ધન-દોલત માનવીની આંખે પાટા બાંધી દે છે
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
શે ઠ એમના કર્મચારી પર અકળાઈ ગયા. એમણે કર્મચારીને આપેલી રકમમાંથી કેટલીક રકમ એ કર્મચારીએ પોતે વાપરી નાખી હતી. બાજુમાં ઊભેલા શેઠના દીકરાએ તો કર્મચારીને ધમકી આપતાં કહ્યું કે, 'હમણાં જ પોલીસ બોલાવું છું. તારે જેલની હવા ખાવી પડશે.'
ધુ્રજતા અવાજે કબુલાત કરતાં કર્મચારીએ કહ્યું કે, 'મારી દીકરીનાં લગ્ન હતાં. એનો પગાર એટલો ઓછો કે એમાંથી કશી બચત થતી નહીં. ગમે તે ભોગે પ્રસંગ પાર ઉતારવો પડે તેમ હતું, આથી તમે આપેલી રકમમાંથી થોડી વાપરી નાખી, પણ આપની એ રકમ દૂધે ધોઈને ચૂકવી આપીશ.'
કર્મચારીની કાકલૂદી સાંભળીને શેઠ વિચારમાં પડયા. એમનો પુત્ર તો બરાડા પાડીને કહેતો હતો કે હવે તને સજા કરાવ્યા વિના છોડીશ નહીં.
કર્મચારીની આંખમાંથી આંસુ વહેતાં હતાં. શેઠે કહ્યું, 'તારી વફાદારી હું જાણું છું. આજથી તારો પગાર બમણો કરી આપું છું.'
પોલીસને બોલાવવા માંગતો શેઠનો પુત્ર તો આ સાંભળીને અકળાઈ ગયો. એણે કહ્યું, 'પિતાજી, આને સજા કરવાને બદલે તમે એનો પગારવધારો કરો છો ? કેટલી મોટી ભૂલ કરો છો ?'
શેઠે કહ્યું, 'બેટા, આને જો આપણે પોલીસને હવાલે કરીએ, તો પહેલી વાત એ બને કે એનું આખું કુટુંબ તબાહ થઈ જાય. બીજું એ પણ ખરું કે આપણે એની ભૂલનાં ભાગીદાર છીએ. આમાં આપણો પણ વાંક ખરો.'
પુત્રએ કહ્યું, 'આપણે આપેલી રકમ એ પોતાની અંગત બાબતમાં
વાપરે, એમાં આપણો વાંકગુનો શો ?'
પિતાએ કહ્યું, 'બેટા, આપણે એની પાસે કામ લીધું, પણ એના કુટુંબનો ક્યારેય વિચાર ન કર્યો. આ આપણો મોટો અપરાધ. આથી જ મેં કરેલો પગારવધારો એ સર્વથા ઉચિત છે. વળી, યાદ રાખજે કે ક્ષમા જેવો બીજો કોઈ દંડ નથી.'
ધનિક માનવી દરેક માણસને ધનથી તોલે છે અને તેને કારણે ગરીબ હોય કે નોકર, એને માત્ર ધન આપીને ખરીદી લેવાનો વિચાર કરે છે.
ધન માનવીની આંખે પાટા બાંધી દે છે, જેથી એને બીજાની મુશ્કેલીઓનો ખ્યાલ આવતો નથી. એ વિચારતો નથી કે આટલી ઓછી આવકમાં કેવી રીતે જીવન બસર કરતા હશે. એ પોતાનો સ્વાર્થ સાધવા માટે માનવતા નેવે મૂકીને વર્તે છે. બહુ ઓછા અમીરો ગરીબના દિલની વેદનાને જાણી શકે છે.