રક્ષક ભક્ષક બને એવા કિસ્સા વધી રહ્યા છે
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- કાનપુર બજરંગ દળના સભ્યોએ દેખાવો કરીને કહ્યું કે લવ જેહાદના આ કિસ્સામાં અપરાધી પોલીસ અધિકારી હોવાથી પોલીસ એને છાવરી રહી છે
આ જે ક્રાઈમવોચમાં એક સાથે બે તાજી ઘટનાઓ સાંકળી લીધી છે. આપણા દેશના બે અલગ અલગ છેડે બનેલી બંને ઘટનાઓમાં ગુનાનો પ્રકાર સાવ જુદો છે, પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુર અને તમિલનાડુના ચેન્નાઈમાં બનેલી ઘટનાઓમાં એક વાત સમાન છે - જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે શું થાય?
પહેલા દક્ષિણ ભારતની વાત જોઈએ. તામિલનાડુ કોંગ્રેસના પદાધિકારી જુનૈદ અહેમદની માલિકીનું એક સી.ટી. સ્કેન સેન્ટર ચેન્નાઈના વાનિયમ બાડી વિસ્તારમાં આવેલું છે. એ ઉપરાંત ચેન્નાઈમાં ઘણી જગ્યાએ એમના ધંધાકીય એકમો આવેલા છે. એ દરેક જગ્યાએથી દર સોમવારે પૈસાનું કલેક્શન કરવામાં આવતું હતું. આ કામ માટે એમણે એમના વિશ્વાસુ માણસ મોહંમદ ગૌસને જવાબદારી સોંપી હતી. મોહંમદ ગૌસ વોશરમેનપેટ વિસ્તારમાં રહેતો હતો.
સોમવાર, તારીખ ૧૬-૧૨-૨૦૨૪ રાત્રે આઠ વાગ્યે ચેન્નાઈની હવામાં ગુલાબી ઠંડક ભળી હતી. કલેક્શન એજન્ટ મોહંમદ ગૌસ પોતાનું ઉઘરાણીનું કામ પતાવીને હાથમાં બેગ લઈને અન્નાસરાઈ વિસ્તારમાં આવેલી સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાસેથી પસાર થઈને આગળ વધતો હતો, એ જ વખતે ઊભો રહે એમ કહીને એક યુનિફોર્મધારી પોલીસ અધિકારીએ એને અટકાવ્યો. મોહંમદ ગૌસ શાંતિથી ઊભો રહ્યો. પોલીસ અધિકારીએ પૂછયું કે તારી બેગમાં શું છે? ગૌસ પાસે છૂપાવવા જેવું તો કંઈ હતું નહીં એટલે એણે કહ્યું કે મારા શેઠ વતી કલેક્શન કરેલા વીસ લાખ રૂપિયા છે. પેલાએ કહ્યું એટલે ગૌસે તો બેગ ખોલીને પાંચસો-પાંચસોની કડકડતી નોટોની થપ્પીઓ એને બતાવી. એ જોઈને પોલીસે પૂછયું કે આ રકમના કોઈ પેપર્સ કે ડોક્યુમેન્ટસ્ તારી પાસે છે? ગૌસે નકારમાં માથું ધૂણાવીને સમજાવ્યું કે જુદી જુદી જગ્યાએથી લીધેલા આ પૈસા મારે શેઠને પહોંચાડવાના છે. એમાં કોઈ પેપર્સ જોઈએ એની મને ખબર નથી, તમે મારા શેઠને પૂછજો.
