દાન સુપાત્રને જ થાય, કન્યાદાન પણ. નહિતર...?
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- હું કુંવારી રહીને મરી જવાનું પસંદ કરીશ, પણ છોટુ સાથે તો ક્યારેય લગ્ન નહીં કરું. તમે ખોટી આશામાં ના રહેતા. બીજે ટ્રાય કરો.'
- અંશૂલ શર્મા
- કોમલ સક્સેના
સ હુ વાચક મિત્રોને આજથી શરૂ થતા નૂતન વર્ષની શુભકામનાઓ. આજથી ૧૬૪૭ વર્ષ અગાઉ મોગલ બાદશાહ શાહજહાંએ વસાવેલું શાહજહાંપુર અગાઉ બરૈલી જિલ્લામાં હતું. ૧૮૫૭માં આઝાદીની લડતમાં શાહજહાંપુર, બરૈલી અને લખનૌનું મહત્વપૂર્ણ યોગદાન હતું. આવા ઐતિહાસિક શહેરમાં તારીખ ૧૮-૧૨-૨૦૨૪ના દિવસે બનેલી ઘટના કમકમાટી ઉપજાવે એવી છે.
શાહજહાંપુરના લાલા તેલી મહોલ્લામાં આઈ.ટી.આઈ. કોલોની આવેલી છે. સુરેશબાબુ સક્સેના આઈ.ટી.આઈ.માં પ્રાધ્યાપક તરીકે નોકરી કરતા હતા. સુરેશબાબુના પત્નીનું નામ સવિનય સક્સેના. એમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો. સૌથી મોટી દીકરી સલોનીને એમની જ જ્ઞાતિના કુલદીપ સાથે ધામધૂમથી પરણાવી હતી. ડાયાબિટિસના પેશન્ટ હોવા છતાં સુરેશબાબુ મીઠાઈનો શોખ છોડવા તૈયાર નહોતા. સલોનીના લગ્ન પછી અનિયંત્રિત ડાયાબિટિસને લીધે એમનું અવસાન થયું. એ પછી મોટા જમાઈ તરીકે કુલદીપ આ પરિવારના દરેક કામમાં મદદ કરતો હતો. ઘરનું ઘર હતું અને આર્થિક સ્થિતિ સદ્ધર હતી. વળી, ચાલુ નોકરીએ જ સુરેશબાબુનું અવસાન થયેલું એટલે એમના પુત્ર અંકુર સક્સેનાને આઈ.ટી.આઈ.માં રહેમરાહે નોકરી પણ આપવામાં આવી હતી.
સલોનીથી નાની દીકરી વર્તિકા અભ્યાસમાં હોંશિયાર હોવાની સાથે આઝાદ મિજાજની હતી. એણે પણ કારકૂન તરીકે આઈ.આઈ.ટી. માં નોકરી મેળવી લીધી હતી. એક દિવસ મોટી દીકરી સલોની અને કુલદીપને અહીં જમવા બોલાવ્યા હતા. જમ્યા પછી બધા હસી-ખુશીની વાતો કરી રહ્યા હતા. સલોની અને કુલદીપે જ્ઞાતિના બે યુવાનોના બાયોડેટા રજૂ કરીને સવિનયને કહ્યું કે આમાંથી જે વધુ યોગ્ય લાગે એની સાથે વર્તિકાના લગ્નની વાત કરવા જેવી છે. એ સાંભળીને વર્તિકાએ ધડાકો કર્યો. એણે બધાને કહ્યું. 'મારા લગ્નની ચિંતા કરવાની જરૂર નથી. મને કોઈ મુરતિયા બતાવવાની લપ પણ નથી કરવાની. હું અંશુલ શર્માને પ્રેમ કરું છું અને અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે!'
'અંશુલ શર્મા?' કુલદીપે આશ્ચર્યથી પૂછયું. 'એ કોઈ કામધંધો કરતો નથી. એના બાપાને પેઈન્ટની દુકાન છે. ત્યાં બપોરે જઈને એમની જોડે બેસીને ટાઈમપાસ કરે છે. દુકાનના વકરામાંથી એમનું ઘર પણ માંડ માંડ ચાલતું હશે. એમના ખંડેર જેવા ઘરને રીપેર કરાવવાની પણ એમની તાકાત નથી. તારા પગાર ઉપર એની નજર હશે એટલે એણે તને ફસાવી હશે. મારી વાત માન. એ બેકારની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ.'
