં જ લઈ જવો પડશે. એનો જવાબ સાંભળીને કૃષ્ણને વિચિત્ર લાગ્યું એટલે ગામના મિત્રોને લઈને એ સીધા જ સ્કૂલ પર પહોંચ્યા. ત્યાં દીનેશ કે કૃતાર્થ નહોતા. એક શિક્ષકે કહ્યું કે કૃતાર્થની તબિયત ખૂબ ખરાબ થઈ ગયેલી એટલે દીનેશસર એમની કારમાં એને આગ્રા લઈ જવા નીકળી ગયા છે! એ વખતે રાસગવાં ગામના કૃષ્ણના મિત્રો પણ ત્યાં આવી ગયા હતા. બે કારમાં એ બધા આગ્રા તરફ જવા નીકળ્યા. એ દરમ્યાન કૃષ્ણ દીનેશને ફોન કરતો હતો, પણ દીનેશ જવાબ નહોતો આપતો.

છેક આગ્રા રોડ જઈને એ લોકો પાછા આવતા હતા ત્યારે સદાબાદ પાસે કૃષ્ણને દીનેશની મોંઘીદાટ કાર દેખાઈ, એટલે એમણે ત્યાં જઈને કારને ઘેરી લીધી. કારમાં દીનેશ હતો અને પાછળની સીટ પર કૃતાર્થનું દફતર અને એની પાસે કૃતાર્થની લાશ પડી હતી! કૃષ્ણ ફસડાઈ પડયો અને એની સાથે આવેલા ગામલોકોએ દીનેશને કારમાંથી બહાર કાઢયો અને હોબાળો મચાવ્યો. કારની આસપાસ ભીડ જમા થઈ અને પોલીસ પણ આવી ગઈ. સદાબાદના પોલીસો દીનેશને ઓળખતા હતા. ભગતજીનો દીકરો અને અંગ્રેજી સ્કૂલનો માલિક- વળી. કારના આગળના કાચ ઉપર ભાજપનું સ્ટિકર! પોલીસે લોકોને વિખેરવા માટે અને દીનેશને જવા દેવા માટે પ્રયત્ન કર્યો એટલે લોકો વિફર્યા. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર આક્ષેપ મૂક્યો કે તમે પૈસા લઈને આ હત્યારાને જવા દેવા માગો છો! કૃષ્ણે સહપઉ પોલીસસ્ટેશનમાં ફોન કર્યો અને ત્યાંથી પણ પોલીસ આવી ગઈ અને કૃષ્ણની ફરિયાદ લઈને દીનેશને પકડી લીધો. દીનેશે પોલીસને એવું કહ્યું કે કૃતાર્થની તબિયત લથડી ગઈ હતી એટલે હું એને આગ્રાની હોસ્પિટલમાં લઈ જતો હતો, પરંતુ રસ્તામાં જ એ ક્યારે મરી ગયો એની મને ખબર નથી!

લોકોનો હોબાળો શાંત પાડીને પોલીસે કાર્યવાહી શરૂ કરી અને કૃતાર્થની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો હતો. બીજા ધોરણના વિદ્યાર્થી માસુમ કૃતાર્થની હત્યા ગરદન ભીંસીને એટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી કે એની ગરદનના હાડકાં પણ ભાંગી ગયાં હતાં! એ પછી તો પોલીસે દીનેશની આકરી પૂછપરછ કરી અને એમાંથી માનવબલિનું આખું કૌભાંડ બહાર આવ્યું. 

દીનેશના બાપા યશોધન તો મેલી વિદ્યાના સાધક હતા. સ્કૂલની આર્થિક ઉપાધિ અને પરિવારના પ્રશ્નોના ઉકેલ માટે એમણે બે મહિના અગાઉ દીનેશને રસ્તો બતાવ્યો હતો કે કુમળા બાળકનો બલિ આપવાથી આ તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને શાળાની સમૃધ્ધિ અને ખ્યાતિ પણ ખૂબ વધી જશે. રેસિડેન્શિયલ સ્કૂલના ચોવીસ બાળકોમાંથી વારાફરતી ચારેક બાળકોનો બલિ આપવાનો એમનો પ્લાન હતો. સ્કૂલની પાછળ ટયુબવેલવાળું મકાન તો એમનો મેલી વિદ્યાનો વર્કશોપ હતો જ. ત્યાં એમણે બલિ આપવા માટેની પૂરી તૈયારી કરી રાખી હતી.

