રૂપજોબનથી ભરપૂર અલ્લડ યુવતી કોનો શિકાર બની ગઈ?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- 'દીકરીએ જે માગ્યું એ બધુંય અમે આપેલું-પણ સારા અને ખરાબ માણસને ઓળખવાની સમજ અમે ના આપી શક્યા, એટલી અમારી તાલીમની કચાશ! અમે એને પૂરી આઝાદી આપેલી, પણ આટલી સમજણ ના આપી'
- ઈશપ્રીત
- જયરાજ તંવર
ભા રતનું સૌથી મોટું રણ એટલે થરનું રણ. રંગીલા રાજસ્થાનનું બિકાનેર શહેર આ રણથી ઘેરાયેલું છે. ભૂજિયા, સેવ અને ગજક માટે પ્રખ્યાત બિકાનેરની નજીકમાં કરણી માતાનું મંદિર આવેલું છે, જ્યાં મંદિર પરિસરમાં હજારો ઉંદર જોવા મળે છે. બિકાનેરમાં જ આવેલ ઊંટ ઉછેર કેન્દ્ર અને ઊંટ માટેની નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં એક સાથે સેંકડો ઊંટ પણ જોવા મળે છે. જાજરમાન મહેલો, આલીશાન હવેલીઓ અને કલાત્મક ઝરૂખાઓથી શોભતા આ શહેરમાં બનેલી એક અશોભનીય ઘટનાએ આખા રાજસ્થાનને આઘાત આપ્યો છે!
બિકાનેરના ખતુરિયા વિસ્તારમાં રહેતા ગુરૂદીપસિંહ મક્કડની આર્થિક સ્થિતિ એકદમ સધ્ધર. એમના સાસરા પક્ષની જાહોજલાલી પણ એમના જેવી જ હતી. ગુરૂદીપસિંહની એકની એક દીકરીનું નામ ઈશપ્રીત કૌર. ઈશપ્રીતને રૂપ આપવામાં પરમેશ્વરે કોઈ કસર નહોતી છોડી. નાનપણથી જ એ પપ્પાની પ્યારી પરી હતી અને મોસાળમાં પણ મામા-માસીઓની ખૂબ લાડકી હતી. એના દરેક જન્મદિવસે મા-બાપ તરફથી અને મામાઓ તરફથી માતબર રકમનો વરસાદ વરસતો. અત્યંત લાડપ્યારમાં ઉછરેલી હોવાથી એની પ્રત્યેક ઈચ્છા વિના રોકટોક પૂરી થતી હતી.
સૌંદર્ય તો અઢળક હતું એટલે કૉલેજમાં અભ્યાસ દરમ્યાન જ એણે સ્થાનિક ઉત્પાદક કંપનીઓ માટે મોડેલિંગ શરૂ કરી દીધું હતું. ગ્રેજ્યુએશન પતાવ્યા પછી કોઈ નોકરી કરવાની તો એને જરૂર નહોતી. આઈફોન જેવા મોંઘાદાટ મોબાઈલના સહારે ગુરૂપ્રીતે સોશિયલ મીડિયામાં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ધાર કરેલો. મોડેલિંગ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર તરીકે એ આખો દિવસ વ્યસ્ત રહેવા લાગી. દરરોજ જાતજાતના અખતરા કરીને એ અવનવા ડ્રેસમાં પોતાના રીલ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. વોટસેપથી આગળ વધીને એણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વ્યાપ વધાર્યો. દિવસે દિવસે એની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે ઈન્સ્ટાગ્રામમાં એના ફોલોઅર્સની સંખ્યા આઠ લાખને પાર કરી ગઈ!
મોડેલિંગ અને સોશિયલ મીડિયાની આવક પુષ્કળ હતી. પરિવાર ખૂબ સધ્ધર હતો એટલે ઈશપ્રીતે પોતાની કમાણીમાંથી જ રોકાણના હેતુથી બે મકાન ખરીદ્યા હતા. જૂન, ૨૦૨૪ માં તો પોતાની જૂની કાર વેચીને એણે પચાસ લાખની મોંઘીદાટ કાર પણ ખરીદી હતી.
