હું કપટી નથી ને સર્વજ્ઞા પણ નથી! .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
હું કપટી નથી ને સર્વજ્ઞા પણ નથી!                               . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

બં ગાળના વિખ્યાત સાહિત્યકાર અને બંગાળી નવલકથાના પિતા તરીકે ઓળખાતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વ્યવસાયે નાયબ ન્યાયાધીશ હોવાથી એમની નોકરીમાં વારંવાર બદલી થતી હતી. આથી એમને બંગાળી જનજીવનના અનેક રૂપો જોવા મળ્યાં. 'દુર્ગેશ નંદિની' નવલકથાથી એમણે બંગાળી નવલકથાને સાચું સ્વરૂપ આપ્યું અને એ પછી 'કપાલકુંડલા', 'વિષવૃક્ષ', 'ચંદ્રશેખર' જેવી નવલકથાઓ લખી. એમાં 'આનંદમઠ' નવલકથામાં આવતું 'વંદે માતરમ્' ગીત એ ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત બન્યું. બંગાળી નિબંધ- સાહિત્યમાં મહત્વનું પ્રદાન કરનાર બંકિમચંદ્રે 'કૃષ્ણચરિત્ર' નામનો કૃષ્ણવિષયક સંશોધનયુક્ત ગ્રંથ પણ લખ્યો છે.

એકવાર કોઇ એક વિષય પર બંકિમચંદ્રે પોતાનો અભિપ્રાય જાહેરમાં પ્રગટ કર્યો હતો, પણ સમય જતાં એમને પોતાનો અભિપ્રાય બદલવાની જરૂર લાગી. પોતાનો બદલાયેલો અભિપ્રાય જાહેરમાં પ્રગટ કરતાંની સાથે જ એમની સામે વિરોધનો મોટો વંટોળ જાગી ઊઠયો.

એમના પ્રશંસકો એમના નિદકો બની ગયા. કોઇએ એમને ચંચળ વૃત્તિવાળા કહ્યા, તો કોઇએ એમના પર નિર્ણયશક્તિના અભાવનો આક્ષેપ કર્યો. કેટલાકે તો અસ્થિર મનવાળા પણ કહી દીધા.

બંકિમચંદ્ર પર કેટલાય પ્રકારની ટીકાઓના વરસાદ વરસવા લાગ્યો. ઘણાએ બદલાયેલા અભિપ્રાય અંગે એમનો ખુલાસો માગ્યો, ત્યારે બંકીમચંદ્રએ કહ્યું,

'જેને પાછળથી એમ સમજાય કે પોતાનો મત ખોટો હતો તેમ છતાં પોતાનું માન જાળવવા કે આબરૂ સાચવવા એમાં ફેરફાર ન કરે ને ભૂલભર્યા લાગતા મતને આંખો મીંચીને વળગી જ રહે, તે માનવી કપટી કહેવાય. વળી જે એમ વિચારે કે એનો મત કદી ખોટો સાબિત થઇ શકે તેમ નથી, તો તે સર્વજ્ઞા કહેવાય. હું કપટી બનવા ચાહતો નથી અને સર્વજ્ઞા નથી તે હું જાણું છું.'


Google NewsGoogle News