Get The App

જનેતાનું જૂઠ ?! ગુનેગાર કોણ ? .

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
જનેતાનું જૂઠ ?! ગુનેગાર કોણ ?                                  . 1 - image


- ક્રાઈમ વૉચ-મહેશ યાજ્ઞિક

- 'ચાર તોલાનો એક હાર હતો, એ નથી દેખાતો. એ નેકલેસ તો મારી બા જીવની જેમ સાચવતી હતી. એ ક્યાં છે?'

(ક્રાઈમવૉચના સહુ વાચકમિત્રોને નૂતન વર્ષની શુભકામનાઓ. વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભે લોહીભીની હત્યા કે ખૂનની સત્ય ઘટનાને બદલે મા-દીકરીના સાવ નાનકડા અપરાધની લાગણીસભર વાર્તા -આપ સહુને એ ગમશે એવી શ્રધ્ધા છે.) 

સવારે સાતેક વાગ્યે જ આ અણધારી ઘટના બનેલી. રતનપુર ગામ સાવ નાનકડું એટલે દસ મિનિટમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા, એ તમામ લોકો બધું કામ પડતું મૂકીને બ્રાહ્મણ શેરીમાં દોડી આવ્યા. દેવશંકર જાની તો ગામનું નાક કહેવાય. એમના પત્ની સવિતાબહેનના અણધાર્યા મૃત્યુના સમાચાર જાણીને આખું ગામ એમના ઘર પાસે ભેગું થઈ ગયું. 

ખડકીની અંદર અણસઠ વર્ષના દેવશંકર બે હાથ વચ્ચે માથું પકડીને ઉભડક પગે બેઠા હતા. ગામના સાત-આઠ મોભાદાર માણસો એમની પાસે બેઠા હતા. દેવશંકર ધ્રૂજતા અવાજે એમને જાણકારી આપી રહ્યા હતા. 'રોજની જેમ હું ઓટલે દાતણ કરતો હતો. તમે જલ્દી દાતણ પતાવો, હું ચા બનાવું છું -એમ કહીને એ ઘરમાં ગઈ. થોડી વાર પછી હું અંદર ગયો ત્યારે એ આ જ રીતે ચત્તીપાટ પડેલી!'

સવિતાબહેનના શબ સામે આંગળી ચીંધીને દેવશંકરે નિસાસો નાખ્યો. 'કોઈ ચીસ નહીં, એક ઉંહકારો પણ નહીં. જાણે આરામથી ઊંઘી ગઈ હોય એવું જ લાગે.. મારી તો રાડ ફાટી ગઈ. સામેથી રાજેશ દોડતો આવ્યો. મારું મગજ તો એ વખતે બહેર મારી ગયું હતું. રાજેશે નાડી ચેક કરી, નાક પાસે હથેળી રાખીને શ્વાસ તપાસ્યા, પછી કીધું કે દેવુદાદા, સવિતાબા ગયા.. આટલું કહીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો..' 

આટલું કહીને દેવશંકરે ડૂસકું ભરીને નિરાશાથી માથું ધૂણાવ્યું. 'પચાસ વર્ષનો સાથ છોડીને આંખના પલકારામાં તો એ પરલોકમાં પહોંચી ગઈ! આ શું થઈ ગયું એ હજુ માનવામાં નથી આવતું..' 

'આવું રૂડું મોત તો નસીબદારને મળે, દેવુભાઈ, કોઈનીયે ચાકરી લીધા વગર ખોળિયું ખાલી કરીને જીવ ઊડી ગયો.' દેવશંકરની જોડે બેઠેલા પાડોશી વજુભાઈ શુક્લે દેવશંકરના ખભે હાથ મૂકીને સાંત્વના આપીને આટલું કહીને પૂછયું. 'બંને દીકરીઓ અને જમાઈઓને જાણ કરવાની છેને?'

દેવશંકર અને સવિતાબહેનને સંતાનમાં બે દીકરીઓ. મોટી સુશીલા અને નાની શ્રીદેવી. એ બંનેનું સાસરું આસપાસના ગામમાં જ હતું. દેવશંકર એટલી હદે ભાંગી પડયા હતા કે કંઈ જવાબ આપવાની પણ એમને સુધ નહોતી. વજુભાઈએ બધો વહીવટ સંભાળી લીધો. ગામના યુવાનોને એમણે કહ્યું એટલે ગાયના છાણથી માંડીને તલ અને રાળ સુધીની તમામ સામગ્રી આવી ગઈ. બંને જમાઈઓને ફોન પણ થઈ ગયા.