યુવાન દીકરીના મા-બાપને યોગ્ય પાત્ર શોધીને એને પરણાવવાની સૌથી મોટી ચિંતા હોય એ સ્વાભાવિક છે. અલબત્ત, અહીં તો એવી હાલત હતી કે ઈશપ્રીત માટે સામેથી જ અનેક પરિવારો તરફથી માગા આવતા હતા, પરંતુ મોડેલિંગ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર તરીકેના કામમાં જ ગળાડૂબ રહેતી ઈશપ્રીત હમણાં કોઈ બંધનમાં બંધાવા નહોતી ઈચ્છતી. છવ્વીસ વર્ષની દીકરીને સમજાવવા માટે જનેતા મથામણ કરતી હતી, પરંતુ આઠ લાખથી વધારે ફોલોઅર્સનો નશો ઈશપ્રીતના મગજ ઉપર એવો સવાર હતો કે એ લગ્નની વાત ટાળતી હતી.
કૉલેજના સમયથી જ ઈશપ્રીતને એક યુવક સાથે મિત્રતા હતી. જયરાજ તંવર નામનો એ યુવાન ઈશપ્રીતના કહ્યાગરા સહાયક તરીકે એના પ્રત્યેક આદેશનું પાલન કરતો હતો. પ્રારંભમાં સંપૂર્ણ આજ્ઞાાંકિત બનીને એણે ઈશપ્રીતનો વિશ્વાસ જીતીને મિત્રતા કેળવી હતી. છેલ્લા સાતેક વર્ષથી એ બંને વચ્ચે મિત્રતા હતી અને પરસ્પર સહવાસને લીધે એ મિત્રતા પ્રેમમાં પલટાઈ ચૂકી હતી. સાથોસાથ જયરાજે પણ હવે પોતાનું અસલ રૂપ બતાવ્યું હતું. એણે હવે આજ્ઞાાંકિત ગલૂડિયાનો નકાબ ઊતારી નાખ્યો હતો. ઈશપ્રીત જયરાજ સાથે લીવ ઈનમાં રહેવા લાગી હતી એવું પણ અમુક લોકો માનતા હતા.
તારીખ ૨૫-૭-૨૦૨૪, ગુરૂવારે બપોરે ઈશપ્રીત ઘરમાંથી બહાર નીકળી. બારણે ઊભેલા પિતા ગુરૂદીપસિંહને એણે કહ્યું કે મારી બહેનપણી પૂનમના ઘેર સાંજે પાર્ટી છે, એટલે મારે ત્યાં જવાનું છે. એ ગઈ અને એ પછી રાત્રે જમ્યા પછી આખો પરિવાર એની રાહ જોઈ રહ્યો હતો. છેક પોણા દસ વાગ્યે ઈશપ્રીતે ફોન કર્યો કે પાર્ટીમાં મોડું થઈ ગયું છે એટલે હું રાત્રે પૂનમના ઘેર જ રોકાઈ જવાની છું.
બીજા દિવસે સવારે અગિયાર વાગ્યા સુધી ઈશપ્રીત ઘેર ના આવી એટલે ગુરૂદીપસિંહે એને ફોન કર્યો તો ફોન સ્વીચઑફ આવતો હતો. ફોન બંધ હોવાથી પરિવારને હવે રૂપાળી યુવાન દીકરીની ચિંતા થવા લાગી. ગુરૂદીપસિંહે તરત જ ઈશપ્રીતની બહેનપણી પૂનમને ફોન કર્યો કે પાર્ટી પતાવીને ઈશપ્રીત હજુ ઊંઘે છે? એનો ફોન તો ચોવીસેય કલાક ચાલુ જ હોય છે, એ અત્યારે સ્વીચઑફ કેમ આવે છે? એમના આ સવાલથી પૂનમને આશ્ચર્ય થયું. એણે કહ્યું કે અંકલ, શેની પાર્ટી ને શેની વાત? મારે ત્યાં કોઈ પાર્ટી નહોતી, અને ઈશપ્રીત મારે ત્યાં તો આવી જ નથી!