'કુલદીપકુમારની વાત સાચી છે.' સવિનયે પણ વર્તિકાને સમજાવી. 'નોકરી-ધંધા વગરનો એ બ્રાહ્મણ છે, અને આપણે કાયસ્થ. તું એનો વિચાર છોડી દે. જ્ઞાતિમાં ઘણા સારા મુરતિયા છે.'
'તમારે કોઈએ મને સલાહ આપવાની જરૂર નથી. મને જે યોગ્ય લાગ્યું એ મુજબ મેં નિર્ણય કર્યો છે અને એમાં હું કોઈ ફેરફાર નથી કરવાની!' બહેન, બનેવી અને માતા સામે જોઈને વર્તિકાએ મક્કમતાથી કહ્યું. 'હવે આ મુદ્દે કોઈ ચર્ચા ના જોઈએ. મરી જઈશ, પણ અંશુલ સિવાય કોઈનીયે સાથે હું લગ્ન નહીં કરું!'
એનો આવો જવાબ સાંભળીને સલોની અને કુલદીપ ઊભા થઈને એમના ઘેર જતા રહ્યા. આ બધી ચર્ચા દરમ્યાન ભાઈ અંકુર અને નાની બહેન કોમલ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. એ બંનેને પણ વર્તિકાનું આવું વર્તન ગમ્યું નહોતું.
બીજા દિવસથી જનેતા તરીકે સવિનયે વર્તિકાને સમજાવવાનું શરૂ કર્યું. સારી નોકરી કરનારા કોઈ યુવાનને બદલે આવા બેકારની સાથે ના પરણાય, આપણે કાયસ્થ, એ બ્રાહ્મણ; પાછળથી પસ્તાવાને બદલે અત્યારે જ આ સંબંધ તોડી નાખ. પરંતુ વર્તિકા ના માની. ઘરનું વાતાવરણ હવે સતત તંગ રહેતું હતું. અંકુર અને નાની બહેન કોમલે પણ વર્તિકા સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું હતું. બાજુની શેરીમાં રહેતા એક કાયસ્થ પરિવારે ઘેર આવીને પોતાની દીકરી સાથે અંકુરને પરણાવવા વિનંતિ કરી હતી. વર્તિકાનું હિત વિચારીને, અપમાનનો ઘૂટડો ગળીને કુલદીપ અને સલોનીએ બીજા ત્રણેક મુરતિયાની જાણકારી સવિનયને આપી હતી. બધાની સમજાવટ છતાં વર્તિકાએ પોતાની જીદ ના છોડી. કુંવારી દીકરીને ઘરમાં ક્યાં સુધી રાખવી? એટલે વિધવા જનેતાએ કચવાતા મને પોતાની હાર સ્વીકારી લીધી અને વર્તિકાના લગ્નની તૈયારી શરૂ કરી.
ડિસેમ્બર, ૨૦૨૧માં અંશુલ શર્મા સાથે વર્તિકાના લગ્ન થયા, પરંતુ એ લગ્નપ્રસંગે સલોની અને કુલદીપે હાજર રહેવાની ના પાડી. સવિનયે ખૂબ મનાવ્યા, ત્યારે માત્ર થોડી વાર હાજરી આપીને જમ્યા વગર એ બંને જતા રહેલા.
લગ્નના બે મહિના પછી વર્તિકા અને અંશુલ સવિનય પાસે આવ્યા. એમનું મકાન રીપેર કરાવવા માટે એમણે સાત લાખ રૂપિયા ઉછીના માગ્યા. અંકુર અને કોમલને આ જરાય ગમ્યું નહીં, પણ સવિનયે અંશુલને સાત લાખ રૂપિયા આપ્યા.