સવિતાબહેનના શબને સાથરા પર સૂવડાવીને અગરબત્તી અને ઘીનો દીવો પ્રકટાવવા સુધીનું કામ પાડોશીઓએ સંભાળી લીધું હતું. મોટરસાઈકલ લઈને બંને દીકરીઓ સાથે બંને જમાઈ પણ આવી ગયા હતા. સાથરા પાસે બેસીને બંને દીકરીઓ એકમેકને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. મોટી સુશીલાના પતિ પ્રશાંતે આવીને તરત જવાબદારી સંભાળી લીધી. શ્રીદેવીનો પતિ પણ પ્રશાંતને મદદ કરતો હતો.  

ગામના સ્મશાનમાં અગ્નિની જ્વાળાઓ વચ્ચે સવિતાબહેનની કાયા ઓગળી રહી હતી. ગામના તમામ પુરુષો ત્યાં હાજર હતા. એમની વચ્ચે ધીમા અવાજે ચર્ચા ચાલી રહી હતી. 'આ મોટા જમાઈને જોયોને?' શાંતિલાલે બાજુમાં ઊભેલા રમણિકને કહ્યું. 'આ મોટા જમાઈની જોડે દેવુભાઈને ઝાઝું બનતું નથી. દીકરીએ પોતાની મેળે લગ્ન કર્યા એટલે ત્રણ વર્ષ સુધી તો દીકરી-જમાઈને દેવશંકરે બોલાવ્યા પણ નહોતા; તોય અત્યારે સગા દીકરાની જેમ સેવામાં લાગી ગયો છે!'

'માણસની ખાનદાનીની તો આવા સમયે જ ખબર પડે.' રમણિકે કહ્યું. 'બધી કડવાશ ભૂલીને એ દોડતો આવી ગયો.'

સ્મશાનમાં ચિતા સળગતી હતી ને બીજી બાજુ લોકોની ચર્ચા ચાલતી હતી. 'દેવુભાઈ નસીબદાર તો ખરા. દીકરો નથી, પણ બંને જમાઈ હીરા જેવા છે'

'આ ઉંમરે બૈરું મરે એ મોટી તકલીફ. હેડમાસ્તર તરીકે રિટાયર થયા છે એટલે પેન્શનની આવકમાં તકલીફ ના પડે તોય જીવતર ભાર જેવું લાગે. ક્યારેક આંખ-માથું દુઃખે તોય કહેવું કોને? બેમાંથી એકાદ દીકરીના ઘેર રહેવા જાય તો સૌથી સારું.'

'દેવુભાઈ તો વટનો કટકો છે. આખી જિંદગી સિધ્ધાંત જાળવીને જીવનારો માણસ દીકરીના ઘરનું પાણી પણ ના પીવે! કાકી કરતાંય હાઈક્લાસ રસોઈ આવડે છે. એ દીકરીના ઘરનો ઉંબરો ના ચડે.'

બધા સ્મશાનેથી પાછા આવ્યા ત્યારે પણ દીકરીઓનું રૂદન ચાલુ જ હતું. હવે બાપને વળગીને એ બંને જે હૈયાફાટ વિલાપ કરતી હતી એ દ્રશ્ય જોનારની આંખ ભીની કરી દે એટલું હૃદયદ્રાવક હતું.

'તમારી મા તો સાક્ષાત દેવી હતી. એની પાછળ રડવાનું ના શોભે. એના પવિત્ર આત્માને પીડા પહોંચે.' લગીર સ્વસ્થ થઈને બાપે દીકરીઓને સમજાવ્યું.  'પ્રભુસ્મરણથી એને રાજી રાખવાને બદલે તમે રડો તો એ આત્મા રિબાય.'

બીજા દિવસે બંને જમાઈઓ ગયા. દીકરીઓ રોકાઈ. બધી વિધિ પતે એ પછી અમારી સાથે રહેવા આવી જાવ એવું કહીને એ બંને ખૂબ કરગરી, પણ દેવશંકરે હાથ જોડીને ના પાડી. જમાઈઓ વચ્ચે વચ્ચે આવી જતા હતા. બારમા-તેરમાની વિધિમાં પણ એ બંને ખડે પગે ઊભા રહ્યા.

