પુત્ર ઘેલછામાં તાંત્રિકના ચક્કરમાં સર્વનાશ .

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
પુત્ર ઘેલછામાં તાંત્રિકના ચક્કરમાં સર્વનાશ                    . 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- અનિલ ચૌધરી

- તનુ ચૌધરી

- તાંત્રિક કનૈયો

- દીકરી માન્વી

- પોલીસને માહિતી આપતી માન્વી-દાદા સાથે

- તાંત્રિક કનૈયાએ એને કહ્યું કે હું મહેંદીપુર બાલાજીનો કૃપાપાત્ર ભક્ત છું. દર શનિવારે અહીં દરબારમાં જે આવે છે, એની દરેક ઈચ્છા પૂરી થાય છે

ઉ ત્તરપ્રદેશનું મુરાદાબાદ એના પિત્તળના કલાત્મક વાસણો માટે વિખ્યાત છે. ઈ.સ. ૧૬૨૫ માં રામગંગા નદીના કાંઠે આ શહેર પર કબજો કરીને મોગલ બાદશાહ શાહજહાંના પુત્ર મુરાદ બખ્શે એનું નામ મુરાદાબાદ રાખેલું. આ શહેરની તાજી ક્રાઈમ કથામાં વાંચો-પુત્રએષણા અને હવસમાં હેવાન બનેલી ી તાંત્રિકની મોહજાળમાં ફસાઈને સર્વનાશ નોતરે છે!

મૂળ રામપુર જિલ્લાના અનિલ ચૌધરીએ બાર વર્ષની ઉંમરે મુરાદાબાદ આવીને પિત્તળના ધંધામાં મજૂરી કરીને અનુભવ મેળવવાનું શરૂ કરેલું અને સોળ વર્ષની ઉંમરે તો પોતાનો સ્વતંત્ર કારોબાર શરૂ કરી દીધેલો. અનુભવ, મહેનત અને નસીબના જોરે આજે બત્રીસ વર્ષની ઉંમરે પિત્તળના કારોબારમાં એ કરોડપતિ બની ચૂક્યો હતો.

અનિલના પિતાનું નામ મુન્નુસિંહ ચૌધરી. દીકરો મુરાદાબાદમાં કમાતો થઈ ગયો હોવાથીઅઢાર વર્ષની ઉંમરે જ એમણે અનિલને પરણાવી દીધેલો. મુરાદાબાદના કટઘર વિસ્તારમાં ગાડીખાના મહોલ્લામાં અનિલનું મકાન હતું. અનિલની પત્નીનું નામ તનુ ચૌધરી. એમના સુખી લગ્નજીવનમાં પ્રથમ સંતાનનું આગમન થયું ત્યારે એ દીકરીનું નામ રાખ્યું માન્વી. થોડા વર્ષ પછી તનુ ફરી વાર માતા બનવાની હતી ત્યારે પુત્રનો જન્મ થાય એ માટે તનુએ અનેક બાધા-આખડી રાખેલી, પરંતુ એની એકેય બાધા ફળી નહીં અને બીજી પુત્રીનો જન્મ થયો. એ દીકરીનું નામ રાખવામાં આવ્યું નાવ્યા.પોતાના પિત્તળના ધંધા માટે મહિનામાં દસેક દિવસ અનિલે જુદા જુદા શહેરોમાં એણે ધંધાના કામ માટે જવું પડતું હતું. બંને દીકરીઓના ઉછેરમાં તનુએ કોઈ કસર નહોતી છોડી. 

પ્રેમાળ કરોડપતિ પતિ અને ગૌરવ લઈ શકાય એવી ડાહી બે દીકરીઓ- તનુનો સંસાર ખૂબ સુખી હતો, એ છતાં દુ:ખી થઈને એ વિચારતી કે આ દીકરીઓ તો મોટી થઈને સાસરે જતી રહેશે. ભગવાને એક દીકરો નથી આપ્યો એટલે અમારો વંશવેલો કઈ રીતે ચાલુ રહેશે? આ બધી સંપત્તિનો એક વારસદાર તો જોઈએને? એની ઉંમર હજુ તો અઠ્ઠ્યાવીસ વર્ષની જ હતી, એટલે ત્રીજું સંતાન પુત્ર જ આવે એ માટે એ રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી. અનિલ ચૌધરીને તનુ ઉપર અનહદ લાગણી હતી, પરંતુ એની આ જીદ એને પસંદ નહોતી.  એ તનુને કહેતો કે સરસ મજાની ઢીંગલીઓ જેવી બે દીકરીઓ ભગવાને આપી છે. ભવિષ્યમાં બે જમાઈ શોધીશું, એમને આપણા દીકરા જ ગણવાના!  એ છતાં, તનુ વારંવાર એને કહેતી હતી કે હવે પછી પુત્ર જ આવે એ માટે દિલ્હી જઈને કોઈ મોટા ડૉક્ટરને બતાવીએ. ત્યારેઅનિલ એને સમજાવતો કે છેક અમેરિકા જઈએ અને ત્યાંના ડૉક્ટરને મળીએ, તો પણ દીકરો જ આવશે, એવી ગેરંટી તો દુનિયાનો એકેય ડૉક્ટર ના આપી શકે! એ છતાં, પુત્રની ઝંખનામાં તરસતી તનુને અનિલની એકેય દલીલ ગળે નહોતી ઊતરતી!