પોલીસ માટે શરમજનક વાત એ હતી કે આ અગાઉ તારીખ ૬-૯-૨૦૨૪ની રાત્રે રાજુ નામના એક બાળકના બલિ માટે તખ્તો ગોઠવાઈ ચૂક્યો હતો. એ રાત્રે બાર વાગ્યે બાળકો ઊંઘતા હતા, ત્યાં સ્કૂલના પ્રિન્સિપાલ લક્ષ્મણસિંહ પહોંચી ગયેલા અને એમણે ઊંઘતા રાજુને ઉઠાવી લીધો. એને લઈને એ ઓરડામાંથી બહાર નીકળ્યા એ જ વખતે ગભરાયેલા રાજુએ ભયાનક ચીસાચીસ શરૂ કરી. એને ચૂપ કરવા માટે લક્ષ્મણસિંહે એની ગરદન તો દબાવી દીધી, પરંતુ લોંઠકો રાજુ પોતાના શરીરની પૂરી તાકાત વાપરીને એના હાથમાંથી છટકી ગયો અને સીધો જ ભાગીને ચાર કિલોમીટર દૂર પોતાના ગામ પહોંચી ગયો અને રડીને પોતાના પરિવારને વાત કરી. સવારે એને લઈને એના પિતા સહપઉ પોલીસસ્ટેશને ગયેલા ત્યારે પણ રાજુની ગરદન ઉપર લક્ષ્મણસિંહના આંગળાની છાપ તો દેખાતી જ હતી, એ છતાં પોલીસે એમની ફરિયાદ લેવાને બદલે સમજાવી દીધું કે એવું હોય તો તમારા દીકરાને એ નિશાળમાં ના મોકલતા! જો એ વખતે પોલીસે કાર્યવાહી કરી હોત તો કૃતાર્થનો જીવ બચી જતો.

કૃતાર્થના કેસમાં શું બનેલું? દીનેશની આકરી પૂછપરછ પછી એણે મોઢું ખોલીને પૂરી કબૂલાત કરી. મેલી વિદ્યાના વર્કશોપમાં જઈને કૃતાર્થનો ભોગ ધરાવવાનો હતો એની પૂરી તૈયારી થઈ ચૂકી હતી. બલિદાન માટેની સામગ્રી પણ ત્યાં ગોઠવાઈ ગઈ હતી.

 આ કાળા કામમાં સુત્રધાર તરીકે યશોધનસિંહ અને દીનેશ હતા. એમના સહાયક તરીકે પ્રિન્સિપાલ લક્ષ્મણસિંહ ઉપરાંત રામપ્રકાશ સોલંકી અને વીરપાલસિંહ નામના બે શિક્ષકો સામેલ હતા. પ્લાન એ રીતનો હતો કે તારીખ ૨૨-૯-૨૦૨૪ની રાત્રે કૃતાર્થને ઉઠાવીને મેલી વિદ્યાના વર્કશોપમાં લઈ જવાનો હતો. એને ઉઠાવી લાવવાની જવાબદારી રામપ્રકાશ સોલંકી અને વીરપાલસિંહને સોંપવામાં આવી હતી. રાત્રે સાડા બાર વાગ્યે રામપ્રકાશ ઓરડામાં ગયો અને કૃતાર્થને એણે ઊંચકી લીધો. એકદમ ગભરાઈને કૃતાર્થ જાગી ગયો અને ચીસાચીસ કરવા લાગ્યો એટલે નીચે સ્કૂલના ઓરડામાં જ એને પાટ પર સૂવડાવીને એનું મોઢું દબાવીને શાંત કરવા રામપ્રકાશ અને વીરપાલસિંહે પ્રયત્ન કર્યો પણ કૃતાર્થ શાંત ના થયો એટલે ધજાગરો થવાની બીકે રામપ્રકાશે એની ગરદન દબાવી દીધી! કૃતાર્થના શ્વાસ અટકી ગયા એ પછી દીનેશે એને હોસ્પિટલ લઈ જવાનું નાટક કર્યું અને કૃષ્ણને ફોન કરીને જાણ કરી.

માનવબલિની ખોફનાક ઘટનાની જાણ થઈ એટલે હાથરસ SP અશોકકુમારસિંહ અને એડિશનલ SP નિપુણ અગ્રવાલ પણ  રાસગવાં દોડી આવ્યા. તારીખ ૨૭-૯-૨૦૨૪ના દિવસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧) હેઠળ યશોધન, દીનેશ, લક્ષ્મણસિંહ, વીરપાલસિંહ અને રામપ્રકાશ સોલંકીની ધરપકડ કરવામાં આવી. આ જઘન્ય ઘટનાને લીધે આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. રેસિડેન્શિયલ સ્કૂલમાં કૃતાર્થની સાથે જે હતા એ બધા ગભરાયેલા બાળકો તો એમની માતાને વળગીને જ સૂવે છે અને અમુકની તો તબિયત પણ બગડી ગઈ છે. ગાવસ્કર નામના બાળકે તો એના પિતાને કહ્યું કે એક રાત્રે મને પણ ઉઠાવવા માટે સોલંકીસર આવેલા, પણ મેં ચીસો પાડી એટલે એ જતા રહેલા.

