પરમાત્માની પૂજા એ નકશો છે, શિલ્પ નહીં! .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
પરમાત્માની પૂજા એ નકશો છે, શિલ્પ નહીં!                      . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

આ જના અતિ વ્યસ્ત, તનાવયુક્ત એવા ભૌતિક જીવનની પરિસ્થિતિનું વર્ણન કર્યા પછી સદગુરુએ કહ્યું કે આજના માનવીની સ્થિતિ એવી છે કે એ કાં તો ભૌતિક પ્રાપ્તિમાં અટવાઈ જાય છે અથવા તો ધર્મ કે સંપ્રદાયના સીમાડામાં બંધાઈ જાય છે. આને પરિણામે એને આધ્યાત્મિક ચિંતન કરવાનો અવકાશ મળતો નથી. પરમાત્માના સાચા સ્વરૂપની એને ઓળખ સાંપડતી નથી. વ્યાખ્યાનની પૂર્ણાહૂતિ થતાં એક સાધકે આવીને સદ્ગુરુને પ્રશ્ન કર્યો.

'આપ પરમાત્માને પામવાની વાત કરો છો, પરંતુ એ વસ્તુ કઇ રીતે પામી શકાય, જેનું અસ્તિત્વ જ ન હોય ? જેની હયાતી જ ન હોય તેની પ્રાપ્તિ કઇ રીતે શક્ય બને ? તમે જ કહો, તમે ક્યારેય પરમાત્માને જોયા છે ખરા ?'

સદગુરુએ હસતાં હસતાં કહ્યું, 'હું તો અહર્નિશ પરમાત્માનાં પાવન દર્શન પામું છું અને તમે પણ સાધના કરો, તો તમને પણ દર્શન પ્રાપ્ત થાય.'

'સાધના ?' સાધકે કહ્યું, 'અરે, આખી જિંદગી પૂજા કરતો આવ્યો છું. એને મોંઘા કેસર અને સુવાસિત પુષ્પ ચડાવ્યાં છે. એની બુલંદ કંઠે પ્રશસ્તિ કરી છે. પરંતુ હજી સુધી પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શનની પ્રાપ્તિ થઇ નથી.'

સદ્ગુરુએ કહ્યું, 'પરમાત્માની પ્રાપ્તિ એ એક પદ્ધતિ અને શિલ્પ બંને છે. માત્ર પદ્ધતિ જાણવાથી શિલ્પનું સર્જન થતું નથી.'

'આપની આ પદ્ધતિ અને શિલ્પની વાત મારી સમજમાં આવતી નથી. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો ?'

સદ્ગુરુએ કહ્યું, 'જેમ તમારે કોઈ ઇમારતની રચના કરવી છે, તો પહેલાં તમે ઇમારતનો નકશો બનાવો છો, પરંતુ એક નકશો કે પ્લાન પૂરતા નથી. એ પછી તમારે સ્વયં પુરુષાર્થ કરીને એની ઇમારત બનાવવી પડે. આ રીતે પરમાત્માની પૂજા એ એક નકશો છો, એમાં તમારે તમારા પ્રાણ રેડવા પડે. જેમ સ્થપતિ કે બાંધકામ કરનાર એ નકશા મુજબ ઇંટોથી ઇમારતની રચના કરે છે એ રીતે તમારે મહેનત કરવી જોઇએ.'

'એટલે ?'

'એનો અર્થ એ કે માત્ર ઇશ્વરની પૂજા કરવાથી કે એને પુષ્પ અર્પવાથી કશું નહીં વળે. એને માટે આત્માને પૂજાને લાયક બનાવવો જોઇએ અને પોતાનું જીવનપુષ્પ પરમાત્માને અર્પણ કરવું જોઇએ. આપણે આપણા પ્રાણ પરમાત્મામાં રેડીએ, તો જ પરમાત્મા આપણા પ્રાણમાં જાગે છે.'


Google NewsGoogle News