ઉચ્ચ હોદ્દેદાર વિનય ત્યાગીની હત્યા કોણે કરી?

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ઉચ્ચ હોદ્દેદાર વિનય ત્યાગીની હત્યા કોણે કરી? 1 - image


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- અક્કી ટ્રાન્સજેન્ડર હતો અને એના સાથીઓ એને ક્યારેક હીજડો કહે ત્યારે એ ભયાનક ઝનૂનમાં આવીને જાણે પોતાની મર્દાનગી બતાવી આપવાની હોય એમ હિંસક બની જતો!

- વિનય ત્યાગી

- અક્કી ઉર્ફે દક્ષ

- લવકુશ(રાઘવસિંહ) અને યુગ ધાઈ

- રૂચિને ભાઈ ગૌરવની સાંત્વના

- છેલ્લે પકડાયો આમિર

કો ઈ વ્યક્તિ ડ્રગ્ઝની ખતરનાક આદતમાં ફસાય. એ પછી ડ્રગ વગર એને કંઈ ના સૂઝે. પોતાની તલબ પૂરી કરવા માટે ખિસ્સામાં પૈસા ના હોય તો એ મરણિયો બનીને પૈસા મેળવવા માટે ગમે તેવી હેવાનિયત કરી શકે. દિલ્હીના ચાર યુવાનો ડ્રગના બંધાણી બન્યા પછી એમણે કરેલા કારનામાની આજે વાત કરવાની છે.

ટાટા સ્ટીલના એક યુનિટનું નામ છે પ્રવેશ. ઘર અને આફિસ માટે સ્ટીલના બારસાખ સાથે બારણાં બનાવવાનું કામ પ્રવેશ કરે છે. દિલ્હીમાં પ્રવેશની આફિસમાં આલ ઈન્ડિયા સેલ્સ એન્ડ બિઝનેસ હેડની જવાબદારી સંભાળનાર ૪૨ વર્ષના વિનય ત્યાગી ગાઝિયાબાદમાં રહેતા હતા. ગાઝિયાબાદથી દિલ્હીનું અંતર લગભગ પિસ્તાળીસ કિલોમીટર છે. વિનય ત્યાગી પાસે કાર તો હતી, પરંતુ દિલ્હીના ટ્રાફિકમાં ગાઝિયાબાદથી રોજ કાર લઈને જવાનું અઘરું પડે, એને બદલે મેટ્રોમાં વધુ સરળતાથી જઈ શકાય. સવારે નવ વાગ્યે એ ગાઝિયાબાદથી નીકળે ત્યારે જો મોડું થતું હોય તો એમની પત્ની રૂચિ ત્યાગી કાર લઈને મેટ્રોના સ્ટેશન સુધી મૂકી જાય. દરરોજ રાત્રે દસેક વાગ્યે એ ઘેર પાછા આવી જાય. એમાં ક્યારેક આફિસમાં મોડું થાય ત્યારે એ રૂચિને ફોન કરી દે, એટલે રૂચિ કાર લઈને મેટ્રોના સ્ટેશને એમને લેવા જાય. આ એમનો રોજનો કાર્યક્રમ હતો. 

શુક્રવાર, તારીખ ૩-૫-૨૦૨૪ ની રાત્રે બાર વાગ્યા સુધી એ ઘેર ના આવ્યા, એટલે મેટ્રો સ્ટેશને લેવા આવું કે નહીં? એ જાણવા માટે રૂચિએ એમને ફોન કર્યો. ફોન બંધ આવતો હતો એટલે રૂચિને ચિંતા થઈ. વિનયના વૃધ્ધ પિતા વિશ્વંભર ત્યાગીએ રૂચિને કહ્યું કે તું વિનયની આફિસે તો ફોન કર. રૂચિએ આફિસમાં ફોન કર્યો તો એ લોકોએ કહ્યું કે ત્યાગીસાહેબ તો એમના રોજના સમયે જ મેટ્રોમાં જવા માટે નીકળી ગયા હતા! હવે આખો પરિવાર ઉચાટમાં ડૂબી ગયો. એમનો વિસ્તાર શાલિમાર ગાર્ડન પોલીસસ્ટેશનની હકૂમતમાં આવતો હતો. રૂચિ અને વિશ્વંભરે પોલીસસ્ટેશને જાણ કરી. રૂચિએ દિલ્હીમાં રહેતા પોતાના ભાઈ ગૌરવ ત્યાગીને ફોન કર્યો એટલે એ પણ બહેનના ઘેર આવી ગયો.

