કુંવારી માતા બનવાની હિંમત કર્યા પછી...?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- ઓગણીસ વર્ષ વીતી ચૂક્યા હતા અને નવા નામે- નવા શહેરમાં આ બંને હત્યારાએ નવી જિંદગી શરૂ કરી હતી, નવા નામના આધાર કાર્ડ પણ મેળવી લીધા હતા
- રંજિની
- આરોપીઓની છબી
- આરોપીઓ 2025માં
- સાંથમ્મા
- મનોજ અબ્રાહમ IPS
તા રીખ ૪-૧-૨૦૨૫ ના દિવસે કેરાલાના કોલ્લમ જિલ્લાના આંચલ ગામમાં સિત્તેર વર્ષની સાંથમ્મા નામની વૃધ્ધા મંદિરના ઓટલે બેસીને ફૂલ વેચતી હતી, ત્યારે એના સાવ સસ્તા મોબાઈલમાં રિંગ વાગી. સાંથમ્માએ ફોન ઉપાડયો. નંબર સાવ અજાણ્યો હતો, પણ ફોન કરનારનો અવાજ ભારેખમ હતો. કાયમ સત્તાવાહી અવાજે વાત કરનાર પોલીસ અધિકારીના અવાજમાં અત્યારે લાગણીની ભીનાશ હતી. એણે કહ્યું.''અમ્મા! તમારી પ્રાર્થના અને અમારી મહેનત ફળી છે. વિલંબ થયો છે, પણ ઓગણીસ વર્ષની જહેમત પછી અમે એ બંને નરાધમને પકડી પાડયા છે!'' એ બોલી રહ્યા હતા અને એ સાંભળતી વખતે અનાયાસે જ વૃધ્ધ સાંથમ્માના ગાલ આંસુથી ખરડાઈ ચૂક્યા હતા. ગામમાંથી કોઈએ ટીવી પર આ સમાચાર જોયા હશે એટલે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને ગામલોકો સાંથમ્મા પાસે દોડી આવ્યા. પોલીસની જબરજસ્ત સિધ્ધિનો કેસ હતો, એટલે થોડી વારમાં તો મીડિયાકર્મીઓ પણ સાંથમ્માનો ઈન્ટરવ્યૂ લેવા દોડી આવ્યા. સાંથમ્માએ ધૂ્રજતા અવાજે સૌથી પહેલા તો એટલું જ કહ્યું. ''હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એ બંને હત્યારાઓ હવે જીવે ત્યાં સુધી એમને સૂર્યનું અજવાળું જોવા ના મળે!''
હવે આ આખી ઘટના વિગતવાર જોઈએ. કેરાલાના કોલ્લમ જિલ્લાના અલાયમોન ગામમાં સાંથમ્મા અને એની પુત્રી રંજિની ગરીબડી સ્થિતિમાં જીવતા હતા. મામૂલી પગારે સાંથમ્મા મંદિરમાં નોકરી કરતી હતી અને રંજિની લોકોના ઘરના નાના-મોટા કામ કરતી હતી. ગામનો જ એક સુથાર યુવાન દિવિલકુમાર લશ્કરમાં નોકરી કરતો હતો. દિવિલનું પોસ્ટિંગ ૪૫ એડી રેજિમેન્ટમાં હોવાથી એ પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પમાં રહેતો હતો. જ્યારે રજા મળે ત્યારે એ ગામમાં આવતો હતો. એ દરમ્યાન એની અને રંજિનીની મુલાકાત થઈ અને બંને યુવાન હૈયા વચ્ચે પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. એ પછી તો દિવિલ વારંવાર ગામમાં આવવા લાગ્યો. પ્રેમના આવેશમાં એ બંને તમામ મર્યાદાઓ પણ ઓળંગી ચૂક્યા હતા..
