જેની હત્યા થઈ એ ગુડ્ડન કોણ હતો? .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- મોટી ઉંમરના એ પ્રોપર્ટી ડિલરનું પોલીસ સામે ટકી રહેવાનું ગજું નહોતું. એ ભાંગી પડયો. એણે મોં ખોલ્યું એ પછી ચોંકી જવાનો વારો પોલીસનો હતો!
- શિવકુમાર કંબોજ
- હત્યારાઓ સાથે બે પુત્રો
- ઘટનાસ્થળે પોલીસ
ઉ ત્તરપ્રદેશનો મુઝફ્ફરનગર જિલ્લો ખૂબ વિશાળ હોવાથી ઈ.સ. ૨૦૧૧માં એના બે ભાગ પાડવામાં આવેલા. જે નવો જિલ્લો બન્યો એનું નામ પ્રબુધ્ધનગર રાખવામાં આવેલું, પરંતુ થોડા સમય પછી જિલ્લાના મુખ્ય મથક શામલી શહેર પરથી એ જિલ્લાનું નામ શામલી રાખવામાં આવ્યું. યમુના નદીના કિનારે વસેલું શામલી દિલ્હી (૧૦૦ કિલોમીટર) અને સહરાનપુરની(૬૫ કિલોમીટર) વચ્ચે આવેલું છે. મહાભારત કાળનું કહેવાતું હનુમાન મંદિર ત્યાંના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
રવિવાર, તારીખ ૮-૯-૨૦૨૪ સાંજે શામલી જિલ્લાના પોલીસવડા રામસેવક ગૌતમે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાકર્મીઓ જિજ્ઞાસા સાથે આવ્યા હતા. એમની ઉત્સુકતાનું કારણ એ હતું કે જેની હત્યા થઈ હતી એ શિવકુમાર કંબોજ ઉર્ફે ગુડ્ડન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. શિવકુમાર કંબોજ ઉર્ફે ગુડ્ડન એક કુખ્યાત હિસ્ટ્રીશીટર હતો. શામલીના પોલીસસ્ટેશનમાં એના પર અગિયાર કેસ નોંધાયેલા હતા અને એની કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી. એ ઉપરાંત મુઝફ્ફરનગર અને સહરાનપુર જિલ્લામાં પણ અર્ધો ડઝન જેટલા કેસ ચાલી રહ્યા હતા. ગેરકાયદેસર હથિયાર રાખવા, ભાગેડુ ગુનેગારોને આશરો આપવો, પિસ્તોલ બતાવીને ધમકી આપીને ખંડણી વસૂલ કરવી વગેરે મામલાઓમાં એ સંડોવાયેલો હતો. એક વાર એ ત્રણ રિવોલ્વર સાથે દાદાગીરી કરતા પકડાયેલો ત્યારે લોકોમાંથી એની ધાક દૂર કરવા માટે શામલી પોલીસે શામલીની બજાર વચ્ચે એનો વરઘોડો કાઢેલો! દાદાગીરી કરીને ખંડણી ઉઘરાવવાના કેસમાં એણે જેલની હવા પણ ખાધેલી.
અલબત્ત, છેલ્લા પાંચેક વર્ષથી એણે પોતાનો ધંધો બદલ્યો હતો. શામલી શહેરમાં એની હોટલ ધમધોકાર ચાલતી હતી. બદમાશીના ધંધા છોડીને એણે એ પૈસામાંથી પ્રોપર્ટી ડિલર તરીકે મોટા પાયે મિલકતોના ખરીદ-વેચાણનો ધંધો શરૂ કર્યો હતો. એમાં પણ દાદા તરીકેની છાપ આ ધંધામાં એને કામમાં આવતી હતી. શામલીના અન્ય મોટા ગજાના પ્રોપર્ટી ડિલર પણ એની સાથે જોડાયેલા હતા.
સાંઈઠ વર્ષના ગુડ્ડનની તંદુરસ્તી પાંત્રીસ વર્ષના યુવાન જેવી હતી. દરરોજ પરોઢિયે ચાર-સાડા ચાર વાગ્યે જ માર્નિંગ વૉક માટે એ નીકળી જતો હતો. એનું મકાન કૈરોના રોડ પર શિવવિહાર કોલોનીમાં આવેલું હતું. ત્યાંથી નીકળીને યમુનાની પૂર્વી નહેરના કાંઠે પાંચેક કિલોમીટર ચાલવાનો એનો નિત્યક્રમ હતો. અલબત્ત, મોર્નિંગ વૉક માટે જતી વખતે એ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર અવશ્ય સાથે રાખતો હતો.
