તને આપવા મારી પાસે મૂળિયાં સિવાય કંઈ નથી!
- ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઈ
ન દીકિનારે આવેલા આંબાના વૃક્ષ પર એ બાળકને ગાઢ પ્રીતિ હતી. એ આ વૃક્ષને પાણી પાતો અને એના છાંયડાની ગોદમાં બેસીને રમતો હતો. ક્યારેક એના થડને અઢેલીને મીઠી નિદ્રા માણતો હતો.
એક દિવસ આ બાળક વૃક્ષની નીચે બેઠો હતો. એના ચહેરા પર ઉદાસીનતા હતી. આંખોમાં આંસુ હતાં. આંબાના વૃક્ષે પોતાના મિત્રને પૂછયું કે શા માટે આજે એ દુ:ખી લાગે છે ?
ત્યારે બાળકે કહ્યું, 'મારે રમકડાં જોઈએ છે, પરંતુ એ ખરીદવા મારી પાસે પૈસા નથી. બીજાં બાળકો એમનાં રમકડાંથી રમતા હોય છે અને હું એમની જેમ મારાં રમકડાંથી રમી શકતો નથી. આ દુ:ખને કારણે હું રડું છું.'
વૃક્ષે કહ્યું, 'દોસ્ત, મારી પાસે પૈસા નથી, પરંતુ તને પૈસા અપાવી શકું તેમ છું. જો, હું સહેજ નીચો વળું છું અને મારા પરની કેરીઓ લઈને તું બજારમાં વેચી આવજે. તને રમકડાં માટેની રકમ મળી રહેશે.'
આટલું બોલીને આંબાના વૃક્ષે પોતાની ડાળીઓ નીચી કરી અને એ બાળકે એના પરની કેરીઓ તોડી લીધી. એને બજારમાં વેચીને મળેલી રકમમાંથી એણે રમકડાં ખરીદ્યાં.
આ વાતને વર્ષો વીતી ગયાં. પેલો બાળક એના વૃક્ષ-મિત્રને ભૂલી ગયો. એક દિવસ એણે જોયું કે એ યુવક બનીને એની પાસે આવ્યો હતો. આ સમયે પણ એ ઉદાસીન હતો. એના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસેલી હતી. વૃક્ષે પોતાના મિત્રને એની મુશ્કેલી પૂછી.
યુવકે કહ્યું, 'એને ઘરગૃહસ્થી શરૂ કરવી છે, પરંતુ મકાન નથી. મારી પાસે લાકડાં નથી, શું કરું ?'
આંબાના વૃક્ષે પોતાની મોટી મોટી ડાળીઓ એને આપી. વળી થોડા સમય બાદ એ યુવાન પરિવાર સહિત આંબાના વૃક્ષની પાસે આવ્યો અને બોલ્યો, 'પરિવારને લઈને યાત્રાએ નીકળ્યો છું. મારે નદી પાર કરવી છે. નાવની જરૂર છે, હું શું કરું ?'
આંબાના વૃક્ષે કહ્યું, 'એમાં ચિંતા શું કરે છે. મારું થડ કાપી નાખ અને એમાંથી નાવ બનાવીને પરિવાર સહિત નદી પાર કર.'
યુવકે આંબાના વૃક્ષનું થડ કાપી નાખ્યું. એની હોડી બનાવીને પરિવાર સહિત નદી પાર કરી. એ પછી કેટલાંય વર્ષો બાદ એ યુવક વૃક્ષ પાસે આવ્યો, ત્યારે સાવ વૃદ્ધ થઈ ગયો હતો. એ કમરથી વાંકો વળી ગયો હતો. એની આંખો એટલી નબળી હતી કે માંડ થોડું જોઈ શકતો હતો. એની સ્થિતિ જોઈને વૃક્ષની આંખમાં આંસુ આવી ગયાં અને બોલ્યું, 'મારા બાળપણના મિત્ર, તને આપવા માટે હવે મારી પાસે મારાં મૂળિયાં સિવાય બીજું કશું જ નથી.'
વૃદ્ધ એની વાત સાંભળીને બોલ્યો, 'દોસ્ત, હવે મારે કશું જોઈતું નથી. તારાં મૂળિયાનો આશરો એ જ મારે માટે ઘણી મોટી વાત છે.'
એ વૃદ્ધ રોજ આ વૃક્ષનાં મૂળિયા પર માથું મૂકીને આરામ કરવા આવવા લાગ્યો. આંબાનું વૃક્ષ ખુશ હતું કે હજી પણ એ એના મિત્રને ઉપયોગી બની રહ્યું છે.