એ પછી દિવિલ ગામમાં આવ્યો અને રંજિનીને મળ્યો ત્યારે રંજિની ખૂબ ગંભીર હતી. એણે દિવિલને કહ્યું. ''દિવિલ, મેં મારી માને હજુ વાત નથી કરી. હું પ્રેગન્ટ છું અને જાન્યુઆરી મહિનામાં તો આપણા સંતાનને જન્મ આપીશ. એ પહેલા આપણે ફટાફટ લગ્ન પતાવી દઈએ.'' આટલું કહીને એણે રડમસ અવાજે ઉમેર્યું. ''આપણે લગ્ન નહીં કરીએ તો કુંવારી માતા તરીકે ગામમાં રહેવાનું અમને ભારે પડી જશે. તું તારીખ નક્કી કર.'' એની વાત સાંભળીને ચોંકી ઉઠેલા દિવિલે એને કહ્યું. ''હમણાં લગ્નની તો કોઈ શક્યતા નથી, પણ આ સમસ્યાનો ઉકેલ સરળ છે. તું એબોર્શન કરાવી દે!'' એનો આવો જવાબ સાંભળીને રંજિની એને કરગરી. હાથ જોડીને રડીને જલ્દી લગ્ન કરવાની આજીજી કરી, પરંતુ દિવિલે તો ગર્ભપાતની જ વાત પકડી રાખી. એને લીધે રંજિની છંછેડાઈ. એણે કહી દીધું. ''દિવિલ, જે થવાનું હોય એ થશે, પરંતુ મારો નિર્ણય અફર છે. કોઈ પણ સંજોગોમાં આપણા સંતાનને ગર્ભમાં મારવાનું પાપ મારાથી નહીં થાય. હું એને જન્મ આપીશ અને એના પિતા તરીકે તારું જ નામ લખાવીશ!'' ''તો પછી તારે જે કરવું હોય એ કરજે.'' એમ કહીને દિવિલ ઊભો થઈ ગયો. બીજા જ દિવસે એ પાછો પઠાણકોટ જતો રહ્યો અને એ પછી એ ગામમાં આવ્યો જ નહીં!
સ્વાભિમાની રંજિની પોતાના નિર્ધાર પર મક્કમ હતી. દિવિલ ફસકી ગયો, એ છતાં હિંમત હાર્યા વગર રંજિનીએ પોતાની જનેતા સાંથમ્મા પાસે રડીને કબૂલાત કરી અને પોતાના નિર્ણયની જાણ કરી. ધર્મભીરૂ સાંથમ્માને આંચકો તો લાગ્યો, છતાં એણે ભીની આંખે દીકરીને કહ્યું કે તું ચિંતા ના કરતી. આપણે ભૃણહત્યાનું પાપ નથી કરવું. હું તારી સાથે છું.
અલાયમોન ગામના લોકો પાસેથી ઉછીના પૈસા લઈને જાન્યુઆરી, ૨૦૦૬ માં મા-દીકરી બંને ત્રિવેન્દ્રમ આવી ગયા. ત્યાંની સરકારી શ્રી અવિત્તમ થીરૂનલ (SAT) હોસ્પિટલમાં રંજિનીને બતાવ્યું ત્યારે ત્યાંના તબીબોએ રંજિનીને તપાસીને સાંથમ્માને અભિનંદન આપીને જણાવ્યું કે અમ્મા, તમે એક નહીં, પણ બે બાળકોના નાની બનવાના છો!
બાવીસમી તારીખે રંજિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સાવ અજાણ્યું શહેર અને હોસ્પિટલનો મામલો હતો એટલે સાંથમ્મા ચિંતિત હતી, પણ હોસ્પિટલમાં એમની પાસે એક મદદગાર આવી ગયો. અનિલકુમાર નામના એ યુવાને આવીને સાંથમ્માને કહ્યું કે તમે ચિંતા ના કરતા. હું અહીં ગરીબ દરદીઓની સેવા કરવાનું કામ કરું છું. તમારે કોઈ પણ કામ હોય તો મને કહેજો. જો સિઝેરિયન ઓપરેશન કરવાનું થશે તો લોહીની પણ જરૂર પડશે, એ વખતે હું લોહી પણ આપીશ. સાંથમ્માએ એ દેવદૂતનો આભાર માન્યો. હોસ્પિટલમાં અનિલકુમાર એમની આસપાસ જ રહેતો હતો અને નાના-મોટા કામ કરી આપતો હતો. લોહીની તો જરૂર ના પડી અને તારીખ ૨૪-૧-૨૦૦૬ ના દિવસે રંજિનીએ બે તંદુરસ્ત દીકરીઓને જન્મ આપ્યો.