આ વાત દરમ્યાન પોલીસ અધિકારીએ કોઈને ફોન કરી દીધો અને દસ જ મિનિટમાં એક માણસ ત્યાં આવ્યો. એણે ગૌસને ધમકાવ્યો. હું ઈન્કમટેક્સ અધિકારી છું અને તારે આ પૈસાનો અમને હિસાબ આપવો પડશે. હવે ગૌસ ગભરાયો. એણે એના શેઠને ફોન કરવા માટે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢયો કે તરત પોલીસ અધિકારીએ એ ઝૂંટવી લીધો! એ જ વખતે ભારત સરકાર લખેલી એક કાર ત્યાં આવી અને એમાંથી બે રૂઆબદાર માણસો ત્યાં આવ્યા.એમણે પણ પોતાની ઓળખ ઈન્કમટેક્સ અધિકારી તરીકે આપી અને ગૌસની પૂછપરછ કરી. એ ચારેયની વચ્ચે ઊભેલો ગૌસ વધુ ગભરાયો અને એણે શેઠ સાથે વાત કરાવવાની વિનંતિ કરી, પરંતુ પેલા લોકોએ કહ્યું કે પહેલા તો તને અમારી ઈન્કટેક્સની ઓફિસે લઈ જવો પડશે, એ પછી તું તારા શેઠને ત્યાં બોલાવજે. એમ કહીને એમણે ગૌસને પરાણે કારમાં બેસાડી દીધો. પોલીસ અધિકારી અને ત્રણેય ઈન્કમટેક્સ અધિકારી પણ કારમાં બેસી ગયા અને કાર સ્ટાર્ટ કરી.
એમની કાર ઈન્કમટેક્સની ઓફિસ તરફ જવાને બદલે એગ્મોર ચિલ્ડ્રન હોસ્પિટલ તરફ આગળ વધી અને એક સૂમસામ જગ્યાએ અટકી. બધા નીચે ઊતર્યા. વીસ લાખ રૂપિયા ભરેલી બેગ હજુ સુધી તો ગૌસના હાથમાં જ હતી. યુનિફોર્મવાળા પોલીસ અધિકારીએ અચાનક ખિસ્સામાંથી ચાકુ કાઢીને ગૌસની ગરદન પર રાખ્યું અને ઈન્કમટેક્સ અધિકારીએ ગૌસના હાથમાંથી બેગ ઝૂંટવી લીધી. ચાકુ અને ચાર માણસનો પ્રતિકાર કરવાની ગૌસની તાકાત નહોતી, એ પરવશ બનીને ઊભો રહ્યો. બેગમાંથી પંદર લાખ રૂપિયા કાઢીને એ લોકોએ લઈ લીધા. પાંચ લાખ રૂપિયા અને બેગ ગૌસના હાથમાં પકડાવીને એ ચારેય સરકારી કારમાં બેસીને રવાના થઈ ગયા. ગૌસનો મોબાઈલ પણ નીચે ફેંકી દીધો. એમના ગયા પછી ગૌસ ભોંય પર ફસડાઈ પડયો. કલેક્શન એજન્ટ તરીકેની નોકરીમાં પહેલી વાર આવું બન્યું હતું એટલે શેઠ શું કહેશે? ધૂતારાઓ પંદર લાખ લૂંટી ગયા છે, એ વાત એમના ગળે ઊતરશે? ગૌસનું મગજ ઠેકાણે નહોતું. દયામણી દશામાં એ ઘેર પહોંચ્યો.
બીજી સવારે શેઠ જુનૈદ અહેમદ પાસે જઈને ગૌસે હકીકત જણાવી ત્યારે એના ખભે હાથ મૂકીને જુનૈદે ધરપત આપીને કહ્યું કે મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. બંને ટ્રિપ્લિકેન પોલીસસ્ટેશન પહોંચ્યા અને એમની વાત સાંભળીને પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા.