છ મહિના પછી અંકુર માટે જે વાત આવી હતી એ પાડોશની કન્યા સાથે અંકુરના પણ લગ્ન પણ કરી નાખવામાં આવ્યા. કોમલ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી. બી.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને એણે બી.એડ્ કર્યું અને શિક્ષિકા બનવા માટે યુપીની ટેટ પરીક્ષામાં પણ સફળતા મેળવી. સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી માટે એ સીટેટ પરીક્ષાની તૈયારી કરતી હતી. માતા કે ભાઈ પાસેથી પૈસા માગવાને બદલે એ પોતાના ખર્ચ માટે ધોરણ દસ ને બારના વિદ્યાર્થીઓના ટયુશન કરતી હતી.
એ દરમ્યાન વર્તિકા કે અંશુલ પેલા સાત લાખ જાણે ભૂલી જ ગયા હોય એમ પાછા આપવાની વાત જ નહોતા કરતા. સવિનયે અંશુલ પાસે બે-ત્રણ વખત માગણી કરી, પણ તમારે હમણાં શું જરૂર છે? એમ કહીને અંશુલે વાત જ ઊડાડી દીધી. એને લીધે એ બંને સાથે આ પરિવારના સંબંધો વણસી ગયા હતા અને એ બંને અહીં આવતા પણ નહોતા.
અંકુરની પત્નીને કંઈક ખરીદવા માટે પૈસા જોઈતા હતા. એણે અંકુર પાસે માગ્યા, તો અંકુરે કહ્યું કે હમણાં સગવડ નથી. પેલી વિફરી. તમારી બહેનને આપવા માટે સાત લાખની સગવડ છે અને મને વીસ હજાર માટે ના પાડો છો? આ ઘરમાં મારી કોઈ કિંમત જ નથી? એ વિવાદ વધ્યો અને પેલી રિસાઈને પિયર જતી રહી. ત્યાં જઈને મા-બાપની ચડવણીથી એ પોલીસસ્ટેશને પહોંચી અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો!
આવી પરિસ્થિતિ વચ્ચે સવિનયને નાની દીકરી કોમલની ચિંતા હતી. ચોવીસ વર્ષની ભણેલી-ગણેલી કોમલ માટે એને લાયક સારો મુરતિયો શોધીને એને પરણાવવાની હતી. એના લગ્ન માટે પણ પૈસાની જરૂર પડવાની હતી, એટલે સંબંધોમાં કડવાશ તો હતી જ, એ છતાં એણે વર્તિકા અને અંશુલ પાસે નવેસરથી ઉઘરાણી શરૂ કરી, પણ અંશુલ વાત ટાળતો જ રહ્યો.
તારીખ ૩-૧૨-૨૦૨૪, ભાઈબીજના દિવસે વર્તિકા અંશુલને સાથે લઈને પિયરમાં આવી એટલે આખી કોલોનીમાં બધાને સુખદ આશ્ચર્ય સાથે લાગ્યું કે એમને સમાધાન થઈ ગયું હશે. સવિનયે અંશુલને કહ્યું કે ટૂંક સમયમાં જ કોમલના લગ્ન કરવાની ગણતરી છે, માટે તમે વહેલી તકે સાત લાખ પાછા આપી દો.
'તમારી એ તમામ ચિંતા દૂર કરવા માટે જ આટલા લાંબા સમય પછી હું તમારા ઘેર આવ્યો છું.' અંશુલે સમજાવ્યું. 'તમારી કોમલને મારા નાના ભાઈ છોટુ સાથે પરણાવી દો. તમારે મુરતિયો શોધવાની માથાકૂટ નહીં અને દહેજમાં સાત લાખ આપ્યા એમ માની લેવાનું એટલે આપણો હિસાબ પણ પૂરો!' અંશુલે હસીને ઉમેર્યું. 'એક જ ઘરમાં બે બહેનો સાથે હશે તો એમને એકબીજાનો ટેકો રહેશે!'