રવિવાર, તારીખ ૧-૯-૨૦૨૪ની સવારે એ ચાલવા નીકળ્યો ત્યારે એનાથી ચૂક થઈ ગયેલી. એ દિવસે એની પાસે રિવોલ્વર નહોતી અને એ જ સવારે અજ્ઞાત હુમલાખોરોએ એના શરીરમાં પાંચ ગોળી ધરબી દીધી હતી. હત્યારાઓ પણ ધંધાદારી શાર્પશૂટર જ હોવાથી માથા ઉપર, આંખમાં અને છાતીમાં જ ગોળીઓ મારેલી એટલે ગુડ્ડન ઓન ધ સ્પોટ મરી ગયેલો!
પરોઢિયે સાડા ચાર વાગ્યે ગુડ્ડનની હત્યા થઈ, એના એકાદ કલાક પછી બીજા મોર્નિંગ વૉકર્સની ટોળી ત્યાંથી નીકળી અને એમણે લાશ જોઈ. કાકાનગરમાં રહેતા કપિલકુમારે એ લાશ ઓળખીને તરત જ પોલીસને ફોન કર્યો. નામચીન હિસ્ટ્રીશીટર, હોટલ માલિક અને મોટા ગજાના પ્રોપર્ટી ડિલર-એવા શિવકુમાર કંબોજ ઉર્ફે ગુડ્ડનની હત્યાની જાણ થઈ એટલે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ગઈ. જિલ્લાના પોલીસ વડા રામસેવક ગૌતમ પણ ત્યાં આવી ગયા.
હત્યારાઓને પકડી શકાય એવી કોઈ કડી કે એવો કોઈ પુરાવો હત્યારાઓએ ઘટનાસ્થળ ઉપર છોડયો નહોતો. ગુડ્ડનનું વ્યક્તિત્વ એવું હતું કે એના માટે દુશ્મનોની કોઈ ખોટ નહોતી. અગાઉ અનેક લોકો સામે દાદાગીરી કરીને ખંડણી ઉઘરાવેલી, લોકોને ધમકી આપેલી, પ્રોપર્ટીના ધંધામાં પણ અનેક વિવાદ હોઈ શકે, ધાકધમકીથી કોઈની મિલકત ઝૂંટવી લીધી હોય એવું પણ ગુડ્ડન માટે શક્ય હતું. આ બધામાંથી ક્યા દુશ્મને તક ઝડપીને ગુડ્ડનના રામ રમાડી દીધા એ શોધવાનું કામ પોલીસ માટે પણ પડકારરૂપ બની ગયું હતું.
પરિવારને જાણ કરીને બોલાવી લીધા પછી ગુડ્ડનની પત્ની આસ્થાએ અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી. પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. એ પછી કોટવાલી પોલીસસ્ટેશન ઉપરાંત એસ.ઓ.જી.ની અને સર્વિલાન્સ- એમ કુલ પાંચ ટીમ અલગ અલગ દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખીને કામે લાગી ગઈ હતી. સર્વિલાન્સ ટીમ ઘટનાસ્થળની આસપાસ એ સમયે એક્ટિવ હતી, એ તમામ મોબાઈલના ડેટા ખંખોળી રહી હતી. બીજી ટીમે નહેરના કિનારે આવેલા તમામ સીસીટીવીના ફૂટેજનું ચેકિંગ શરૂ કરી દીધું હતું. સીસીટીવ ફૂટેજમાં ગુડ્ડનની માત્ર એક ઝલક જોવા મળી. ચાલતી વખતે એ પોતાના રૂમાલથી કપાળ ઉપરથી પરસેવો લૂછતો જોવા મળ્યો, એ સિવાય અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા ના મળી. નહેરના બંને છેડાની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ ચાલુ હતું. એક ટીમના સભ્યો ગુડ્ડનના પારિવારિક સંબંધો ખંખોળીને એમાંથી કોઈ છેડો મેળવવા મથી રહ્યા હતા. શામલી શહેરમાં પોલીસના જેટલા પણ ખબરીઓ હતા, એ બધાને પણ ધંધે લગાડી દેવામાં આવ્યા હતા-છતાં હત્યારાઓ પોલીસ પકડથી હજુ દૂર હતા.
