તમારા નિત્યમિત્ર, પર્વમિત્ર અને હિતમિત્રને ઓળખો ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એક રાજકુમારને ત્રણ મિત્રો હતા. એક મિત્ર ચોવીસે કલાક પડછાયાની માફક ખાતા-પીતાં, ઊઠતાં-બેસતાં સતત સાથે રહેતો. એને નિત્યમિત્ર કહેતો.
બીજો મિત્ર એ કોઈ પર્વ કે તહેવારના દિવસે રાજકુમારને મળવા આવતો. રાજકુમાર એને સાથે બેસાડીને જમાડતો અને વાતો કરતો. આને પર્વમિત્ર કહેતો.
રાજકુમારનો ત્રીજો મિત્ર તે રાજકુમારને હંમેશાં હિતની જ વાત કરતો. નિત્યમિત્રના સતત સહવાસને કારણે રાજકુમાર એની સાથે વધુ સંપર્ક કેળવી શકતો નહીં, પરંતુ જ્યારે રાજકુમારના મનમાં કોઈ પ્રશ્ન કે સમસ્યા જાગે તો તે આ મિત્રને ત્યાં પહોંચી જતો. બંને મળે ત્યારે એકબીજાને નમસ્કાર કરે. આથી રાજકુમાર એને હિતમિત્ર કહેતો.
જીવનમાં ભરતી પછી ઓટ આવે એ રીતે રાજકુમારના જીવનમાં એકાએક આફત આવી ગઈ. કોઈએ રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે, રાજકુમાર તો એમની સામે ભયંકર કાવતરું કરે છે. રાજાએ હુકમ કર્યો કે રાજકુમાર જ્યાં હોય ત્યાંથી એને પકડી લાવીને ફાંસીએ ચડાવી દો.
રાજકુમાર જીવ બચાવવા માટે નાસી છૂટયો અને નિત્યમિત્રને ત્યાં આવ્યો. નિત્યમિત્રએ બારણું ખોલ્યું. એણે રાજકુમારને જોયો. રાજાના હુકની એને ખબર હતી એટલે જાણે રાજકુમારને સહેજે ઓળખતો ન હોય તેમ જાકારો આપીને બારણું વાસી દીધું.
રાજકુમાર બહાર ઊભા રહીને આજીજી કરી અને કહ્યું કે રોજ હું તને ખવડાવતો, પિવડાવતો અને મોજ કરાવતો હતો ત્યારે આજે મારી આપત્તિના સમયે તું મને ઠોકર મારે છે ?
નિત્યમિત્ર બોલ્યો, 'જુઓ, તમે મારા મિત્ર છો તેથી તો રાજાને જાણ કરતો નથી, નહીં તો તમને તરત જ રાજાને હવાલે કરી દીધા ન હોત ! અને તમારા ગળામાં ફાંસીનો ફંદો પડી જાત. હવે તત્કાલ અહીંથી ચાલ્યા જાવ. નહીંતર મારે નાછૂટકે એમ કરવું પડશે.'
નિરાશ રાજકુમારને ઘોર અંધકારમાં એક આશાના કિરણ સમાન પર્વમિત્રનું સ્મરણ થયું, પર્વમિત્રને રાજકુમારે પોતાની દુર્દશાની વાત કરી ત્યારે એણે કહ્યું,
'માફ કરજે મને. પણ રાજાનો વિરોધ કરવાની કે રાજના અપરાધીને રાખવાની મારી કોઈ શક્તિ નથી. તું કહે તો ધન કે ભોજન આપું, પણ રાજવિરોધીને હું કઈ રીતે આશ્રય આપી શકું ?'
પર્વમિત્ર પાસેથી નિરાશ થયેલો રાજકુમાર છેલ્લે હિતમિત્ર પાસે ગયો. રાજકુમારે રાજાના આકરા હુકમની વાત કરી ત્યારે હિતમિત્રએ કહ્યું,
'અરે ! તમે મારા મિત્ર છો. આ રાજાનો તો ઠીક પણ દેવરાજ ઈન્દ્રનો કોપ તમારા પર ઊતરે તોય હું તમને મદદ કરીશ. તમે નિશ્ચિત બનીને અને તમારું ઘર માનીને નિરાંતે રહો.'
રાજકુમાર હિતમિત્રને ત્યાં રહ્યો. હિતમિત્રએ રાજકુમાર પાસેથી આખી ઘટના જાણી. એને ખ્યાલ આવ્યો કે રાજકુમાર તો નિર્દોષ છે. તેથી એ ખુદ રાજા પાસે ગયો અને રાજકુમારને નિર્દોેષ સાબિત કરાવીને સજા રદ કરાવી.
આ ધર્મકથાનો મર્મ એ છે કે આપણા આત્માને પણ નિત્યમિત્ર, પર્વમિત્ર અને હિતમિત્ર જેવા ત્રણ મિત્રો છે. ચોવીસે કલાક રાજકુમારની સાથે રહેનારા નિત્યમિત્રની જેમ આ શરીર ચોવીસે કલાક આત્માની સાથે જ રહે છે. એ શરીરને ખવડાવે, પિવડાવે છતાં રોગ કે ઘડપણ આવે તો એ દગો દે છે. અંતમાં સાથ ન આપનાર બનાવટી મિત્ર જેવું આ શરીર છે.
માતાપિતા કે સ્વજનો એ સહુ પર્વમિત્રો છે. તેઓ કર્મરૂપી રાજાનો કોપ થવાથી તેના બંધનમાંથી આત્માને છોડાવી શકતા નથી.
ત્રીજો મિત્ર છે સાચું હિત શીખવનારો ધર્મ. આ ધર્મ આપત્તિમાં શરણ આપે છે તેની સહાયથી આત્મ કર્મમુક્ત બને છે. આત્મા અને કર્મને ભિન્ન સમજે છે. સાચો મિત્ર એ કે જે ઉપકાર કરે. આફતમાંથી ઉગારે અને એ રીતે આત્માનો સાચો મિત્ર આત્મા જ છે.