સવારે છ વાગ્યે પોલીસસ્ટેશનમાંથી ફોન આવ્યો. ખૈતાન સ્કૂલના રમતના મેદાનની પાસેના રસ્તા ઉપર એક અવાવરૂ ખંડેર જેવું મકાન હતું, એ મકાન અને રોડની વચ્ચેથી પોલીસને એક લાશ મળી હતી! એટલો વિસ્તાર કોર્ડન કરીને પોલીસની ટીમ ત્યાં ઊભી હતી. રૂચિ, વિશ્વંભર અને ગૌરવ ત્યાં ગયા અને વિનય ત્યાગીની લાશ જોઈને ભાંગી પડયા. ગૌરવે બનેવીની આફિસના એક મિત્રને ફોન કર્યો એટલે આફિસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. વિનયની છાતીમાં બરાબર હ્રદય ઉપર જ ધારદાર છરાથી બે પ્રહાર કરવામાં આવેલા હતા અને ત્યાંથી વહી નીકળેલું લોહી થીજીને કાળું પડી ગયું હતું. પંચનામું કરીને વિનયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

વિનયની હત્યા કોણે કરી હશે? હત્યા શા માટે કરવામાં આવી હશે? એ સવાલના જવાબ માટે પોલીસ પાસે ત્રણેક થિયરી હતી. વિનયને કોઈની સાથે દુશ્મનાવટ હોઈ શકે, ઈર્ષાની આગમાં સળગતા આફિસના કોઈ સહકાર્યકરનું કામ હોઈ શકે અથવા આ સૂમસામ જગ્યા પર કોઈએ ચોરી કે લૂંટફાટના ઈરાદાથી આ કામ કર્યું હોઈ શકે. વિનયની પત્ની કે પિતાની હાલત અત્યારે એવી હતી કે એમને પૂછવાની પોલીસ પાસે હિંમત નહોતી. ગૌરવને પૂછયું ત્યારે ગૌરવે પોલીસને જણાવ્યું કે વિનય ત્યાગીનું વ્યક્તિત્વ તો અજાતશત્રુ જેવું હતું, સ્ટાફમાં એમના હાથ નીચેના તમામ કર્મચારીઓને વિનય માટે આદરભાવ હતો એટલે કોઈએ વેરભાવથી હત્યા કરી હોય એ શક્ય નથી. એડિશનલ પોલીસ કમિશ્નર દીનેશ પી. પણ ત્યાં આવી ગયા હતા. એમણે ગૌરવની વાત સાંભળી. વિનયનો મોબાઈલ, લેપટોપ અને પર્સ પણ ગૂમ હતું. એટલે પોલીસે પણ ચોરી અને લૂંટફાટના ઈરાદાથી હત્યા થઈ હશે એ માની લીધું. દીનેશ પી. એ અલગ અલગ ટીમને જવાબદારી સોંપી દીધી. હત્યારાને પકડવા માટેનો ધમધમાટ ચાલુ થઈ ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃત્યુનું કારણ એ જ જણાવવામાં આવ્યું કે ધારદાર હથિયારના બે ઊંડા ઘા હ્રદય ઉપર થયેલા હતા.

વિનય ત્યાગીની હત્યાના બરાબર સાત દિવસ પછી શનિવાર, તારીખ ૧૧-૫-૨૦૨૪ ની સાંજે એડિશનલ પોલીસ કમિશ્નર દીનેશે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા કર્મીઓ સામે આરોપીઓને રજૂ કરીને હત્યાનો ભેદ ખોલ્યો. પોલીસની કામગીરીની એમણે વિગતવાર વાત કહી.

