વિનમ્રતા એ કલાસાધનાનો પ્રાણ છે! .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
વિનમ્રતા એ કલાસાધનાનો પ્રાણ છે!                                . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક વિખ્યાત સંગીતાચાર્ય પાસે સંગીત શીખવા માટે સમગ્ર ભારતવર્ષમાંથી કલારસિકો આવતા હતા. સંગીતાચાર્ય ખૂબ મહેનત અને પૂરી લગનથી એમને સંગીત-શિક્ષણ આપતા હતા, એથી એમના ઘણા શિષ્યો આ ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. એક કલારસિક સંગીતમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે સંગીતાચાર્ય પાસે આવ્યો અને બોલ્યો,

'આપના જેવા સંગીતાચાર્યની ખ્યાતિ સાંભળીને અહીં આવ્યો છું, આપની પાસેથી સંગીતની શિક્ષા મેળવવાની મારી ઈચ્છા છે.'ર્

સંગીતાચાર્યે એની વિનંતીનો સ્વીકાર કરતાં કલારસિકે પૂછ્યું,

'આચાર્યશ્રી, આ સંગીતની શિક્ષા માટે મારે આપને પુરસ્કાર રૂપે શું આપવું પડશે ?'

'ખાસ કંઈ નહીં, માત્ર એકસો સુવર્ણમુદ્રા આપવી પડશે.'

કલારસિકે કહ્યું, 'એકસો સુવર્ણમુદ્રા ! આ જરા વધારે છે, એનું કારણ એ કે મને આમ તો સંગીતનું સારું એવું જ્ઞાન છે. કલારસિકો આજે મારી સંગીતકલાને આદર-સન્માન પણ આપે છે.'

આ સાંભળી સંગીતાચાર્યે કહ્યું, 'જો આવું જ હોય તો તારે બસો સુવર્ણમદ્રા આપવી પડશે.'

કલારસિક પરેશાન થઈ ગયો. એણે પૂછ્યું, 'આચાર્યશ્રી, આવું કેમ ? આપની વાત હું સહેજે સમજી શકતો નથી. હું સંગીતનો જાણકાર છું, તેથી આપને શીખવવામાં બહુ સમય નહીં લાગે. ઘણી ઓછી મહેનત કરવી પડશે. કામ ઓછું અને પુરસ્કાર કેમ વધારે ?'

આચાર્યશ્રીએ ઉત્તર આપ્યો, 'કામ ઓછું નથી, બલ્કે વધુ છે. 

પહેલાં તને જે શીખવ્યું છે, તે ભૂંસવું અને ભુલાવવું પડશે. તારે નવેસરથી શીખવાનો પ્રારંભ કરવો પડશે, કારણ કે પહેલેથી જ ભરાયેલા પાત્રમાં કશું વિશેષ નાખવું અસંભવ છે.'

કલારસિકને આ વાત સમજાઈ નહીં, એથી એ ચાલ્યો ગયો, પરંતુ નજીકમાં ઊભેલા આચાર્યશ્રીના શિષ્યને આ સાંભળીને આશ્ચર્ય થયું. એણે આમ કરવાનું કારણ પૂછ્યું.

આચાર્યે કહ્યું, 'મેં સમજી વિચારીને આમ કહ્યું, કારણ કે મને એનામાં જ્ઞાનના ગર્વનો અનુભવ થયો, કલાની સાધના માટે વિનમ્રતા જરૂરી છે.'


Google NewsGoogle News