પરિવારની ચિંતા હવે ઘેરી બની. ગુરૂદીપસિંહ પોતાના સંબંધીઓને સાથે લઈને દીકરીને શોધવા નીકળ્યા. બધી બહેનપણીઓને ત્યાં તપાસ કર્યા પછી એમને જાણકારી મળી કે ઈશપ્રીત જયરાજ તંવરની સાથે હોઈ શકે. જયરાજ સાથે ઈશપ્રીતના સંબંધની પરિવારને ખબર હતી. જયરાજ બિકાનેર પાસેના એક ગામમાં રહેતો હતો, પરંતુ એણે બિકાનેરમાં પણ ઘર રાખ્યું છે એવી ગુરૂદીપસિંહને જાણકારી મળી અને એ ઘરનું સરનામું પણ મળી ગયું. ગુરૂદીપસિંહ પોતાના મિત્રો સાથે બિકાજી સર્કલ પાસે કેશવકુંજ કોલોનીમાં પહોંચ્યા. જયરાજનું મકાન તો મળી ગયું પણ એના બધા દરવાજા બંધ હતા. એક મિત્રે મકાનની ચારેય તરફ ફરીને જાણ કરી કે પાછળના ભાગમાં એક બારણું સાવ ખુલ્લું છે. બધા એક સાથે એ બારણામાંથી અંદર પ્રવેશ્યા. ડ્રોઈંગરૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધા હબકી ગયા અને એમના પગ થંભી ગયા. ગુરૂદીપસિંહ તો ભોંય પર ફસડાઈ પડયા. ઓરડામાં પંખા સાથે ઈશપ્રીતની લાશ લટકતી હતી અને જયરાજ નીચે ફરસ પર પડેલો હતો!
સમજદારી દાખવીને અંદર જવાને બદલે એક મિત્રે મુક્તાપ્રસાદ નગર પોલીસસ્ટેશને ફોન કર્યો. ઈશપ્રીતને તો આખું રાજસ્થાન ઓળખતું હતું એટલે એની આત્મહત્યાનો કેસ તો હાઈપ્રોફાઈલ ગણાય. એને લીધે ઘટનાસ્થળે આવતી વખતે ઈન્સ્પેક્ટર ધીરેન્દ્રસિંહ શેખાવતે તરત જ ઉપરી અધિકારીઓને પણ જાણ કરી.SP તેજસ્વીની ગૌતમ અને ASP દીપક શર્મા પણ તરત જ ત્યાં આવી ગયા. આવો પ્રચંડ આઘાત સહન કરવાની શક્તિ ગૂમાવીને ગુરૂદીપસિંહ બે હાથ વચ્ચે માથું પકડીને ફસડાઈ પડયા હતા. મિત્રોએ એમને સંભાળી લીધા હતા.
પંખા સાથે રસ્સીથી લટકતી ઈશપ્રીતની લાશને પોલીસે કાળજીપૂર્વક નીચે ઊતારી. નીચે પડેલો જયરાજ પણ મરી ગયો હોય એવું પહેલી નજરે પોલીસને લાગ્યું, પરંતુ એના પેટનું હલનચલન જોઈને પોલીસે એને ઢંઢોળ્યો. એની આંખો જોઈને અનુભવી પોલીસને ખ્યાલ આવી ગયો કે એ ડ્રગના નશામાં છે. બે કોન્સ્ટેબલ સાથે એને PBM-પ્રિન્સ બિજયસિંહ મેમોરિયલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો. પંચનામું કરતી વખતે પોલીસે આખા ઓરડાની તલાશી લીધી. એક ફૂલ્લી લોડેડ પિસ્તોલ, ચાર આઈફોન અને ઘરની બહાર પડેલી લક્ઝરી કાર પોલીસે કબજામાં લીધી અને પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી.
ગુરૂદીપસિંહ હવે લગીર સ્વસ્થ થયા હતા. એમણે SP તેજસ્વીની ગૌતમની સામે હાથ જોડીને ભીની આંખે કહ્યું કે મારી દીકરી ક્યારેય આત્મહત્યા ના કરે, આ જયરાજે જ એની હત્યા કરી છે અને એ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે એણે ઈશપ્રીતને પંખા સાથે લટકાવી દીધી છે!