એપ્રિલ, ૨૦૨૩ માં તનુને એક મહિલાએ કહ્યું કે અહીં નજીકમાં છોટાછત્તી વિસ્તારમાં આમોદ ગુપ્તાના મકાનમાં કનૈયા નામનો તાંત્રિક દર શનિવારે બાલાજી દરબાર ભરે છે. તમે ત્યાં જાવ તો તમારી ઈચ્છા પૂરી થશે.

તનુના ઘેરથી છોટાછત્તી તો ચાલતા પાંચ મિનિટમાં જ જવાય. પછીના શનિવારે એ બહેનની સાથે તનુ બાલાજી દરબારમાં ગઈ. તાંત્રિક કનૈયાએ એને કહ્યું કે હું મહેંદીપુર બાલાજીનો કૃપાપાત્ર ભક્ત છું. દર શનિવારે અહીં દરબારમાં જે આવે છે, એની દરેક ઈચ્છા પૂરી થાય છે.(રાજસ્થાનમાં દૌસા-કરૌલી પાસે બે ટેકરીઓની વચ્ચે મહેંદીપુર બાલાજી-હનુમાનજીનું પૌરાણિક મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મનવાંછિત ફળ મેળવવા માટે ત્યાં હમેશાં ભાવિકોની ભીડ રહે છે.) 

પોતાને સંતાનમાં પુત્ર જોઈએ છે, એવી ઈચ્છા તનુએ કનૈયા પાસે વ્યક્ત કરી એટલે કનૈયાએ ખાતરી આપી કે બાલાજી પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરશે. એ પછી તનુ દર શનિવારે ત્યાં જવા લાગી. ક્યારેક તો એ બંને દીકરીઓને પણ સાથે લઈ જતી હતી. મંત્ર-તંત્ર અને ઝાડુફૂંકના બહાને કનૈયાએ તનુને પ્રેમજાળમાં ફસાવી દીધી. તનુ પણ એના પ્રેમમાં ડૂબી ગઈ. દુનિયાને દેખાડવા માટે તનુએ કનૈયાને ધર્મનો ભાઈ બનાવ્યો, એ પછી તો એ વારંવાર તનુના ઘેર પણ આવવા લાગ્યો. તનુની દીકરીઓ એને કનૈયામામા જ કહેતી હતી.  

આમોદ ગુપ્તાના મકાનમાં કનૈયા ભાડે રહેતો હતો, પણ આમોદ ગુપ્તા કનૈયાનો ભક્ત બની ચૂક્યો હોવાથી હવે તો એ ભાડું પણ નહોતો લેતો. આ તાંત્રિક કનૈયો મૂળ તો સંભલ જિલ્લાના બહજોઈ ગામનો. સંભલ જિલ્લાનો જ મોહિત નામનો યુવાન એની બહેનનો વળગાડ દૂર કરાવવા કનૈયા પાસે આવેલો, અને એની બહેનને સારું થઈ ગયું, એ પછી કનૈયાનો ચેલો બનીને મોહિત એની સાથે જ રહેતો હતો અને એના તમામ કામ કરતો હતો.

તનુ કનૈયાને ભાઈ કહેતી હતી અને બંને દીકરીઓ મામા કહેતી હતી. આ ઉપરાંત અનિલ ચૌધરીને તો તનુ ઉપર પોતાની જાત કરતાંય વધારે વિશ્વાસ હતો એટલે એને તનુ-કનૈયાના વધી ગયેલા સંબંધની ગંધ પણ નહોતી આવી. ધંધાના કામ માટે અનિલ બહારગામ જાય ત્યારે માન્વી અને નાવ્યા-બંને દીકરીઓ ઊંઘી જાય પછી તનુ ફોન કરીને કનૈયાને બોલાવી લેતી હતી!