'બનેવીસાહેબ! આઈ એમ વેરી સોરી.' ભયાનક ગુસ્સાથી કોમલે કચકચાવીને જવાબ આપ્યો. 'મેટ્રિકમાં નાપાસ થયેલા તમારા બેકાર ભાઈ માટે એને લાયક બીજી કોઈ કન્યા શોધજો. હું કુંવારી રહીને મરી જવાનું પસંદ કરીશ, પણ છોટુ સાથે તો ક્યારેય લગ્ન નહીં કરું. તમે ખોટી આશામાં ના રહેતા. બીજે ટ્રાય કરો.'
કોમલે આવો સણસણતો જવાબ આપ્યો, એ છતાં ગરજવાનને અક્કલ ના હોય એમ અંશુલ એને મનાવવા માટે મથામણ કરતો રહ્યો, પરંતુ કોમલે ચોખ્ખી ના જ પાડી અને ઊભી થઈને બીજા ઓરડામાં જતી રહી. એ પછી અંશુલ અને વર્તિકાએ સવિનયને સમજાવવાનું શરૂ કર્યું. સવિનયે પણ છેલ્લે કંટાળીને કહ્યું. 'જમાઈબાબુ! મારી કોમલ બી.એસસી., બી.એડ્ થયેલી છે, ટેટની પરીક્ષા પાસ કરી છે એટલે ત્રણ-ચાર મહિનામાં તો એ શિક્ષિકા બની જશે. તમારો ભાઈ છોટુ મેટ્રિક નાપાસ છે અને કોઈ નોકરી-ધંધો કરતો નથી, એટલે એ બંનેનો એકેય રીતે મેળ પડે એવું નથી! મહેરબાની કરીને આ વાત ભૂલીને તમે વહેલી તકે સાત લાખ રૂપિયા પાછા આપો.'
અંશુલ ચિડાઈને ઊભો થઈ ગયો અને વર્તિકાને પણ એણે હાથ ખેંચીને ઊભી કરી દીધી અને એ બંને રવાના થઈ ગયા.
બે દિવસ પછી અંશુલે કોમલને ફોન કરીને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. કોમલે સખત શબ્દોમાં કહી દીધું કે છોટુ સાથે લગ્ન કરવાનું હું સ્વપ્નમાંય વિચારી શકતી નથી. તમે જો આ વાત માટે જ ફોન કરવાના હો તો હું તમારો નંબર બ્લોક કરી દઈશ!
એને ધમકી આપતો હોય એમ અંશુલે કહ્યું કે કોમલ, આનું પરિણામ સારું નહીં આવે. તું ફરીથી વિચારી જો. કોમલે ચિડાઈને ફોન કાપી નાખ્યો. અંશુલે વારંવાર ફોન કરીને સાસુને મનાવવા પ્રયત્ન કર્યો, પરંતુ સવિનય એને ચોખ્ખી ના જ પાડતી રહી.
કોમલ સવારે આઠ વાગ્યે ઘેરથી નીકળીને ટયુશન કરવા જાય છે અને અગિયાર વાગ્યે પાછી આવે છે- અંશુલે આ જાણકારી મેળવી લીધી હતી. તારીખ ૧૮-૧૨-૨૦૨૪, બુધવારે સવારે પોણા અગિયાર વાગ્યાથી એ કોમલની નજર ના પડે એવી રીતે ગલીના નાકે બેસી રહ્યો હતો. કોમલને એણે આવતી જોઈ અને એણે પોતાનો ઈરાદો મક્કમ કર્યો. કોમલ ઘેરમાં પ્રવેશી એ જ વખતે સવિનય શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળી. હવે ઘરમાં કોમલ એકલી જ છે, એની ખાતરી થઈ ગઈ એટલે અંશુલ આગળ વધ્યો.
બેડરૂમમાં પલંગ પર બેસીને કોમલ પુસ્તકો ગોઠવી રહી હતી, એ વખતે અંશુલ સીધો જ ત્યાં પહોંચી ગયો. જેકેટમાં સંતાડી રાખેલો છરો બહાર કાઢીને એણે કોમલની ગરદન પર મૂક્યો.