એમણે આગળ કહ્યું કે મારી દીકરીને એની સાથે સંબંધ હતો, પરંતુ એ જયરાજ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી. જયરાજ લગ્ન માટે એના ઉપર ભયાનક દબાણ કરતો હતો, એ છતાં ઈશપ્રીત એની વાત માનવા તૈયાર નહોતી. જયરાજ એને સતત ધમકાવતો હતો. અનેક વાર એની સાથે બહાર જવા માટે ઈશપ્રીત તૈયાર ના હોય ત્યારે જયરાજ એને પિસ્તોલ બતાવીને મારી નાખવાની ધમકી આપતો હતો, અને પરાણે ઢસડી જતો હતો. એ હલકટને મારી દીકરી માટે લાગણી નહોતી, પરંતુ એની દોલત માટે એણે પ્રેમનું નાટક કરેલું! અમે ઈશપ્રીતને ખૂબ સમજાવેલી, પરંતુ પેલા લુખ્ખાએ એના ઉપર કોણ જાણે એવી ભૂરકી નાખી હતી કે અમારું કહ્યું માનવાને બદલે એ પેલાની સંગતમાં જ રહેતી હતી. મારી ફરિયાદ નોંધો, સાહેબ! આ કેસ આત્મહત્યાનો નથી, જયરાજે એનું ખૂન કર્યું છે!
પોલીસે એ પિતાને ધરપત આપી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સચ્ચાઈ બહાર આવશે! જયરાજ હજુ ડ્રગના નશામાં છે, એ હોશમાં આવશે એટલે એને રિમાન્ડ ઉપર પણ લઈશું.
પોલીસે હત્યાની ફરિયાદ નોંધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એ અગાઉ પોલીસે જયરાજની આખી કુંડળી પણ મેળવી લીધી હતી. એ કોઈ સીધો-સાદો યુવાન નહોતો. એનો ઈતિહાસ હિસ્ટ્રીશીટર તરીકેનો હતો. એક ડઝનથી પણ વધારે અપરાધિક મામલામાં જયરાજ ફસાયેલો હતો!
છેક ત્રીજા દિવસે જયરાજ ભાનમાં આવ્યો એટલે એને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તારીખ ૬-૮-૨૦૨૪ સુધીના રિમાન્ડ મેળવ્યા.
તારીખ ૮-૮-૨૦૨૪ ના દિવસે જીઁ તેજસ્વીની ગૌતમ, છજીઁ દીપક શર્મા અને ઈન્સ્પેક્ટર ધીરેન્દ્રસિંહ શેખાવતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ભરચક ભીડ હતી. રિમાન્ડ દરમ્યાન જયરાજ તંવરે કરેલી કબૂલાતના આધારે પોલીસે આ હત્યા કેસની વિગતવાર માહિતી પત્રકારોને આપી.
ગુનાઈત માનસ ધરાવતો જયરાજ ચાલાક શિકારી જેવો હતો. રૂપાળી અને ધનવાન ઈશપ્રીતને ફસાવવા માટે એણે લાંબા ગાળાનું આયોજન કર્યું હતું. છેલ્લા સાતેક વર્ષથી એણે ઈશપ્રીત સાથે સંબંધો વિકસાવેલા. પ્રારંભિક તબક્કે તો ઈશપ્રીતના પાળેલા ગલૂડિયા જેવું વર્તન કરીને એણે ઈશપ્રીતનો વિશ્વાસ જીતી લીધેલો. રૂપાળી યુવતીને પોતાના ચમચા જેવો આજ્ઞાાંકિત પ્રેમી મળી જાય, તો એ ખુશ થઈ જતી હોય છે. એ ભ્રમમાં ઈશપ્રીત જયરાજને ઓળખી ના શકી. જયરાજ તો યેનકેન પ્રકારે ઈશપ્રીતની તમામ મિલકત હડપ કરવા માગતો હતો એટલે છેલ્લા બે વર્ષ દરમ્યાન એણે ઈશપ્રીતને એમ.ડી. ડ્રગના રવાડે ચડાવેલી અને એને લીધે એ પોતાના ઈશારે એને નચાવતો હતો. ઈશપ્રીત એની જાળમાં પૂરેપૂરી ફસાઈ ચૂકી હતી. ઈશપ્રીતની પોતાની માલિકીના બે મકાન બિકાનેરમાં જ હતા. પવનપુરી અને ખતુરિયા વિસ્તારમાં આવેલા એ બંને મકાનની કિંમત દોઢ કરોડ જેટલી આંકી શકાય. એક મહિના અગાઉ જયરાજે ઈશપ્રીતને ્રડ્રગના નશામાં ડૂબાડીને અને પિસ્તોલની બીક બતાવીને એ બંને મકાન પોતાના નામે કરાવી નાખ્યા હતા! એ પ્રોપર્ટી ઉપરાંત ગયા મહિને ઈશપ્રીતે પચાસ લાખની મોટી લક્ઝુરિયસ કાર ખરીદેલી, એ કાર પણ જયરાજે એની પાસેથી પડાવી લીધેલી! અમે એ બંનેના બૅન્ક એકાઉન્ટ પણ ચકાસ્યા. ઈશપ્રીતના બન્ક ખાતામાંથી ટૂકડે ટૂકડે લાખો રૂપિયા પણ જયરાજે પોતાના ખાતામાં જમા કરાવેલા છે!
