જીવ-સેવા એ જ શિવ-સેવા છે!
- ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઈ
સ્વા મી વિવેકાનંદ પોતાની જિંદગીનાં અંતિમ વર્ષોમાં શિષ્યોને અધ્યયન કરાવતા હતા. એમની પાસે આવતા જિજ્ઞાાસુઓને ઉત્તર આપતા હતા. એમની કીર્તિ ચોતરફ પ્રસરેલી હતી, છતાં ગંગાકિનારે મઠમાં અત્યંત સાદાઈથી રહેતા હતા. મઠમાં ધામધૂમવાળી પૂજાને બદલે શાસ્ત્રાભ્યાસ, ધર્મચર્ચા અને ધ્યાનાદિ પર વધુ ભાર મૂકતા અને શિષ્યોને વારંવાર એ તરફ પ્રેરતા હતા.
૧૯૦૧ના અંતિમ મહિનામાં મહાસમાધિના અગાઉના વર્ષે સ્વામી વિવેકાનંદે મઠમાં કામ કરતા આદિવાસી શાંથાલ શ્રમજીવીઓ સાથે લાગણીભેર વાતો કરી. આ શાંથાલ શ્રમજીવીઓ મઠની જમીનને સમથળ કરવાનું કાર્ય કરતા હતા. સ્વામીજી વારંવાર એમની પાસે આવતા અને પ્રેમથી એમની વાતો સાંભળતા હતા.
સ્વામી વિવેકાનંદે આ સહુ શ્રમજીવીઓને મઠનો પ્રસાદ લેવાની વિનંતી કરી. આ શાંથાલ શ્રમજીવીઓને રોટલી, દાળ, ભાત, મીઠાઈ, દહીં વગેરેનું ભોજન પીરસાયું. સ્વયં સ્વામીજીએ એનું નિરીક્ષણ કર્યું અને પછી ભોજન બાદ આ શાંથાલોને સ્નેહથી કહ્યું, ''તમે સહુ પ્રગટ ઈશ્વર છો. આજે મેં તમને ભોજન કરાવીને સ્વયં મારા નારાયણને જમાડયા છે.''
સ્વામી વિવેકાનંદે ઉપસ્થિત સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને ઉદ્દેશીને કહ્યું, ''આ ગરીબ અને નિરક્ષર લોકોમાં જેવી સરળતા અને નિર્વ્યાજ પ્રેમ છે, એવું અન્યત્ર ક્યાંય જોવા મળશે નહીં.
જો તમે એમનું થોડું પણ દુ:ખ દૂર કરી શકો નહીં, તો ભગવાં ધારણ કરવાનો શો અર્થ ? બીજાના કલ્યાણ માટે સર્વસ્વનો ત્યાગ કરવો એનું નામ જ સંન્યાસ.''
સ્વામીજીએ રાષ્ટ્રમાં ભાઈચારો અને ધર્મભાવનાના લોપથી વ્યથિત થઇને કહ્યું, ''આ દેશમાં દીન, દુ:ખી અને દલિત વિશે કોઈ વિચાર કરતું નથી. હકીકતમાં આ લોકો જ રાષ્ટ્રના આધારસ્તંભ છે. એમના શ્રમથી જ ખેતર ખેડાય છે અને અન્ન પાકે છે, પરંતુ એમના પ્રત્યે હિંદુઓની સહાનુભૂતિ ન હોવાને કારણે અનેક અસ્પૃશ્યો પરધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. પેટનો ખાડો પૂરવા માટે તેઓ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરે છે તેવું ધારશો નહીં, એનું કારણ એટલું જ છે કે તેમના પ્રત્યે તમે સહાનુભૂતિ દાખવતા નથી.''
સંન્યાસીઓ સ્વામીજીના શબ્દોને સાંભળી રહ્યા. સ્વામીજીએ કહ્યું, ''આ શરીર શા કામનું છે ? બીજાને મદદ કરવામાં ભલે એ ખપી જાય. દરેક જીવમાં શિવ વસતો હોવાથી જીવ-સેવા એ જ શિવ-સેવા છે.''