પરિચિત અને અપરિચિત પછી કોઈ બાકી રહે છે?

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
પરિચિત અને અપરિચિત પછી કોઈ બાકી રહે છે? 1 - image


- ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ

વર્ષો પહેલાંની વાત છે, કે જ્યારે ભગવાન બુદ્ધના સંદેશાએ અશોકના વેર અને યુદ્ધથી બળતા હૃદયને શાંતિપ્રિય બનાવી દીધું હતું.

સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્રને ભગવાન બુદ્ધનો સંદેશો લઈને શ્રીલંકા જવાનો આદેશ આપ્યો.

લાંબી સફર ખેડીને મહેન્દ્ર શ્રીલંકાના રાજવીના દરબારમાં આવ્યો. એણે કહ્યું કે, એક દિવ્ય વિભૂતિનો અનુપમ સંદેશ એ પોતાની સાથે લાવ્યો છે, પરંતુ એ સંદેશને માટેની યોગ્યતા પારખવા કેટલાક સવાલોનો ઉત્તર આપવો પડશે.

ભગવાન બુદ્ધનો સંદેશો સાંભળવા આતુર એવા શ્રીલંકાના રાજવીએ પ્રશ્નનો જવાબ આપવાની ઉત્સુકતાભરી તૈયારી બતાવી.

મહેન્દ્રએ પૂછ્યું, 'હે રાજન્ ! આ દુનિયામાં એવા કેટલાક લોકો છે કે જેની સાથે આપ ગાઢ નાતો ધરાવો છો. આપ એ સહુને ઓળખો છો. જ્યારે કેટલાક એવા લોકો પણ છે, કે જેને આપ ઓળખતા નથી. જેની સાથે આપને કશોય સંબંધ નથી. આમ આવા બે વર્ગ છે, પણ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ એવું બાકી રહે છે કે જે આ બે વર્ગમાં ન આવે ?'

શ્રીલંકાના રાજવીએ ઉત્તર આપ્યો, 'હા, આ સિવાય પણ કશુંક બાકી રહે છે. સંબંધિત અને અસંબંધિત એ બે વર્ગોમાં જ બધું સમાપ્ત થઈ જતું નથી. આ બંને ઉપરાંત જે બાકી છે તે હું છું.'

રાજવીનો ઉત્તર સાંભળી મહેન્દ્રએ એમને સંદેશો આપવાને અધિકારી ગણ્યા.

વર્ષો પહેલાંના આ પ્રસંગનો મર્મ એ છે કે જે માનવીનું જીવન પરિચિત અને અપરિચિતમાં જ સમાપ્ત થાય, એ માનવી જીવનનું સાચું રહસ્ય કદી પામી શકતો નથી, કારણ કે એનું વ્યક્તિત્વ પરિચિતોમાં વહેંચાઈ ચૂક્યું હોય છે. મિત્ર, સંબંધ અને સમાજમાં જ એની જાત ડૂબી ગઈ હોય છે.

પરિચિત અને અપરિચિત ઉપરાંત એક વસ્તુ બાકી રહે છે અને તે વ્યક્તિ પોતે. દરેક વ્યક્તિએ એ બાકી રહેલી પોતાની જાતને ઓળખવાની છે. જો એ બીજા લોકોમાં જ પોતાના વ્યક્તિત્વને ઓગાળી દેશે તો એ લાંબી મથામણને અંતે પણ કશું પામશે નહીં.

માનવીનું સૌથી મોટું કાર્ય સ્વયંને જાણવાનું છે. જો એ સ્વયંને નહીં જાણી શકે તો શાંતિ અને મુક્તિ એને જીવનમાં ક્યારેય હાથ લાગશે નહીં.


Google NewsGoogle News