પ્રોપર્ટીના ધંધામાં સ્પર્ધા વધારે હતી અને સોદાઓમાં મોટી રકમ સંકળાયેલી હોય એટલે એને લીધે ગુડ્ડન સાથે કોઈને આવી દુશ્મનાવટ થઈ હોય, એવી ધારણા ઉપર પોલીસે વધારે ધ્યાન આપ્યું અને એક વિશ્વાસપાત્ર ખબરી તરફથી એવી જાણકારી મળી કે ઓમવીર ઓમપ્રકાશ નામના દહેરાદૂનના એક પ્રોપર્ટી ડિલર સાથે પૈસાના મામલે ગુડ્ડનને ખૂબ મોટો ઝઘડો થયેલો. હત્યાને છ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ છેડો મળતો નહોતો, એ સમયે પોલીસ માટે આટલો ઈશારો પૂરતો હતો. પોલીસની એક ટીમ દહેરાદૂન પહોંચી ગઈ અને ઓમવીર ઓમપ્રકાશને પકડીને શામલી લાવીને એની પૂછપરછ શરૂ કરી. મોટી ઉંમરના એ પ્રોપર્ટી ડિલરનું પોલીસ સામે ટકી રહેવાનું ગજું નહોતું. એ ભાંગી પડયો. એણે મોં ખોલ્યું એ પછી ચોંકી જવાનો વારો પોલીસનો હતો! એણે જે કબૂલાત કરી એના આધારે પોલીસે એક પછી એક વ્યક્તિની ધરપકડ શરૂ કરી.
ગુડ્ડનની હત્યા સાથે સંકળાયેલા કુલ છ આરોપીઓની ધરપકડ કર્યા પછી રવિવાર, તારીખ ૮-૯-૨૦૨૪ સાંજે શામલી જિલ્લાના પોલીસ વડા રામસેવક ગૌતમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. શિવકુમાર કંબોજ ઉર્ફે ગુડ્ડનની હત્યાના રહસ્યનો ઉકેલ કઈ રીતે મળ્યો એની આખી વાત એમણે વિગતવાર જણાવી.
રવિવાર, પહેલી સપ્ટેમ્બરે સવારે ચાર વાગ્યે ગુડ્ડન મોર્નિંગ વૉક માટે નીકળ્યો ત્યારે એની પાસે રિવોલ્વર નહોતી, પરંતુ એમાં કોઈનું કાવતરું નહોતું, એ માત્ર જોગાનુજોગ જ હતો. ગુડ્ડનના મોર્નિંગ વૉકની તો બધાને જાણકારી હતી, અને એ દિવસે ધંધાદારી શાર્પશૂટર હત્યારાઓ લાગ જોઈને નહેર પાસે એવી રીતે ગોઠવાઈ ગયેલા હતા કે ગુડ્ડન પાસે રિવોલ્વર હોત, તો પણ એનું મોત તો નિશ્ચિત જ હતું. જે વ્યક્તિના એકથી વધારે દુશ્મન હોય ત્યારે એની હત્યા કોણે કરી એ શોધવાનું કામ અઘરું પડે છે, પરંતુ અમારી ટીમે જહેમત ઉઠાવીને તમામ અર્ધો ડઝન આરોપીઓને ઝડપી લીધા છે. દહેરાદૂનના જમીન દલાલ ઓમવીર ઓમપ્રકાશને ગુડ્ડન સાથે આર્થિક ચડભડ થયેલી, પરંતુ એ જાતે હત્યા કરવા આવે એવી એની વૃત્તિ કે શક્તિ નહોતી. અમારી ટીમે એને પકડયો એ પછી એણે જે જાણકારી આપી એ સાંભળીને અમને પણ દુ:ખદ આશ્ચર્ય થયેલું! આટલી પૂર્વભૂમિકા બાંધીને રામસેવક ગૌતમે ઈશારો કર્યો એટલે કોન્સ્ટેબલો એક સાથે તમામ આરોપીને લઈને આવ્યા. એમાં ગુડ્ડનના બંને પુત્રો- શોભિત ઉર્ફે સોનુ અને મોહિતને જોઈને પત્રકારોને પણ આશ્ચર્યનો ઝાટકો લાગ્યો!