એપ્રિલ,૨૦૨૪ માં તનુએ કહ્યું કે મારે રાજસ્થાનમાંમહેંદીપુર બાલાજી-હનુમાનજીના મંદિરે પૂજા કરવા જવું છે. બંને દીકરીઓને પણ હું સાથે લઈ જઈશ. કનૈયાભાઈ ત્યાં અમને પૂજા કરાવશે. પત્ની ઉપર પૂરો ભરોસો હોવાથીઅનિલે સંમતિ આપી. કનૈયા સાથે તનુ રાજસ્થાન ગઈ. ત્યાં હોટલમાં બંને દીકરીઓ એક રૂમમાં અને તનુ-કનૈયા બીજા રૂમમાં રોકાયા હતા. તનુ સાથે બહાર ફરતી વખતે કનૈયાએ પ્રેમપ્રચુર વીડિયો ઊતાર્યો અને મોહિત અને આમોદ ગુપ્તાને મોકલ્યો. એ વીડિયો વાયરલ થઈને અનિલ સુધી પહોંચ્યો એટલે જ્યારે તનુ પાછી આવી ત્યારે પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો. અનિલે તનુએ સખ્ત તાકીદ કરી કે એ તાંત્રિક સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો નથી.

તારીખ ૧૩-૭-૨૦૨૪-શનિવારે સાંજે તનુ બંને દીકરીઓને સાથે લઈને કનૈયાના બાલાજી દરબારમાં ગઈ હતી. દરબારમાં આવેલા ભાવિકોની સરભરા આમોદ ગુપ્તા અને મોહિત કરી રહ્યા હતા. દરબાર પતી ગયો એ પછી તનુએ બંને દીકરીઓને ઘેર મોકલી દીધી અને પોતે એકાદ કલાક ત્યાં રોકાઈ.

રાત્રે એક વાગ્યે એવી ચીસાચીસ થઈ કે બધા પાડોશીઓ અનિલ ચૌધરીના ઘરની બહાર ભેગા થઈ ગયા. ભયાનક ચીસો સાંભળીને એક પાડોશીએ પોલીસને ફોન કરી દીધો હતો એટલે પોલીસની જીપ પણ આવી ગઈ. ઘરની હાલત જોઈને પોલીસ ચોંકી ઉઠી. બેડરૂમમાં પલંગ પર લોહીલુહાણ હાલતમાં અનિલ ચૌધરીની લાશ પડી હતી. પોલીસને આશ્ચર્ય એ વાતનું થયું કે અનિલની લાશ તો બેડરૂમમાં હતી, એ છતાં છેક ગેટ સુધી લોહીનો રેલો પથરાયેલો હતો!

તનુ એક ખૂણામાં બેસીને રડતી હતી, સાથોસાથ સગાંસંબંધીઓને ફોન કરતી હતી. મોટી દીકરી માન્વીએ ઈન્સ્પેક્ટરને કહ્યું કે આમોદ ગુપ્તા અને મોહિત ઘરમાં આવેલા અને એમણે ચાકુના ઘા મારીને મારા પપ્પાને મારી નાખ્યા! પપ્પાની ચીસો સાંભળીને હું જાગી ગઈ અને દોડીને ત્યાં ગઈ. મેં એ બંનેને જોયા. પપ્પાને બચાવવા માટે મેં આમોદનો હાથ પકડી લીધેલો પણ એ તો ચાલીસ વર્ષનો પહેલવાન જેવો-એણે મને ધક્કો મારીને હડસેલી દીધી!

તું એ બંનેને ઓળખે છે? ઈન્સ્પેક્ટરે પૂછયું. પાક્કા ઓળખું છું..માન્વીએ તરત કહ્યું.. એ બંને કનૈયા મામાની સાથે જ રહે છે. 

કનૈયામામા કોણ છે?ઈન્સ્પેક્ટરે આગળ પૂછયું. કનૈયા મામા દર શનિવારે દરબાર ભરે છે. મારી મમ્મીને પાક્કી ઓળખાણ છે. મમ્મીનો એ ધર્મનો ભાઈ છે. મેં એમનું ઘર પણ જોયેલું છે. 

