કાંટા ઉગાડશો, તો મહેંક કદી મળશે નહીં ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ગુ લાબના છોડના મનમાં દ્વિધા જાગી. એને થયું કે ફૂલ આપું યા કંટક સર્જું ! કઇ બાબતથી પોતાને જીવનમાં શાંતિ મળશે ?
દ્વિધાના સમાધાન માટે એ જે કોઈ આવે એને પૂછવા લાગ્યો.
એક દિવસ એક રાજકારણી આવી ચડયા. ગુલાબને થયું કે લાવને, આખા દેશની ચિંતા માથે લઇને ફરતા આ રાજનેતાને મારા દિલની ચિંતા કહું. ગુલાબના છોડે હળવેથી નેતાને પૂછ્યું,
'આપ આખા દેશની ચિંતા માથે લઇને ફરો છો. માફ કરજો. મારે એમાં થોડો વધારો કરવાનો છે.'
રાજકીય નેતાએ એમની ઠાવકી ભાષામાં જવાબ આપ્યો, 'તમારી ચિંતા નિ:સંકોચ કહો. પ્રજાની લાગણી જાણવી એ તો અમારો ધર્મ છે, એનાં દુ:ખ-દર્દો સમજવાં એ તો અમારું કાર્ય છે.'
ગુલાબના છોડે પૂછ્યું, 'મારી દ્વિધા એટલી છે કે મારી જાતની સુરક્ષા માટે શું કરવું જોઇએ ? જગત સાથે કઇ રીતે જીવવું જોઇએ ?'
રાજકારણીએ કહ્યું, 'ઓહ ! આ તો અસ્તિત્વનો સવાલ છે. આ જગત એટલું ભયાવહ છે કે તમે એની સાથે મુકાબલો ન કરો તો એ તમને નષ્ટ કરી નાખશે માટે ફૂલને બદલે ચારેબાજુ કાંટા પાથરી દે. કાંટાઓ તારી સુરક્ષાનું કવચ બનશે.'
ગુલાબના છોડે ફૂલ ઉગાડવાનું મોકૂફ રાખ્યું. કાંટા ઉગાડવાનું વધારી દીધું. પોતાની આસપાસ એણે કાંટાની જાળ રચી દીધી. છોડને પહેલાં ગુલાબની સુવાસ મળતી હતી તે ચાલી ગઈ. વધારામાં કાંટાની તીવ્ર વેદના સહન કરવાની આવી, પણ એણે મન મનાવ્યું કે આ તો અસ્તિત્વની લડાઈ છે. સુરક્ષા માટે તો શસ્ત્ર જ જોઇએ. છોડને કાંટાની વેદના વધી ગઈ. એવામાં કોઈ સાધક નજરે પડયો.
સાધકને પૂછ્યું. 'મારા મનના એક સવાલનો તમારે જવાબ આપવાનો છે. મારી સુરક્ષા માટે મેં કાંટા સર્જ્યા, પણ હવે એ કાંટા મને જ ભોંકાય છે તેનું શું કરવું ? એમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો ?'
સાધકે કહ્યું, 'વાહ ! તમારે કાંટા સર્જવા છે, પણ એની પીડા ભોગવવી નથી. તે કેમ બને ? આ કાંટા બીજાને પીડા આપશે અને ખુદ તનેય પીડા આપશે. તારી ભૂલ તારા જીવન તરફના અભિગમમાં છે. તારે કાંટા સર્જવાના ન હોય, બલ્કે ફૂલ ખીલવવાનાં હોય.'
ગુલાબના છોડને સાધકની વાત ગમી ગઈ. એણે કાંટા સર્જવાનું છોડી દીધું. સુવાસિત ફૂલ ઉગાડવાનું શરૂ કરી દીધું. પહેલા એને જોઇને દૂર ભાગનારા લોકો હવે એની નજીક આવવા લાગ્યા. એણે ઉગાડેલા ફૂલની રમણીયતા અનેકની આંખો ઠારવા લાગી. એની સુવાસ સહુનાં મન મોહી લેતી હતી.
માનવી પોતાની સુરક્ષા માટે કાંટાનું કવચ ધારણ કરતો હોય છે. ભય અને ચિંતાઓથી ડરીને એ સુરક્ષાની વેતરણ કરતો હોય છે, પરંતુ આવી વેતરણ કરવા જતાં એનું જીવન વણસી જાય છે. કાંટા ઉગાડવા જતાં ફૂલની મહેકનો પોતાનો સ્વભાવ ભૂલી જાય છે.