ગુરુને આસ્થા અને અહંકાર વચ્ચેનો ભેદ સમજાયો!

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ગુરુને આસ્થા અને અહંકાર વચ્ચેનો ભેદ સમજાયો! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ગુ રુદર્શન માટે અતિ આતુર શિષ્ય પોતાના ગામથી ગુરુના આશ્રમ તરફ જવા નીકળ્યો. માર્ગમાં ઊંડી અને વિશાળ નદી આવતી હતી. વર્ષાઋતુનો સમય હતો અને હમણાં જ મુશળધાર વર્ષા થઇ હતી. પરિણામે નદીમાં ભારે પૂર આવ્યું હતું. શિષ્ય નદીની પાસે આવ્યો અને વિચારવા લાગ્યો કે હવે કઇ રીતે આ નદી પાર કરવી ?

ગુરુદર્શનની તીવ્ર ઇચ્છાને કારણે મનોમન નિર્ધાર કર્યો કે ગમે તે થાય, પરંતુ ગુરુના આશ્રમે પહોંચ્યા વિના જંપીશ નહીં. દ્રઢ નિશ્ચય સાથે ગુરુના નામનું સ્મરણ કરીને નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું. પરિણામની લેશમાત્ર પરવા કરી નહીં. નદી પાર કરીને શિષ્ય ગુરુના આશ્રમે પહોંચ્યો. શિષ્યને જોતાં જ ગુરુને પારાવાર પ્રસન્નતા થઇ. શિષ્ય ચરણસ્પર્શ કરવા ગયો ત્યારે ગુરુએ એને પકડીને ભાવથી ગળે લગાડયો. ગુરુને ખ્યાલ આવ્યો કે બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નદીમાં ભારે પૂર આવ્યું છે. ક્યાંય કોઈ નાવિક નદી પાર કરવા તૈયાર નથી, એવા સમાચાર મળ્યા છે, ત્યારે એમનો આ શિષ્ય અહીં આવ્યો કઇ રીતે ?

એમણે શિષ્યને પૂછ્યું, 'મુશળધાર વર્ષાને કારણે ગાંડીતૂર બનેલી નદી કઇ રીતે તેં પાર કરી ?'

શિષ્યએ કહ્યું, 'ગુરુદેવ, મનમાં એક સંકલ્પ હતો કે આપનાં દર્શન કર્યા વગર પાછા ફરવું નથી. એ દ્રઢ નિશ્ચયને આધારે આપનું સ્મરણ કરીને મેં નદીમાં ઝુકાવ્યું અને પાર કરી. એમ જ કહો કે નદીએ સ્વયં મને રસ્તો કરી આપ્યો.'

શિષ્યની વાત સાંભળીને ગુરુએ મનોમન વિચાર્યું કે વાહ ! 

મારા નામમાં કેવી અપાર અને અગાધ શક્તિ છે ! એનો અર્થ જ એ કે હું ઘણો મહાન અને પ્રબળ શક્તિશાળી છું.

બીજે દિવસે વાતાવરણ શાંત હતું. આકાશ વાદળવિહોણું હતું. સરસ મજાનો હૂંફાળો તડકો નદીનાં જળ પર હસતો-ખેલતો હતો, ત્યારે ગુરુએ નદી પાર કરવા માટે પાણીમાં પગ મૂક્યો. એમણે પોતાનું નામસ્મરણ કર્યું અને થોડેક આગળ વધ્યા હશે, ત્યાં એમના પગ લથડવા માંડયા. નદીના પ્રવાહનો સામનો કરી શક્તા ન હતા. માંડ થોડે આગળ ગયા અને નદીના પાણીમાં ગબડી ગયા.

ગુરુ વિચારમાં પડી ગયા. મારા નામસ્મરણથી શિષ્ય તોફાની નદીને પાર કરી શક્યો અને હું આ શાંત નદીને પાર કરી શક્તો નથી ? એનું કારણ એટલું જ કે મારા નામમાં કોઈ શક્તિ નથી, મારા શિષ્યની આસ્થામાં બળ છે.

એ દિવસે ગુરુને આસ્થા અને અહંકાર વચ્ચેનો ભેદ સમજાયો.


Google NewsGoogle News