ઘટનાને નજરે જોનાર સાક્ષી તરીકે માન્વી પાસેથી આટલી જાણકારી મેળવ્યા પછી ઈન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે જોડાઈ ગયા અને આવી ગયેલી ફોરેન્સિક ટીમ સાથે પણ ચર્ચા કરી. પિત્તળના મોટા કારોબારીની હત્યાનો મામલો હોવાથી SP (City)  અખિલેશ ભદૌરિયા પણ ત્યાં આવી ગયા હતા.અનિલના પિતા મુન્નુસિંહ ચૌધરી આવીને અનિલની લાશ જોઈને ફસડાઈ પડયા હતા. માન્વી એમને વળગીને રડતી હતી.

માન્વીએ આરોપીનું ઘર જોયેલું હતું એટલે ઈન્સ્પેક્ટરે હેડકોન્સ્ટેબલને માન્વી સાથે મોકલ્યા. માન્વીએ ઘર બતાવ્યું, પણ ત્યાં તાળું હતું. પંચનામાની વિધિ પતાવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

એ જ રાત્રે આ કથામાં બીજો વળાંક એ આવ્યો કે અનિલના ઘરથી દોઢસો મીટર દૂર રસ્તામાં લોહીથી લથબથ આમોદ ગુપ્તા બેહોશ હાલતમાં પડયો હતો! એને જીપમાં નાખીને પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ, ત્યાં ડૉક્ટરે એને મરેલો જાહેર કર્યો !પોલીસ માટે આ લાશ પણ એક કોયડો બની ગઈ!

તનુની પૂછપરછમાં તનુએ ઈન્સ્પેક્ટરને કહ્યું કે એ કોઈ કનૈયાને ઓળખતી નથી! એનો આ જવાબ સાંભળીને ઈન્સ્પેક્ટરની આંખ ચમકી. માન્વીએ તો કહેલું કે મારી મમ્મીને કનૈયા મામા સાથે પાક્કી ઓળખાણ છે! પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી અને મોહિતના સંપર્કમાં હતા એ સહુની પૂછપરછ પછી મોહિતના સંતાવાના સ્થળની જાણકારી મળી ગઈ. બુધવાર તારીખ ૧૭-૭-૨૦૨૪ સવારે જ પોલીસે મોહિતને ઝડપી લીધો. આકરી પૂછપરછમાં એ ભાંગી પડયો અને વટાણા વેરી નાખ્યા. એની કબૂલાત પછી પોલીસે તનુની પણ ધરપકડ કરી. બીજા દિવસે ગુરૂવારે ગુલાબવાડી ટોલનાકા પાસેથી પોલીસે કનૈયાને પણ દબોચી લીધો.

તારીખ ૧૯-૭-૨૦૨૪ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય આરોપીઓને રજૂ કરીને SP (City)  અખિલેશ ભદૌરિયાએ વિગતવાર જાણકારી આપી.

કનૈયા સાથેના સંબંધોમાં તનુ એ હદે પાગલ થઈ ચૂકી હતી કે કનૈયા વગર એ રહી શકે એમ નહોતું. રાજસ્થાનના વીડિયો પછી અનિલે તનુ પર અંકુશ લાદેલો એને લીધે એ બેચેન બની ગઈ હતી. પત્નીની બેવફાઈ જાણ્યા પછી અનિલ તનુને કોઈ છૂટ આપવા માગતો નહોતો. એ ઉપરાંત ચિડાઈને એ તનુને ખરીખોટી પણ સંભળાવતો હતો. સામા પક્ષે તનુને તો કોઈ પણ ભોગે કનૈયાનું સાંનિધ્ય જ જોઈતું હતું. કનૈયાનો મોબાઈલ નંબર તનુએ ડમી નામે સેવ કરેલો હતો એની અનિલને જાણ નહોતી. તનુ કનૈયા પર દબાણ કરતી હતી કે તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા પતિને ખતમ કરી નાખ. તારામાં એ હિંમત ના હોય તો આપણો સંબંધ ખતમ! કનૈયાને આ રીતે ઉશ્કેરીને તનુ લાલચ પણ આપતી હતી કે તું અનિલને મારી નાખ, એ પછી હું પણ તારી અને આ કરોડોની પ્રોપર્ટી પણ આપણી! કનૈયા તૈયાર થઈ ગયો અને ખુદ તનુએ જ હત્યાની સ્ક્રીપ્ટ તૈયાર કરી. એ રાત્રે દરબાર પછી બંને દીકરીઓને ઘેર મોકલી દઈને તનુએ પોતાનો પ્લાન કનૈયા, મોહિત અને આમોદને સમજાવ્યો હતો. આમોદ અને મોહિત તો ચિઠ્ઠીના ચાકરની જેમ કનૈયા જે આદેશ આપે એ પૂરો કરવા તત્પર હતા. કનૈયાએ એક કેપ્સ્યુલ તનુને આપીને કહ્યું કે રાત્રે જમવામાં આ ઘેનની દવા ભેળવી દેજે. બંને દીકરીઓ અને અનિલ ઊંઘી જાય એટલે મને ફોન કરજે. કામ પતી જશે.