'છોટુ સાથે લગ્ન કરવાની તું ના કેમ પાડે છે? બહુ મોટી અભિમાનની પૂતળી બનીને ના ક્યાં સુધી પાડીશ? આજે તો તારું કામ જ તમામ કરી નાખવા આવ્યો છું!' એનો પાશવી ચહેરો જોઈને ગભરાયેલી કોમલે ભાગવા પ્રયત્ન કર્યો. બંને વચ્ચે ઝપાઝપી થઈ, પરંતુ અંશુલની તાકાત સામે કોમલનું શું ચાલે? અંશુલે પૂરી તાકાતથી કોમલની ગરદન વાઢી નાખી! લોહીથી લથબથ કોમલ ઢળી પડી!
લોહીવાળા ચાકુ સાથે જ અંશુલ બહાર ભાગવા જતો હતો એ જ વખતે સવિનય ઘરમાં પ્રવેશી. જમાઈના હાથમાં લોહીવાળું ચાકુ જોઈને એ ચોંકી ઉઠી. એ કંઈ પૂછે એ અગાઉ અંશુલે એનો હાથ પકડીને એને પણ ખતમ કરી નાખવાના ઈરાદાથી અંદર ખેંચી. પ્રબળ જિજીવિષાથી સવિનય હાથ છોડાવીને ભાગી અને ચીસાચીસ કરી. એની ભયાનક ચીસો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા અને ચાકુ ફેંકીને અંશુલ ભાગી ગયો!
કોમલની લાશ જોઈને સવિનય બેભાન થઈ ગઈ હતી. પાડોશીઓએ એને સંભાળી લીધી. પોલીસને, અંકુરને અને સલોનીને પાડોશીઓએ ફોન કર્યા. ઈન્સ્પેક્ટર સુરેન્દ્રપાલસિંહ અને એસ.પી. સંજયકુમાર ફોરેન્સિક ટીમ સાથે આવી ગયા. બહેનની લાશ જોઈને અંકુર અને સલોની ડઘાઈ ગયા હતા. કુલદીપે એ બંનેને સંભાળી લીધા.
વર્તિકાને તો કંઈ ખબર જ નહોતી. રોજની જેમ આફિસમાંથી એણે સાસરે અને પિયર ફોન કર્યા પણ બંને ઠેકાણે ફોન બંધ મળ્યા એટલે એ પોતાના ઘેર ગઈ. ત્યાં તાળું જોઈને એ પિયર આવી ત્યાં ટોળું જોઈને એને ધ્રાસકો પડયો. એ દોડીને ઘરમાં આવી ત્યારે ભાંગી પડેલી સવિનયની કમાન છટકી. 'તું તો આ ઘરમાં પગ જ ના મૂકતી! આ બધું તારા પાપે જ થયું છે! અંદર ના આવતી-અહીંથી જતી રહે!' વેદનાથી વલોવાતી જનેતા રડી રડીને આક્રોશ ઠાલવતી હતી. ડઘાઈ ગયેલી વર્તિકાને પાડોશીઓ બહાર લઈ ગયા અને શું બન્યું હતું એની જાણકારી આપી એટલે પારાવાર પસ્તાવા સાથે વર્તિકા પણ ફસડાઈ પડી.
પોલીસની ફોરેન્સિક ટીમે લોહીવાળું ચાકુ, કોમલની તૂટેલી બંગડીઓ વગેરે કબજે કર્યું. બે કલાકમાં જ પોલીસની ટીમે અંશુલને પકડી લીધો. પોતાના બચાવમાં એણે પોલીસને એમ કહ્યું કે મારા સાળા અંકુરને એની પત્ની સાથે ઝઘડો ચાલે છે, એટલે અંકુરના સસરાએ ઘરમાં ઘૂસીને કોમલની હત્યા કરી નાખી! પોલીસે એને પ્રસાદી આપી એ પછી એણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી.
એક ડઝન જેટલા સાક્ષીઓ અને ચાકુ પર આંગળાની છાપને લીધે અંશુલને તો સજા થશે. એ જેલમાં જશે, પરંતુ બનેવી અને માતાની સાચી સલાહની અવગણના કરીને વર્તિકાએ કુપાત્ર જોડે લગ્ન કરવાની મૂર્ખામી કરી, એને લીધે એક આશાસ્પદ યુવતીના જીવનનો કરૂણ અંત આવ્યો!