હત્યા મોડી રાત્રે નિર્જન જગ્યા પર થયેલી એટલે નજરે જોનાર કોઈ સાક્ષી મળવાની શક્યતા નહોતી એટલે પોલીસે મોબાઈલ સર્વેલાન્સ અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને જ આગળ વધવાનું હતું. ખૈતાન સ્કૂલના ગ્રાઉન્ડની આસપાસના ફૂટેજમાં એવું જોવા મળ્યું કે એક જ મોટરસાઈકલ ઉપર એક સાથે ચાર યુવાનો બેસીને એ વિસ્તારમાં ચક્કર લગાવી રહ્યા હતા. બાહોશ પોલીસને આખો મોર ચિતરવા માટે આ એક પીંછું પૂરતું હતું. જૂના જમાનામાં ગામડાઓમાં કુશળ પગીઓ પગેરું શોધવામાં નિષ્ણાત હતા. ચોરી થઈ હોય ત્યાં પડેલા પગલાંની છાપ (ફૂટપ્રીન્ટ)ને શોધીને પગી એ પગલાંની છાપની પાછળ પાછળ ફરીને છેક આરોપી સુધી પહોંચી જતા હતા. એ જ કામ અત્યારે પોલીસ ડિજિટલ ફૂટપ્રીન્ટનો સહારો લઈને કરે છે. સીસીટીવીમાં એક વાર ઝડપાયેલા આરોપીની પાછળ જવા માટે ક્યારેક તો હજાર જેટલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવા પડે છે. એક બાઈક ઉપર સવાર ચાર યુવાનને શોધવા માટે પોલીસ ડિજિટલ ફૂટપ્રીન્ટના સહારે આગળ વધી. એ ચારેય લોની વિસ્તારમાં થઈને દિલ્હી તરફ ગયેલા. એ પછી લગભગ બસો એંશી સીસીટીવી ફૂટેજ ચેક કરીને પોલીસે એ બદમાશોને ટ્રેસ કર્યા અને દિલ્હી-ગાઝિયાબાદના તમામ પોલીસસ્ટેશનને એની જાણકારી આપીને તાકીદ કરી કે આ ચંડાળ ચોકડી ક્યાંય પણ દેખાય તો એ ચારેયને તરત જ પકડી લેવાના છે.

તારીખ ૯-૫-૨૦૨૪ ની રાત્રે પોલીસને જાણકારી મળી કે રાજનગર એક્સ્ટેન્શન તરફથી એક બાઈક ઉપર ચાર યુવાનો આવી રહ્યા છે. સાહિબાબાદ પોલીસસ્ટેશનને આ બાતમી મળી એટલે એમની ટીમ પૂરી સાવધાનીથી રોડ ઉપર ગોઠવાઈ ગઈ. રાત્રે સાડા ત્રણ વાગ્યે નાગદ્વાર પાસે બાઈક દેખાઈ એટલે વ્હીસલિંગ કરીને પોલીસે બાઈકને રોકવાની સૂચના આપી. ત્રણ કોન્સ્ટેબલ અર્ધો રસ્તો રોકીને બાઈકને અટકાવવા મથ્યા, પરંતુ ભયાનક સ્પીડે બાઈક આગળ વધી ગઈ એટલે પોલીસે જીપમાં એમનો પીછો કર્યો. ઝનૂનથી ખતરનાક સ્પીડે બાઈક ભગાવવામાં પાર્શ્વનાથ બિલ્ડીંગ પાસે બાઈક ગોથું ખાઈ ગઈ! ચારેય હીરાઓ ફસડાઈ પડયા એટલે પોલીસ જવાનો આગળ વધ્યા અને એમને ઘેરી લીધા. એ જ વખતે એ ચારમાંથી એકે પિસ્તોલ કાઢી અને પોલીસ સામે ધડાધડ ફાયરિંગ શરૂ કર્યું. હેડ કોન્સ્ટેબલ મંગલસિંહ સૌથી મોખરે હતો એના ડાબા હાથ પર ગોળી વાગી. પોલીસે એ પિસ્તોલવાળા બદમાશ ઉપર ફાયરિંગ કર્યું. એ બદમાશે દસેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું એમાં  પેલાને બે ગોળી છાતીમાં વાગી અને એક ગોળી સાથળમાં વાગી. એ ઢળી પડયો. આ અફડાતડફીમાં બાકીના ત્રણેય બદમાશ દોટ મૂકીને ભાગ્યા. અર્ધી ટીમ એ ત્રણની પાછળ દોડી અને બાકીના જવાનો ઘાયલ મંગલસિંહ અને પેલા બદમાશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. ડાક્ટરે મંગલસિંહની સારવાર શરૂ કરી અને પેલા બદમાશને તપાસીને મૃત જાહેર કર્યો!

ત્રણ બદમાશોની પાછળ દોડેલા પોલીસોના હાથે એમાંથી બે ઝડપાઈ ગયા અને અંધારાનો લાભ લઈને એક છટકી ગયો. જે બે પકડાયા એમણે મૃતક અને ભાગેડુ બદમાશની પણ ઓળખ આપી અને એ રાતની ઘટના વિશે કબૂલાત કરી. જે ભાગી ગયો હતો એ બદમાશનું નામ આમિર. એને પકડવા માટે પોલીસે પચાસ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.