પોલીસ અધિકારીએ આગળ માહિતી આપી. ગુડ્ડનની પ્રથમ પત્નીના આ બે દીકરા સોનુ અને મોહિતને પરણાવી દીધા, એના અગિયાર વર્ષ પછી ગુડ્ડને આસ્થા નામની યુવતી સાથે લગ્ન કર્યા. સોનુ અને મોહિતને આ વાત બિલકુલ ગમી નહોતી અને એની ગુડ્ડનને પણ જાણ હતી. એણે આ બંને પુત્રો એમના પરિવાર સાથે અલગ રહે એ માટે કૈરોના રોડ પર જ બીજું મકાન અપાવી દીધું હતું. ગુડ્ડનની હોટલ ધમધોકાર ચાલે છે, સોનુને રાજી રાખવા માટે ગુડ્ડને એ હોટલ સોનુને સોંપી દીધી અને સોનુએ એ હોટલનો કારોબાર સંભાળી લીધો હતો. નાના પુત્ર મોહિતને હોટલના ધંધામાં રસ નહોતો એટલે એને જેમાં રસ હતો એવો ધંધો ગુડ્ડને એને શરૂ કરાવી દીધેલો. મોટર-કારનો વર્કશોપ મોહિતને અપાવી દીધો એટલે એણે પણ કુશળતાથી સંભાળી લીધો હતો. એ બંને એમના પરિવાર સાથે અલગ રહેતા હતા અને પોતપોતાનો ધંધો સંભાળીને સારું કમાઈ રહ્યા હતા, એ છતાં એ બંનેના મનમાં નવી મા પ્રત્યે તો સહેજ પણ લાગણી નહોતી, માત્ર નફરત હતી. બાપા પાસે તો અઢળક પ્રોપર્ટી છે, અને એમાંથી અમને તો ચણા-મમરા આપીને જ રાજી કર્યા છે એવી એમની માનસિકતા હતી. એ બંને તો સાથે એક જ ઘરમાં રહેતા હતા એટલે આવો ઉભરો એ બંને એકબીજાની પાસે સતત કાઢતા રહેતા હતા.
પ્રોપર્ટીના ધંધામાં ગુડ્ડને જબરી કમાણી કરી હતી અને છપ્પનની છાતી હોવાથી નવી નવી પ્રોપર્ટી એ ખરીદી જ રહ્યો હતો. ગુડ્ડન ચાલાક હતો. પોતાના ઉપર તો ડઝનથી પણ વધારે મુકદ્દમાઓ ચાલી રહ્યા છે એની ખબર હોવાથી એ પોતાની તમામ પ્રોપર્ટી એની નવી પત્ની આસ્થાના નામે જ ખરીદી રહ્યો હતો. ગુડ્ડન સાથેના લગ્ન પછી આસ્થાએ પણ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપેલો. એ બંને તો હજુ નાના છે, અને સ્કૂલમાં ભણે છે. સોનુ અને મોહિતને લાગ્યું કે કાલે એ બંને મોટા થઈ જશે, એટલે તમામ પ્રોપર્ટીના એ માલિક થઈ જશે અને એમાંથી અમને હિસ્સો નહીં મળે. એમણે ગુડ્ડન પાસે જઈને આ વાત કહી ત્યારે ગુડ્ડને એમને ચોખ્ખું કહી દીધું કે તમને હોટલ અને ગેરેજ આપી દીધું છે, એટલે એનાથી વધારેની આશા રાખતા નહીં !
પિતાનો આ જવાબ સાંભળીને આ બંને ભાઈઓ ધૂંધવાયા. એમણે વારંવાર કહ્યું એ છતાં ગુડ્ડન પોતાની જીદ પર મક્કમ રહ્યો. હવે શું કરવું? બાપા બધોય દલ્લો નવી મા અને એના બાળકોને જ આપી દે એ કેમ ચાલે? ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ ગુસ્સાના આવેશમાં નિર્ણય કરી લીધો કે હવે તો એમને ખતમ જ કરી નાખવા જોઈએ.