હોસ્પિટલમાંથી રજા મળે એ અગાઉ રંજિનીને હવે આ બંને દીકરીઓના ભવિષ્યની ચિંતા હતી. એ બંનેના ભરણપોષણ ઉપરાંત શિક્ષણ માટેની જોગવાઈ કરવાનું અનિવાર્ય હતું. આંચલ ગામમાં મા-દીકરીનું જ માંડ માંડ પૂરું થતું હતું એમાં આ બંનેનો ઉમેરો થયો. પિતા તરીકે દિવિલ પોતાની જવાબદારીમાં છટકી ના શકે. એણે આ બંને માટે દર મહિને નિશ્ચિત રકમ ફાળવવી જ જોઈએ. રંજિનીએ કેરલ રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી. મારી આ બંને દીકરીઓનો બાપ દિવિલ છે, એ માટે એના DNA ટેસ્ટ કરાવવાની માગણી કરી. રાજ્ય મહિલા આયોગે દિવિલના DNA ટેસ્ટ માટે આદેશ આપી દીધો.
હોસ્પિટલમાંથી રજા મળવાની હતી ત્યારે મા-દીકરી દ્વિધામાં હતા. કુંવારી રંજિની પોતાની બે નવજાત દીકરીઓને લઈને ગામમાં જશે ત્યારે ગામલોકો થૂ થૂ કરશે. એમની ચિંતા પારખીને અનિલકુમારે રસ્તો બતાવ્યો કે આંચલ ગામમાં હું તમને એક ઓરડો ભાડે અપાવી દઈશ, ત્યાં રહેશો તો તમારે નિંદા નહીં વેઠવી પડે, ત્યાં નાનું મોટું કામ પણ મળી જશે. અનિલકુમારે બીજા જ દિવસે આંચલ ગામમાં નાનકડું ઘર ભાડે અપાવી દીધું અને બધા ત્યાં પહોંચી ગયા. નામકરણ વિધિ તો બાકી હતી, પણ બંને દીકરીના મોં સામે જોઈને રંજિનીએ નામ નક્કી કરી નાખ્યા હતા : આનંદા અને અક્ષયા!
અનિલકુમાર આવીને ખબરઅંતર પૂછી જતો હતો. એક દિવસ એણે સાંથમ્માને કહ્યું કે જન્મના પ્રમાણપત્ર માટે હોસ્પિટલના પેપર્સ લઈને કાલે સવારે તમારે પંચાયતની ઓફિસે જવાનું છે.બીજા દિવસે- તારીખ ૧૦-૨-૨૦૦૬ ના દિવસે સાંથમ્મા અગિયાર વાગ્યે પંચાયત ઓફિસે ગઈ. એક કલાક પછી એ પાછી આવી ત્યારે ઓરડીનું બારણું ખાલી અટકાડીને જ બંધ કરેલું હતું. બારણું ખોલીને એ અંદર ગઈ, એની સાથે એ ચીસ પાડીને બહાર આવીને ફસડાઈ પડી. લોકો ભેગા થઈ ગયા. અંદર ઓરડીમાં ફરસ પર લોહીના ખાબોચિયામાં અઠ્ઠ્યાવીસ વર્ષની રંજિનીની લાશ પડી હતી અને ઓગણીસ દિવસની બંને દીકરીઓની લાશ ખાટલામાં પડી હતી! ત્રણેયની ગરદન અત્યંત ક્રૂરતાપૂર્વક કાપી નાખવામાં આવી હતી!