એ ચંડાળ ચોકડીમાંથી પકડાયેલા બે બદમાશના નામ યુગ ધાઈ (૨૦ વર્ષ) અને રાઘવેન્દ્રસિંહ ઉર્ફે લવકુશ (૨૪ વર્ષ). એમણે પોલીસને જાણકારી આપી કે જેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું અને જવાબી ફાયરિંગમાં મરી ગયો હતો, એ અમારા ચારેયનો લીડર હતો. એનું નામ દક્ષ ઉર્ફે અક્કી. આ દક્ષ સૌથી ખતરનાક અને ઝનૂની હતો. અક્કી મૂળ મૈનપુરી ગામનો હતો, પણ નાનપણથી જ એ દિલ્હીના ટિગરી સંગમવિહારમાં એના મામાને ત્યાં રહેતો હતો. અક્કી પોતાની સાથે સિમ વગરનો મોબાઈલ રાખતો હતો અને એમાં વોટસેપ લોગઈન રાખતો હતો. મોટા ભાગે એ પબ્લિક વાઈફાઈ હોય ત્યાં જ વાપરતો હતો. લોકોને છેતરવા માટે એ દરેક જગ્યાએ પોતાનું અલગ નામ બતાવતો હતો. સૌથી અગત્યની જાણકારી એ હતી કે અક્કી ટ્રાન્સજેન્ડર હતો અને એના સાથીઓ એને ક્યારેક હીજડો કહે ત્યારે એ ભયાનક ઝનૂનમાં આવીને જાણે પોતાની મર્દાનગી બતાવી આપવાની હોય એમ હિંસક બની જતો!

આ ચારેય ડ્રગ અને સ્મેકના બંધાણી થઈ ચૂક્યા હતા. સાથે બેસીને નશો કરતા અને ડ્રગ ખરીદવાના પૈસા માટે રોજ રાત્રે શિકાર શોધવા નીકળતા હતા. વિનય ત્યાગીના હત્યાની રાત્રે સીલમપુરી વિસ્તારમાં ચારેય બદમાશોએ સાથે બેસીને નશો કર્યો. એ પછી એક જ બાઈક ઉપર એ ચારેય સાડા નવ વાગ્યે ગાઝિયાબાદ આવ્યા. ત્યાં એક અંધારા ખૂણામાં બેસીને નશાની ગોળીઓ લીધી. એ નશો અગિયાર વાગ્યે ઊતરી ગયો. એ પછી નશામાં ડૂબી જવું હતું પણ ડ્રગ ખરીદવાના પૈસા નહોતા. એક માત્ર અક્કી પાસે સંતાડેલો માલ હતો. બાકીના ત્રણેયને ઠેંગો બતાવીને એણે પોતાની પાસે હતી એ તમામ ગોળીઓ મોંમાં ઓરી દીધી. એ હવે ફૂલ નશામાં હતો. બધાએ કોઈ એકલદોકલ શિકારને શોધીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો. દૂરથી જ વિનય ત્યાગીને જોઈને એમણે એને લૂંટવાનું નક્કી કર્યું. રાજેન્દ્રનગરથી જ એમની બાઈક વિનયની પાછળ હતી. ખૈતાન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પાસે સાવ નિર્જન વિસ્તારમાં એમણે બાઈક વિનયની તદ્દન નજીક લીધું. સૌથી છેલ્લે બેઠેલા અક્કીએ વિનયને જોરથી લાત મારી એટલે વિનય લથડી પડયો. 

આ ગુંડાઓએ વિનયને મારઝૂડ કરીને જે હોય એ બધું આપી દેવા કહ્યું. લાચાર વિનય ચૂપચાપ ઊભો રહ્યો અને એનું લેપટોપ, મોબાઈલ, ઘડિયાળ અને છવ્વીસ સો રૂપિયા ભરેલું પાકિટ એ બધું બદમાશોએ ઝૂંટવી લીધું. અક્કી ફૂલ નશામાં જ હતો. બાકીના ત્રણ બાઈક ઉપર બેસી ગયા પણ અક્કી તંદ્રામાં હોય એમ ઊભો રહ્યો. એ વખતે આમિરે ચિડાઈને કહ્યું કે હીજડા! જલ્દી આવ, આપણે ભાગવાનું છે. અક્કીની કમાન છટકી. એણે કમર પર ખોસેલો મોટો છરો કાઢયો અને વિનય ઉપર તૂટી પડયો. પંદર દિવસ પહેલાં જ એણે આ છરો ઓનલાઈન ખરીદેલો હતો. વિનયની છાતીમાં બે ઊંડા ઘા કરીને એ બાઈક ઉપર બેસી ગયો અને બાઈક હવામાં ઓગળી ગઈ! ત્યાંથી ભાગીને એ ચારેય દિલ્હીમાં ટ્રોનિકા સીટીની કાસિમવિહાર કોલોનીમાં પહોંચ્યા. ત્યાં ચારેક કલાક સુધી સ્મેક અને ગાંજાનો નશો કરીને સૂઈ રહ્યા. એ વખતે આમિરે અક્કીને તતડાવ્યો કે પેલા બાપડાએ આપણને બધુંય આપી દીધું હતું તોય તેં એને છરો કેમ માર્યો? બંને વચ્ચે ઝઘડો થયો અને અક્કીએ આમિરને ઝૂડી નાખ્યો હતો! 

