જીવન સાથે જડાયેલું છે મૃત્યુ! .

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જીવન સાથે જડાયેલું છે મૃત્યુ!                              . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

બં ગાળના કોલ્હ ગામમાં ભૂપેશ સેન નામની એક વ્યક્તિ રહેતી હતી. એનું ચિત્ત અધ્યાત્મમાં ડૂબેલું હતું. એ એવો ભક્ત હતો કે જ્યારે એ ભક્તિમાં તન્મય બનતો ત્યારે બહારની દુનિયા સાથેનો સંબંધ કપાઈ જતો.

આવી રીતે એક દિવસ એ તન્મયતાથી ભક્તિમાં બેઠો હતો. બાહ્ય જગત સાથેનો એનો નાતો સમાપ્ત થઈ ગયો હતો. હૃદયમાં જાગૃતિ અને છતાં બહારથી સુષુપ્ત એવી અવસ્થામાં ભૂપેશ સેન હતા.

એવામાં એક વ્યક્તિ દોડતી આવી. સાધનામાં તન્મય બનેલા ભૂપેશના શરીરને જોરથી આંચકો આપતાં કહ્યું, 'અરે ભૂપેશ, જાગો, જાગો, ઊઠો.'

પરંતુ ભૂપેશની મસ્તી તૂટી નહીં. ભક્તિની તન્મયતામાં એનું શરીર એ જ રીતે ડોલતું હતું.

પેલી વ્યક્તિએ ભૂપેશનો હાથ પકડીને જોરથી હલાવ્યો. ભૂપેશે આંખો ખોલી અને પૂછયું કે, 'શું થયું છે ?'

આગંતુક વ્યક્તિએ કહ્યું, 'અરે કેવા છો તમે ? કંઈ સૂઝબૂઝ છે ખરી ? ક્યારનોય તમારા શરીરને હલાવું છું, પણ તમે જાગતા જ નથી ! ચાલો જલદી કરો, તમારા એકના એક પુત્રને ઝેરી સાપ કરડયો છે અને એનું તત્ક્ષણ મૃત્યુ થયું છે.'

ભૂપેશ સેને કહ્યું, 'ખેર, જે થવાનું હતું તે થઈ ગયું.'

આગંતુક બોલ્યો, 'અરે, કેવા છો તમે ? એકનો એક પુત્ર આમ ચાલ્યો જાય અને તમને કંઈ સંતાપ પણ થતો નથી ? કશો શોક પણ થતો નથી ? તમારી આંખમાં આંસુનું એક ટીપું પણ નથી ? મને લાગે છે કે તમને તમારો પુત્ર પ્યારો ન હતો. નહીં તો એને ગુમાવ્યાનો શોક તમને કેમ ન હોય ?'

ભૂપેશ સેને કહ્યું, 'અરે ભાઈ, જે દિવસે મારો પુત્ર આવ્યો, ત્યારે એ મને પૂછીને આવ્યો ન હતો. આજે એ ગયો ત્યારે પણ એ મને પૂછીને ગયો નથી.

 એ આવ્યો ત્યારે મેં કશું કર્યું નહોતું અને આજે જ્યારે એ ગયો છે ત્યારે મને કશું કરવાનું પણ નથી. જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે. માણસ આવે છે અને ચાલ્યો જાય છે. એમાં આટલો બધો સંતાપ શાનો ?

ભૂપેશ સેનની વાત સાંભળી આગંતુક શાંત થઈ ગયો. એમને શું કહેવું તે સમજાતું નહોતું. થોડી વાર અટકીને એ બોલ્યો, 'અરે, એને અગ્નિદાહ આપવાનો છે. મારી સાથે ચાલો.'

ભૂપેશ સેન સ્મશાનમાં ગયા. પુત્રને અગ્નિદાહ આપતાં કહ્યું, 'બેટા, જે ઘરમાંથી તું આવ્યો હતો એ જ ઘરમાં પાછો જઈ રહ્યો છે. આજથી આપણો સંબંધ પૂરો થાય છે.'

ભૂપેશ સેનની વૈરાગ્યમયતા સહુને સ્પર્શી ગઈ.

અને સાચે જ જીવનને વળગી રહેલા માણસે મૃત્યુની ઘણી મોટી ઉપેક્ષા કરી છે. મૃત્યુને સમજવાને બદલે એને છાવરવાનું પસંદ કર્યું છે. મૃત્યુને જાણવાને બદલે એને રીતરસમથી ઢાંકવાનું જ પસંદ કર્યું છે.

હકીકતમાં જીવન સાથે જ મૃત્યુ જડાયેલું છે. મૃત્યુને જીવનને અંતે જોનારા જ એનાથી મૂંઝાય છે અને ડરે છે. ખરેખર તો જીવનની પ્રત્યેક પળમાં મૃત્યુનો અનુભવ માણવો જોઈએ.


Google NewsGoogle News