કોઈએ જાણ કરી એટલે પોલીસ આવી ગઈ. માતા અને બે નવજાત બાળકીઓની હત્યા કોણે કરી? પોલીસે તપાસ શરૂ કરી. પાડોશીઓએ કહ્યું કે એક યુવાન અવારનવાર અહીં આવતો હતો. એનું નામ અમને ખબર નથી. એક ચાલાક પાડોશીએ અનિલની મોટરસાઈકલનો નંબર પોલીસને જણાવ્યો. આટલો છેડો મળ્યો એટલે પોલીસે બાઈકના માલિકની તપાસ કરી તો એનું નામ અનિલકુમાર નહોતું, પણ રાજેશ હતું! સાંથમ્માએ પોલીસને દિવિલની અને રંજિનીએ મહિલા આયોગમાં કરેલી ફરિયાદની વાત કરીને હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે રાજેશની તપાસ કરી તો ખબર પડી કે રાજેશ તો દિવિલનો જિગરી દોસ્ત હતો અને એ અનિલકુમારના નામે આ પરિવારની નજીક આવીને મદદનું નાટક કરતો હતો. રાજેશ પણ દિવિલની સાથે લશ્કરમાં જ હતો અને બંને એક જ રેજિમેન્ટમાં હતા અને પઠાણકોટ આર્મી કેમ્પમાં સાથે રહેતા હતા!
કેરાલા પોલીસ પઠાણકોટ પહોંચી ત્યારે દિવિલ અને રાજેશ ફરાર થઈ ગયા હતા. પોલીસે લશ્કરી અધિકારીઓને વાત કરી એટલે લશ્કરે એ બંનેને ડેઝર્ટર જાહેર કરી દીધા. એ બંનેને શોધવા માટે પોલીસે ખૂબ મહેનત કરી, એમની બાતમી આપનાર માટે લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવેલું, પરંતુ એમનો પત્તો ના મળ્યો. ત્રણ હત્યા કરનાર આરોપીઓ વિરૂધ્ધ લોકોનો આક્રોશ વધતો જતો હતો અને એમને પકડવામાં પોલીસને સફળતા નહોતી મળી, એટલે ફેબુ્રઆરી, ૨૦૧૦ માં હાઈકોર્ટના આદેશથી આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. સમય પસાર થતો રહ્યો. સીબીઆઈએ તપાસ પછી એ બંને વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરેલું અને ચીફ જ્યડિશિયલ મેજિસ્ટ્રેટ, એર્નાકુલમે કોર્ટ દ્વારા એ
બંનેને ગુનેગાર જાહેર કરી દીધા હતા, પરંતુ ટ્રિપલ હત્યાના આ હત્યારાઓ હજુ મળ્યા નહોતા. સીબીઆઈમાં પણ એ ફાઈલ અભરાઈ પર ચડી ગઈ હોય એમ લાગતું હતું.બધાએ હવે માની લીધું હતું કે બિચારી રંજિનીને ક્યારેય ન્યાય નહીં મળે.
-પરંતુ આશા નહોતી છોડી કેરાલા પોલીસના ADGP (લો એન્ડ ઓર્ડર) મનોજ અબ્રાહમે! ૨૦૨૪ ના આરંભથી એમની ટેકનીકલ ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી જૂના પડતર કેસોને ડિજિટલ કુશળતાથી ઉકેલવા મથામણ શરૂ કરી દીધી હતી. દિવિલ અને રાજેશના ૨૦૦૬ માં મળેલા ફોટાઓ ઉપર એમણે AI ની મદદથી કામ શરૂ કર્યું. આટલા વર્ષો પછી એમની હાલત કેવી હોય? ચહેરો-હેરસ્ટાઈલ અને શરીરમાં ફેરફાર થવાથી એ કેવા દેખાતા હશે એની તસવીરો બનાવી. એ પછી દુનિયાભરના સોશિયલ મીડિયામાં જેટલી પણ છબીઓ હતી એની સાથે મેળવવાનું શરૂ કર્યું. અત્યંત