અમુક બાળકોએ હવે હિંમત કરીને મોઢું ખોલ્યું છે અને વેઠવી પડેલી યાતનાઓની વાત કહી છે. નાના નાના ગુના બદલ પણ બાળકોને વાળ ખેંચીને મારવામાં આવતા, ભીંત સાથે માથું અથડાવવામાં આવતું. દર અઠવાડિયે એકાદ વાર યશોધન પોતાની સાથે બીજા તાંત્રિકોને લઈને અર્ધી રાત્રે સ્કૂલમાં આવતો અને એક બંધ ઓરડામાં એમની તાંત્રિક વિધિ ચાલતી. એ ઓરડામાંથી ચિત્રવિચિત્ર અવાજો અને વાસ મારતો ધુમાડો બહાર આવતો એ જોઈને બાળકો ગભરાઈ જતા હતા. પ્રિન્સિપાલ લક્ષ્મણસિંહે બધા બાળકોને ધમકી આપી હતી કે ખબરદાર! સ્કૂલમાં જે કંઈ બને છે એની એકેય વાત તમારે તમારા ઘરનાને નથી કહેવાની. જો કોઈ એક શબ્દની પણ જાણકારી આપશે તો એને પંખા સાથે ઊંધો લટકાવીને ઝૂડી નાખીશું! 

સ્કૂલના પરિસરમાં મેલી વિદ્યા- મંત્ર-તંત્રની નિશાનીઓ હતી. ઠેર ઠેર બારણાં ઉપર લીંબુ-મરચાં લટકાવેલા હતા અને ઘોડાની નાળ પણ ઘણી જગ્યાએ લગાવેલી હતી. મુખ્ય દરવાજા ઉપર ગરદન ઉપર દોરી બાંધેલી એક ઢીંગલી પણ લટકાવેલી હતી! 

કૃષ્ણે  ભીની આંખે પત્રકારોને કહ્યું કે કૃતાર્થ સુરક્ષિત રહીને સારું ભણે એ માટે એને રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂકેલો. સરસ્વતી માતાનું મંદિર કાલા જાદૂને લીધે યમલોક બની ગયું છે, એ મને ખબર નહોતી! મારા કૃતાર્થનો ગુનો એટલો જ હતો કે એ જે સ્કૂલમાં ભણતો હતો, એના સંચાલકો જાનવરથી પણ બદતર હતા!

હાથરસ ડિસ્ટ્રિક્ટ બેઝિક એજ્યુકેશન ઑફિસર સ્વાતિ ભારતીએ સ્કૂલની તમામ માન્યતા રદ કરીને સ્કૂલને તાળું મરાવી દીધું છે. સ્કૂલને જેની માન્યતા હતી એવા વર્ગોમાં તો માત્ર દોઢસો વિદ્યાર્થીઓ જ હતા, બાકી સાડા પાંચસો વિદ્યાર્થીઓ તો માન્યતા વગરના વર્ગોમાં જ ભણી રહ્યા હતા. આ તમામ બાળકોને આસપાસની બીજી સ્કૂલોમાં પ્રવેશ અપાવવા માટે એ મેડમ અત્યારે પ્રયત્નશીલ છે. ચાર વર્ષથી આ સ્કૂલ આવી રીતે જ ચાલતી હતી, પણ કોઈએ જોવાની દરકાર નહોતી કરી.

આખા હાથરસ જિલ્લામાં હાહાકાર મચાવનારી આ ઘટનાના પાંચેય આરોપીઓ અત્યારે જેલમાં છે. રામપ્રકાશ સોલંકીની પત્ની મુન્નીદેવી તારીખ ૩૦-૯-૨૦૨૪ ના દિવસે પોતાના પુત્ર પવનને લઈને પતિને મળવા જેલમાં આવેલી. બહાર નીકળીને એણે ભીની આંખે પત્રકારોને કહ્યું 'પાંચેય જણાને એક જ ઓરડીમાં રાખ્યા છે, એટલે મને બીક લાગે છે. ભગત અને એનો દીકરો દીનેશ મારા વરને ત્રાસ આપીને કહે છે કે તેં એકલાએ જ આ કામ કર્યું છે, એવી કબૂલાત કરી લે. તને પચાસ લાખ રૂપિયા આપીશું. મારો વર માનતો નથી એટલે એના ઉપર સતત પ્રશર કરીને એને ઊંઘવા પણ નથી દેતા. મને તો બીક છે કે એ બે રાક્ષસ મારા વરને મારી નાખશે!'

માત્ર ઉત્તરપ્રદેશના શિક્ષણજગતમાં જ આવું બને છે, એવું માનવાની જરૂર નથી. આપણા ગુજરાતમાં ગોવિંદ છગન નટ નામના આચાર્યનો કિસ્સો તાજો છે. યશોધને મેલી વિદ્યાની સાધનામાં નવ વર્ષના બાળકનું બલિદાન આપવા માટે હત્યા કરેલી, ગોવિંદ નટે વાસના સંતોષવા માસુમ બાળકીની હત્યા કરી નાખેલી!


Google NewsGoogle News