લોક અને પરલોકનું મનન કરે તે મુનિ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સં પ્રદાયને ઘણી વાર સંકુચિતતા સાથે ગાઢ સંબંધ બંધાઈ જાય છે. ધર્મની વ્યાપકતાનો એમાં લોપ થતો હોય છે, આથી એક જ સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન મતો પ્રવર્તતા હોય છે. સંપ્રદાયના મુનિઓ વચ્ચે પણ ક્વચિત્ત છુપો કલેશ અને ઊંડો કલહ નજરે પડે છે.
વાત એવી બની કે વર્ષાવાસ માટે એક જ સ્થાને ભિન્ન ભિન્ન વિચારધારા અને સંપ્રદાય ધરાવતા મુનિરાજો એકત્રિત થયા. અહમ્ની ટકરામણ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ. પ્રત્યેક મુનિના સંપ્રદાયનો નિયમ જુદો, એનાં વ્રત જુદાં અને એનાં વિધિવિધાન પણ તદ્દન ભિન્ન. ઉપાસના-પદ્ધતિમાં તો ક્યાંય મેળ ન પડે, આથી ક્યારે વિવાદ જાગશે અને કલહ-કંકાસનો ભડકો થશે એની કોઈને કશી જાણ નહોતી. વળી ચોમાસાના ચાર મહિના અનિવાર્યતયા સાથે રહેવાનું હતું ! આવો વિવાદ ન જાગે તે માટે સહુએ પ્રાર્થના કરી ધીરે ધીરે મુનિઓને જ સમજાયું કે લોકો શા કાજે ભયભીત છે ? સર્વ મુનિઓ એકત્રિત થયા. એમણે કલહ જન્માવે તેવી પરિસ્થિતિનું નિરાકરણ વિચાર્યું.
આને માટે મુનિઓએ દિનચર્યાને લગતા ચુસ્ત નિયમો બનાવ્યા. નજીકમાં નદી વહેતી હતી તેથી પાણીનો સવાલ નહોતો, પરંતુ આસપાસ માનવવસ્તીના અભાવે ભોજનપ્રબંધ મુશ્કેલ હતો. પાણી કોણ ભરી લાવે, ભિક્ષા કોણ કેટલા દિવસ લાવે ત્યાંથી માંડીને રાત્રે શૈય્યા કોણ બિછાવે - તે બધા અંગે નિયમો કર્યા.
મહત્ત્વની વાત એ નક્કી કરી કે જો એ કાર્ય કરવા કોઈ મુનિરાજ તૈયાર ન થાય તો એણે અન્યને એ કાર્ય સુપ્રદ કરવું, પરંતુ કોઈએ કોઈની સાથે વાતચીત કરવી નહીં. પૂર્ણપણે મૌન ધારણ કરવું. વિવાદ ટાળવાનો મૌન એક જ માર્ગ હતો. બધા મુનિઓએ પરસ્પર કોઈ વાતચીત કરી નહીં, ક્યારેક જરૂર પડે ત્યારે સંકેતની ભાષાનો ઉપયોગ કર્યો અને એ રીતે શાંતિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યો.
આ સમયે ભગવાન બુદ્ધ આ સ્થળેથી પસાર થતા હતા. ભિન્ન ભિન્ન સંપ્રદાયના મુનિઓએ કહ્યું કે જગત ભલે ગમે તે માને, પણ જુદા જુદા સંપ્રદાયમાં માનનારાઓ એકસાથે રહી શકે છે. એક-બે દિવસ નહીં, પરંતુ ચાર ચાર મહિના કશાય વિવાદ વગર હળીમળીને રહી શકે છે.
આ વાત ભગવાન બુદ્ધને જણાવવા માટે મુનિ સમુદાય ગયો અને એમને અત્યંત હર્ષભેર આ વાત કરતાં કહ્યું કે, ''અમે વૈચારિક અને સાંપ્રદાયિક ભિન્નતા ધરાવતા હોવા છતાં કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરીને સુખશાંતિથી સંપૂર્ણ વર્ષાકાળ પસાર કર્યો છે. અમે એકબીજા સાથે કશી વાતચીત કરી નથી. સહુએ પ્રસન્નતાપૂર્વક પોતાની સાંપ્રદાયિક જવાબદારીઓ નિભાવીને ભાઈચારો દાખવ્યો છે.''
વાત સાંભળીને ભગવાન બુદ્ધના ચહેરા પર હાસ્ય આવ્યું. એમણે કહ્યું, ''કશાય વાદવિવાદ વિના પરસ્પર સાથે રહ્યા તે સારું કર્યું, પરંતુ માત્ર મૌન રહેવાથી મુનિ કહેવાય નહીં. પશુઓ એકબીજા સાથે વાત ન કરે, એમ તમે પણ એકબીજા સાથે વાત ન કરી. આ વ્યવહાર તો પશુસમાન વ્યવહાર ગણાય. મૌન એક બાબત છે અને મુનિવ્રતનું પાલન એનાથી ભિન્ન બાબત છે. હકીકતમાં તો આ લોક અને પરલોકનું મનન કરે તે મુનિ કહેવાય.''
ક્યારેક માણસ ભયથી ધર્મને આચરતો હોય છે અને એને પરિણામે એના ચિત્ત પર ધર્મના બદલે ભય સવાર થઈ જાય છે. એકબીજા સાથે એ સહાજિક વ્યવહાર કરી શકતો નથી, કારણ કે વિચારોએ એનામાં ગ્રંથિ જગાડી હોય છે અને સાંપ્રદાયિક મમત્વે એની વિચારશક્તિને કુંઠિત કરી નાખી છે, આથી જ બુદ્ધે મુનિઓએ અજમાવેલા ઉપાયને યોગ્ય ગણ્યો નહીં.