મને એક દિવસ આરામ કરવા દો! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સ દ્ગુરુના સત્સંગ માટે વિરાટ માનવમેદની ઊભરાતી હતી. એમાં પુરુષો અને સ્ત્રીઓ હોય, યુવાન અને વૃદ્ધ હોય, ઉમદા સ્વભાવવાળા કે અધમ મનોવૃત્તિવાળા પણ આવતા હતા.
આ ગુરુની પાસે તો સહુ કોઈ આદર પામતા હતા. સહુને એ સ્નેહ આપે. જ્ઞાન અને બોધ આપે. સત્સંગનો રંગ લગાડવા પ્રયત્ન કરે.
સદ્ગુરુ ઉપર સવાલોની ઝડી વરસતી હતી. કોઈ ગરીબી-નિવારણના ઉપાય પૂછતા તો કોઈ આત્મજાગૃતિનાં સાધનની ઝંખના રાખતા. ગુરૂ સહુને પ્રેમથી ઉત્તર આપે. એમની જિજ્ઞાસાને પૂરેપૂરી છિપાવે. સવાર-સાંજ સત્સંગ તો ચાલતો જ હોય. વળી આખો દિવસ એટલા બધા લોકો મળવા આવે કે થોડી વાર પણ નિરાંત ન મળે. આના પરિણામે સદ્ગુરુનું શરીર થાકીને લોથપોથ થઈ ગયું. થાકને કારણે એકાદ વખત તો થોડી ક્ષણ માટે બેભાન પણ બની ગયા.
આ પરિસ્થિતિ જોઈને સદ્ગુરુએ મનોમન વિચાર્યું કે હવે શરીર કામ આપે તેવું રહ્યું નથી. થાકના ડુંગર નીચે દબાઈ ગયું છે. આથી પોતાના અંતેવાસીને બોલાવીને સદ્ગુરુએ કહ્યું, ''જો, હવે થાકને કારણે મારું શરીર સાવ નંખાઈ ગયું છે. હવે વધુ શ્રમ હું લઈ શકું તેમ નથી. મારે આરામની જરૂર છે. નહીંતર હું ભાંગી પડીશ અને મારાં માનવતાપૂર્ણ કાર્યો અટકી જશે.''
અંતેવાસીએ કહ્યું, ''ગુરુદેવ ! અમને પણ એની જ ચિંતા થાય છે. હવે આપ લાંબો સમય વિશ્રામ કરો તે જરૂરી છે.''
સદ્ગુરુએ કહ્યું, ''ખેર ! બહુ લાંબો સમય તો વિશ્રામ નહીં થાય, પણ એકાદ દિવસ આરામ કરી લઉં.''
''તો પણ અમારા ઉપર આપનો ઘણો ઉપકાર થશે.'' અંતેવાસી શિષ્યએ કહ્યું.
''તો સાંભળ. હવે હું એક દિવસ પૂરેપૂરો આરામ કરવા માગું છું. હું કોઈનેય મળવા ઇચ્છતો નથી, આથી કોઈને મળવા માટે આવવા દઈશ નહીં.''
અંતેવાસી તો ગુરૂના આદેશનું શબ્દશ: પાલન કરવા લાગ્યો. એ કોઈને પ્રવેશવા દેતો નહીં. પરંતુ હજુ થોડા કલાક જ પસાર થયા હતા, ત્યાં ગુરૂ બહાર આવ્યા અને કહ્યું,
''ઓહ ! મારી ભૂલ થઈ ગઈ! હું તો વધુ બેચેન બની ગયો. મને લાગે છે કે માનવતાની સેવા એ જ મારો સાચો આરામ છે.''
માનવીના જીવન સાથે જ માનવતા જોડાયેલી છે. માણસ ઉમદા અને ઉદાર બને તો દેવ બની શકે છે અને અધમ બને તો શેતાન બની શકે છે. આવો માનવી માનવતાનાં કાર્યો દ્વારા બીજાના જીવનમાં સહાયરૂપ બનવાની સાથે પોતાના જીવનમાં સંતોષનો અનુભવ કરે છે. સાચા સંતોએ સદૈવ માનવતાની ચિંતા કરી છે.