'તમે બંને તો મારી જમણી-ડાબી આંખ છો.' જમાઈઓ સવારે લેવા આવવાના હતા. એ રાત્રે બાપે બંને દીકરીઓને સામે બેસાડી. 'ઈશ્વર સાક્ષી છે કે તમારા બંને વચ્ચે ક્યારેય કોઈ વેરોઆંતરો નથી રાખ્યો.' અવાજ અને આંખમાં ભીનાશ સાથે એમણે સુશીલા સામે જોયું. 'મોટી, તેં જાતે લગ્ન કર્યા એટલે ત્રણ વર્ષ તને બોલાવી નહોતી એના કારણમાં મારી જીદ. બાકી, અંદરથી તો જીવ બળતો હતો. મારી બીકથી તારી મા કંઈ બોલતી નહોતી પણ એ બાપડી મનોમન હિજરાતી હતી. આજે વાત નીકળી છે તો સાંભળ, બેટા, એની દશા જોઈને એવી પીડા થતી હતી કે મેં મારી જાતને સજા આપેલી. તારા સમ! ગળકૂડો હોવા છતાં, એ ત્રણ વર્ષ દરમ્યાન કોઈ ગળી વાનગી મેં થાળીમાં નહોતી લીધી! છેલ્લે ના રહેવાયું, ત્યારે હાર કબૂલીને તને અને જમાઈને માનભેર ઘેર બોલાવ્યાં.' 

ગળામાં અટકેલો ડૂમો ખોંખારવા એ લગીર અટક્યા. પછી બંનેની સામે જોયું. 'તમારી મા લખપતિ નહોતી. એ છતાં, દસ-વીસ રૂપિયા કરીને પણ એ બિચારી તમારા માટે બચાવતી હતી. એનો સામાન ફંફોળ્યો એમાંથી સોળ હજાર રૂપિયા નીકળ્યા એટલે આઠ-આઠ હજાર તમારા. બાકી, એની બીજી બેગોમાંથી સાડલાઓ અને નાની-મોટી વસ્તુઓ વહેંચીને લઈ જજો..'

'બાપા, મારે કંઈ નથી જોઈતું.' આંખમાં ઝળઝળિયાં સાથે સુશીલાએ બાપની સામે હાથ જોડયા. 'તમારા ને બાના આશીર્વાદ મળ્યાં એ જ મારી મૂડી. પ્રેમથી કહું છું કે આ બધુંય નાનીને આપી દો.'

એની વાત ઉપર ધ્યાન આપ્યા વગર દેવશંકરે ખિસ્સામાં હાથ નાખીને વેલ્વેટની નાની પોટલી બહાર કાઢી. 'બીજો મુદ્દામાલ આમાં છે. હું તો પહેલેથી અલગારી. લગ્ન વખતેય મૂડી કે બચત જેવું કંઈ નહોતું તમારા બાપ પાસે. આટલા વર્ષમાં એ બિચારીને વાલની વાળીયે નથી અપાવી. એના પિયરથી જે દાગીના લાવેલી એને મરણમૂડીની જેમ એ બાપડીએ સંતાડીને સાચવી રાખેલા. વાર-તહેવારે કે પ્રસંગે એ પહેરીને એણે મારી આબરૂ જાળવેલી.' એમણે પોટલી ખોલી. 'તમારી માની પ્રસાદી સમજીને આ દાગીના તમે વહેંચી લો એટલે હું છૂટો.'

સોનાની ચાર બંગડીઓ, કાનની બુટ્ટીની જોડ, નાકની બે વાળી અને ચાંદીની ઝાંઝરી સામે બંને દીકરીઓ તાકી રહી. ઓરડાના ખૂણામાં પત્નીની છબી સામે ઘીનો દીવો ઝળહળી રહ્યો હતો. દેવશંકર સ્થિતપ્રજ્ઞાથી એ તરફ જોઈ રહ્યા હતા.

'બાપા, બધી બેગ ચેક તો બરાબર કરી છેને?' શ્રીદેવીએ હળવેથી પૂછયું. આર્શ્ચર્યથી પોતાની સામે તાકી રહેલા બાપની સામે જોઈને એણે ખુલાસો કર્યો. 'ચાર તોલાનો એક હાર હતો, એ નથી દેખાતો. એ નેકલેસ તો મારી બા જીવની જેમ સાચવતી હતી. એ ક્યાં છે?' 'રામ જાણે!' દેવશંકરની સ્થિતપ્રજ્ઞાતા અકબંધ હતી. 'બધુંય ચેક કરી લીધું છે. એવો કોઈ હાર કે નેકલેસ ઘરમાં ક્યાંય નથી. હોય તો આ બધાની સાથે જ હોયને?' સવિતાબહેનની છબી સામે જોઈને એ બબડયા. 'આવી વાતમાં ક્યારેય માથું નથી માર્યું એટલે એના ખજાનામાં શું શું છે એની કંઈ ખબર નથી. તમારી સ્વર્ગવાસી જનેતાની આટલી પ્રસાદી જડી.' એમણે શ્રીદેવીને ધરપત આપી. 'એ છતાં, તારા સંતોષ ખાતર બધુંય ફરીથી ફેંદીશ.' 'એવી કંઈ જરૂર નથી, બાપા!' તરડાયેલા અવાજે સુશીલા બબડી અને બીજી જ સેકન્ડે બે હાથ વચ્ચે માથું ઢાંકીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. શ્રીદેવી અને દેવશંકર એકબીજાની સામે આશ્ચર્યથી તાકી રહ્યા.