અહીં સુધીની વાત વાંચીને આપણે ધારી લઈએ કે ગુજરાતની જેમ નકલી અધિકારીઓએ ગૌસને લૂંટી લીધી હશે, પણ ના! ગૌસને લૂંટનારા ચારેય પાત્ર સાચા જ હતા. પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે બધા સીસીટીવી ફૂટેજ ધ્યાનથી ચકાસીને રિપોર્ટ આપ્યો એ જોઈને ટ્રિપ્લિકેન પોલીસસ્ટેશન ખળભળી ઉઠયું. ગૌસને રોકનાર અને છરો બતાવીને લૂંટનાર તો આ પોલીસસ્ટેશનનો સ્પેશિયલ સબ ઈન્સ્પેક્ટર રાજા સિંહ જ નીકળ્યો! પોલીસ પોલીસને છાવરે એવું ચેન્નાઈમાં ના બન્યું. તરત જ રાજા સિંહની ધરપકડ કરીને જરાય દયામાયા વગર એની આકરી પૂછપરછ કરી એટલે એણે બાકીના ત્રણેય સાગરીતના નામ પણ આપી દીધા. ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર દામોદરન, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર પ્રદીપ અને ઈન્કમટેક્સ સુપરિટેન્ડેન્ટ પ્રભુ! આ ચંડાળચોકડીએ લૂંટેલા પંદર લાખ રૂપિયાના ભાગ પાડવાના હજુ બાકી હતા એટલે પ્રભુના ઘરમાંથી એ પૈસા પણ અકબંધ પાછા મળી ગયા!
યુનિફોર્મ પહેરીને પોતાની જ્યાં ડયુટી હોય ત્યાં ઊભા રહીને રાજા સિંહ પસાર થતા આવા બકરાને પકડતો અને તરત પ્રભુને ફોન કરી દેતો. પ્રભુ દામોદરન અને પ્રદીપને ફોન કરતો અને ત્રણેય ત્યાં આવી જતા. એમની આવી કાર્યપધ્ધતિથી એમણે અગાઉ કેટલા શિકાર ઝડપ્યા છે એ માટે જેલમાં પૂરી દેવાયેલા આ ચારેયની પૂછપરછ ચાલુ છે!
રક્ષક જ ભક્ષક બને એવી બીજી ઘટના કાનપુરની છે. ચેન્નાઈના ઉપરી અધિકારીઓએ સહકર્મચારીને બદલે કાયદા અને ન્યાયને વધુ મહત્વ આપીને સબઈન્સ્પેક્ટર રાજા સિંહને તાત્કાલિક સળિયા પાછળ ધકેલી દીધો, પરંતુ કાનપુરમાં પરિસ્થિતિ અલગ છે. જેના પર બળાત્કારનો આરોપ છે એ એ.સી.પી. મોહસિનખાન હજુ આઝાદીથી ફરે છે! મોહસિનખાનની કુંડળી કંઈક આવી છે. જન્મ ૧૯૮૫ માં, ૨૦૧૩ માં ેંઁજીભ ની પરીક્ષા પાસ કરીને ૨૦૧૫ માં ઘજીઁ બનીને તાલીમ પછી ૨૦૧૭ માં કન્ફર્મ થઈને અલીગઢમાં પોસ્ટિંગ, એ પછી ૨૦૨૧ ફેબુ્રઆરીમાં સિનિયરનો ગ્રેડ મેળવીને આગ્રામાં પોસ્ટિંગ મળ્યું. ત્યાં તાજમહાલની સુરક્ષામાં ચીફ ઓફિસર તરીકે એના કાર્યકાળ દરમ્યાન એના ઉપર લાંચ-રૂશ્વતના ગંભીર આરોપો મૂકાયા. પ્રવાસીઓની સુરક્ષાને બદલે આસપાસની હોટલોમાંથી કમિશનનો ધંધો અને એમાં વળી બે હોટલવાળા જોડે કમિશન માટે મોટો વિવાદ થયો. એને લીધે એને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો અને કાનપુરમાં કલેક્ટર ગંજમાં એ,સી,પી. તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું.