ધીરજપૂર્વક અને ચોકસાઈથી એમની ટીમે કરેલી મહેનત અંતે ડિસેમ્બર, ૨૦૨૪ માં રંગ લાવી. પોંડિચેરીમાં એક લગ્ન સમારંભમાં દેખાયેલો એક ચહેરો રાજેશના ચહેરા સાથે નેવું ટકા મળતો આવતો હતો! કેસની તપાસ તો સીબીઆઈ પાસે હતી. મનોજ અબ્રાહમે સીબીઆઈના અધિકારીઓને મળીને આ ફોટા એમને આપ્યા અને જણાવ્યું કે આ એક આરોપી રાજેશ પોંડિચેરીમાં છે. હવે સીબીઆઈની ટીમ ઉત્સાહમાં આવી ગઈ. સીબીઆઈના અધિકારીઓ સાદા કપડામાં પોંડિચેરી પહોંચી ગયા અને એ ફોટાવાળી વ્યક્તિને શોધીને એના ઉપર નજર રાખીને નિરીક્ષણ કર્યું. એમને ખાતરી થઈ ચૂકી કે આ પ્રવીણ નામનો માણસ રાજેશ જ છે, ત્યારે તારીખ ૪-૧-૨૦૨૫ ના દિવસે એમણે પ્રવીણ ઉર્ફે રાજેશને પકડી લીધો! એને પ્રસાદી મળી એટલે દિવિલનો અતોપતો પણ આપી દીધો. પોંડિચેરીમાં દિવિલે પોતાનું નામ વિષ્ણુ રાખેલું હતું. પોલીસે એને પણ દબોચી લીધો.
૨૦૦૬ માં રંજિની અને એની બંને નવજાત દીકરીઓની હત્યા કરીને આ બંને પઠાણકોટ આવીને ત્યાંથી ભાગીને પોંડિચેરી આવી ગયા હતા. ૨૦૦૬ થી ૨૦૨૫ સુધીમાં તો એ બંનેએ ભાગીદારીમાં ઈન્ટીરિયર ડિઝાઈનરનું કામ કરીને ધંધો જમાવી દીધો હતો. સુથારી કામની સાથે એમનામાં પટાવવાની પણ આવડત હતી એટલે ત્યાંની બે શિક્ષિકાઓને ફસાવીને એમની સાથે લગ્ન કરીને ઘરસંસાર વસાવ્યો હતો અને ફ્લેટના માલિક પણ બની ગયા હતા!
હત્યાને ઓગણીસ વર્ષ વીતી ચૂક્યા હતા અને નવા નામે- નવા શહેરમાં આ બંને હત્યારાએ નવી જિંદગી શરૂ કરી હતી, નવા નામના આધાર કાર્ડ પણ મેળવી લીધા હતા, એટલે એ બંને સંપૂર્ણપણે નિશ્ચિંત હતા કે હવે અમે ક્યારેય પકડાઈશું નહીં, પરંતુ છૈં ની મદદથી પોલીસે અશક્ય લાગતું કામ કરી બતાવ્યું અને એ બંને ઝડપાઈ ગયા.
આ સમાચાર જાણીનેવૃધ્ધ સાંથમ્માની આંખમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. એમણે પત્રકારોને જણાવ્યું કે પોતાની દીકરી રંજિનીએ પ્રેગ્નન્સીની વાત કરી ત્યારે મને આંચકો લાગ્યો હતો. બાપ તરીકે આવનારા સંતાનનો ખર્ચ ઉઠાવવાની કે એની જવાબદારી લેવા માટે દિવિલ તૈયાર નહોતો, એટલે એણે એબોર્શનની સલાહ આપેલી, પરંતુ રંજિની મક્કમ હતી એટલે જનેતા તરીકે મેં એને સાથ આપેલો. મારી જુવાનજોધ દીકરી અને એની ઓગણીસ દિવસની બંને દીકરીઓની લોહીમાં તરબોળ લાશ મેં જોયેલી. એ દ્રશ્ય જ્યારે ફરીથી આંખ સામે ઝબકી જાય છે, ત્યારે મારી ઊંઘ ઊડી જાય છે. પોલીસે એ બંને નરાધમને પકડી લીધા છે ત્યારે હું પરમેશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે એ બંને હત્યારાઓ હવે જીવે ત્યાં સુધી એમને સૂર્યનું અજવાળું જોવા ના મળે!