પ્રેસ કોન્ફરન્સમાં આ બધી જાણકારી આપીને પોલીસે જણાવ્યું કે ભાગી છૂટેલા આમીરને પકડવા માટે અમારા પ્રયત્નો ચાલુ છે.

તારીખ ૧૭-૫-૨૦૨૪, શુક્રવારે રાત્રે કૌશાંબી પોલીસસ્ટેશનનો સ્ટાફ વૈશાલી વિસ્તારમાં નાળા પાસે ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે એક શંકાસ્પદ બાઈકને રોકવા એમણે પ્રયત્ન કર્યો, પરંતુ બાઈકસવાર સર્કસના ખેલાડીની જેમ બાઈક ભગાવીને નાળાની નીચેની તરફ ભાગ્યો. પોલીસ એની પાછળ પડી. પાછળ જોઈને ભયાનક સ્પીડે બાઈક ચલાવવામાં બાઈક સ્લીપ થઈ ગયું અને એ પડયો કે તરત પોલીસ આવી ગઈ. પેલાએ ઊભા થઈને પોલીસ પર ફાયરિંગ કર્યું અને ભાગવા લાગ્યો. પોલીસે જવાબી ફાયરિંગ કર્યું અને પગમાં ગોળી વાગી એટલે એ બદમાશ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયો. પોલીસે એને ઝડપી લીધો અને એને હોસ્પિટલ લઈ જતી વખતે પોલીસને ખબર પડી કે આ તો પચાસ હજારનો ઈનામી આમિર છે!

અક્કી મરી ગયો. આમિર,યુગ અને લવકુશ પોલીસના કબજામાં છે. એમની પાસેથી વિનય ત્યાગીનું લેપટોપ, મોબાઈલ અને ખાલી પાકીટ પોલીસને મળી ગયું છે. આ ઉપરાંત એક પિસ્તોલ, બે તમંચા, હત્યામાં વપરાયેલ છરો અને બે બાઈક (બંને ચોરેલા જ હતા!) પોલીસે કબજે કર્યા છે.

વિનયનું લેપટોપ-મોબાઈલ માટે પોલીસે પરિવારને જાણ કરી. એ પછી પોલીસસ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. પિતા વિશ્વંભર ભીની આંખે લેપટોપ અને મોબાઈલ સામે તાકીને ભાંગી પડયા. પત્ની રૂચિ તો એના ભાઈ ગૌરવને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. ઈન્સ્પેક્ટર એ પિતા અને પત્નીને સાંત્વના આપી રહ્યા હતા ત્યારે રડતી રૂચિએ ધ્રૂજતા અવાજે ઈન્સ્પેક્ટરને કહ્યું કે સાહેબ! તમે હત્યારાઓને પકડી પાડયા એ બદલ અમે આભારી છીએ. એમણે તો આ બધુંય આપી દીધું હતું તોય એ ગુંડાઓએ એમને શા માટે માર્યા? એ ગુંડાઓએ તો મારી પણ જિંદગી ઝૂંટવી લીધી છે, સાહેબ! આ લેપટોપ ને મોબાઈલનું હવે મારે શું કરવાનું? આ બધું તમે પાછું લાવી આપ્યું, એ રીતે મારા વિનયને પાછો લાવી આપો, સાહેબ!

રૂચિ હૈયાફાટ રૂદન કરતી હતી. એના ભાઈ ગૌરવની આંખ પણ ભીની હતી. આંખમાં ઝળઝળિયાં સાથે વિશ્વંભર એ બંનેની સામે તાકી રહ્યા હતા અને પોલીસસ્ટેશનનું વાતાવરણ ભારેખમ બની ગયું હતું. 


Google NewsGoogle News