Get The App

ગોદડું : કશ્મકશ .

Updated: Dec 6th, 2022


Google NewsGoogle News
ગોદડું : કશ્મકશ                                              . 1 - image


- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ

- જાણે માની ગોદમાં બાળક ને શાતા વળતી હશે તેવી શાતા વળે. આખાય શરીર પર ગોદડું વીંટળાઈ વળે

ગો દડું શબ્દ બોલતાં મને એની મેં બનાવેલી વ્યુત્પત્તિ સૂઝે છે. ગોદ અને ડું.

ગોદ શબ્દ અતિશય વહાલનો સૂચક છે. માને બાળક અત્યંત વહાલું લાગે છે એટલે તે એને ગોદમાં લઈ લે છે.

બાળક વિના માની ગોદ સુની. પ્રત્યેક સ્ત્રી એની ગોદ ભરાય તે માટે કંઈ કંઈ માન્યતા, બાધા, આખડી રાખે છે.

લગ્ન પછી ગોદ ભરાય એટલે સ્ત્રીનું જીવન સાર્થક. માની ગોદ એટલે નાનકડા બાળનું સ્વયમ્ જીવન સાર્થક. માની ગોદ એટલે બાળક માટે સ્વર્ગીય સુખ. એટલે ગોદનું મહત્ત્વ ઘણું ઘણું છે. પ્રચલિત માન્યતા છે ને કે ગોદ સુની એનું જીવન સુનું. કેટલાં બાધા આખડી, વ્રત, પૂજા કર્યાં હોય પછી ભગવાનની કૃપા હોય તો પરિણીતાનું જીવન સાર્થક કરે એવું ગોદમાં ગેલતું બાળક મળે.

આમ 'ગોદ' શબ્દ અર્થસૂચક છે.

'ગોદ' શબ્દ તો સહેજે પરિણીતોને સમજાય, પણ એને હું પ્રત્યય લગાડીને ગોદડું કેમ બનાવ્યું છે ?

ગોદ તો અર્થવાચક છે, પણ 'ડું' ?

'ડું' શબ્દનો અર્થ શો ? એ વ્યર્થ હશે ?

ગોદને વહાલ સૂચક દર્શાવવા માટે 'ડું' પ્રત્યય લાગ્યો હશે.

જેમ કે છોકરું વહાલ આવે ત્યારે નાનું 'છોકરડું' કહેવાઈ જાય છે. 'હશે, નાનું છોકરડું છે' એમ એના બચાવ માટે 'ડું' પ્રત્યય લગાડાતો હોય છે. 'વાછરડું' પણ 'ડું' લાડવાચક છે.

આ તો 'ગોદડું' શબ્દની વ્યુત્પત્તિ થઈ. પણ ગોદડા વિશે તો શિયાળાની સુસવતી ટાઢ જ મૂગી રહીને બોલી ઉઠશે.

મીરાંબાઈએ જાણે એને 'દુજો' ડાઘ' ના લાગે એટલે 'ઓઢું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોઈ' એમ જીવનને- શરીરને કામળામાં વીંટી દીધું. એટલે એના શરીરને 'દુજો' ડાઘ ક્યારેય ના લાગે. તે માટે કામળો પસંદ કરી લીધો.

મીરાંબાઈને ભલે કામળો 'મુલાયમ' લાગ્યો હશે. 'દુજો ડાઘ ના લાગે તે માટે અંગરક્ષક જેવો લાગ્યો હશે. પણ આજની સંસ્કૃતિમાં સુંવાળા અને સંપન્ન શહેરીજનને તો 'કામળો કરડતો' જ લાગે.

'કામળો' તો 'ગામઠી' - 'આઉટ ઓફ ફેશન' નજર બહાર થઇ ગયો. પણ ગ્રામજીવનમાં 'ગામડિયા' ગણાતા ખેડુતને કે ગ્રામવાસીને તો ખેતરે જતાં ખભે કામળો જ શોભે.

શહેરીજનની સુંવાળી સંસ્કૃતિને - પ્રકૃતિને કશું ય બરછટ કે કરડકણું ના ગમે. શરીરે 'ખૂંચે' 'સંપન્નતા' ને 'ખૂંચ' ના સદે.

મારા કંઈક સંપન્ન જીવનનો એકરાર કરી દઉં તો મને શિયાળામાં શત્રુ જેવી ગળુ પકડનારી ઠંડી માટે તો ગોદડું જ ગમે. અલબત્ત મોટે ભાગે તો ચારસો (ચોરસો) કે શાલનો જ ઉપયોગ થતો હોય છે. શાલ, ગોદડાની તુલનામાં કોમળ અને ફેશનેબલ ગણાય એ પણ એક કારણ ખરું.