મોકળા મને થોડીક વાર રડયા પછી સુશીલાએ બાપા અને નાની બહેન સામે જોયું. 'હું ગુનેગાર છું, બાપા! તમારા બેઉનો અપરાધ કર્યો છે!' હીબકાંને લીધે એનો અવાજ તૂટતો હતો. 'લગ્નના બે વર્ષ પછી એમની નોકરીમાં મોટી ઘાંચ આવેલી. ઑફિસમાં કોક મોરલે કળા કરી ને નામ એમનું આવ્યું. આંધળા ભરોસે સહી કરેલી એમાં એ ફસાયા. અઠવાડિયામાં પૈસા ભરીએ તો ભીનું સંકેલાઈ જાય અને નોકરી બચે એવું એમના સાહેબે સમજાવ્યું.'

શ્રીદેવી અને દેવશંકર સ્તબ્ધ બનીને સાંભળતા હતા. સુશીલા રડતી રડતી બોલતી હતી.

'બાપા! એ વખતે તમે તો મને મરેલી માની લીધી હતી. સાસરા પક્ષની કોઈ ઓથ નહોતી. હું અભાગણી -સાવ ઓશિયાળી દશામાં આપઘાત કરવાનું વિચારતી હતી. છેલ્લા ઉપાય તરીકે મને મારી મા સાંભરી. દર સોમવારે સવારે એ મહાદેવના મંદિરે જાય છે એ ખબર હતી એટલે ત્યાં જઈને ખોળો પાથરીને એને મારી વીતકકથા કીધી. સાંભળીને એ પણ રડી. શું કરવું એનો કોઈ ઉપાય જડતો નહોતો એટલે મા-દીકરી એકબીજાને વળગીને ખૂબ રડયા. એકદમ એના મોઢા ઉપર તેજ ઝળક્યું. મને કહે કે જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર તારા બાપથી છાનું રાખીને આ કામ કરવું પડશે. એમનો સ્વભાવ તો નરસિંહ મહેતા જેવો છે. મારી પાસે ક્યા ક્યા ઘરેણાં છે એનું એ ભોળિયા દેવપુરૂષને કંઈ ભાન નથી. ગામના સોની પાસે તો જવાય નહીં. કંઈક બહાનું કાઢીને બપોરે તાલુકે જઈશ. ચાર તોલાનો નેકલેસ વેચી નાખીશ.. મને બથમાં ભીંસીને કહે કે મારી દીકરીનું જીવતર રાગે પડતું હોય તો આવા નેકલેસની શી વિસાત?'

ધ્રૂજતા અવાજે કબૂલાત કરતી વખતે એની આંખ આંસુથી છલકાતી હતી. 'જગદંબા જેવી જનેતાએ જૂઠનો આશરો લઈને દીકરીની જિંદગી સાચવી લીધી, બાપા! એણે મને સોગન આપેલા કે જીવતેજીવ મોઢું ના ખોલતી.' એણે શ્રીદેવી સામે જોયું. 'પણ નાનીને અન્યાય કરું તો એ ડંખ આખી જિંદગી મનમાં વલોવાયા કરે. એટલે તો મેં પહેલાં જ કહી દીધેલું કે મારે કંઈ નથી જોઈતું, બધુંય નાનીને આપી દો. નાની બેનને છેતરવાનો વલોપાત વેઠવાને બદલે  સોગન તોડવાનું સસ્તું પડે.'  ઊભી થઈને એ સવિતાબહેનની છબી પાસે ફસડાઈ પડી. 'બા! તારા સોગન તોડવાનો અપરાધ કર્યો છે. મોટું મન રાખીને માફ કરી દેજે.'

સુશીલા ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. દેવશંકર અને શ્રીદેવીની આંખ પણ કોરી નહોતી.


Google NewsGoogle News