એક વાર આવો નિર્ણય કરી લીધા પછી શુ કરવું? એ માટે એ બંને ભાઈઓએ પોતાના પિતાની સાથે જેને દુશ્મનાવટ હતી એવા પ્રોપર્ટી ડિલરને શોધ્યા. દહેરાદૂનવાળા ઓમવીરે આ કામમાં મદદ કરવાનું વચન આપ્યું. મોહિતના ગેરેજ ઉપર રાહુલ સુશીલ શર્મા નામનો યુવાન કાયમ આવતો હતો. એ આડા-અવળા ધંધામાં જ પરોવાયેલો હતો એટલે એને ધંધાદારી હત્યારાઓ સાથે સંબંધ હશે એવી ધારણા હોવાથી આ ભાઈઓએ રાહુલને વાત કરી. રાહુલ તો આવા કામ માટે તૈયાર જ હતો. એણે ફોન કરીને શાહપુર-મેરઠથી જયવીરસિંહ રાજપાલને બોલાવી લીધો. જયવીર અને એનો ભત્રીજો સૌરભ સુરેન્દ્રસિંહ શામલી આવી ગયા. રાહુલે એમની આ બંને ભાઈઓ સાથે મિટિંગ ગોઠવી. થોડા ભાવતાલ બાદ જયવીર અને એનો ભત્રીજો દસ લાખના બદલામાં આ કામ કરવા તૈયાર થઈ ગયા. સોનુ અને મોહિતે એમને મોર્નિંગ વૉક દરમ્યાન ખતમ કરવા માટે નહેરનો રૂટ બતાવી દીધો અને પ્લાન ગોઠવાઈ ગયો. એમને અર્ધા પૈસા એડવાન્સ અપાઈ ગયા અને પહેલી તારીખે એ બંનેએ બાઈક પર યમુના નહેર પર જઈને ગુડ્ડનની છાતીમાં પાંચ ગોળી ધરબી દીધી!
અત્યારે અહીં સોનુ, મોહિત, સૌરભ, રાહુલ અને ઓમવીર હાજર છે અને સૌથી ખૂંખાર જયવીરસિંહ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં છે. આ છ આરોપીની ધરપકડ પછી ગુનામાં પકડાયેલા મોટરસાઈકલો અને કારતૂસો સાથે એક પિસ્તોલ અમે કબજે કરી લીધી હતી. બીજી રિવોલ્વર માટે જયવીરે અમને કહ્યું કે એ મેરઠ-કરનાલ હાઈવે પાસે સંતાડી છે. એની રિકવરી માટે એને અમારી ટીમ સાથે મોકલેલો ત્યારે એણે જબરજસ્ત ચાલાકી કરી. પવનકુમાર નામના સબઈન્સ્પેક્ટની રિવોલ્વર ઝૂંટવીને એણે અમારી ટીમ પર જ ફાયરિંગ કર્યું અને ભાગ્યો. અમારી ટીમે સામે ગોળીબાર કર્યો. જયવીરના પગમાં ગોળી વાગી અને એ ફસડાઈ પડયો એ પછી અમે એને પકડીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે!
જિલ્લા પોલીસ વડાએ છેલ્લે જાણકારી આપી કે આ હત્યાનો કેસ ગણતરીના દિવસોમાં જ ઉકેલવા બદલ સહરાનપુરનના ડી.આઈ.જી. અજયકુમાર તરફથી અમારી ટીમને રૂપિયા પચીસ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
સંપત્તિની લાલચમાં સગા પિતાની હત્યા માટે દસ લાખની સોપારી આપનાર શોભિત ઉર્ફે સોનુ અને મોહિત- આ બંને ભાઈઓ એમના ચાર સાથીઓ સાથે સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. હવે ચાર્જશીટ બનશે પછી અદાલતમાં કેસ ચાલશે અને વર્ષો પછી ચુકાદો આવશે ત્યાં સુધીમાં તો એમની હોટલ અને ગેરેજનો ધંધો પણ ઠપ્પ થઈ ચૂક્યો હશે!