કાનપુરની આઈ.આઈ.ટી. માં સાયબર સિક્યોરિટીમાં પીએચ.ડી. કોર્સ કરવા માટે મોહસિને પ્રવેશ લીધો. એકાદ વર્ષ અગાઉ આઈ.આઈ.ટી. માં પી.એચ.ડી.નો અભ્યાસ કરતી એક યુવતી સાથે કોઈ પ્રસંગમાં સામાન્ય ઓળખાણ થઈ હતી. પશ્ચિમ બંગાળની એ યુવતી-પૂજાને આઈ.આઈ.ટી. પરિસરમાં જોઈને મોહસિન એની પાસે પહોંચી ગયો અને વાતચીત શરૂ કરી. ( યુવતીનું નામ બદલેલું છે.) મોહસિન પરણેલો હતો, એક બાળકનો પિતા હતો, એ છતાં એ પૂજાની પાછળ પાગલ બની ગયો અને ધીમે ધીમે પૂજાને પોતાની પ્રેમજાળમાં ફસાવી. છેક પશ્ચિમ બંગાળથી આવેલી છવ્વીસ વર્ષની પૂજાને પણ અહીં ઉત્તરપ્રદેશમાં કોઈકના સહારાની જરૂર હતી અને આ પોલીસ અધિકારીએ તો પ્રેમમાં પડીને પૂજાને લગ્નનું વચન પણ આપી દીધું! કોલેજ પરિસરમાં મુલાકાતો તો થતી જ હતી, પણ એ ઉપરાંત મોહસિન તો પૂજાને વોટસેપ પર મેસેજ પણ મોકલતો હતો. શરૂઆતમાં ગુડમોર્નિંગ અને સુવાક્યોના મેસેજ પછી એણે તો અશ્લિલ સંદેશા પણ મોકલવાનું શરૂ કરી દીધું. અલબત્ત, પૂજા એવા એક પણ મેસેજનો જવાબ નહોતી આપતી. હું કુંવારો છું અને તારી સાથે જ લગ્ન કરવાનો છું- એવું કહીને મોહસિને પૂજાને પટાવી અને એની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો.
આવું બે-ત્રણ વાર બન્યા પછી મોહસિનનું વર્તન જોઈને પૂજાને શંકા પડી, એટલે એણે પ્રેમની ભાષા છોડીને સખ્તાઈથી મોહસિનને પૂછયું. એ વખતે મોહસિને પૂજાને કહ્યું કે હા, હું પરણેલો છું, પરંતુ મારી મિસિસ સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલુ છે! છૂટાછેડા મળી જાય પછી તારી સાથે લગ્ન કરીશ!
પૂજા ચોંકી ઉઠી.આ માણસે ખોટું વચન આપીને મને મૂરખ બનાવી છે, એનું ભાન થયું કે એટલે એણે વકીલની સલાહ લીધી અને એને સાથે લઈને પોલીસસ્ટેશને પહોંચી. તારીખ ૧૨-૧૨-૨૦૨૪ ના દિવસે એણે ફરિયાદ નોંધાવી કે એ.સી.પી. મોહસિનખાને મને લગ્નનું વચન આપીને મારા પર બળાત્કાર ગુજાર્યો છે. એના વકીલે પણ પોલીસ અધિકારીઓને વિનંતિ કરી કે તમે તાત્કાલિક એક્શન લો. જો તમે તરત પગલાં નહીં લો, તો એ માણસ કોર્ટમાં જઈને બચવા માટેનો રસ્તો શોધી કાઢશે!
ફરિયાદ પોલીસસ્ટેશનમાં થઈ હતી અને આરોપીનો હોદ્દો એસીપીનો હતો, એટલે વકીલની આગાહી સાચી પડી. પાંચ દિવસ સુધી પોલીસે કંઈ કર્યું નહીં અને મોહસિનખાન એના વકીલ ગૌરવ દીક્ષિતની સાથે હાઈકોર્ટમાં પહોંચી ગયો. વકીલે એવું કહ્યું કે આ છોકરીના તો બંગાળમાં લગ્ન થઈ ચૂકેલા છે, અને એણે મારા અસીલ ઉપર સાવ ખોટો આરોપ મૂક્યો છે. એની ધરપકડ સામે સ્ટે આપો. ફરિયાદના પાંચમા દિવસે તો હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપી દીધો. હવે મોહસિનની ધરપકડ કરવાનું પોલીસ માટે શક્ય નહોતું.
આરોપીનું નામ મોહસિનખાન હોવાથી કાનપુર બજરંગ દળના સભ્યોએ દેખાવો કરીને કહ્યું કે લવ જેહાદના આ કિસ્સામાં અપરાધી પોલીસ અધિકારી હોવાથી પોલીસ એને છાવરી રહી છે. પોલીસે મોહસિનને અભયદાન આપ્યું છે.