તનુએ ઘેર જઈને રસોઈ બનાવી એમાં એ ઘેનની દવા ભેળવી દીધેલી. માન્વીએ એ સાંજે પેટ ભરીને ભેળપુરી ઝાપટેલી એટલે જમતી વખતે એ માત્ર ચાખવા પૂરતું જમેલી. રાત્રે બાર વાગ્યે અનિલને ઘસઘસાટ ઊંઘતો જોઈને તનુએ કનૈયાને ફોન કર્યો. એક વાગ્યે પોતાની બાઈક પર મોહિત અને આમોદને લઈને કનૈયા આવ્યો. ધ્યાન રાખવા એ બહાર ઊભો રહ્યો. તનુએ ઘરનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. આમોદ અને મોહિત અંદર આવ્યા. પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને તનુ એ બંનેને બેડરૂમમાં લઈ ગઈ. ઊંઘતા અનિલને બતાવીને એણે કહ્યું કે આ રહ્યો મારો વર- એને ખતમ કરી નાખો! મોહિત અને આમોદ છરો લઈને તૂટી પડયા. ભૂલેચૂકે પણ એ બચવો ના જોઈએ.. તનુએ એ બંનેને આદેશ આપ્યો.. હાર્ટ ઉપર જોરથી છરો મારો! છરાના પ્રહારથી અનિલે ચીસ પાડી એ સાંભળીને જાગી ગયેલી માન્વી ત્યાં દોડી આવી. માન્વીને જોઈને તનુ જાણે ઊંઘતી હોય એમ પલંગમાં પોઢી ગઈ. માન્વીએ પોતાની પૂરી તાકાતથી આમોદનો હાથ જકડી લીધો. એ ઝપાઝપીમાં આમોદના હાથમાં હતો એ છરો એના પોતાના હાથ પર જ જોરથી વાગ્યો! ત્યાં સુધીમાં તો એમનું કામ પતી ગયું હતું એટલે મોહિત અને આમોદ ભાગ્યા. બહાર બાઈક લઈને કનૈયા તૈયાર હતો. પેલા બંને બેસી ગયા એટલે કનૈયાએ બાઈક ભગાવી. આમોદને છરો એવી રીતે વાગ્યો હતો કે એના હાથમાંથી ધડધડાટ લોહી વહેતું હતું. બેડરૂમમાંથી છેક બાઈક સુધી એનું જ લોહી પથરાયેલું હતું. બાઈક પર બેસીને આમોદે કનૈયાને કહ્યું કે મને દવાખાને લઈ જા. બાઈક થોડી આગળ ગઈ એ જ વખતે અશક્તિને લીધે આમોદ બાઈક પરથી નીચે ગબડી પડયો. એની હાલત જોઈને પેલા બંનેને અણસાર આવી ગયો કે ધોરી નસ જ કપાઈ ગઈ છે.એને બચાવવા રોકાઈ રહેવાનો અર્થ નથી. આમોદને રસ્તા ઉપર રહેવા દઈને કનૈયા અને મોહિત બાઈક લઈને ભાગી ગયા. અટલઘાટ પાસે રામગંગા નદીમાં છરો ફેંકીને એ બંને આગળ નીકળી ગયા. પાછળ રસ્તા પર આમોદ તરફડીને મરી ગયો!

તમામ વિગત આપ્યા પછી અખિલેશ ભદૌરિયાએ દીકરી માન્વીનો વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું કે એણે જે માહિતી આપી એને લીધે જ આખો કેસ ઉકેલાયો.

 જેલમાં ગયા તનુને કોઈ પીડા કે પસ્તાવો નથી. મોહિત માથું પકડીને પસ્તાય છે. તાંત્રિક કનૈયા લાચાર છે. કેદમાંથી મુક્તિ અપાવે એવી મંત્રતંત્રની કોઈ તાકાત એની પાસે નથી!


Google NewsGoogle News