શારીરિક અને આર્થિક રીતે ઈશપ્રીતને પૂરેપૂરી નિચોવી લીધી. એ પછી પણ એ લગ્ન માટે ના જ પાડતી હતી એટલે એનાથી છૂટકારો મેળવવા માટે જયરાજે એની હત્યાનું આયોજન કર્યું. મારપીટ કરીને એણે ઈશપ્રીતની ગરદન ભીંસીને મારી નાખી. એ પછી આખો કેસ આત્મહત્યાનો લાગે એ રીતે ઈશપ્રીતની ગરદન પર રસ્સી બાંધીને એને પંખા સાથે લટકાવી દીધી! એ કામ પતાવ્યા પછી આનંદના અતિરેકમાં એમ.ડી. ડ્રગનો સરસ મજાનો ડોઝ લઈને એ નશામાં ચૂર થઈ ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એનું કાવતરંત ઉઘાડું પડી જશે એનો એને ખ્યાલ નહોતો. પોલીસની કાબેલિયતને ઓછી આંકવાની એણે મૂખાર્મી કરી અને પકડાઈ ગયો.
ઈશપ્રીતના પિતા ગુરૂદીપસિંહ મક્કડની ફરિયાદ અને જયરાજ સામે અગાઉ નોંધાયેલી ફરિયાદોના આધારે અમને ઘટનાસ્થળની હાલત જોઈને પહેલી નજરે જ શંકા પડેલી કે આ કેસ આત્મહત્યાનો નથી. પૂરી ચીવટથી તપાસ કરીને અમારી ટીમે સાબિત કરી આપ્યું છે કે આ કેસ હત્યાનો છે. હવે વહેલામાં વહેલી તકે તમામ પુરાવા સાથે ચાર્જશીટ બનાવવામાં પૂરી કાળજી રાખીશું કે જેથી કોર્ર્ટમાં પણ એ છટકી ના શકે. એકેય છેડો ઢીલો ના રહે એ રીતે અમે જડબેસલાક કેસ કરીશું કે જેથી જયરાજ જિંદગીભર જેલમાં જ રહેશે!
પત્રકારોએ ઈશપ્રીતના ઘરની મુલાકાત લીધી. પિતા ગુરૂદીપસિંહે માત્ર એટલું જ કહ્યું કે જયરાજ તંવરને અદાલત આકરામાં આકરી સજા ફરમાવશે ત્યારે જ અમને શાંતિ થશે. ઈશપ્રીતની માતાની આંખમાંથી આંસુ હજુ સૂકાયાં નથી. રડમસ અવાજે એમણે કહ્યું કે દીકરીએ જે માગ્યું એ બધુંય અમે આપેલું-પણ સારા અને ખરાબ માણસને ઓળખવાની સમજ અમે ના આપી શક્યા, એટલી અમારી તાલીમની કચાશ! અમે એને પૂરી આઝાદી આપેલી, પણ આટલી સમજણ ના આપી, એની સજા એ બાપડીને મળી!
સોશિયલ મીડિયામાં આઠ લાખથી વધારે ફોલોઅર ધરાવનાર આ રૂપસુંદરીએ એક માણસને પારખવામાં થાપ ખાધી અને માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે જ એની ઝળહળતી જિંદગી કરૂણ રીતે સંકેલાઈ ગઈ!