શાલ સારાય શરીરને ભલે વીંટળાઈ વળી હોય, ટાઢથી શરીરને સુરક્ષિત રાખતી હોય તો પણ સાલની ગુંજાયશ ગોદડા જેટલી નહિ. ઠંડીથી શરીરને સુરક્ષિત રાખે એટલું જ એનું કર્તવ્ય. ચારસો કે ચોરસો તો શાલની સરખામણીમાં મુલાયમ ગણાય આછી પાતળી ઠંડીમાં ચારસાથી કામ ચાલે. શરીરને હૂંફ, ગરમાવો આપી શકે.

પણ ગોદડું એટલે માની વહાલભરી ગોદ. રાત્રે જમીને પરવારી ગયા પછી ઠંડી લાગવા માંડે. સમય ખુટાડવાના સાધનો સાથે તો સંબંધ વેગળો મૂકીએ ત્યાં તો ઠંડી આવીને એના આગમનનું સ્મરણ કરાવે.

રાતે જમી પરવારીને બેઠા હોઈએ.. સમય વીતતો જાય, ઠંડી થોડાંક બચકાં ભરી જતી હોય ત્યાં સુધી તો એને બરદાસ્ત કરીએ, પણ એક બે સુસવાટા શરીરને ધુ્રજાવી જાય કે તરત ઓઢવાનું સાંભરે.

જરાક ટી.વી. જોવા કે પ્રસંગે વધારે બેસીએ તો ટાઢનું લખલખું શરીરને ભેટવા તૈયાર જ હોય.

મારા નાજુક શરીરને આ બિલકુલ પોષાય નહિ. એટલે જરાક ટીવી જોયું ન જોયું કરીને ગોદડાના આશ્રયે પહોંચી જઉં.

અને હાશ, જાણે માની ગોદમાં બાળક ને શાતા વળતી હશે તેવી શાતા વળે. આખાય શરીર પર ગોદડું વીંટળાઈ વળે.

એ પણ ઊંઘની તો રાહ જ શેની જોવી પડે. માની ગોદમાં બાળકને કયાં કશાની રાહ જોવાની હોય છે.

આખું શરીર ગોદડાની હુંફાળી કેદમાં સમાઈ જાય અને માની ગોદની ઉષ્મા જેમ મળે તેમ આ ગોદડું પણ માની ગરજ સારે.

ઊંઘ આવતી નથી સાથે જ સપનાની વણજાર શરું થાય. એક પછી એક સપનાં ચાલ્યાં કરે. આપણું સમગ્ર ચિત્ત તેમાં પરોવાયું હોય ત્યાં...

'અરે ઉઠો ઉઠો, કેટલા વાગ્યા ? કંઈ ખબર છે ?'

'કોણ છે ?' એવા પ્રશ્નનો જવાબ તો ક્યાંથી મળે, પણ ગોદડું સરકતું હોવાનો અહેસાસ થાય.

એક તરફ પગ તરફ ગોદડું ખેંચાય,

મારા બે હાથ જોરશોરથી માથા પરનું ગોદડું જકડી રાખે.

ગોદડાની ખેંચા ખેંચ કશ્મકશમાં હું બને તેટલો પ્રયત્ન ગોદમાં ભરાઈ રહેવા માટે કરું પણ એકાદ એવો ઝાટકો આવે કે ગોદડું માથા પરથી પગ સુધી ખેંચાઈ જાય..

'અરે, કોણ નોનસેન્સ !' એવા ચીડભર્યા ઉદ્ગાર થઈ જાય ત્યાં...

ઘડિયાળમાં સાડાઆઠ વાગ્યા. સૂરજ પણ કેટલો આગળ આવી ગયો ? ક્યાં સુધી ઘોરવું છે ? ચાલો ઝટ્ટ ઉભા થાવ.'

અને અમે માની ગોદમાંથી પરાણે છૂટા પડતા હોઈએ તેમ બહાર આવીએ.

'અરે, આઠ વાગી ગયા ?' આશ્ચર્યવત્ ઉદ્ગાર નીકળી પડે. અને અમે ના છૂટકે ગોદડામાંથી બહાર નીકળીએ.

અમારી સવારની કશ્મકશ એમ પૂરી થઇ જાય અને પછી તો...

રોજની માથાપચીસી- ચાલુ જ હોય...!


Google NewsGoogle News