આ બધા ઘટનાક્રમથી પૂજાની તબિયત પણ લથડી. ભયાનક હતાશા સાથે એ રડીને પત્રકારો પાસે પોતાનો બળાપો કાઢતી હતી.
પૂજાના પિતાએ પણ પોતાની દીકરીને ન્યાય મળે અને અપરાધીને સજા મળે એ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ઉપરાંત દેશના વડાપ્રધાનને પણ ટ્વીટર દ્વારા વિનવણી કરી છે. એમણે તો એમાં એવી દહેશત પણ વ્યક્ત કરી કે મારી દીકરીની બદનામી કરનાર સામેની પાર્ટી શક્તિશાળી છે, એટલે મારી દીકરીના જીવ પર હવે જોખમ છે, એને સુરક્ષા પણ મળવી જોઈએ.
મોહસિનનો વકીલ ગૌરવ દીક્ષિત પત્રકારો સમક્ષ નિવેદન આપતી વખતે એવું જ કહેતો હતો કે આ પૂજાએ તો બંગાળમાં કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરેલા છે, અને અહીં મોહસિનને ફસાવવા માટે મનઘડંત આક્ષેપ મૂકી રહી છે. મોહસિન પરણેલો છે, ને એક બાળકનો પિતા પણ છે, એ હકીકતની પૂજાને તો પહેલેથી જ ખબર હતી!
પૂજાના વકીલે એને સમજાવી એટલે તારીખ ૨૪-૧૨-૨૦૨૪ ના દિવસે પૂજાએ બીજી ફરિયાદ પણ નોંધાવી છે. એમાં મોહસિન ઉપરાંત તેના વકીલ ગૌરવ દીક્ષિતનું પણ નામ લખાવીને એના ઉપર પણ કેસ દાખલ કર્યો છે.
મોહસિનની ધરપકડ પર તો સ્ટે છે, એટલે એને પકડીને પૂરી દેવાનું શક્ય નથી, પરંતુ એની ટ્રાન્સફર કરીને એને પોલીસ હેડ ક્વાર્ટરમાં મૂકી દેવાયો છે.
પોલીસે આ કેસની તપાસ માટે ટીમ બનાવી છે. આઈ.આઈ.ટી. પરિસરના સીસીટીવી ફૂટેજમાં મોહસિન પૂજાની સાથે હોય એવા ક્લિપિંગ્ઝ પણ મળ્યા છે. એ ઉપરાંત પોલીસે પૂજાનો મોબાઈલ પણ કબજે કરી લીધો છે. મોબાઈલમાં મોહસિને પૂજાને મોકલાવેલા બિભત્સ સંદેશાઓ પણ છે. આવા એક પણ મેસેજનો પૂજાએ કોઈ જવાબ નથી આપેલો, એની પણ પોલીસે નોંધ લીધી છે. હાલમાં કલ્યાણપુરના એસીપી અભિષેક પાંડેએ પત્રકારોને જણાવ્યું કે પૂજાની બંને ફરિયાદ અંગે તપાસ ચાલી રહી છે, અને પોલીસ પુરાવાઓ એકઠાં કરી રહી છે.
પોતાની દુર્દશા પર હતાશ પૂજા રડીને પણ લડી લેવાના મૂડમાં છે, અને મોહસિનખાન મસ્તીથી આઝાદ ઘૂમી રહ્યો છે! જો કે છેલ્લા સમાચાર પ્રમાણે પીએચ.ડી. પ્રોગ્રામમાંથી મોહસીનખાનની હકાલપટ્ટી કરવામાં આવી છે.
ગુજરાતીમાં આપણે બે વાક્ય વારંવાર સાંભળીએ છીએ. વાડ જ ચીભડાં ગળે અને રક્ષક જ ભક્ષક બને - આજની આ બંને ઘટનાઓ માટે આવું જ કહી શકાય!